• Gujarati News
  • Dvb original
  • Who Is The Real Heir Of Bharti Ashram? What Is Controversy? What Did Rishibharati Demand To Be Released Immediately?

ઇન્વેસ્ટિગેશન:ભારતીબાપુના નિધનના 2 મહિના બાદ વિવાદ શરૂ થયો, સમાધાન માટે ઋષિ ભારતીએ લંબેનારાયણની 300 કરોડની જમીન માંગી હોવાનો હરિહરાનંદનો દાવો

15 દિવસ પહેલાલેખક: મનોજ કે. કારીઆ
  • ભારતીબાપુના નિધનના 2 મહિના પછી હરિહરાનંદ અને ઋષિભારતી વચ્ચે પ્રોપર્ટીનો વિવાદ
  • દિવ્ય ભાસ્કરે મેનેજિંગ ટ્રસ્ટી, હરિહરાનંદ અને ઋષિભારતી સાથે વાત કરી
  • 2021નું વિલ કોણે નોટરી કરાવ્યું તે અંગે જાણ ન હોવાનું ઋષિભારતીનું રટણ

અમદાવાદના સરખેજ સ્થિત ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદસ્વામીના ગુમ થવાની ઘટનાએ ચકચાર જગાવી મૂકી હતી, જોકે બે દિવસ બાદ એક હરિભક્તને મહારાષ્ટ્રના નાસિક વિસ્તારમાંથી હરિહરાનંદસ્વામી મળી આવ્યા હતા. તેમના ગુમ થવા પાછળનાં કારણોમાં આશ્રમની 500 કરોડની મિલકતથી માંડીને સત્તાની સાઠમારીનો મુદ્દા સહિત બે મહિલાની બાબત ચર્ચાનો વિષય બની હતી, જોકે હરિહરાનંદસ્વામીએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં ભારતી બાપુએ કરેલા વિલમાં તેમને વારસદાર બનાવ્યા છે. ઋષિભારતી બાપુ તરફથી તેમને અપાતા માનસિક ત્રાસ તથા જૂનાગઢના યુવરાજ નામના યુવક દ્વારા ધમકી અપાઈ હતી, જેથી કંટાળીને તેઓ જતા રહ્યા હોવાનું જણાવ્યું છે. બીજી તરફ, ઋષિભારતી બાપુ પોતાને વારસદાર બનાવ્યા હોવાની વાત કહી રહ્યા છે, એ અંગે ભારતી બાપુનું હસ્તલિખિત વિલ રજૂ કરી રહ્યા છે. જોકે હાલ આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે. બીજી તરફ, ટ્રસ્ટીઓ તેમ જ સરખેજના ઋષિભારતી બાપુએ એકબીજા સામે આક્ષેપ-પ્રતિ આક્ષેપો કર્યા છે.

અમદાવાદ શહેરના છેવાડે આવેલા સરખેજ રેલવે સ્ટેશન પાસે શ્રી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના મહામંડલેશ્વર હરિહરાનંદ ગઈ તા. 30મી એપ્રિલના રોજ વડોદરામાંથી એકાએક ગુમ થઈ ગયા હતા. તેમના ગુમ થવા પાછળ અનેક બાબતો ચર્ચામાં આવી હતી, જેથી આ અંગે દિવ્ય ભાસ્કરે સત્ય જાણવા માટે ખાસ ઇન્વેસ્ટિગેશન કર્યું હતું. આ ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી સહિત અન્યો સાથે વાતચીત કરી હતી. એમાંય મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઇ પટેલ સાથેની વાતચીતનો વીડિયો ઉતાર્યો હતો. આમ, દિવ્ય ભાસ્કરે મેળવેલા જરૂરી દસ્તાવેજો તથા હરિહરાનંદસ્વામીએ અગાઉ દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાતચીતના વીડિયોનો પણ તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ દરમિયાન ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના વારસદાર કોણ એના માટે આખોય વિવાદ સર્જાયો છે. આ ટ્રસ્ટના ગુજરાતમાં ચાર સ્થળે આશ્રમો આવેલા છે. આ આશ્રમો તથા એને સંલગ્ન મિલકત તેમ જ આશ્રમને મળતી દાન - ભેટ ઉપરાંત ભાડાંની આવક વગેરે મળીને અંદાજિત કિંમત 500 કરોડને આંબી જાય છે.

