• Gujarati News
  • Dvb original
  • The Owner Of The Horse Bought A Man At The Fixed Price Without Any Compromise, The Expert Said, Drawing Out The Mahabharata Connection, This Price Is Also Said To Be Low.

ભાસ્કર એક્સક્લૂસિવગુજરાતનો એક ઘોડો અધધધ 21 લાખમાં કેમ વેચાયો?:ઘોડાના માલિકે કિંમત નક્કી કરી, ભાવતાલ કર્યા વગર એક શખસે ખરીદ્યો, એક્સપર્ટે મહાભારત કનેક્શન કાઢતાં કહ્યું, 'આ કિંમત પણ ઓછી કહેવાય'

કચ્છ13 દિવસ પહેલાલેખક: કમલ પરમાર
  • કૉપી લિંક

ગુજરાતભરમાં આજકાલ એક ઘોડાની ચર્ચા છે. લગ્નની સીઝન છે એટલા માટે નહીં, પરંતુ આ ઘોડો અધધધ 21 લાખ રૂપિયામાં વેચાયો છે. ઘોડાના માલિકની જીદ હતી કે મને 21 લાખ રૂપિયા મળે તો જ વેચીશ. કેટલાક દિવસ પહેલાં એક વ્યક્તિ ઘોડાના માલિક પાસે આવી, ઘોડાની કિંમત 21 લાખ રૂપિયા નક્કી જ હતી એટલે રૂપિયા ચૂકવ્યા અને ઘોડો લઈ ગયો, પરંતુ આ સાથે જ કેટલાક સવાલ ઊભા થયા.

21 લાખ રૂપિયા એ નાનીસૂની રકમ તો નથી જ. આટલા રૂપિયામાં બીજું ઘણુંબધું આવી શકે. માન્યું કે 'શોખ બડી ચીઝ હૈ', પરંતુ આ ઘોડામાં એવી તો શી ખાસિયત હતી કે એને ખરીદવા માટે કોઈ લાખો રૂપિયા આપવા માટે તૈયાર થઈ જાય? આ સવાલનો જવાબ શોધતાં ઘોડાનું એક રીતે મહાભારત કનેક્શન સામે આવ્યું છે. ત્યારે આ ઘોડાનો શું ઉપયોગ કરવામાં આવે છે? એની કેવી રીતે માવજત થાય છે? ગુજરાતમાં કેવી નસલના ઘોડાની માગ વધુ છે? લગ્નપ્રસંગ સિવાય પણ ગુજરાતમાં ઘોડાનો કરોડો રૂપિયાનો કારોબાર કેવી રીતે ચાલી રહ્યો છે? દિવ્ય ભાસ્કરના આ સ્પેશિયલ રિપોર્ટમાં આજે વાંચો મોં માગી કિંમતે વેચાતા ઘોડાના ઇતિહાસ, ઉછેર અને ટ્રેનિંગથી લઈને વેચાણ સુધીની રસપ્રદ માહિતી.

કચ્છના લાકડિયા ગામમાં આ ઘોડો 21 લાખ રૂપિયામાં વેચાયો છે.
કચ્છના લાકડિયા ગામમાં આ ઘોડો 21 લાખ રૂપિયામાં વેચાયો છે.

ઘોડા સાથે સાત પેઢી જૂનો નાતો!
21 લાખ રૂપિયામાં જે ઘોડો વેચાયો છે એના માલિક એટલે કે ઝુસબ સુલેમાન કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડિયા ગામમાં રહે છે. ઝુસબ સુલેમાને જણાવ્યું હતું કે 'મેં વેચેલા ઘોડાનું નામ બાજ રાખવામાં આવ્યું હતું. અમે વર્ષોથી લાકડિયા ગામમાં રહીએ છીએ. અમારા પૂર્વજોને પણ ઘોડા પાળવાનો શોખ હતો. લગભગ સાત પેઢીથી અમારા અને ઘોડા વચ્ચેનો સંબંધ છે જ. મને યાદ છે જ્યારે હું નાનો હતો ને ત્યારથી જ આ ઘોડા સાથે જ રમીને મોટો થયો છું. એટલે ઘોડેસવારી પણ મને વારસામાં જ મળી છે એમ કહું તોપણ કંઈ ખોટું નથી. હાલમાં લાકડિયામાં 3 એકરની વાડીમાં અમે ઘોડા માટેનું ફાર્મ તૈયાર કર્યું છે, જેની અંદર સિંધી નસલના ઘોડાની માવજતથી લઈને ટ્રેનિંગ આપવામાં આવે છે. અમારી પાસે ચાર ઘોડા છે. હમણાં બાજ નામના ઘોડાને વેચ્યો, એ પણ સિંધી નસલનો જ હતો. બધા ઘોડાને અમે અમારા ફાર્મ પર જ ઉછેરથી લઈને એની ટ્રેનિંગ પણ આપતા હોઈએ છીએ.'

