તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • There Is An 18 Year Old Enmity Between Narayan Rane And Uddhav Thackeray, Know When The Seeds Of Enmity Were Sown?

બેઉ બળિયા બાથે વળગ્યા:નારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે છે 18 વર્ષ જૂની દુશ્મની, જાણો શત્રુતાનાં બીજ ક્યારે રોપાયાં?

એક મહિનો પહેલાલેખક: જીજ્ઞેશ ત્રિવેદી
  • કૉપી લિંક

ભારત સરકારમાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યોગમંત્રી નારાયણ રાણેના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાના કથિત નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં થપ્પડની ગુંજ સંભળાઈ રહી છે. તો આ થપ્પડના પડઘાને પગલે ઘણા જ હાઈવોલ્ટેજ ડ્રામામાં રાણેની ધરપકડ કરવામાં આવી અને મંગળવારે મોડી રાત્રે તેમને જામીન પણ મળી ગયા. દેશના ઈતિહાસમાં આવી લગભગ પહેલી ઘટના છે, જ્યારે મુખ્યમંત્રી વિરૂદ્ધ કરવામાં આવેલા એક નિવેદનના આધારે કોઈ કેન્દ્રીય મંત્રીની ધરપકડ કરવામાં આવી હોય.

આ સમગ્ર મામલે ફરી એક વખત નારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેની અંદરોઅંદરની લડાઈએ ચર્ચા જગાવી છે. નારાયણ રાણે એક સમયે શિવસેનામાં આક્રમક નેતા ગણાતા હતા, પરંતુ ઉદ્ધવ ઠાકરે સાથે તેમને હંમેશાં વિવાદ જ રહ્યો. આ બંને વચ્ચે છેલ્લાં 18 વર્ષમાં 36નો આંકડો રહ્યો છે.

ઠાકરે પરિવારથી નિકટતા હતી
નારાયણ રાણેમાં આજે જે સંભાવનાઓ ભાજપ જુએ છે એ બાળ ઠાકરેએ 40 વર્ષ પહેલાં જોઈ હતી. નારાયણ રાણે કોંકણ ક્ષેત્રમાંથી આવતા મરાઠા નેતા છે, જેઓ પોતાની આક્રમકતા માટે ઓળખાય છે. તેઓ ચેમ્બુરના કોર્પોરેટર રહ્યા. રાજકીય ક્ષેત્રની પા-પા પગલી તેમણે ત્યાંથી જ કરી. એ બાદ તેઓ મુંબઈની સાર્વજનિક બસ પરિવહન બેસ્ટ કમિટીના ચેરમેનપદે રહ્યા. આ પદે તેઓ 3 વર્ષ સુધી રહ્યા. એ બાદ તેઓ રાજ્ય સરકારમાં મંત્રી બન્યા અને પછી બાળ ઠાકરેના આશીર્વાદથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ બની ગયા. નારાયણ રાણે પોતાની રાજકીય કારકિર્દીમાં ન તો માત્ર પોતાની આક્રમકતા, પરંતુ ગાળાગાળી અને વિવાદાસ્પદ ભાષણને લઈને પણ હંમેશાં ચર્ચામાં રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરે, બાળ ઠાકરે, રાજ ઠાકરે અને નારાયણ રાણે (ફાઈલ ફોટો).
ઉદ્ધવ ઠાકરે, બાળ ઠાકરે, રાજ ઠાકરે અને નારાયણ રાણે (ફાઈલ ફોટો).

નારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે વર્ષો જૂની દુશ્મનાવટ
નારાયણ રાણે શિવસેનામાં હતા ત્યારે તેમને ઘણો જ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમના વિરોધના કેન્દ્રમાં બાળ ઠાકરેના પુત્ર અને હાલના મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે હતા. ઉદ્ધવ ઠાકરે, સુભાષ દેસાઈ અને મનોહર જોશી આ ત્રણેય નેતા નારાયણ રાણે મુખ્યમંત્રી બને એ તેમને મંજૂર ન હતું. ત્રણેય નેતાએ હંમેશાં નારાયણ રાણેની આક્રમકતાનો પણ વિરોધ કર્યો અને આ કારણથી જ તેમને શિવસેના સાથે છેડો ફાડ્યો હતો.

