ગુજરાતમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, કચ્છ સહિતના જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સમયથી સાબેલાધાર વરસાદને કારણે ઠેકઠેકાણે પાણી ભરાઇ જવાના બનાવો નોંધાયા હતા. આ અતિભારે વરસાદને કારણે ખેડૂતોને જ નહીં, મકાનો તથા રોડ- રસ્તાને પણ ભારે નુકસાન થયું છે. આવી જ સ્થિતિ કાચાં મકાનોમાં ઝૂંપડું બાંધીને રહેતા પરિવારોની દયનીય સ્થિતિ સર્જાઈ છે. એમાંય સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના દરોદ ગામે કાચું મકાન જમીનદોસ્ત થઇ જતાં એક યુવક રાહુલ રૂપાભાઇ પરમારનું મૃત્યુ નીપજ્યું હતું. એટલું જ નહીં, ગયા વર્ષે જામનગર જિલ્લામાં આવી જ સ્થિતિ સર્જાઇ હતી, જેથી વરસાદમાં પડી ગયેલાં કાચાં મકાનોની જગ્યાએ પાકાં મકાન બનાવી આપવા અને અન્ય જાનમાલ કે મૃત્યુ પામેલા પરિવારને આર્થિક મદદ કરવાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા ગ્રામીણ અને ગુહ વિભાગના મંત્રીને મેઇલ કરીને રજૂઆત કરવામાં આવી છે.
નાગરિક સંશોધન અને સંઘર્ષ કેન્દ્રના ભરતસિંહ ઝાલાએ ગુજરાતના મુખ્યમંત્રી તથા ગ્રામીણ અને ગૃહ વિભાગના મંત્રીને ઉદ્દેશીને કરેલા મેઇલમાં જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકાર દ્વારા ગામેગામ કાચાં મકાનમાં રહેતા લોકોના ફોટા પાડી યાદી તૈયાર કરવામાં આવી હતી. 31-3-2013ના રોજ આ યાદી તૈયાર થઇ ગઇ હતી છતાં ગ્રામીણ વિસ્તારમાં કાચાં મકાનમાં રહેતા લોકોને હજુ પાકાં મકાન બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જેથી તાત્કાલિક અસરથી કેબિનેટની બેઠક બોલાવીને કાચાં મકાનમાં રહેતા તમામ લોકોને પાકાં મકાન બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે. કાચાં મકાનમાં રહેતા લોકોને હાલમાં જે સહાય ચૂકવવામાં આવે છે એ અધૂરી અને ઓછી છે. એમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થાય છે તો પ્રામાણિકતાપણે અને પારદર્શક રીતે સાચા અર્થમાં કાચાં મકાનમાં રહેતા લોકો માટે પાકાં મકાન બનાવવા ઝડપી કાર્યવાહી કરવા માગણી કરી હતી.
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલાં કાચાં આવાસોના સર્વેની માહિતી
ગુજરાતમાં સૌથી વધુ પંચમહાલમાં કાચાં મકાનો
ગુજરાતમાં 14,77,987 કાચાં આવાસો છે. એમાં સૌથી વધુ પંચમહાલમાં 1,60,245 કાચાં મકાન છે. એમાંય કેટેગરીવાઇઝ જોઇએ તો અનુસૂચિત જાતિના સૌથી વધુ કાચાં મકાનો બનાસકાંઠામાં 11,528 છે. તો અનુસૂચિત જનજાતિના દાહોદમાં 1,15,433નાં છે, જ્યારે જનરલ કેટેગરીના પાટણમાં 1,05,042 છે. ખાસ વાત તો એ છે કે ગુજરાતના ત્રણ જિલ્લા ભાવનગર, ગાંધીનગર અને મહેસાણામાં અનુસૂચિત જનજાતિનું એકપણ કાચું મકાન નથી.
ગણેશનગરનાં છાપરાંઓ પાણીમાં ગરકાવ થયાં
અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે એના વિવિધ વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા, જેને કારણે અમુક વિસ્તારોમાં તો ટાપુમાં ફેરવાઇ ગયા હતા. જ્યારે અમદાવાદ શહેરના છેવાડે આવેલા પીપળજ-પીરાણા રોડ પરના ગણેશનગરનાં છાપરાંમાં પાણી ગરકાવ થઈ ગયાં હતાં. એમાં ઘરવખરી પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. આ અંગે નાગરિક સંશોધન અને સંઘર્ષ કેન્દ્ર ( ક્રાંતિ ) દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ગણેશનગરનાં છાપરાંના રહીશો 2011થી કોઇપણ જાતની પ્રાથમિક સુવિધા વગર બદતર હાલતમાં જિંદગી જીવી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદમાં અનરાધાર પડેલા વરસાદનાં પાણી ઘરોમાં ઘૂસી જતાં સમગ્ર ઘરવખરી પલળીને બગડી ગઈ છે. હાલમાં તેઓ ઘરમાં રહી શકે એવી સ્થિતિ નથી. જેથી આ છાપરાંમાં રહેતા લોકોને તાત્કાલિક આર્થિક મદદ, જેવી કે ઘરવખરી સહાય, મકાન સહાય, કેસડોલ સહાયતા આપવા જલદી આપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક ઘરમાં વીજળી, ટોઇલેટ તેમ જ પાણીની વ્યવસ્થા કરવામાં આવે એવી વિનંતી કરી છે તેમ જ ગંદકીવાળાં સ્થળો પર તાત્કાલિક અસરથી સફાઇકામને પ્રાથમિકતા આપવા પણ માગણી કરાઈ છે.