મધ્યમ પરિવાર માટે સપનાનું ઘર કે એક મોંઘી કાર આવી જાય એટલી ઊંચી રકમમાં વેચાયેલા ઘોડા વિશે ઝુસબ સુલેમાને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે 'એ ઘોડાનો જન્મ તો આજથી સાડાચાર વર્ષ પહેલાં અમારે ઘરે પાળેલી એક ઘોડીથી જ થયો હતો. "બાજ"ના જન્મથી લઈને એને વેચ્યો ત્યાં સુધી અમે બાળકની જેમ જ એનો ઉછેર કર્યો હતો. એને કારણે એની સાથે અમારે ગાઢ સંબંધ બની ગયો અને જાણે એ અમારા પરિવારનો અંગત સભ્ય બની ગયો હોય એમ લાગતું હતું.'

બાજ નામના આ ઘોડાએ ઘણી રેસમાં ભાગ લીધો અને જીતી પણ છે.
બાજ નામના આ ઘોડાએ ઘણી રેસમાં ભાગ લીધો અને જીતી પણ છે.

કચ્છ કેસરી જ્યારે આખા પંથકની શાન ગણાતો
ઝુસબ સુલેમાને કહ્યું, 'બાજ ઘોડા પહેલાં અમારી પાસે કચ્છ કેસરી નામનો ઘોડો હતો, જેનો ઉછેર મારા દાદાના તબેલામાં થયો હતો. જ્યારે કોઈપણ રેસ હોય કે પછી ઘોડાના લગતું કોઈ પ્રદર્શન હોય, અમે કચ્છ કેસરી ઘોડાને લઈને ત્યાં જતાં ત્યારે રીતસર લોકો એને જોવા માટે આવતા, એ ઘોડાની પણ ખૂબ જ માગ હતી. અમારો કચ્છ કેસરી ઘોડો જે પણ રેસમાં ઊતરે એટલે એની જીત નક્કી જ મનાતી. ત્યાં ઊભેલા તમામ લોકોના મુખે કચ્છ કેસરીના જ ઘણા કિસ્સાઓ અમને સાંભળવા મળતા હતા. લોકો કચ્છ કેસરીના વખાણ કરતા થાકતા ન હતા. ધીરે ધીરે કચ્છ કેસરી ઘોડો એટલો જાણીતો બન્યો કે એની દૂર-દૂરથી માગ આવવા લાગી. આજથી દોઢેક વર્ષ પહેલાં કચ્છ કેસરીને 14 લાખ 51 હજારમાં વેચ્યો હતો.'

કોઈ ગમે તે દાવા કરે, પણ આ રીતે ઘોડાની ઉંમરનો ખ્યાલ આવી જાય
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં ઝુસબ સુલેમાને ઘોડાને લગતી એક રસપ્રદ જાણકારી આપી. તેમણે કહ્યું, 'જ્યારે ઘોડાનો જન્મ થાય છે ત્યારે એનો ફોટો પાડીને એના ઉપર જન્મતારીખ લખવામાં આવે છે, જેના આધારે તેની જન્મ તારીખ યાદ રાખવામાં આવતી હોય છે, પણ જ્યારે આપણે કોઈ પાસેથી વેચાતો ઘોડો લાવીએ ત્યારે એની ઉંમર જાણવાનો પણ એક વિકલ્પ છે. ઘોડાની ઉંમર જાણવા માટે એ ઘોડાના દાંત જોવામાં આવે છે અને દાંત ઉપર બનેલી રિંગ પરથી ખબર પડે છે કે એની ઉંમર કેટલી હશે? અમારા વડવાઓ તો ઘોડાના દાંત ઉપરથી જ એની લગભગ સાચી કેટલી ઉંમરનું અનુમાન લગાવી લેતા હતા.'

કચ્છમાં રહેતા ઝુસબ સુલેમાને કહ્યું, અમારે ત્યાં પેઢીઓથી પરિવારના લોકો ઘોડા રાખતા આવ્યા છે. આ પ્રવૃત્તિ અમે પણ આગળ વધારી છે.
કચ્છમાં રહેતા ઝુસબ સુલેમાને કહ્યું, અમારે ત્યાં પેઢીઓથી પરિવારના લોકો ઘોડા રાખતા આવ્યા છે. આ પ્રવૃત્તિ અમે પણ આગળ વધારી છે.

