કાશ્મીરને ભલે ધરતી પરનું સ્વર્ગ કહેવાય છે, પરંતુ દરેક લોકો માટે આ સ્વર્ગ નથી હોતું, આ સ્વર્ગની પાછળ કેટલીય એવી કહાનીઓ છે, જેને સાંભળી ભલભલાની આંખોમાંથી આંસુ આવી જાય. એવી જ એક કહાની છે બિલાલની, જેના ઘરમાં આતંકવાદીઓએ ઘૂસીને આતંક મચાવ્યો હતો.
એક દિવસ અચાનક બિલાલ નામની વ્યક્તિના ઘરમાં આતંકવાદીઓ ઘૂસી જાય છે અને બંદૂક બતાવીને તેના નાના ભાઈને ઉઠાવી લીધો. ડોક્ટર બનવાનું સપનું જોતું તે બાળક આજે જેલમાં છે. માતા ડિપ્રેશનમાં છે અને પિતાના જીવનમાં હવે કંઈ રહ્યું નથી.
બિલાલ કહે છે, લોકો ભલે કાશ્મીરને સ્વર્ગ કહે, પરંતુ અમારા માટે એ નર્ક છે. સ્વર્ગ તો કેવું હોય, શાંતિ હોય, દરેક પ્રત્યે પ્રેમ હોય. અહીં તો ઘરે પહોંચતાં જ ડર લાગે છે કે આતંકવાદીઓ તો નહીં આવી જાયને. આટલું કહેતાંની સાથે જ બિલાલ એટલો રડવા લાગ્યો કે મારે વીડિયો બંધ કરીને તેને સાંત્વના આપવી પડી.
બિલાલ સુધી પહોંચવા અમારે ઘણા કપરા રસ્તાઓથી પસાર થવું પડ્યું. વિશ્વાસુ માણસોની ટીમ લઈને હું શ્રીનગરથી નીકળી પડી. મેં ટ્રેકર ઓન રાખ્યું હતું તેમ છતાં હું ક્યાંક ને ક્યાંક ડરેલી હતી.
જ્યારે અમે ઉત્તરી કાશ્મીરના સૂમસામ રસ્તાઓમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે દક્ષિણી ભાગમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. ડર અને આશાઓ વચ્ચે અમે પોતાની મંજિલ સુધી પહોંચ્યાં.
સફરજનના બગીચાની વચોવચ્ચ બનેલા ઘરમાં બિલાલ હતો. બિલાલે પહેલા અટકી-અટકી પછી વિશ્વાસથી બોલવાનું શરૂ કર્યું- વર્ષ 2019નો ઓગસ્ટ મહિનો હતો, જ્યારે અડધી રાતે અમારા દરવાજે કોઈ આવ્યું. દરવાજો ખોલતાંની સાથે જ લોકો સીધા ઘરમાં ઘૂસી ગયા અને દરવાજો બંધ કરી દીધો. દરેકના હાથમાં બંદૂક અને ચહેરા પર મારી નાખવાનો ભાવ હતો.
તે લશ્કરના લોકો હતા જેમણે કાશ્મીરને નર્ક બનાવી દીધું છે. આવતાંની સાથે જ દરેકને એક રૂમમાં એકઠા કરી લીધા. મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા, ફોનના તાર કાપી નાખ્યા, તેમણે તે દરેક બાબતની વ્યવસ્થા કરી દીધી, જેથી કરીને કોઈને ખ્યાલ ન આવે કે તેઓ ઘરની અંદર છે.
એક રૂમમાં અમે બધા ભેગા હતા. મા-બાપ, અમે ચાર ભાઈ અને એક બહેન. એક આતંકીએ મારા પિતાના કાને બંદૂક મૂકી ધમકી આપી કે કોઈને ખ્યાલ ન આવે કે અમે અંદર છીએ. જો કોઈએ મોઢું ખોલ્યું તો પૂરા ખાનદાનને ખતમ કરી દઈશું.
હવે વારો હતો, ઘરની સ્ત્રીઓનો. રડતી મા અને બહેનને તેમણે રસોડામાં મોકલી દીધાં. અડધી રાતે તેઓ રોટલી-ભાત અને ખૂબ જ સારી રીતે પકાવેલું માંસ ઈચ્છતા હતા. જ્યારે તેઓ જમવાનું બનાવી રહ્યા હતા તો તેઓ બૂમો પાડતા હતા કે જલદી જમવાનું બનાવો, ભૂખ લાગી છે. જમવાનું જમીને તેઓ ઘરના દરેક રૂમમાં ફેલાઈ ગયા.
અમે 7 લોકો ઘરમાં જ બંધ હતા, પોતાના જ ઘરમાં એક કેદીની જેમ. ન પગ હલાવી શકતા હતા કે ન હાથ. દરવાજો ખોલવાની મનાઈ હતી. આ નર્કની શરૂઆત હતી. ત્યાર બાદ તેઓ ઘણીવાર રૂમમાં આવ્યા. તેમની નજર મારા નાના ભાઈ પર પડી ગઈ હતી. 19 વર્ષીય મારો ભાઈ 2 જ કામ જાણતો હતો, પ્રાર્થના કરવી અને અભ્યાસ. તે ડોક્ટર બનવા ઈચ્છતો હતો. 12માની પરીક્ષા આપવાનો હતો, જ્યારે તેમણે ઓફર કરી- આને અમારી જોડે મોકલી દો, નહીં તો દરેક જણાને પતાવી નાખીશું.