શિવસેનામાં નારાયણ રાણેનું રાજ
એક સમય હતો, જ્યારે નારાયણ રાણેને શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનું પૂરતું સમર્થન હતું, પરંતુ એનો અર્થ એવો નથી કે શિવસેનામાં બધું જ તેમના માટે યોગ્ય હતું. પાર્ટીની અંદર નારાયણ રાણેને ઘણા જ વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

નારાયણ રાણે 1999માં બનેલી શિવસેના-ભાજપની ગઠબંધન સરકારમાં મુખ્યમંત્રી હતા. જોકે તેઓ માત્ર 9 મહિના સુધી જ રાજ્યના મુખ્યમંત્રીપદે રહ્યા. ભાજપ અને શિવસેના ગઠબંધન સરકારનો કાર્યકાળ પૂરો થાય એ પહેલાં જ ચૂંટણી કરાવવાનો નિર્ણય કરાયો અને એ ચૂંટણીમાં ગઠબંધન સરકારને હારનો સામનો કરવો પડ્યો. નારાયણ રાણેએ પોતાનો ઓટોબાયોગ્રાફી 'નો હોલ્ડ્સ બાર્ડ-માય ઈયર્સ ઈન પોલિટિક્સ'માં આ હાર માટે ઉદ્ધવ ઠાકરેને જ જવાબદાર ગણાવ્યા. નારાયણ રાણેની રાજકીય સફર શિવસેના સાથે જ શરૂ થઈ હતી, પરંતુ આજે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ નિવેદન કરતાં તેમને જેલની હવા ખાવી પડી. ઉદ્ધવ ઠાકરે અને નારાયણ રાણે વચ્ચે આ પહેલો ટકરાવ નથી.

ઉદ્ધવ ઠાકરેના આગ્રહથી બાળાસાહેબે નારાયણ રાણેને શિવસેનામાંથી હાંકી કાઢ્યા હતા (ફાઈલ ફોટો)
ઉદ્ધવ ઠાકરેના આગ્રહથી બાળાસાહેબે નારાયણ રાણેને શિવસેનામાંથી હાંકી કાઢ્યા હતા (ફાઈલ ફોટો)

18 વર્ષ પહેલાં થઈ હતી રાજકીય દુશ્મની
વર્ષ 2003માં જ્યારે બાળ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા ત્યારે આ નિર્ણયનો નારાયણ રાણે દ્વારા વિરોધ કરાયો હતો. અહીંથી જ નારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજકીય દુશ્મનીની શરૂઆત થઈ. વર્ષ 2005માં પાર્ટી વિરોધ પ્રવૃત્તિને લઈને બાળ ઠાકરેએ તેમને શિવસેનામાંથી કાઢી મૂક્યા. જે બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને ત્યાંથી તેમણે ભાજપનો ખેસ પહેરી લીધો. જોકે ઉદ્ધવ ઠાકરેની સાથે તેમનો ટકરાવ યથાવત્ જ રહ્યો.

ઉદ્ધવનું માનવું હતું કે રાણે શિવસેના તોડી શકે છે
બાળાસાહેબની સાથે કામ કરી ચૂકેલા એક પોલિટિકલ એક્સપર્ટે નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે શિવસેનામાં નારાયણ રાણેનું કદ બીજા નંબર પર હતું. તેઓ આર્થિક રીતે ઘણા જ મજબૂત હતા અને ઉદ્ધવના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેથી ઘણા જ નજીક. તેથી ઉદ્ધવને હંમેશાંથી એવો ડર હતો કે બાળ ઠાકરે જ્યારે નહીં હોય ત્યારે રાણે પાર્ટીને તોડીને મોટું નુકસાન કરી શકે છે, તેથી તેમણે ધીમે-ધીમે નારાયણ રાણેને સાઈડલાઈન કરવાનું શરૂ કરી દીધું હતું. 2005માં તો એવી સ્થિતિ આવી કે તેમને પાર્ટીમાંથી કાઢવાની વાત પણ શરૂ થઈ ગઈ.