પ.પૂ. અવંતિકા ભારતીજી મહારાજ તા. 27-8-1976ના રોજ દેવલોક પામ્યા હતા. તેમના બ્રહ્મલીન બાદ તેમના ઉત્તરાધિકારી તરીકે મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામી વિશ્વંભર ભારતીજી મહારાજને ચાદર વિધિ કરીને તેમના ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા હતા. ત્યારે તેમને અમદાવાદના સરખેજ મુકામે સરવે નં. 368ની બિનખેતીની 7000 ચો. વાર જમીન તથા એમાં આવેલા બાંધકામ સહિતની મિલકત વારસામાં મળી હતી. આ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તથા આશ્રમના સંચાલક તરીકેના વહીવટકાળ દરમિયાન તેમણે બહોળો સેવક પરિવાર ઊભો કર્યો હતો.

અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના મોજે બાકરોલ વિસલપુરની સરવે નં. 199 વાળી જમીનમાં આવેલી ગૌશાળા, કુટીરનાં બાંધકામ સહિતની મિલકત જે હાલમાં ભારતી આશ્રમ તરીકે ઓળખાય છે. એવા કબજાવાળી મિલકતમાં વિશ્વંભર ભારતીજી મહારાજે ભારતી સેવા ટ્રસ્ટના નામથી ટ્રસ્ટની એક શાખા સ્વરૂપે આશ્રમની રચના કરી હતી. એનો વહીવટ ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટ થકી કરવામાં આવે છે.

સેવક પરિવારના સાથસહકાર થકી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજે જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં ભવનાથ મંદિર સામે આશરે 10,000 ચો. વાર જમીન ખરીદી હતી. આ મિલકત શ્રી ભારતી આશ્રમ ગુરુકુળ સેવા ટ્રસ્ટના નામથી રજિસ્ટર કરાવી હતી.

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામે સરવે નં. 13ની હે. આરે. ચો.મી. 0-55-64વાળી જમીન તથા એમાં આવેલાં મંદિર, કુટીર તથા ઉતારાની વ્યવસ્થા સાથેનાં બાંધકામ સહિતની મિલકત જે ત્યાગી આશ્રમ તરીકે ઓળખાય છે, જે મિલકતનો કબજો મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ પાસે હોવાનું જણાવાયું છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોજે સનાથલની સીમના બ્લોક નં. 150 -અ વાળી જમીન શ્રી લંબેનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ- શાંતિપુરા, અમદાવાદની માલિકી કબજા હકે આવેલી છે અને એવા ટ્રસ્ટની રચના કરવામાં આવેલી હતી, જેનો ટ્રસ્ટ રજિ. નં.એ-3770-2--6થી નોંધણી કરાવવામાં આવ્યો છે. એ ટ્રસ્ટની જમીનમાં આશ્રમનું બાંધકામ, મંદિર તેમ જ ઉતારાની વ્યવસ્થા આવેલી છે. આ સ્કીમ અરજીમાં ચેરિટી કમિશનરે આખરી હુક્મ કરીને ટ્રસ્ટના આજીવન પ્રમુખ તરીકે વિશ્વંભર ભારતીજી મહારાજની નિમણૂક કરી હતી. આ તમામ મિલકતોનાં ટ્રસ્ટોમાં વિશ્વંભર ભારતીજી મહારાજ આજીવન પ્રમુખ ટ્રસ્ટી તરીકે સેવા આપતા હતા.

ક્યાં કેટલી રકમ મુકાઈ?
શ્રી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના નામથી અલગ અલગ સરકારી નાણાકીય સંસ્થાઓમાં ફિક્સ ડિપોઝિટો મૂકવામાં આવી છે તેમ જ ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટ સંચાલિત સરખેજ મુકામે લાયન વાન પ્રસ્થના નામથી અલગ અલગ સરકારી નાણાં સંસ્થાઓમાં 5 લાખની ડિપોઝિટ મૂકવામાં આવી છે. યુકો બેંક- સરખેજ બ્રાન્ચ તથા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંક-સરખેજ શાખામાં ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના નામે સેવિંગ્સ ખાતાં છે. આ ખાતાંમાં ડિપોઝિટ તરીકે મૂકેલી રકમ તથા સેવિંગ્સ ખાતામાં જમા થયેલી રકમ ટ્રસ્ટના નામે ચાલે છે. એ જ રીતે ધી જૂનાગઢ કોમર્શિયલ કો.ઓ. બેંક લિ. માંડવી ચોક, મુખ્ય શાખા તથા ઇન્ડિયન બેંક- જૂનાગઢ શાખામાં ભારતી આશ્રમ ગુરુકુળ સેવા ટ્રસ્ટના નામે સેવિંગ્સ ખાતાં છે. આ ખાતાંમાં રહેલી રકમ તેમ જ આશ્રમમાં રહેલી વસ્તુઓ ટ્રસ્ટે વસાવેલી છે.