કાચા મકાન પડે એવાં છે, આવાં મકાનમાં કેવી રીતે રહેવું: વસુબા ઝાલા
ખાંભલાવ ગામના રહીશ વસુબા નટુભા ઝાલાએ જણાવ્યું હતું કે કાચાં મકાન પડે એવાં છે અને અમે મારા બે દીકરા, વહુ અને તેમનાં સંતાનો છે. અમારે આવા મકાનમાં છોકરાઓને લઇને કેવી રીતે રહેવું. પડે. મારા છોકરાઓનો કોણ ધણી ? આખા ગામના બધા ફોર્મ ભરે અને આખા ગામનું થાય અને અમે પણ ફોર્મ ભરીએ પણ કાંઇ થતું નથી.
સરકાર નવેસરથી સર્વે કરીને પ્રાથમિક સુવિધા સાથેનું પાકું મકાન આપે: ભરતસિંહ ઝાલા
આરટીઆઇ એક્ટિવિસ્ટ ભરતસિંહ ઝાલાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં કાચાં ઘરમાં રહેતા લોકોને પાકાં ઘર બનાવી આપવા માટે ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો હતો. 31-3-2013 સુધીમાં ગુજરાત ગ્રામીણ વિસ્તારમાં, તમામ ગામેગામ સર્વે કરી કાચાં મકાનને પાકાં મકાન બનાવવા માટેનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત આરટીઆઇ હેઠળ માહિતી માગતાં ગુજરાતમાં 14.50 લાખ લોકો કાચાં મકાનોમાં રહેતા હતા. એ અંતર્ગત પાકાં મકાન બનાવવા માટે 2014માં ગુજરાત સરકારે જીઆર બહાર પાડયો હતો. એમાં 78 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું, પરંતુ દુઃખ સાથે કહેવાનું છે કે આજની પરિસ્થિતિમાં 2013 અને 2022 કેટલાં વર્ષ થઇ ગયાં, તેમ છતાં સાચા અર્થમાં ઘરવિહોણાને ઘર મળ્યાં નથી. આવી અતિવૃષ્ટિને કારણે જે મકાન પડી જાય છે અને લોકો પરેશાન થાય છે. આવા સંજોગોમાં રાજ્ય સરકાર ઘરવિહોણાને બે રૂમ રસોડા સાથેનાં પાકાં મકાન મળે એવું આયોજન કરવાની જરૂર છે, સાથે સાથે અમદાવાદ શહેરમાં ઝૂંપડપટ્ટીઓમાં વિસ્થાપિતો રહે છે. પાણી ભરાઇ જવાને કારણે બહેનો, બાળકો પરેશાન થઇ જાય છે, જ્યાં પ્રાથમિક સુવિધા પણ નથી. તો સરકાર ભારતીય સંવિધાનમાં સેવા અને સગવડ આપવાનું લખ્યું છે. સુપ્રીમ કોર્ટના જજે એટલું જ લખ્યું હતું કે પક્ષીઓ માળો બાંધી રહી શકતાં હોય તો સામાન્ય માનવીને ઘર ના આપી શકીએ તો સરકારને અમારી વિનંતી છે કે નવેસરથી સરકાર સર્વે કરીને સાચા અર્થમાં ઘરવિહોણા લોકોને ઘર આપે. જ્યાં સુધી ઘર ના મળે ત્યાં સુધી ઘરભાડું આપે. મધ્યમવર્ગના લોકો પાસે પણ હજુ ઘર નથી, ભાડે રહે છે. તેમને પણ છ મહિનાનું ભાડું આપે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા મત પ્રમાણે ગુજરાતમાં 15 લાખ જેટલા ગ્રામીણ વિસ્તારમાં કાચાં મકાનો છે. એ 2014ના ડેટા છે. તો અત્યારે તો ઘણા ઓછા થઇ ગયા હશે. આવાસ યોજના અંતર્ગત સાચા અર્થમાં જ્ઞાતિ, જાતિના ભેદભાવ છોડીને જેનું ઘર કાચું તેને કરી આપો ઘર પાકું. નવેસરથી સરકારે નવી રચના કરવાની જરૂર છે. નહીં તો હજાર કરોડના બજેટ ફાળવશો તોપણ સાચા અર્થમાં ઘરવિહોણાને ઘર નહીં મળે. રાજ્ય સરકાર આ જ મહિનામાં જ ગુજરાતનાં તમામ ગામોમાં જેમનાં કાચાં મકાન છે એનો સર્વે કરે અને શહેરી વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનો સર્વે કરે અને ત્યાર બાદ તે લોકોને પ્રાથમિક સુવિધા સાથેનાં મકાન બનાવી આપવાની વ્યવસ્થા કરે એવી માગણી કરી છે.