ઉદ્ધવ ઠાકરે અને નારાયણ વચ્ચે હાલ શું વિવાદ છે?
નારાયણ રાણે જન આશીર્વાદ યાત્રા પર છે. સોમવારે તેમને મહાડમાં પત્રકારોએ સવાલ પૂછ્યા હતા કે સ્વતંત્રતા દિવસના ભાષણમાં CM ઉદ્ધવ ઠાકરે અમૃત મહોત્સવ કે હીરક મહોત્સવને લઈને કન્ફ્યુઝ જોવા મળ્યા. આ અંગે નારાયણ રાણે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતાં કહ્યું હતું કે "દેશને આઝાદી મળી એને કેટલાં વર્ષ થઈ ગયાં છે... અરે હીરક મહોત્સવ શું? હું તો કાનની નીચે એક લગાવત." તેમણે વધુમાં કહ્યું હતું કે "સ્વતંત્રતા દિવસ અંગે તમને ખબર ન હોવી જોઈએ? કેટલો ગુસ્સો આવે એવી વાત છે, સરકાર કોણ ચલાવી રહ્યું છે એ જ સમજાતું નથી." રાણેએ આ નિવેદન જ્યારે આપ્યું ત્યારે તેની સાથે વિધાન પરિષદના વિપક્ષના નેતા પ્રવીણ દરેકર હાજર હતા.

શિવસૈનિકો રાણેને મુરઘીચોર કહે છે
શિવસેના ભવનથી જોડાયેલા એક જૂના શિવસૈનિકે જણાવ્યું હતું કે રાણેને શિવસેનામાં લાવવાનું કામ પાર્ટીના વફાદાર અને વરિષ્ઠ નતેા લીલાધર ડાકેએ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે રાણે પોતાના મિત્ર હનુમંત પરબની સાથે નાનપણમાં ચેમ્બુર વિસ્તારમાં ગુંડાગર્દી અને સ્ટ્રીટ ફાઈટ કરતા હતા. નાનપણમાં જ તેમણે મિત્રોની સાથે મળીને અનેક વખત મુરઘી ચોરવાનું કામ કર્યું હતું. પકડાય જતાં તેમને ડાકેએ બચાવ્યા હતા.

જોકે રાણે વિરુદ્ધ સત્તાવાર રીતે પોલીસ સ્ટેશનમાં મુરઘી ચોરવાને લઈને કોઈ જ કેસ દાખલ નથી, પરંતુ આ મુદ્દાને લીધે જ તેમને મુરગીચોરથી ખીજવવામાં આવે છે. શિવસેના છોડ્યા બાદ તો બાળ ઠાકરેથી લઈને રામદાસ કદમ સુધીના તમામ શિવસેનાના નેતા તેમને મુરઘી ચોર કહીને જ સંબોધિત કરતા હતા. રાણેનું માનવું હતું કે ઉદ્ધવના કહેવાથી જ શિવસૈનિકો તેને મુરઘીચોર કહેતા હતા.

શિવસૈનિકો નારાયણ રાણેને મુરઘી ચોર કહે છે. હાલના વિવાદ બાદ શિવસૈનિકો દ્વારા અનેક જગ્યાએ મુરઘીચોરનાં પોસ્ટર લાગ્યાં હતાં.
શિવસૈનિકો નારાયણ રાણેને મુરઘી ચોર કહે છે. હાલના વિવાદ બાદ શિવસૈનિકો દ્વારા અનેક જગ્યાએ મુરઘીચોરનાં પોસ્ટર લાગ્યાં હતાં.

બંનેનાં બાળકો પણ અંદરોદર લડતાં રહે છે
વર્ષ 2011માં રાણે અને ઠાકરે પરિવારની લડાઈ સડક પર જોવા મળી હતી. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અને નારાયણ રાણેના દીકરા નીતેશ વચ્ચે મુંબઈના વર્લી વિસ્તારમાં ગાડી ઓવરટેક કરવાને લઈને ઉગ્ર વિવાદ થઈ ગયો હતો. આદિત્યે વર્લી પોલીસ સ્ટેશનમાં નીતેશ વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી. ફરિયાદમાં તેને લખાવ્યું હતું કે નીતેશે જાણીજોઈને તેની ગાડી એક તરફ દબાવી દીધી.

અન્ય સમાચારો પણ છે...