• Gujarati News
  • Dvb original
  • The Unique Seva Of The Son In Vadodara, Son Take Mother On A Wheelchair To Temples Across The State, 500 Km Every Year. Take Away The For Worship Of Dwarkadhish

આજની પોઝિટિવ સ્ટોરી:વડોદરામાં દીકરાની અનોખી સેવા, માતાને વ્હીલચેર પર બેસાડી રાજ્યભરમાં મંદિરોની યાત્રા કરાવે છે, દર વર્ષે 500 કિ.મી. દૂર દ્વારકાધીશનાં દર્શને લઈ જાય છે

વડોદરા2 વર્ષ પહેલાલેખક: જીતુ પંડ્યા
દીકરો માતાની ઈચ્છા પૂરી કરવા પગપાળા ચાલીને માતાને વ્હીલચેર પર દ્વારકા લઈ જાય છે. - Divya Bhaskar
દીકરો માતાની ઈચ્છા પૂરી કરવા પગપાળા ચાલીને માતાને વ્હીલચેર પર દ્વારકા લઈ જાય છે.
  • માતાને વ્હીલચેરમાં બેસાડી પગપાળા રવાના થતા પુત્રને જોઈ લોકોની આંખો આંસુથી છલકાઈ છે
  • માતા કહે છે, સચિન જેવા પુત્રથી મારું જીવન ધન્ય થઈ ગયું છે, તે મારા માટે શ્રવણથી ઓછો નથી

21મી સદીમાં આજનાં સંતાનોને પોતાનાં જ મા-બાપ બોજ સમાન લાગે છે. જન્મ આપીને કાબેલ બનાવનાર મા-બાપને સાથે રાખવાની જગ્યાએ વૃદ્ધાશ્રમમાં મૂકી આવનારાં સંતાનો પણ ઠેર ઠેર જોવા મળી રહ્યાં છે. ત્યારે ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન મા-બાપને દેવ માનનાર દીકરો વડોદરામાં વસવાટ કરે છે. શ્રવણે જેમ માતા-પિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવી હતી એમ માતાને વ્હીલચેર પર બેસાડીને મંદિરોની યાત્રા કરાવે છે. દર વર્ષે વડોદરાથી 500 કિમી દૂર દ્વારકાધીશનાં દર્શને પણ વ્હીલચેરને ધક્કો મારીને લઈ જાય છે. વડોદરાથી 50 કિલોમીટર દૂર આવેલા ડાકોરમાં બિરાજમાન રણછોડરાયના વર્ષમાં એક વખત પગપાળા દર્શન કરવા માટે લઇ જાય છે. વૃદ્ધ માતાને દર્શન કરવા માટે લઈ જતો આ પુત્ર કળિયુગના શ્રવણ તરીકે ઓળખાય છે.

છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતભરનાં મંદિરોમાં માતાને વ્હીલચેર પર દીકરો લઈ જાય છે.
છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતભરનાં મંદિરોમાં માતાને વ્હીલચેર પર દીકરો લઈ જાય છે.

પુત્ર માતાને મંદિરોની યાત્રા કરાવે છે
વડોદરાના માંડવી-ચાંપાનેર રોડ પર આવેલી મહેતા પોળમાં મોટા મેદાન પાસે ખરાદીની ખડકીમાં રહેતા 60 વર્ષીય સચિન રામચંદ્ર ખરાદી તેની 78 વર્ષની માતા જયેન્દ્રાબહેન સાથે રહે છે. ચાર પૈડાંની લારીમાં મીઠાની થેલીઓ મૂકી શહેરના વિવિધ વિસ્તારોમાં વેચાણ કરવા જાય છે અને પોતાનું અને પોતાની માતાનું ગુજરાન ચલાવે છે. મહેતા પોળમાં 10 બાય 10ની રૂમમાં માતા સાથે જીવન ગુજારતા સચિનભાઇ મહા માસમાં ફરી માતાને લઈ દ્વારકાની વાટ પકડશે. જય દ્વારકાધીશના નાદ સાથે ઘરઆંગણેથી માતાને વ્હીલચેરમાં બેસાડી પગપાળા રવાના થતા સચિનભાઈને જોઈ વિસ્તારમાં રહેતા હર કોઈની આંખો આંસુથી છલકાઈ જાય છે. લોકો શ્રવણરૂપી સચિનને યાત્રાની શુભેચ્છા પાઠવે છે.

માતાની ઈચ્છા કરવી અને સેવા કરવાને જ સચિનભાઈ ધર્મ માને છે.
માતાની ઈચ્છા કરવી અને સેવા કરવાને જ સચિનભાઈ ધર્મ માને છે.