લાખોમાં વેચાતા ઘોડાની જાળવણી કેવી રીતે થાય છે?
વર્ષોથી ગુજરાતમાં વેપાર માટે કે શોખ માટે લોકો ઘોડા રાખતા હોય છે, પરંતુ અન્ય પશુની માફક ઘોડાની રોજિંદી આવક મળે એમ હોતું નથી છતાં પણ એની માવજત દરરોજ ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવી પડતી હોય છે. ઝુસબ સુલેમાને આપેલી જાણકારી મુજબ, 'આ ઘોડાની માવજતની કામગીરી તો વહેલી સવારથી એટલે કે સવારના 7 વાગ્યાથી શરૂ થઈ જતી. સૌથી પહેલા સાત વાગે ઘોડા પાસે જઈને એને બાળકની જેમ થોડા સમય સુધી પંપાળતા હોઈએ છીએ. ત્યાર બાદ એને તબેલામાંથી બહાર કાઢીને થોડેક દૂર સુધી ચાલતા લઈ જઈએ છે. એને કારણે ઘોડાને થોડી તાજગી અનુભવાય છે. ત્યાર બાદ રાત્રે પલાળેલા 500 ગ્રામ ચણા, 500 ગ્રામ મગમાં ઘી, બાજરો અને અન્ય કેટલીક વસ્તુઓ મિક્સ કરીને પાંચ કિલો જેની ઘમેલી ભરીને આપતા હોઈએ છીએ. એટલે તેની ઈચ્છા હોય એટલું એ ખાઈ લે. એ પછી અન્ય કેટલોક ચારો આપ્યા બાદ બપોરે ઘોડાને વાડીમાં જ નવડાવવા માટે લઈ જતા હતા. એ બાદ એના માટે નદીમાંથી લાવેલી ખાસ પ્રકારની માટીમાં એ આળોટતા હોય છે. આ સમયે ઘોડાને વિવિધ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. સાંજના સમયે ફરી પાછો એને લઈને તૈયાર કરીને ગામમાં લઈને જઈએ છીએ. સાંજે લગભગ સાત વાગ્યાની આસપાસ પાછો વાડીમાં લાવીને એને સવારની જેમ જ સાંજે પણ ભૂસું ખવડાવવામાં આવે છે. આમ એની સવારથી રાત સુધી માવજત કરવામાં આવતી. એને કારણે પ્રત્યેક ઘોડા પાછળ એક દિવસમાં જ લગભગ 700થી 1000 રૂપિયા જેટલો ખર્ચો થતો હોય છે.'

બાજ ઘોડાને કેમ વેચી દેવામાં આવ્યો?
ઝુસબ સલમાને જણાવ્યું કે 'એ ઘોડો જ્યારે નાનો હતો ત્યારથી જ એટલો ચપળ અને ખૂબ જ ઝડપી હતો. આ જોઈને જ અમે એનું નામ "બાજ" રાખ્યું હતું. અત્યારસુધીમાં અમે સુરત, વેકરિયા, રાપરના જેસર, ભારાઈ સહિત લગભગ 12 જેટલી જગ્યાએ યોજાયેલી રેસમાં બાજ ઘોડાને લઈને ગયા હતા. એ સમયે લગભગ 6થી 7 જેટલી રેસમાં તેણે બાકીના ઘોડાને પાછળ છોડીને વિજય મેળવ્યો હતો. જ્યારે બાકીની રેસમાં એનો બીજો કે ત્રીજો નંબર આવ્યો હતો. જ્યારે પણ કોઈ રેસ યોજાવાની હોય ત્યારે એમાં ભાગ લેવા માટે આ ઘોડાની ખૂબ જ માગ રહેતી હતી. આમ તો હું પણ નહોતો ઈચ્છતો કે આવા સારા ઘોડાને વેચી દઉં, પરંતુ એક વાર એ વાત "ટસલ" ચડી ગઈ કે હવે બાજને વેચવો તો 21 લાખમાં જ, બાકી એનાથી નીચે તો નથી જ વેચવો. આ દરમિયાન અમારી પાસે એક અશ્વપ્રેમીની ઓફર આવી કે અમારે તમારો બાજ ઘોડો ખરીદવો છે, એટલે અમે તેમને અમારી કિંમત જણાવી. એ બાદ તેમણે 21 લાખની ઊંચી કિંમત આપીને આ ઘોડાને ખરીદવાની તૈયારી બતાવી એટલે અમે તેને વેચી દીધો.'