વિવાદનો મધપૂડો ક્યારે છેડાયો?
પ.પૂ.ધ.ધૂ. 1008 મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ ગઈ તા. 11- 4 -2021ના રોજ દેવલોક પામ્યા હતા. તેમના બ્રહ્મલીન બાદ બે મહિના પછી આશ્રમનો વહીવટ સંભાળવાથી માંડીને આવક-જાવકના હિસાબોના મામલે માથાકૂટ શરૂ થઇ હતી. ત્યારે ભારતી આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ દેવલોક પામેલા વિશ્વંભર ભારતીજી મહારાજે 2019માં કરેલા વિલ મુજબ ચાલવાનો આગ્રહ રાખ્યો હતો. ત્યાં વળી હરિહરાનંદના શિષ્ય ઋષિભારતી મહારાજે વિશ્વંભર ભારતીજી બ્રહ્મલીન થયા પહેલાં તેમને કરી આપેલા હસ્તલેખિત નોટરી રૂબરૂનું વિલ રજૂ કરતાં જ વિવાદનો મધપૂડો છેડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વિલ કરાવવા માટે વિલ કરનાર તથા બે સાક્ષી કે જેમને વિલ સાથે કોઇ લેવાદેવા ના હોય તેવી વ્યક્તિઓએ નોટરી માટે રૂબરૂ આવવું પડે. નોટરીના ચોપડામાં સહી અને અગૂંઠાનું નિશાન લેવામાં આવે છે. 2021ના વીલના મામલે બંને પક્ષ આમને-સામને આવી ગયા હતા. છેવટે બ્રહ્મલીન વિશ્વંભર ભારતીજી મહારાજે કરેલું 2019નું વિલ સાચું કે પછી 2021માં કરેલું વિલ સાચું એ મામલે વિવાદ વણસ્યો છે. હાલ આ મેટર મિરઝાપુર કોર્ટમાં પડતર છે.

ભારતીબાપુએ 2019માં રજિસ્ટર કરાવેલું વીલ.
ભારતીબાપુએ 2019માં રજિસ્ટર કરાવેલું વીલ.

2019માં કરેલા વિલમાં શું છે?
બ્રહ્મલીન વિશ્વંભર ભારતીએ 16 નવેમ્બર-2019ના રોજ રજિસ્ટર વિલ કરાવ્યું હતું, જેમાં તેમણે પોતાના ઉત્તરાધિકારી તરીકે તેમના શિષ્ય હરિહરાનંદ મહારાજની નિમણૂક મહંત તરીકે કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઉપરાંત તેમની ચાદર વિધિ સંત પરંપરા મુજબ કરવામાં આવે અને તેમને મહંત પદ સોંપવામાં આવે એમ જણાવ્યું હતું, સાથોસાથ તેમણે મિલકતો પૈકીની સરખેજ સ્થિત આશ્રમ ઉપરાંત જૂનાગઢ તથા સાણંદ હાઇવે પરના શાંતિપુરા ગામમાં આવેલા શ્રી લંબેનારાયણ આશ્રમના ઉત્તરાધિકારી ટ્રસ્ટી તરીકે શિષ્ય હરિહરાનંદ ભારતીજીની નિમણૂક કરી હતી. જ્યારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામે આવેલા શ્રી ભારતી આશ્રમના ઉત્તરાધિકારી તરીકે શ્રી કોઠારી સ્વામી શ્રી પૂર્ણાનંદ ભારતીજી મહારાજની મહંત તરીકે નિમણૂક કરવા ઇચ્છા વ્યક્ત કરી હતી. આ વિલમાં કરેલી વ્યવસ્થા મુજબ કરવા માટે તેમણે તેમના બે વિશ્વાસુ માણસની એક્ઝિક્યુટિવ તરીકે નિમણૂક કરી હતી, જેમાં મુકેશભાઇ સતીષભાઇ પટેલ તથા મનોજભાઇ જોબનપુત્રાનો સમાવેશ થાય છે.

ઋષિભારતીએ રજૂ કરેલું 2021નું વીલ.
ઋષિભારતીએ રજૂ કરેલું 2021નું વીલ.

