• Gujarati News
  • Dvb original
  • The Logo Of Nonveg Food Has Been Changed, Now We Have To Keep The Triangle Logo Instead Of The Circle

વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે:નોનવેજ ફૂડના લોગોમાં બદલાવ કરાયો, હવે સર્કલને બદલે ત્રિકોણ લોગો રાખવો પડશે, વેગન ફૂડ માટે V આકારનો લોગો

ગાંધીનગર21 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે
  • સિમ્બોલ બદલવાની કેન્દ્રની સૂચના છતાં ગુજરાત સરકાર નિર્ણયનું અમલીકરણ કરાવવામાં ઊણી ઊતરી
  • કાયદાનું અમલીકરણ 30 દિવસમાં કરવાનું હોય છે : ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર

માંસાહારી ખાદ્ય પદાર્થોમાં દર્શાવાતા પ્રતીક (સિમ્બોલ)ને બદલીને ત્રિકોણ આકારનું પ્રતીક રાખવા માટેની સૂચના કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બર 2021માં આપી દેવામાં આવી છે. એમ છતાં કેન્દ્ર સરકારના પગલે-પગલે ચાલતી ગુજરાત સરકાર આ નિર્ણયનું અમલીકરણ કરાવવામાં ઊણી ઊતરી છે. રાજ્ય સરકાર હજુ સુધી આ કાયદારૂપી સુધારાનું ગુજરાતમાં અમલીકરણ કરાવી શકી નથી.

ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા પ્રોડક્ટ પર રાખવામાં આવતા લોગોમાં ફેરફાર કરવા માટેના કાયદામાં સુધારા કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી મહત્ત્વનો સુધારો નોન-વેજ ફૂડના પ્રતીક (સિમ્બોલ) માટે કરવામાં આવ્યો છે. નોન-વેજ ફૂડ પર અત્યારસુધી લાલ રંગનું વર્તુળ ઓળખ તરીકે રાખવામાં આવતું હતું, જેને બદલીને લાલ રંગનો ત્રિકોણ ફરજિયાતપણે રાખવા સૂચના આપવામાં આવી છે.

મૂળ અંધજનો (દિવ્યાંગો)ને પ્રતીક (સિમ્બોલ) ઓળખવામાં અડચણ પડી રહી હોવાને કારણે કેન્દ્ર સરકાર દ્વારા સિમ્બોલની અંદર ફેરફાર કરવા માટે કાયદાની અંદર જોગવાઈ કરી છે. જોકે કેન્દ્ર સરકારની સૂચના છતાં ગુજરાતમાં આ કાયદાનું અમલીકરણ હજુ સુધી નથી કરવામાં આવ્યું.

ચોથા વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસની દેશમાં ઉજવણી
વર્ષ 2019થી 7 જૂનના રોજ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે યોજવા માટેના આહવાનના ભાગરૂપે આજે ચોથી વખત વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે યોજાઈ રહ્યો છે. ચાલુ વર્ષે આ ઉજવણીના ભાગરૂપે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે આખા વિશ્વમાં યોજાય છે ત્યારે "હેલ્થી ફૂડ ફોર એ સેફર ટુમોરો" થીમ સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે.

કાયદાનું અમલીકરણ ક્યારે કરાવવું એ સત્તા રાજ્ય સરકારને અપાઈ
કેન્દ્ર સરકાર દ્વારા ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત કેટલાક સુધારા કરીને એના અમલીકરણ માટેની સૂચનાઓ આપવામાં આવી છે. જોકે આ કાયદામાં કરેલા સુધારા-વધારા ક્યારે અમલી બનાવવા એની સત્તા રાજ્ય સરકારને સોંપવામાં આવી છે, એટલે રાજ્ય સરકાર પોતાના રાજ્યની સાંપ્રત પરિસ્થિતિને અનુરૂપ પોતાના રાજ્યમાં કાયદાનું અમલીકરણ કરાવી શકે છે.

કાયદાનું અમલીકરણ 30 દિવસમાં કરવાનું હોય છે : ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર
કેન્દ્ર સરકાર દ્વારા ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત જે પણ કાયદામાં સુધારા કરાયા હોય અથવા તો નવા કાયદા બનાવ્યા હોય એનું અમલીકરણ 30 દિવસમાં સામાન્ય રીતે કરવાની જોગવાઈ એટલા માટે છે, કેમ કે મેન્યુફેક્ચરર્સને પ્રોડક્ટ પેકિંગમાં ફેરફાર કરવા સમય મળી શકે. આ અંગેની જાગૃતિ માટે સરકાર વિવિધ પ્રયાસો કરે છે. અમલીકરણ ના થાય તો આકરાં પગલાં પણ સરકાર દ્વારા ભરવામાં આવતાં હોય છે તેમ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચજી કોશિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

અમલીકરણ માટે સખત પગલાં ભરવામાં આવે : સીઈઆરસી
કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના ચીફ જનરલ મેનેજર ડૉ. અનંદિતા મહેતાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ફૂડ સેફ્ટી એક્ટમાં સુધારા કરીને એના અમલીકરણ કરવાની સૂચના આપી છે. આ સુધારાની અંદર હાલ લેબલિંગને લગતા ફેરફારો કરવામાં આવ્યા છે. અનેક સુધારા કરવામાં આવ્યા છે, એના અમલીકરણ માટેની તારીખો જતી પણ રહી છે, એટલે હવે સમય આવી ગયો છે કે સખત પગલાં ભરવામાં આવે.

લેબલિંગ કાયદામાં કેવા સુધારા કર્યા ?

  • નોન-વેજ ખોરાક માટે લાલ રંગના ડોટ બદલીને ત્રિકોણ કરાયું છે.
  • પોષણયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણ માટે એફ+ લોગો રાખવો ફરજિયાત કરાયો છે.
  • ઓર્ગેનિક ફૂડ માટે જૈવિક ભારત લોગો નક્કી કર્યો છે.
  • વેગન ફૂડ માટે V આકારનો લોગો લગાવવો ફરજિયાત કરાયો છે.
  • દીવો કરવા માટે વપરાતા તેલ માટે ક્રોસ લોગો નક્કી કરાયો છે.
અન્ય સમાચારો પણ છે...