ઘોડાના માલિકની જીદ હતી કે 21 લાખ રૂપિયા કોઈ આપે તો જ ઘોડો વેચીશ.
ઘોડાના માલિકની જીદ હતી કે 21 લાખ રૂપિયા કોઈ આપે તો જ ઘોડો વેચીશ.

21 લાખમાં વેચાયેલા ઘોડાની ખાસિયત કેવી હતી?
21 લાખ રૂપિયા કિંમત આવતાં હવે આ ઘોડાના નામે એક રેકોર્ડ સર્જાઈ ગયો છે, પણ નોંધવા જેવી વાત એ છે કે આ પરિવાર વર્ષોથી માત્ર ને માત્ર સિંધી નસલના ઘોડા જ પાળતા આવ્યા છે, એટલે જ્યારે સિંધી નસલના ઘોડા પાળવા પાછળના કારણ અંગે પૂછતાં ઝુસબ સુલેમાને કહ્યું હતું કે 'સિંધી નસલના ઘોડા ક્યારેય પોતાની વફાદારીને ભૂલતા નથી કે ન તો એ પોતાની ક્યારેય ચાલ બગાડે છે. એને કારણે અમને ઘોડાની આ જાત જ સૌથી વધારે પસંદ આવે છે, એટલે જ અમે બાજનો પણ એ જ રીતે ઉછેર કર્યો છે. બાજ ઘોડાની વિશેષતાઓ વિશે ઝુસબે જણાવ્યું હતું કે અત્યારસુધીમાં મેં અનેક ઘોડા જોયા છે, પણ આ તમામ ઘોડામાં "બાજ"ની વાત આવે તો એ બધા જ ઘોડાને પાછળ છોડી દે એવો છે. એની ચાલ એટલી જોરદાર છે કે તમે એને જોયા જ કરો. બાજ ઘોડાની ઊંચાઈ 5 ફૂટ કરતાં પણ વધારે છે. કદ કાઠીમાં પણ એકદમ સારો ઘોડો હતો. એ 38થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. "બાજ" દૂરથી આવતો હોય તોપણ ઓળખાઈ જતો. એ ઘોડા ઉપર કોઈ અજાણી વ્યક્તિ પણ બેસી જાય તો એ ક્યારેય કોઈને પછાડતો નહીં, એટલો વફાદાર હતો, જેના કારણે મારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ એનો અંગત નાતો બંધાઈ ગયો હતો. જ્યારે "બાજ"ના વેચાણના સમાચાર મારા મિત્રોને મળ્યા ત્યારે તે લોકો દુ:ખી થયા હતા.'

એક્સપર્ટે કયા આધારે કહ્યું કે ઘોડાની કિંમત 21 લાખ પણ ઓછી કહેવાય?
દિવ્ય ભાસ્કરે ઈક્વિસ્ટન સ્પોર્ટ્સ એસોસિયેશનના પ્રમુખ અને સેડલ એન્ડ સ્ટેબલ ક્લબના સંજય બારોટ સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે ઘણી રસપ્રદ અને અજાણી વાતોની જાણકારી આપી હતી. સંજય બારોટે સિંધી નસલના ઘોડાની ચાલ અંગે જણાવ્યું હતું કે 'આ ઘોડાની ચાલ રેવાલ છે, જેના કારણે ઘોડો ગમે તેવી ઝડપમાં ચાલતો હોય છતાં પણ એના ઉપર બેઠેલા અસવારને જરા પણ એનું વાઈબ્રેશન આવતું નથી. વિશ્વમાં ઘોડાની માત્ર બે જ જાત છે, જે રેવાલ ચાલતી હોય છે, જેમાં સિંધી ઘોડાની ચાલ કુદરતી રીતે જ રેવાલ છે. ગુજરાતમાં આ ઘોડા કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં યોજાતી રેસમાં જોવા મળે છે. હાલમાં જે 21 લાખમાં સિંધી ઘોડો વેચાયો છે, મારા મત મુજબ તો આ બ્રિડના ઘોડાની કિંમત હજી પણ વધુ આંકી શકાય છે.'