2021માં કરેલા વીલમાં શું છે?
ઋષિભારતીજી મહારાજ તરફથી રજૂ કરવામાં આવેલ 2021માં મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજનું નોટરી સમક્ષ કરાવવામાં આવેલા વિલમાં જૂનાગઢ આશ્રમ અને ગોરા આશ્રમના ઉત્તરાધિકારી તરીકે મારા શિષ્ય હરિહરાનંદ મહારાજની મહંત તરીકે નિમણૂક કરવામાં આવે તેમ જ તેમની ચાદર વિધિ કરવામાં આવે. જ્યારે સરખેજ સ્થિત ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટ સંચાલિત આશ્રમ અને અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ ખાતે આવેલાં મંદિર, કુટીર સહિતના આશ્રમના મહંત તરીકે ઋષિભારતી મહારાજની મહંત તરીકે નિમણૂૂક કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત બેંકમાં રહેલી રકમ તથા ડિપોઝિટની રકમ મેળવવા માટેની કાર્યવાહી કરવા નિયુક્ત મહંતને અધિકાર આપું છું. તમામ ટ્રસ્ટોની મિલકત તથા ઉત્તરાધિકારીને આજીવન મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હોદ્દાની રૂએ ટ્રસ્ટની જગ્યા તથા સંસ્થાની સ્થાવર કે જંગમ મિલકત કોઇપણ અન્ય ટ્રસ્ટને વેચાણ કે ટ્રાન્સફર કરી શકશે નહીં કે ગીરવી મૂકી શકાશે નહીં.

શું કરાયો ઠરાવ
શ્રી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટની ગઈ તા.1લી ડિસેમ્બર-2021ના રોજ યોજાયેલી મીટિંગમાં અનેક ઠરાવો થયા હતા. એ પૈકી ઠરાવ નં. 6માં શ્રી ભારતી આશ્રમ, સરખેજ, અમદાવાદનો વહીવટ ટ્રસ્ટી મંડળની પરવાનગી સિવાય એકહથ્થું અને ગેરકાયદે રીતે ઋષિભારતીજીએ સંભાળી લીધો છે. તેમના તરફથી આશ્રમને મળેલાં દાન-ભેટ સહિતની અન્ય 10 પ્રકારની થયેલી આવક ટ્રસ્ટના બેંક ખાતામાં જમા થઈ નથી કે તેઓ આ અંગે કોઇ જ ખુલાસો કરતા નથી કે હિસાબો આપતા નથી. ઉપરથી ટ્રસ્ટીઓ સાથે ગેરવતર્ણૂક કરીને ગાળો બોલીને ટ્રસ્ટ્રીઓને અપમાનિત કરવામાં આવે છે. મતલબ કે ઋષિભારતી મહારાજ ગુંડાગીરી તથા દાદાગીરી પર ઊતરી આવે છે, જેથી ના છૂટકે તેઓ તથા તેમના મળતિયાઓ વિરુધ્ધ ફોજદારી રાહે તથા દીવાની રાહે કાર્યવાહી કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવે છે. ઉપરાંત તેમની સાથે કોઇએ લેવડ-દેવડ કરવી નહીં કે વહીવટી કામકાજ કરવું નહીં એ અંગે મીડિયામાં જાહેરાત આપવાનું પણ ઠરાવાયું છે. આ અંગે ખર્ચ કરવા તથા ચૂકવવાની સત્તા અધિકાર મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઇ પટેલને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ઋષિભારતીએ ખોલાવેલું બેન્ક એકાઉન્ટ એક્સિસ બેન્કે સિઝ કર્યાનો લેટર.
ઋષિભારતીએ ખોલાવેલું બેન્ક એકાઉન્ટ એક્સિસ બેન્કે સિઝ કર્યાનો લેટર.