ભાઈ ત્યારે 19 વર્ષનો હતો, તેને તો ડોક્ટર બનવું હતું. તે રડવા લાગ્યો, કારણ કે આ લોકો તેને આતંકવાદી બનાવવા માગતા હતા. અમે કેટકેટલી આજીજીઓ કરી કે તેને છોડી દો, પગે પડ્યા પણ કોઈ ફાયદો ન થયો. ભાઈને લઈને તેઓ નકાબપોશ જતા રહ્યા. ત્યાર બાદ તેની ટ્રેનિંગ શરૂ કરવામાં આવી.
જે કિશોરને ડોક્ટરના લેક્ચર ભરવાના હતા તે હવે આતંકી બનવાની ટ્રેનિંગ લઈ રહ્યો હતો. તેને લશ્કરના સપોર્ટમાં પોસ્ટર લગાવવાનું કામ આપવામાં આવ્યું. જે હાથોથી લોકોને નવું જીવન આપવાનું સપનું હતું, હવે તે આતંકનાં પોસ્ટર ચોંટાડી રહ્યો હતો. તે બદલાઈ ચૂક્યો હતો, ઘરે આવીને પણ હસતો ન હતો, ઘરના કોઈ ખૂણામાં શાંતિથી બેસી રહેતો.
11 નવેમ્બર 2019ના એ દિવસે ઘરે પોલીસના દરોડા પડ્યા. મોટી સંખ્યામાં આવેલા પોલીસ અધિકારીઓએ ઘરને ચારે બાજુથી ઘેરી લીધું. જે ઓરડાઓમાં પ્રાર્થનાઓ થતી હતી ત્યાં આજે પોલીસના કમાન્ડ સંભળાઈ રહ્યા હતા. એક-એક સામાન, એક-એક પુસ્તક, પલંગ-ચોખા બધું જ વેરવિખેર કરી નાખવામાં આવ્યું. પછી આવ્યો તે સવાલ, જેને ન પુછાવાની અમે પ્રાર્થના કરી રહ્યા હતા. નાનો ભાઈ ક્યાં છે? અને તેને લઈને તેઓ ચાલ્યા ગયા.
બિલાલે આગળ કહ્યું- અઢી વર્ષ થઈ ગયાં છે. અમે ભાઈનો ચહેરો જોયો નથી. તેના પર PSA (પબ્લિક સેફ્ટી એક્ટ) લાગ્યો છે. મમ્મી ડિપ્રેશનમાં જતી રહી છે, કાં તો રડતી રહેતી હોય છે કાં તો હોસ્પિટલમાં હોય છે. દરરોજ મજાકના મૂડમાં રહેતી મમ્મીનું બ્લડપ્રેશર આજ કાલ હાઈ રહે છે. રાતે ગમે ત્યારે ડોક્ટર પાસે જવું પડી શકે છે.
હું ઘરની દૂર રહું છું, કારણ કે મમ્મીને ડર છે કે પોલીસ મને પકડીને ન લઈ જાય. હું શ્રીનગરમાં રહું છું. કહેવામાં તો હું ઘરથી 50 કિમી દૂર છું, પણ મારા માટે એ આગલા જન્મ સુધીનું અંતર છે. વર્ષ પછી ઘરે જતો હોઉં છું.
તેણે વધુમાં કહ્યું, ગામના લગભગ દરેક ઘરની આ સ્થિતિ છે. પેરેન્ટ્સ તેમનાં બાળકોને દૂર રહેવા મોકલી દે છે, જેથી જબરદસ્તી તેમને આતંકવાદી બનાવી દેવામાં ન આવે. મિલિટેન્ટ એવાં ઘરોમાં જ વધુ ઘૂસે છે, જ્યાં બાળકીઓ વધારે હોય. તેઓ તેમની પાસે રસોઈ બનાવડાવે છે અને રેપની ધમકીઓ પણ આપે છે. કેટલાંય એવાં ઘર છે જ્યાં તેમના સમયે જમવાનું ન આવતાં ઘરની મહિલાઓ પર રેપ કરવામાં આવ્યો.
આમના ડરથી મા-બાપ નાની ઉંમરમાં જ છોકરીઓના લગ્ન કરાવવા લાગ્યાં. સોપોરનું અમારું ગામ હવે સતત ડરેલું જ રહે છે.
તમે લોકો આ બાબતનો વિરોધ કેમ નથી કરતા? મારા આવા સવાલ પર જડબાંતોડ જવાબ મને મળ્યો. તેઓ અમારા માથા પર મેગેઝિન મૂકી દે છે તો અમે શું કરીએ? તમારી સાથે જો આવું થાય તો તમે શું કરશો? આરામથી જીતેલા લોકો જ હિંમતની કહાનીઓ સંભળાવે છે, બિલાલે આવું કહીને મને ટોણો માર્યો.
ઈન્ટરવ્યુ પૂરો થયા બાદ બિલાલે જે કહ્યું એ હું હંમેશાં યાદ રાખીશ- તેણે કહ્યું, કાશ્મીર માત્ર પ્રવાસીઓ માટે જ સ્વર્ગ છે, અહીંના રહીશોમાં કોઈ જ સલામત નથી.
નોંધ- ઓરિજિનલ વિક્ટિમની ઓળખાણ છુપાવવામાં આવી છે, સાથે જ તે લોકોનાં નામ પણ નથી આપવામાં આવ્યાં, જેમણે આ સ્ટોરીમાં અમારી મદદ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.