બ્લેકબોર્ડગળામાં સળગતા ટાયર ભરાવીને મારા પિતાને મારી નાખ્યા:તોફાનીઓ ટોર્ચ લઈને ફરતા હતા, જે છોકરી પસંદ આવતી તેને ઉઠાવીને લઈ જતા

એક મહિનો પહેલાલેખક: મૃદુલિકા ઝા

સેંકડોની ભીડ, બધાના હાથમાં લાકડી-તલવાર અને મશાલો હતી. પહેલા લાકડીઓથી પીટતા, પછી સળગતું ટાયર ગળામાં માળાની જેમ નાખી દેતા. વીણી વીણીને પરિવારના પુરુષોને માર્યા, પછી મહિલાઓનો વારો આવ્યો. ખુલ્લામાં બધાને બેસાડ્યા અને તારવણી થવા લાગી. જે મહિલા તેમને પસંદ આવે તેમને ઉઠાવીને લઈ જતા. કેટલી ગેંગરેપથી મરી, કેટલી શરમથી-કંઈ ખબર ન પડી.

આ જણાવતી વખતે આશરે 55 વર્ષની પપ્પી કૌરનો દમદાર અવાજ કાંપતો હતો. આંસુ આંખોમાંથી વરસી રહ્યાં હતાં. દુપટ્ટાથી આંખો લૂછતી કહે છે- આ જ મોસમ હતી. ઓક્ટોબરની આખર, જ્યારે આખો પરિવાર સાથે બેસીને જમતો હતો.

પછી બધું બદલાઈ ગયું. 6 ફૂટથી પણ ઊંચા જે પિતાને જોઇને અમે અમે ડરતા હતા, તે હાથ જોડીને જીવનની ભીખ માગતા હતા. ગળામાં ભરાવેલા ટાયર ભડ-ભડ સળગતા હતા. પૂરા ત્રણ દિવસ સુધી શેરીઓમાં મોત તાંડવ કરતું રહ્યું. જ્યાં સુધી સેના આવી ત્યાં સુધીમાં બધું ખતમ થઇ ચૂક્યું હતું. કેટલીક સળગેલી લાશો હતી, કેટલીક જીવતી લાશો.

દિલ્હીનું તિલક વિહાર ખૂબ જ ગીચ વસતિ ધરાવતી આ જગ્યાને લોકેશન ટ્રેકર પર નાખો, તો લખેલું જોવા મળશે-'વિડો કોલોની.' આશરે 2 હજાર ફ્લેટ્સવાળા આ વિસ્તારની આ જ તો ઓળખ છે. અહીં વિધવાઓ રહે છે અથવા તો વિધવાઓનાં સંતાનો.

આ એ લોકો છે, જેમના પરિવારના લગભગ બધા પુરુષ સદસ્યો 1984માં માર્યા ગયા. 31 ઓક્ટોબરે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની શીખ બોડીગાર્ડે ગાળી મારીને હત્યા કરી હતી, ત્યાર બાદ દેશના ઘણા ભાગોમાં શીખવિરોધી રમખાણો ભડકી ઊઠ્યાં.

3 નવેમ્બર સુધી આ સમુદાયના હજારો લોકોની હત્યા થઇ, સેંકડો બળાત્કાર થયા અને કેટલાય બેઘર થયા. પાછળની પશ્ચિમી દિલ્હીમાં તેમને મકાન એલોટ થયાં. સળગતા પતિ અને છોકરાઓને પોતાની આંખો સામે તડપીને મરતાં જોઇ ચૂકેલી વિધવાઓને ઓફિસોમાં પટાવાળાનું કામ મળ્યું. બસ, આટલું જ. ન તેમને ન્યાય મળ્યો, ન તો કોઇએ જખમો પર પાટાપીંડી કરી.

આ લોકોને મળવા અમે તિલક વિહાર પહોંચ્યા. વિડો કોલોની પૂછવા પર 14-15 વર્ષના છોકરાએ આંગળીથી ઇશારો કરીને કહ્યું- વગર પ્લાસ્ટરની દીવાલો દેખાઇ રહી છે, આ બધાં વિડો કોલોનીનાં મકાનો છે.

ત્રણ માળની ઇમારતો ધરાવતા આ ફ્લેટ 1984માં માર્યા ગયેલા શીખોના પરિવારોને ફાળવવામાં આવ્યા હતા. આમાંના મોટા ભાગનાં જૂનાં મકાનો પર તોફાનીઓએ કબજો કરી લીધા હતા.
ત્રણ માળની ઇમારતો ધરાવતા આ ફ્લેટ 1984માં માર્યા ગયેલા શીખોના પરિવારોને ફાળવવામાં આવ્યા હતા. આમાંના મોટા ભાગનાં જૂનાં મકાનો પર તોફાનીઓએ કબજો કરી લીધા હતા.

