• Gujarati News
  • Dvb original
  • The Story Of A Couple Who Started A Food Truck Business In India After Returning From The US, Earning An Annual Income Of Rs 1.5 Crore.

આજની પોઝિટિવ સ્ટોરી:યુએસથી પરત આવીને ભારતમાં ફૂડ ટ્રક બિઝનેસ શરૂ કરનારા કપલની કહાની, વાર્ષિક કમાણી દોઢ કરોડ

નવી દિલ્હી2 વર્ષ પહેલાલેખક: અક્ષય બાજપેયી
  • કૉપી લિંક
  • યુએસમાં જોબ કરતાં હતાં સત્યા અને જ્યોતિ, પોતાનો બિઝનેસ શરૂ કરવાનું ઝનૂન હતું, 2012માં ફૂડ ટ્રકથી કરી શરૂઆત
  • સાઉથ ઇન્ડિયન ફૂડ વેચે છે, આજે 20 લોકોને નોકરી આપી છે, દિલ્હીથી લઈને ગુરુગ્રામ સુધી વિસ્તાર્યું છે કામ

સત્યા અને જ્યોતિ યુએસમાં રહેતાં હતાં. સત્યા ત્યાં ઈ-કોમર્સ સેક્ટરમાં નોકરી કરી રહ્યા હતા, જ્યોતિ પણ જોબમાં હતાં. થોડાં વર્ષો પછી બંને ભારત પરત આવી ગયાં. તેમનો ઈરાદો પોતાનો ફૂડ બિઝનેસ કરવાનો હતો. તેમણે બિઝનેસની શરૂઆત કોઈ મોટી રેસ્ટોરાં-હોટલથી કરી નહોતી, પણ એક ફૂ઼ડ ટ્રકથી કરી. આજે તેમની ત્રણ ફૂડ ટ્રક છે અને વાર્ષિક ટર્નઓવર દોઢ કરોડ છે. વીસ લોકોને નોકરી પણ આપી રહ્યા છે. સત્યાએ અમારી સાથે પોતાના બિઝનેસની સંપૂર્ણ કહાની શેર કરી.

માસ્ટર્સ કરવા યુએસ ગયા હતા, ત્યાં શીખ્યા વેલ્યુ ઓફ મની
એન્જિનિયરિંગ પછી માસ્ટર્સ કરવા યુએસ ગયો હતો. અભ્યાસના ખર્ચ માટે થોડી લોન લીધી હતી, થોડા પૈસા ત્યાં પાર્ટટાઈમ જોબ કરીને મેનેજ કરવાનું વિચાર્યું હતું. યુએસ પહોંચ્યા પછી મેં જોયું કે ત્યાં આપણે આપણું બધું કામ પોતે જ કરવાનું હોય છે. ન પેરન્ટ્સ હોય છે, ન સંબંધીઓ અને એ જ વાત હોય છે, જેનાથી આપણે જિંદગીને સમજીએ છીએ. વેલ્યુ ઓફ મનીને સમજીએ છીએ.

અભ્યાસની સાથે પાર્ટટાઈમ જોબ કરતાં હું પણ આ બધું શીખી રહ્યો હતો. પછી ઈ-કોમર્સ સેક્ટરમાં જોબ કરવા લાગ્યો. ત્યારે જ્યોતિ સાથે મુલાકાત થઈ અને 2008માં અમારા લગ્ન થઈ ગયા. લગ્ન પછી અમે ભારત પરત આવી ગયાં. જ્યોતિના પિતા બિઝનેસમેન છે. તેઓ લોજિસ્ટિક સેક્ટરમાં કામ કરે છે, તેથી જ્યોતિને ટ્રાન્સપોર્ટ, બસ-ટ્રકની સારી સમજ હતી.

ઓફિસ આસપાસ કોઈ દુકાન નહોતી, ત્યાંથી જ આવ્યો આઈડિયા
ભારત આવ્યા પછી તેઓ જે કંપનીમાં કામ કરી રહ્યાં હતાં તેની ઓફિસ ઓખલામાં હતી. ત્યાં આસપાસ કંઈ ખાવાપીવા માટે નહોતું. સાઉથ ઈન્ડિયન તો દૂર દૂર સુધી નહોતું. એ બધું જોઈને જ્યોતિએ વિચારી લીધું હતું કે જ્યારે કંઈ કામ શરૂ કરીશું ત્યારે અહીંથી જ કરીશું. ઘણાં રિસર્ચ કર્યાં પછી અમે વિચાર્યું કે પોતાની ફૂડ ટ્રકની શરૂઆત કરીએ, કેમ કે તેમાં વધુ રોકાણ નહોતું અને નહોતું મોટું જોખમ. એ પણ અગાઉ વિચારી રાખ્યું હતું કે સાઉથ ઈન્ડિયન ફૂડ જ રાખીશું.