સંજય બારોટે આપેલી જાણકારી મુજબ અમદાવાદમાં 10 જેટલા એવા ઘોડા છે, જેની કિંમત એક કરોડ કરતાં પણ વધારે છે.
સંજય બારોટે આપેલી જાણકારી મુજબ અમદાવાદમાં 10 જેટલા એવા ઘોડા છે, જેની કિંમત એક કરોડ કરતાં પણ વધારે છે.

સંજય બારોટે જણાવ્યું હતું કે 'જો ઘોડાની જાત વિશે વાત કરવામાં આવે તો હાલમાં વિશ્વમાં 586 જાત રજિસ્ટર્ડ છે. જેમાંથી કાઠિયાવાડી અને મારવાડી, આ બે જાત જ એવી છે જેના બન્ને કાનના છેડા એક બીજાને સ્પર્શે છે. ભારતમાં ઘોડાની માત્ર પાંચ જ જાત રજિસ્ટર્ડ છે, જેમાં કાઠિયાવાડી, મારવાડી, સિંધી સ્પીટી અને ભુટાની છે.'

21 લાખમાં વેચાયેલા ઘોડાનું મહાભારત કનેક્શન શું?
સંજય બારોટે ખૂબ આશ્ચર્યજનક જાણકારી આપતાં કહ્યું, 'આપણે ત્યાં સિંધી ઘોડાનું પાંચ વર્ષ પહેલાં જ રજિસ્ટ્રેશન થયું છે, કારણ કે આ માટે એના ડીએનએ ટેસ્ટથી લઈને એક લાંબી પ્રક્રિયા અનુસરવામાં આવે છે. જો સિંધી ઘોડાની આગવી ઓળખ વિશે વાત કરવામાં આવે તો મહાભારતના સમયમાં રાજા જયદ્રથ પાસે સિંધી ઘોડાની સેના હતી એવું કહેવાય છે. એ વખતનું જે રીતે વર્ણન કરવામાં આવ્યું છે અને આજની સિંધી નસલ છે, એ બન્ને ખૂબ જ મળતા આવે છે.'

ઘોડો ખરીદવા માટે લોન મળે કે નહીં?, એક્સપર્ટે શું કહ્યું?
સામાન્ય રીતે જ્યારે ગાય, ભેંસ, બકરા જેવા પાલતું પશુની ખરીદી કરવા માટે બેંકો અને સહકારી મંડળીઓ લોન આપતી હોય છે, પરંતુ શું ઘોડા ખરીદવા માટે લોન મળે ખરી? આ સવાલના જવાબમાં સંજય બારોટે જણાવ્યું કે 'મારા ધ્યાનમાં આવ્યા પ્રમાણે વાત કરું તો ઘોડા માટે લોન નથી મળતી. ઘેટાં, બકરાં અને અન્ય જે પશુઓનો કોમર્શિયલ ઉપયોગ થાય છે, પરંતુ ઘોડાની કોઈ ફિક્સ કિંમત નક્કી નથી હોતી. કોઈ ઘોડો પાંચ લાખમાં પણ વેચાય અને કોઈ ઘોડો 21 લાખમાં પણ વેચાય, જેના કારણે એના પર લોન નથી મળતી. પણ હા, એનો વીમો ચોક્કસ મળે છે. એના માટે બિલ આપવું જરૂરી છે.'

ઈક્વિસ્ટન સ્પોર્ટ્સ એસોસિયેશનના પ્રમુખ સંજય બારોટે દિવ્ય ભાસ્કર સમક્ષ ઘોડાના વ્યવસાય અંગે ઘણી રસપ્રદ વિગતો આપી હતી.
ઈક્વિસ્ટન સ્પોર્ટ્સ એસોસિયેશનના પ્રમુખ સંજય બારોટે દિવ્ય ભાસ્કર સમક્ષ ઘોડાના વ્યવસાય અંગે ઘણી રસપ્રદ વિગતો આપી હતી.