માતાની ઈચ્છા પૂર્ણ કરવી એ જ ધર્મ
સચિન ખરાદીએ જણાવ્યું હતું કે મારા જીવનમાં મારી માતા સિવાય બીજું કોઈ નથી. મારી માતાની ઇચ્છા પૂર્ણ કરવી એ જ મારો મુખ્ય ધર્મ છે. મારી માતા પહેલા પગપાળા જતા સંઘોમાં ડાકોર અને દ્વારકા જતી હતી. માતાને સંઘોમાં જતા જોઇને મને પણ ડાકોર અને દ્વારકા જવાની ઇચ્છા જાગી હતી. બસ, ત્યારથી જ મેં નક્કી કરી લીધું હતું કે હું મારી માતાને દ્વારકા અને ડાકોર જાતે લઈ જઈશ અને તેમને દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રાજા રણછોડરાયનાં દર્શન કરાવીશ.

નાના એવા ઘરમાં રહેતા સચિનભાઈ માતાની સેવામાં કોઈ કમી રાખતા નથી.
નાના એવા ઘરમાં રહેતા સચિનભાઈ માતાની સેવામાં કોઈ કમી રાખતા નથી.

વ્હીલચેરમાં માતાને બેસાડીને પુત્ર 25 દિવસે દ્વારકા પહોંચે છે
સચિનભાઈએ વધુમાં જણાવ્યું કે હું મારી માતાને વર્ષ 2011થી વ્હીલચેરમાં બેસાડી વડોદરાથી 500 કિલોમીટર દૂર આવેલા દ્વારકામાં બિરાજમાન દ્વારકાધીશનાં દર્શન કરવા માટે પગપાળા જાઉં છું. દ્વારકા પહોંચતાં અમને 25 દિવસ લાગે છે. હું અને મારી માતા દ્વારકામાં સ્નાન કરીને દ્વારકાધીશના દર્શન કરીને હોળી ઉત્સવ ઊજવીએ છે.

સચિનભાઈ કહે છે, માતાનો પડ્યો બોલ જીવું ત્યાં સુધી નિભાવતો રહીશ.
સચિનભાઈ કહે છે, માતાનો પડ્યો બોલ જીવું ત્યાં સુધી નિભાવતો રહીશ.

ભગવાન પગ ચલાવશે ત્યાં સુધી માતાને દ્વારકા લઈ જઈશ
2011થી ચૈત્રી પૂનમે ડાકોર માતાને લઇ જઈને રાજા રણછોડનાં દર્શન કરાવે છે. આ સાથે મારી માતાને વ્હીલચેરમાં બેસાડી વડોદરામાં કલ્યાણ રાયજી મંદિર, પાણીગેટ ખાતે આવેલા રણછોડરાયજી મંદિર, સેવાસી ખાતે આવેલાં આશાપુરી માતા અને માંડવી ખાતે આવેલા વિઠ્ઠલનાથજીનાં દર્શન કરવા માટે પૂનમ અને એકાદશીના દિવસે લઈ જઉં છું. દ્વારકાધીશ અને રાજા રણછોડ જ્યાં સુધી મારા પગ ચલાવશે ત્યાં સુધી હું મારી માતાને દ્વારકાધીશ અને રાજા રણછોડનાં દર્શન કરવા લઇ જઈશ, એમ સચિનભાઈ જણાવે છે.

માતાએ કહ્યું, સચિન જેવો દીકરો દરેક માતાને મળે એવી જ ભગવાનને પ્રાર્થના કરું છું.
માતાએ કહ્યું, સચિન જેવો દીકરો દરેક માતાને મળે એવી જ ભગવાનને પ્રાર્થના કરું છું.

પુત્ર સચિન ખરેખર મારા માટે શ્રવણથી ઓછો નથી
શ્રવણ જેવા મળેલા પુત્ર સચિનભાઈ અંગે માતા જયેન્દ્રાબહેને જણાવ્યું હતું કે મને સચિન જેવા મળેલા પુત્રથી મારું જીવન ધન્ય થઇ ગયું છે. મારો પુત્રએ મને ભલે વૈભવી સુખ આપ્યુ નથી, પરંતુ, મને એનો કોઈ રંજ નથી. સુખ વૈભવ કરતાં મારો પુત્ર દર વર્ષે મહા મહિનામાં મને દ્વારકાધીશના અને ચૈત્ર માસમાં પૂનમના દિવસે રાજા રણછોડનાં દર્શન કરાવીને જે સુખ અપાવે છે એની સામે બીજું કોઈ સુખ મારા માટે નથી. મારો પુત્ર સચિન ખરેખર મારા માટે શ્રવણથી ઓછો કંઈ નથી. દરેક માતા-પિતાને મારા જેવો પુત્ર મળે અને તેમની સેવા કરે એવી હું મારા દ્વારકાધીશ અને રાજા રણછોડને પ્રાર્થના કરું છું.

અન્ય સમાચારો પણ છે...