બેંકનું ખાતું સીઝ કરાયું
શ્રી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટે એક્સિસ બેંક, સરખેજ શાખામાં શ્રી ભારતી આશ્રમના નામથી ચાલતું ખાતું સીઝ કરાવ્યું હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. ટ્રસ્ટ દ્વારા આ અંગે બેંકના મેનેજરને તા. 21-3-2022ના રોજ પત્ર લખીને જણાવ્યું હતું કે ટ્રસ્ટ સંચાલિત શ્રી ભારતી આશ્રમના નામથી અગર તો એના ભળતા નામથી આપની બેંકમાં કોઇ ત્રાહિત વ્યક્તિ દ્વારા ખોટા અને ગેરકાયદે બેંક ખાતાં ખોલાવીને નાણાકીય લેવડ-દેવડ કરવામાં આવી રહેલી છે. આ ટ્રસ્ટના ખાતાનું અમારા દ્વારા સંચાલન કરવામાં આવે છે. અમે ટ્રસ્ટ દ્વારા શ્રી ભારતી આશ્રમના નામનું કે તેને ભળતા નામનું કોઇ જ ખાતું આપની બેંકમાં ખોલાવ્યું નથી, એમ છતાં આ નામે અગર તો એના ભળતા નામે જો કોઇપણ પ્રકારનાં બેંક ખાતાં આપની બેંકમાં હોય તો તાત્કાલિક અસરથી એને સીલ કરવા વિનંતી છે. આ વિનંતીને પગલે બેંક તરફથી ખાતું સીઝ કરી દેવામાં આવ્યું છે.

ભારતી આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઈ એસ. પટેલ.
ભારતી આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઈ એસ. પટેલ.

શું કહે છે મેનેજિંગ ટ્રસ્ટી ?
મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઈ પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, હરિહરાનંદ ભારતી વિશ્વંભ ભારતી બાપુના શિષ્ય છે. ઋષિભારતી હરિહરાનંદનો શિષ્ય છે. ભારતી બાપુએ વસિયતમાં હરિહરાનંદને બધું સોંપી દીધું છે. એમાં ઋષિભારતીનું કોઈ જગ્યાએ નામ નથી. ઋષિભારતી હરિહરાનંદ પાસે હક માગે છે. સરખેજની જગ્યા મને સોંપી દો, હું સંભાળીશ, એટલે ગુરુ-ચેલાનો વિવાદ છે.

વધુમાં મુકેશભાઈએ જણાવ્યું કે, વર્ષ 2010માં એક વિલ કર્યું હતું. એ પછી જ્યારે વર્ષ 2019માં વિલ કર્યું ત્યારે બાપુએ એવું લખ્યું હતું કે મારા આગળના વિલ રદ ગણવાના છે. 2019નું વિલ રજિસ્ટર કરેલું છે. એ અમારા વકીલ બળવંતભાઈએ રજિસ્ટર કરાવ્યું હતું. આ પછીનું જે બીજું વિલ છે એ બાપુના મૃત્યુના ચાર-પાંચ મહિના બાદ વિવાદો ઊભા થયા ત્યારે રજૂ કર્યું છે. વિલ કયું સાચું અને કયું ખોટું એ તપાસ દ્વારા FSLના રિપોર્ટ પરથી કહી શકાય. બાપુનું નિધન 11મી એપ્રિલ 2020માં થયું હતું અને એ પહેલાં 26મી માર્ચ 2020ના દિવસે આ વિલ જેતપુર નોટરી કરાવેલું છે. બાપુએ જે કર્યું છે એ અમારા ખ્યાલમાં હતું, એટલે એ તો સાચું છે જ, પણ પાછળથી બનાવેલું વિલ છે, એની શંકા એટલે છે, કેમ કે એમાં હાથનું લખાણ છે, સિગ્નેચરનો ફેર છે. આમ પહેલું તો સાચું છે જ, પણ આ સાચું છે કે નહીં એની શંકા ક્લિયર કરવી પડે.

કોર્ટ મેટર બાબતે મુકેશભાઈએ વાત કરતાં કહ્યું કે, કોર્ટમાં બાપુનું જે વિલ છે એના આધારે હરિહરાનંદને મહંત બનાવ્યા છે. ઋષિભારતી પોતાની જાતે મહંત બની ગયેલા છે. તેઓ પોતાને ત્યાં મહંત તરીકે રજૂ કરે છે. તેમને કોઈ ટ્રસ્ટીઓએ બનાવ્યા નથી. બેવાર મિરઝાપુર કોર્ટમાં કેસ ચાલી ગયો. એમાં છેલ્લી મુદત જૂન મહિનામાં આપી છે. આ પછી ચેરિટી કમિશનરમાં ઋષિભારતીએ બીજો કેસ મૂક્યો છે. તેનું હિયરિંગ 19મી મેએ છે.