મેં જોયું કે મોટા ભાગનાં મકાનોની બહાર રંગ-રોગાન પણ નહોતું. સાંકડી શેરીઓ, પુરુષો પોતપોતાના કામધંધા પર જવા નીકળતા હતા. અહીં અમારી મુલાકાત નિર્મલ કૌર સાથે થવાની છે, જે અમને બીજા સાથે મેળાવશે.

ફોન કરવા પર ત્રીજા માળે જોતી કહે છે કે ઉપર આવી જાઓ. નિર્મલાના ડાબા પગમાં મહિના પહેલાં વાગ્યું હતું, તેનું દર્દ હવે તેને સહેલાઇથી ઉપર-નીચે થવા નથી દેતું. ઘરેલુ વાતોથી શરૂઆત બાદ હું મુદ્દાની વાત કરું છું.

1984..સાંભળીને પહેલા તો ગભરાય છે, પછી સંભાળીને બોલવા લાગી. 31 તારીખે ઇન્દિરા ગાંધીના મોતના સમાચાર આવ્યા. એની પહેલાં બધું બરોબર હતું. અમે રોજની જેમ સાથે મળીને જમ્યા અને ગપ્પાં માર્યાં. પછી માહોલ બદલવા લાગ્યો. શેરીઓમાં ક્યારેક એકદમ શોર થવા લાગ્યો, ક્યારેક સન્નાટો. બધું ગુપચુપ રીતે જેથી બચવાનો મોકો ન મળે.

1 નવેમ્બરની સવારે ગુરુદ્વારા પર હુમલો થયો. ત્યાંથી થઇને ભીડ હમારી શેરી સુધી પહોંચી. અમે લાકડાનો અમારો દરવાજો જોરથી બંધ કરી દીધો. દરવાજો જોરજોરથી ખખડાવતા હતા તેટલા જોરથી અમારું હૃદય ધડકતું હતું.

તોફાનીઓએ છેવટે પિતાજીને પકડી લીધા. તેઓ ક્યારેક હિંદી તો ક્યારેક પંજાબીમાં દયાની ભીખ માગી રહ્યા હતા, પરંતુ કોઇએ ન સાંભળ્યું. તેમની ઉપર કોઇ પાઉડર નાખી ગયું અને વાળમાં આગ લગાવી દીધી.

અમારી સામે તેઓ ભડ-ભડ સળગવા લાગ્યા. બળતરાથી તેઓ ચીસો પાડી રહ્યા હતા. હું તેમને બચાવવા ગઇ, પરંતુ ભીડે મને ખેંચીને દૂર ફેંકી દીધી. બચાવવા જતાં મારો હાથ કોણી સુધી સળગી ગયો. આ જોઇને 50થી મોટી ઉંમરની મહિલાઓ જોર-જોરથી રડવા લાગી.

જુવાન ભાઇને માર્યો, કાક-મોટા બાપાને માર્યા. માસાને માર્યા. તેઓ એક એક કરીને પરિવારના બધાં સગાંને ગણી રહ્યા હતા, જે 37 વર્ષ પહેલાં જ ખતમ થઇ ગયા.

અમે તો બચી ગયાં, પરંતુ દિલમાં લાગેલી આગમાં અમે સળગી ગયા. ટાયરોમાં ફસાઇને સળગતા અમારા પિતા-ભાઇઓની સાથે.

3 નવેમ્બરે આર્મી અને પોલીસવાળા પહોંચ્યા અને સળગી ગયેલા લોકોને ટ્રકમાં ફેંકવા લાગ્યા. એમાંના કેટલાક જીવતા હતા. કેટલાકના મોંમાંથી પાણી પાણીનો અવાજ આવતો હતો. બધાને ટ્રકમાં નાખીને જમુનામાં ફેંકી દીધા.

તમને કેવી રીતે ખબર કે ઘણા બધા લોકો જીવતા હતા? સવાલ ક્રૂર, પરંતુ જરૂરી લાગ્યો, કારણ કે બહુ બધાનાં માથાં હલતાં હતાં. તેમને પણ મૃતકોની સાથે ભરીને નદીના ઠંડા પાણીમાં વહાવી દીધા. નવેમ્બર મહિનો હતો. અડધું બળેલું શરીર. થોડો ઘણો જીવ પણ ઠંડીમાં જતો રહ્યો હશે.