મકાનો બનાવવાની વાત તો બાજુ પર રહી, ઉપરથી ચાર બોર્ડ બંધ કરી દીધાં: ડો. મનીષ દોશી, મુખ્ય પ્રવકતા, ગુજરાત કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ગુજરાતમાં 2012માં કોંગ્રેસ પક્ષે ઘરના ઘરનો સર્વે કર્યો હતો. લોકોએ મોટાપાયે ઓનલાઇન તથા ઓફલાઇન અરજીઓ કરી હતી. તે વખતે 15 લાખ અરજીઓ આવી હતી. મોડલ પણ કોંગ્રેસે રજૂ કર્યું હતું. ત્યારે ગભરાયેલી ભાજપ સરકારે રાતોરાત 50 લાખ મકાન બનાવવાની જાહેરાત કરી હતી. તેના આધારે કોઇ કામગીરી ના થઇ. ભાજપ પોતાના વાયદા-વચનમાં ઊણી ઉતરી હતી. ચૂંટણી જીતી ગયા પછી સંપૂર્ણપણે તે દિશામાં કોઇ કામ ના થયું. ઉલ્ટાનું હાઉસીંગ બોર્ડ, ગ્રામ ગુહ નિર્માણ બોર્ડ, સ્લમ કલીયરન્સ બોર્ડ, હળપતિ આવાસ બોર્ડને તાળાં વાગી ગયા અને આ બોર્ડના કર્મચારીઓને જુદા જુદા વિભાગોમાં પ્રતિનિયુક્તિ પર નિમણૂક કરી દીધી હતી. આખી ઘટનામાં ટાઉન પ્લાનીંગની અંદર હજારો એકર જમીન એટલે કે સરકાર નવી ટીપી કરે ત્યારે 40 ટકા જમીન ટાઉન પ્લાનીંગ હેઠળ મળે. આ જમીનો આવાસ માટે ફાળવવાના બદલે સરકાર પોતાના માનીતા મોટા બિલ્ડરોને જમીનો ફાળવી દે છે.
તમણે વધુમાં જણાવ્યું કે આપણે જોયું કે તાઉતે વાવાઝોડું આવ્યું,, કુદરતી આપદા આવી તેમાં સૌરાષ્ટ્રમાં હજારો મકાનો ધોવાઇ ગયા જે બધાંની નજર સામે છે. બીજી વખત પણ કુદરતી આપદા આવી અને તાજેતરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા અને નવસારીમાં હજારો ઝુંપડામાં રહેતાં આદિવાસીઓના મકાનો ધોવાઇ ગયા અને ગામો ડૂબી ગયા. જેમાં ઘરવખરીથી માંડીને ઘણું નુકસાન થયું હોવાનું આપણે જોયું. કાચા મકાનોની દિવાલો તૂટી ગઇ તેવું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બન્યું હોવાનું સરકારની નજર સામે આવ્યું છતાં સરકાર હજુ એ જ વાયદો કરે છે જે 2012માં કર્યો હતો. એ જ વાત આજે 2022માં થાય છે. સરકાર જુઠ્ઠું બોલે છે , વારંવાર બોલે છે જેના કારણે ગરીબ અને સામાન્ય વર્ગ મોટાપાયે મુશ્કેલીનો સામનો કરે છે. ગુજરાતમાં હજારોની સંખ્યામાં ઘરથાળના 50 વારના પ્લોટ ઇન્દિરા આવાસ યોજનાના લાભો આપવાના હોય છે તે સરકાર આપતી નથી. દેખાવ પુરતી આપે છે. સાચા લાભાર્થીઓને લાભ અપાતાં નથી. આમ સમગ્ર રીતે ગુજરાતમાં નાના લોકોને કુદરતી આપદામાં મળવાપાત્ર લાભો કે નિયમ મુજબ કોંગ્રેસના શાસનમાં જે યોજના હતી તેના લાભો અનુસૂચિત જાતિ, જનજાતિ તથા બક્ષીપંચ લોકોને વંચિત રાખવામાં આવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.