જ્યારે એક ઘોડાનો 400 કરોડનો વીમો લેવામાં આવ્યો
ઘોડા માટે લેવામાં આવતા ઇન્શ્યોરન્સ વિશે સંજય બારોટે જણાવ્યું હતું કે 'વિદેશથી આવતી થોરો બ્રિડના ઘોડા સ્પોર્ટ્સમાં વપરાય છે, જેના કારણે એની કિંમત કરોડોમાં હોય છે, એટલે જ્યારે એ ઘોડાને ઈમ્પોર્ટ કરાય છે તો આ દરમિયાન કંઈ નુકસાન ન થાય એ માટે વીમો લેતા હોય છે, કારણ કે એ તમામ ઘોડા પર થતો જાણાકીય વ્યવહાર નિયમ મુજબ જ હોય છે, જેથી એમાં વીમો સરળતાથી મળી જાય છે. અત્યારસુધીમાં સૌથી મોંઘો ઇન્શ્યોરન્સ અમેરિકાના એક ઘોડાનો લેવામાં આવ્યો હતો, જેની કિંમત લગભગ 400 કરોડ હતી. સામાન્ય રીતે મેડિકલ ઇન્શ્યોરન્સ કરતાં ડેથ ઈન્શ્યોરન્સ વધુ મળતો હોય છે. પણ જો કાઠિયાવાડી અને મારવાડી ઘોડાની વાત કરીએ તો હજુ સુધી મારા ધ્યાનમાં નથી આવ્યું કે કોઈ ઘોડા માટે ઈન્શ્યોરન્સ લેવાયો હોય.'

અમદાવાદમાં એક કરોડથી વધુ કિંમતના ઘોડા!
સંજય બારોટે કહ્યું, 'કાઠિયાવાડી, મારવાડી અને સિંધી નસલના ઘોડાના વેચાણમાં કોઈ બિલ નથી અપાતું, પણ જ્યાં સુધી અમે સાંભળ્યું છે એની વાત કરું તો મારવાડી ઘોડો ત્રણ કરોડમાં વેચાયો છે. અમદાવાદમાં એક કરોડથી વધુ કિંમતના ઘોડાની સંખ્યા દસેક હશે. જ્યારે ભારતમાં 200થી 300 મારવાડી નસલના ઘોડા છે, જે બેથી ત્રણ કરોડમાં વેચાયા હતા. મારા ધ્યાન મુજબ આ ઘોડાઓ આટલા કીમતી હોવા છતાં હજી સુધી એકપણ ઘોડાનું 100 રૂપિયા પણ બિલ નથી બન્યું.'

ગુજરાતમાં જોવા મળતા સિંધી નસલના ઘોડાનું મહાભારત કનેક્શન હોવાનો પણ દાવો છે.
ગુજરાતમાં જોવા મળતા સિંધી નસલના ઘોડાનું મહાભારત કનેક્શન હોવાનો પણ દાવો છે.

પોલીસ કેવા ઘોડાનો ઉપયોગ કરે છે?
હાલમાં પોલીસમાં બે ડિવિઝનમાં ઘોડાનો ઉપયોગ કરવામાં આવે છે, જે પૈકી એક તો પેટ્રોલિંગ માટે કરવામાં આવે છે અને બીજો ઉપયોગ અલગ અલગ સ્પોર્ટ્સમાં કરવામાં આવે છે, જેમાં મારવાડી, કાઠિયાવાડી અને થોરો એમ ત્રણેય બ્રિડનો સરખા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં ગુજરાત કાઠિયાવાડી નસલના ઘોડાની સંખ્યામાં મોખરે છે. મારવાડી નસલના ઘોડાની સંખ્યામાં પણ નોંધવા જેવો વધારો થયો છે.

ઘોડા પાળવા માટેના આવા છે નિયમો
હાલમાં ઘોડાના ઉછેર માટે કેવા નિયમો છે એ અંગે દિવ્ય ભાસ્કરે ઈક્વિસ્ટન સ્પોર્ટ્સ એસોસિયેશનના પ્રમુખ અને સેડલ એન્ડ સ્ટેબલ ક્લબના સંજય બારોટે જણાવ્યું હતું કે 'એનિમલ વેલ્ફેર દ્વારા કેટલાક નિયમો નક્કી કરવામાં આવેલા છે. ઘોડો પોતાના શરીર પ્રમાણે 3થી 5 ટકા જેટલો ખોરાક ગ્રહણ કરતો હોય છે, એ પ્રમાણે એને ઘાસ કેટલું આપવું, કેટલો ખોરાક આપવો એ અંગે નક્કી કરવામાં આવે છે. એટલું જ નહીં, ઘોડાના સ્થળાંતર માટે પણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. દિવસમાં એકવાર તો ઘોડાને નવડાવવો જોઈએ અને એની માલિશ પણ કરવી જરૂરી છે. એ પછી દર ત્રણ મહિને ઘોડાનું મેડિકલ ટેસ્ટ અને સમયસર વેક્સિનેશન પણ કરાવવું જરૂરી છે.'

કચ્છના બાજ ઘોડાને જોવા માટે દૂર-દૂરથી લોકો આવતા હતા.
કચ્છના બાજ ઘોડાને જોવા માટે દૂર-દૂરથી લોકો આવતા હતા.