ઘર સળગી ગયાં હતાં. અમે મહિનો કેમ્પમાં રહ્યાં. ક્યારેક ખાવાનું મળતું, ક્યારેક પાણી. સલવાર કુર્તાની એક જોડી ચાર-ચાર મહિના સુધી પહેરી. પોતાની બદબૂથી મગજ ફાટી જતું, પરંતુ કપડાં તો પહેરવાં પડે.

આ દરમિયાન એક વસ્તુ જોઇ. એક મહિલાનું બાળક તરસથી તડપી રહ્યું હતું. એ દિવસે કોઇની પાસે પાણી નહોતું. છેવટે તે સ્ત્રીએ પોતાનો પેશાબ નાના બાળકને પીવડાવી દીધો, જેથી તરસને લીધે તેનો જીવ ન જાય.

આટલું બતાવતાં નિર્મલા રડી પડે છે. તેના હાથ તેના તૂટેલા પગને પંપાળતા હતા. હું વિચારતી હતી કે તે કદાચ યાદોથી ઓછી, પગના દર્દથી વધુ રડી રહી છે.

જોકે તેની આગળની વાત મારો ભ્રમ તોડી નાખે છે. વર્ષ જેમ-તેમ કરીને નીકળી જાય છે, પરંતુ ઓક્ટોબર આવતાં-આવતાં દિલ બેચેન થઇ જાય છે. ત્યારે યાદ આવે છે કે કેવી રીતે મેં મારી આંખો સામે મારા આખા પરિવારને જીવતા સળગતો જોયો.

હવે અમારી મુલાકાત થાય છે 55 પાર કરેલી પપ્પી કૌર સાથે. શાકભાજીની લારી પર ઊભેલી આ મહિલા ખુલ્લા અવાજમાં પોલિટિકલી અભિપ્રાય આપે છે, મોંઘવારીની વાત કરે છે, પરંતુ શીખ કત્લેઆમની વાત નીકળતાં ચહેરાની મજબૂત રેખાઓ ખોવાઇ જાય છે.

તોફાનીઓ આવ્યા અને મહોલ્લાની વીજળી કાપી નાખી. પછી ઘરના દરવાજા તોડ્યા. બધાના હાથમાં લાકડીઓ હતી. જેમના હાથ ખાલી હતા તેમણે જોર લગાવીને હેન્ડપંપના હાથા તોડી નાખ્યા.

મને યાદ છે કે લાકડાના દરવાજાને સાંકળ મારીને આખા ઘરનો સામાન દરવાજીની પાછળ રાખ્યો, જેથી દરવાજો જલદી ખૂલી ન જાય. બીજા રસ્તે ઘરની મહિલાઓને નેકદિલ પડોશીઓને ત્યાં મોકલી આપવામાં આવી. એક ઘરમાં હું પણ સંતાઇ ગઇ. ત્યાંથી મેં બધું જોયું.

પોતાના પિતાને સળગતા. 18 વર્ષના ભાઇને સળગતા. સળગેલા-અર્ધ સળગેલા શરીર જમીન પર વેરવિખેર પડ્યા હતા. અમે એક ઘરેથી બીજા ઘરે ભાગી રહ્યાં હતાં. બધી બાજુ મારો-મારોના અવાજ આવતા હતા. ત્યારે અમને સ્ત્રીઓને પણ પકડી લીધી. અમને બધાંને લાઇનમાં લગાવીને ખુલ્લામાં બેસાડી દીધા અને તોફાનીઓ ટોર્ચ લઇ ફરવા લાગ્યા. તેઓ એક-એક ચહેરા પર રોશની નાખતા હતા. બધાના શરીરને ઉપરથી નીચે સુધી ઘૂરતા હતા. પસંદ આવે તો તેને ઉઠાવીને લઇ જતા.

એક-એક સ્ત્રીને ચાર-ચાર જણા ઉઠાવીને લઇ ગયા. કેટલી તો પરત પણ ન આવી. તે પાછી આવી તે પહેલાં જેવી નહોતી. ભયને કારણે સગર્ભા મહિલાઓને બાળક થઇ ગયાં. જેમાં વધારે મરેલાં. રડતાં-રડતાં આ મહિલાઓ દર્દની આખી તસવીર જણાવે છે. રમખાણો શાત થતાં કેમ્પમાં ગઇ, પરંતુ ત્યાં ન ખાવા મળ્યું, ન પાણી. અમે અમારા સળગેલા મકાનમાં જતા રહ્યા. પોલીસે દરવાજા લગાવી દીધા હતા પણ દીવાલોની કાલિમા બાકી હતી.