તો પ્રોપર્ટી વિવાદ અંગે મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઈએ કહ્યું કે, આમાં ચોખ્ખું મિલકતને લગતું છે. જ્યારે સૌથી પહેલીવાર આ પ્રશ્ન ઊભો થયો ત્યારે ઋષિભારતી જૂનાગઢ ગયા અને તેમણે હરિહરાનંદ બાપુ પાસે લંબેનારાયણની જગ્યા લખી આપો, હું સરખેજ છોડું, એ શરતનું લખાણ કરાવ્યું. ત્યાર બાદ બે-ત્રણ મહિના બાદ ફરી પ્રશ્ન ઊભો થયો અને કહ્યું, લંબેનારાયણમાં ઝઘડા છે. મને હવે સરખેજ છોડવા માટે કહો છો તો, બાકરોલવાળી જગ્યા મને આપો તો હું સરખેજ છોડું. એટલે દરેક વખતે પ્રોપર્ટી સિવાય બીજી વાત જ નથી.

‘‘ભારતીબાપુના નિધન બાદ આશ્રમમાં સાધ્વી રહે છે’’: ટ્રસ્ટી
આ અંગે મુકેશભાઈએ કહ્યું કે, એક બહેન છે, અમે જઈએ ત્યારે તે જ વહીવટ કરે છે. એ બેનને કંઈ લેવાદેવા નથી ભારતી આશ્રમ સાથે, તેમ છતાં ભારતી આશ્રમમાં તેમની સાથે રહે છે. અમને આવું ગમતું નથી એટલે અમે આશ્રમમાં જતા જ નથી. દરેક ટ્રસ્ટી સાથે ગમે તેમ વર્તન કર્યું છે, એટલે ત્યાં અમે જતા નથી.)

આ અંગે હરિહરાનંદે ગત જાન્યુઆરી મહિનામાં દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અત્યારે ભારતી આશ્રમ સરખેજની અંદર તેની સાથે માતાજી બાજુના 5 નંબરના રૂમમાં રહે છે. મારા ગુરુજી હયાત હતા ત્યારે તેમને લાવ્યા ત્યારે એવું કહ્યું હતું કે કોઈ માતાજીને તમારે અહીં રાખવા નહીં છતાંય મારા ગુરુજી ભારતી બાપુ બ્રહ્મલીન થયા પછી ત્રણ કે ચાર મહિના બાદ શ્રાવણ મહિનાથી માતાજી અહીં જ છે.

2021નું વીલ કેવી રીતે કર્યું એ અંગે મને ખ્યાલ ના હોય વકીલને પૂછવું પડેઃ ઋષિ ભારતી
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઋષિભારતીએ જણાવ્યું કે, 2010માં મારા નામનું બાપુએ વીલ બનાવ્યું હતું. હવે 2021માં મારા નામનું વીલ નોટરી કરેલું છે અને 2021ના વીલ અંગે વકીલને પૂછવું પડે.

આ ઉપરાંત ઋષિભારતીએ એક્સિસ બેન્કનું એકાઉન્ટ સિઝ થયું છે એ અંગે વાત કરતાં કહ્યું કે, આનો ઠરાવ કરેલો છે. જેમાં બધાં ટ્રસ્ટીઓની સહી છે. એ જ્યારે રજૂ કરવા મેં ઠરાવ માંગ્યો છતાં તેમણે મને ઠરાવ આપ્યો નથી અને એક્સિસ બેન્કનું એકાઉન્ટ લાગવગથી સિઝ કરાવ્યું છે.

તો આશ્રમના વહીવટ અંગે કરેલાં ટ્રસ્ટીઓના આરોપોનો જવાબ આપતાં ઋષિભારતીએ કહ્યું કે, ટ્રસ્ટીઓને ટોટલી સત્તા ભોગવવી છે.

આ ઉપરાંત આશ્રમમાં રહેતાં સાધ્વી અંગે સ્પષ્ટતા કરતાં ઋષિભારતીએ કહ્યું કે, અમારા ગુરુબેન બેત્રણ વર્ષથી અહીં રહે છે. એમના ટ્રસ્ટમાં હું મહામંત્રી છું. આ બધું ઓલરેડી મારી બૂકલેટમાં લખેલું જ છે. આ અંગે પણ હું વધુ ખુલાસો કરીશ.

એક પછી એક ધાર્મિક સંસ્થા વિવાદમાં
શ્રી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં વળી સોખડાના સ્વામી ગુણાતીતનંદે આત્મહત્યા નહીં બલકે, તેમની હત્યા થઇ હોવાનો આક્ષેપ થતાં વધુ એક ધાર્મિક સંસ્થાનો વિવાદ ચર્ચામાં આવ્યો છે. આમ છેલ્લા કેટલાક સમયથી એક પછી એક ધાર્મિક સંસ્થાઓ વિવાદમાં આવી રહી છે. એક સંસ્થાનો મામલો તો છેક હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...