2012માં અમે એક્સપરિમેન્ટ તરીકે પ્રથમ ફૂડ ટ્રક શરૂ કરી. એક સેકન્ડ હેન્ડ ટ્રક ખરીદી. અંદરથી તેને બનાવ્યો. અખબારોમાં જાહેરાતો આપીને એક સારો શેફ શોધ્યો અને કામ શરૂ કરી દીધું. ઓખલામાં જ ફૂડ ટ્રક લગાવી અને સાઉથ ઈન્ડિયન ફૂડ જ તેમાં રાખ્યું. પ્રથમ દિવસથી જ અમારો બિઝનેસ સારો ચાલવા લાગ્યો. અમે જ્યાં ટ્રક લગાવી ત્યાં મોટા ભાગની ઓફિસો હતી. લોકો ખાવાપીવા આવતા હતા, પરંતુ બે મહિના પછી બિઝનેસ એકદમ ઓછો થઈ ગયો, કેમ કે કેટલીક ઓફિસો ત્યાં બંધ થઈ ગઈ અને કેટલાક લોકો નોકરી છોડીને ચાલ્યા ગયા.

સમજાતું નહોતું કે ગ્રાહકોની સંખ્યા કેમ વધારવી
હવે અમને સમજાતું નહોતું કે નવા ગ્રાહકો કઈ રીતે મેળવવા. એ દરમિયાન હું જોબ કરી રહ્યો હતો, જ્યારે જ્યોતિએ જોબ છોડી દીધી હતી અને તે ફુલટાઈમ બિઝનેસ પર જ ધ્યાન આપી રહી હતી. થોડા દિવસ આમ ચાલતું રહ્યું. પછી અમને અમારા મેન્ટર એસ. એલ. ગણપતિએ સલાહ આપી કે ‘તમારી કોઈ હોટલ કે રેસ્ટોરાં નથી. તમારી ફૂડ ટ્રક છે તો જો ગ્રાહક તમારી પાસે આવતા નથી તો તમે ગ્રાહકો પાસે જાઓ.’ તેમની સલાહ પછી અમે એક રવિવારે તેમના જ એપાર્ટમેન્ટમાં ફૂડ ટ્રક લઈને પહોંચી ગયા. ત્રણ કલાકમાં જ અમારી તમામ ચીજો વેચાઈ ગઈ.

હવે અમે સમજી ગયા હતા કે કઈ રીતે લોકોને અમારી પ્રોડક્ટ સાથે જોડવાના છે. આ સાથે મેં અન્ય અનેક સ્ટ્રેટેજી પણ અપનાવી હતી, પણ હું અહીં તે ડિસક્લોઝ કરવા માગતો નથી. અમે અમારી ફૂડ ટ્રકમાં ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન આપી રહ્યા હતા. તેમાં રવા ઢોસા, ટમાટર પ્યાજ ઉત્તપમ, મેંદુવડાં, ફિલ્ટર કોફી, માલાબાર પરાઠા જેવી આઈટેમ આપી રહ્યા હતા. આ દિલ્હીમાં સરળતાથી મળતું નથી અને અમારી તેમાં સ્પેશિયાલિટી હતી, કેમ કે અમે સાઉથ ઈન્ડિયન જ છીએ.

2012થી 2014 સુધી અમારો બિઝનેસ ઠીક ઠીક ચાલતો રહ્યો. ઘરના લોકો પણ તેમાં સામેલ થઈ ગયા હતા તો તમામની મદદ મળતી હતી. 2014માં મેં પણ જોબ છોડી દીધી, કેમ કે બિઝનેસને ગ્રોથ આપવા માટે વધુ ટાઈમ આપવો જરૂરી હતું. 2014માં જ અમે એક ફૂડ ટ્રક વધુ ખરીદી. હવે અમારી પાસે બે ટ્રક હતી. અમે બિઝનેસ માટે નવા એરિયા પણ એક્સપ્લોર કર્યા, જેમ કે દિલ્હીમાં કેટરર મોટી પાર્ટીઓના ઓર્ડર તો લેતા હતા, પણ નાની પાર્ટીઓના ઓર્ડર કોઈ લેતું નહોતું. અમે 30 લોકો સુધીની પાર્ટીવાળા ઓર્ડર લેવાનું પણ શરૂ કરી દીધું. એનાથી અમારો કસ્ટમર બેઝ પણ વધ્યો અને કમાણી પણ વધી. ધીમે ધીમે લગ્નોમાં અને કોર્પોરેટ્સમાં પણ સર્વિસીઝ આપવા લાગ્યા.

હવે અમારી ત્રણ ફૂડ ટ્રક થઈ ચૂકી છે. 20 લોકોને નોકરી આપી રહ્યા છીએ. દિલ્હીની સાથે જ ગુડગાંવ સુધી સર્વિસીઝ આપી રહ્યા છીએ. ટૂંકમાં જ નોઈડા સુધી પોતાના કામને ફેલાવીશું. આખરી ફાઈનાન્સિયલ યરમાં ટર્નઓવર દોઢ કરોડ પર પહોંચી ગયું હતું. લોકડાઉનમાં જ્યારે લોકો બહારનું ખાવાથી ડરતા હતા ત્યારે અમે સ્નેક્સના ઓર્ડર લેવાનું શરૂ કર્યું અને પેકિંગ કરીને તેની ડિલિવરી પણ કરી. જે લોકો બિઝનેસમાં આવવા માગે છે હું તેમને બસ એટલું જ કહેવા માગું છું કે શરૂઆતમાં અનેકવાર સફળતા મળતી નથી તો એનાથી ગભરાઈને કામ કરવાનું છોડી ન દો, પરંતુ જે વિચાર્યું છે, એની પાછળ લાગ્યા રહો. તમને સફળતા જરૂર મળશે.

અન્ય સમાચારો પણ છે...