રાતો ઊંઘતાં તો ચીસો સંભળાતી હતી. કેટલી વાર રડવાના અવાજથી આંખ ખૂલી જતી. ધ્યાનથી જોયું તો માતા કોઇ ખૂણામાં બેસીને રડતી હતી. તેનો પતિ અને જવાન દીકરો જતો રહ્યો હતો. ખબર નહિ કયો પાઉડર છાંટીને આગ લગાવાઇ કે મિનિટોમાં બળીને ખાક થઇ ગયા. 'પાઉડર'ની વાત લગભગ દરેક જણ કહે છે. તેના વિશે કોઇના પાસે ખાસ જાણકારી નહોતી. ઇન્ટરનેટ પર સર્ચ કરું છું તો ખબર પડી કે કત્લેઆમની ગવાહી આપનારાઓએ ઇન્કવાયરી કમિશનની સામે કોઇ સફેદ પાઉડર છાંટવાની વાત કહી. ત્યાર બાદ જ સળગતું ટાયર નાખવામાં આવતું.

ક્યાંક-ક્યાંક એ પણ દાવો કરવામાં આવતો કે આ સફેદ પાઉડર બીજું કંઇ નહીં પણ વાઇટ ફોસ્ફોરસ હતો. બેહદ ખતરનાક છે આ કેમિકલ, જે ચામડીની સાથે હાડકાંને પણ બાળી નાખે છે. એટલે સુધી કે તે શ્વાસ દ્વારા શરીરમાં જાય તો જાનનું જોખમ થાય છે. આ કારણે યુનાઇટેડ નેશન્સે તેના પર બેન્ડ લગાવેલ છે. જોકે ગુપચુપ રીતે તેનો ઉપયોગ ત્યારે પણ થતો રહ્યો.

સફેદ પાઉડર નાખી આગ લગાડવાની વાત વિડો કોલોનીના દરેક પીડિત કહે છે, એ અલગ વાત છે કે શીખ કત્લેઆમ પર ઇન્કવાયરી કમિશનના ઓપન રિપોર્ટમાં વાઇટ ફોસ્ફોરસનો ઉલ્લેખ નથી.

મારો હવે પછીનો મુકામ કોલોની વચ્ચે બનેલા તે ગુરુદ્વારા, જ્યાં રમખાણોમાં માર્યા ગયેલા લોકોની તસવીરો લાગેલી છે. ગુરુસાહેબને માથું ટેકવવા આવનારા લોકો અહીં પણ જાય છે. અહીં અમારી મુલાકાત જીતેન્દરસિંહ સાનૂ સાથે થઇ, જેણે રમખાણોમાં પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હતું. એ જ કહાની, એ જ દર્દ, બસ ચહેરો અલગ હતો.

તિલક વિહારના મધ્યમાં બનેલા ગુરુદ્વારામાં રમખાણોમાં માર્યા ગયેલા લોકોની તસવીરો છે. લોકો અહીં આવે છે અને નવી પેઢીના બાળકોને તેમના પૂર્વજોનો પરિચય કરાવે છે.
તિલક વિહારના મધ્યમાં બનેલા ગુરુદ્વારામાં રમખાણોમાં માર્યા ગયેલા લોકોની તસવીરો છે. લોકો અહીં આવે છે અને નવી પેઢીના બાળકોને તેમના પૂર્વજોનો પરિચય કરાવે છે.

'એન્ટિ-શીખ તોફાનો', કહેવા પર તે ટોકે છે-તોફાનોમાં બંને તરફ મારપીટ થાય છે. તે કત્લેઆમ હતી. શીખોને શોધી-શોધીને મારવામાં આવ્યા. એવી રીતે કે તેમની પેઢીઓ બરબાદ થઇ જાય. આ જ થયું. ઘરોમાં રડતી મહિલાઓ જ બાકી બચી. કોઇ-કોઇના હાથમાં નાનાં બાળકો હતાં. માતાઓ આંસુઓમાં ડૂબેલી હતી. બાળકો નશામાં ડૂબી ગયાં. વિડો કોલોનીની મોટી વસ્તીમાં હજુ પણ નશાની લત છે. તેમની પાસે ઘર તો છે જ, પરંતુ જીવવાનું કારણ નથી કે નથી ઉમેદ. મોટા ભાગનાં બાળકોની માતાઓ કોર્ટનાં ચક્કર કાપતાં ખતમ થઇ ગઇ. કેટલીક સ્ત્રીઓ એટલા ઊંડા માનસિક આઘાતમાં સરી ગઇ કે બાળકોનું સંભાળ ન લઇ શકી.

જીતેન્દર બીજી પણ ઘણી વાતો કહે છે. કેટલીક રાજનીતિની પર હતી. કેટલીક વાતોનો ઉલ્લેખ અહીં નથી થઇ શકતો. પરંતુ દરેક વાતમાં અહીં દર્દ છુપાયેલું છે.

કોલોનીમાંથી નીકળીને અમે જ્ઞાન કૌરને મળ્યાં. જેના પતિને ગળામાં ટાયર નાખીને સળગાવી નાખ્યો. 90 વર્ષીય મહિલા વધુ વાત નહોતી કરી શકતી, છતાં પણ પરિવારના દરેક પુરુષ સદસ્યોનાં નામ ગણાવી શકે છે કે તેમને કેવી રીતે મારી નાખવામાં આવ્યા. તે કહે છે- આટલાં વર્ષ થયાં. હવે તો હું ઘરડી થઇ ગઇ છું. છતાંય ત્યારે ન્યાય ન મળ્યો. બોલવાથી કાળજું ફાટી જાય છે. જ્ઞાન કૌરના ઘરમાં તેમના પતિની હાથથી બનાવેલી તસવીર લાગેલી છે. પાસે બેઠેલી તેમની દીકરી બતાવે છે કે આલ્બમ ઘરની સાથે જ ફૂંકી દેવામાં આવ્યું. દૂરના સગા પાસે પિતાજીનો એક નાનો ફોટો હતો, તેને જોઇને હાથથી સ્કેચ બનાવડાવ્યું. ત્યારે ખાવાના પૈસા નહોતા, પરંતુ મા તસવીર બનાવવાની જીદ પર રહી.

કોલોનીની બહાર આવીને કેબ બુક કરું છું તો લોકેશન દેખાડે છે-વિડો કોલોની! આ નામ પોતાની રીતે જ એ જખ્મ છે, જે કદાચ ક્યારેય ન ભરાઇ શકે.

1984 શીખ રમખાણઃ પૂર્વ PM મનમોહનસિંહે સદનમાં માફી માંગી હતી

31 ઓક્ટોબર 1984એ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી. બીજા દિવસે એટલે કે 1 નવેમ્બર 1984એ દિલ્હી સમેત દેશના ઘણા ભાગોમાં શીખ વિરોધી રમખાણો થયાં. રમખાણોમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા, આના પર અલગ-અલગ રિપોર્ટ સામે આવ્યા છે. PTI અનુસાર માત્ર દિલ્હીમાં જ આશરે 2700 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે દેશભરમાં મરનારનો આંકડો 3500ની આસપાસ હતો.

મે 2000ના તોફાનો સાથે સંકળાયેલા કેસની તપાસ માટે જી.ટી. નાણાવટી કમિશનનું ગઠન કરવામાં આવ્યું. 1 ફેબ્રુઆરી 2010ના ટ્રાયલ કોર્ટે કોંગ્રેસ નેતા સજ્જન કુમાર, બલવાન ખોકર, મહેન્દ્ર યાદવ, કેપ્ટન ભાગમલ, ગિરધારી લાલ, કિશન ખોકર, મહા સિંહ અને સંતોષ રાનીને આરોપીના અંતર્ગત સમન્સ મોકલવામાં આવ્યું.

30 એપ્રિલ 2013ના રોજ કોર્ટે સજ્જન કુમારને છોડી દીધા. ત્યાર બાદ 19 જુલાઇ 2013ના રોજ સીબીઆઇએ સજ્જન કુમારને છોડી દેવા વિરુદ્ધ અપીલ કરી. 22 જુલાઇ 2013ના હાઇકોર્ટે સજ્જન કુમારને સીબીઆઇની અરજી પર નોટિસ મોકલાવી.

17 ડિસેમ્બર 2018ના હાઇકોર્ટે સજ્જન કુમારને દોષી જાહેર કરીને જન્મટીપની સજા સંભળાવી. બલવાન ખોકર, ભાગમલ અને ગિરધારી લાલની જન્મટીપની સજા ચાલુ રહી. મહેન્દ્ર યાદવ અને કિશન ખોકરની સજા વધારીને 10 વર્ષ આદાલતે કરી.

તોફાનોનાં 21 વર્ષ બાદ પ્રધાનમંત્રી મનમોહનસિંહે સંસદમાં આના માટે માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે જે કાંઇ પણ થયું, તેનાથી તેમનું માથું શરમથી ઝૂકી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...