ભાસ્કર એક્સક્લૂસિવ'હર્ષુ જરાય ન ડરતો, શાળાએથી આવી મમ્મી-મમ્મી બૂમો પાડતો':હત્યારાઓને એવું મોત આપવું જોઈએ કે તડપી ઊઠે તો જ મારા દીકરાના આત્માને શાંતિ મળે

14 દિવસ પહેલાલેખક: યજ્ઞદત્ત પરસાઈ / દેવેન્દ્ર મીણા

તે સ્કૂલથી આવીને કહેતો હતો- મમ્મી, તમારો દીકરો આવી ગયો છે. આજે શું જમવાનું છે? રોજ સાંજે પપ્પાને ફોન કરી કહેતો હતો, આજે મારા માટે શું લઈને આવશો. મારા છ વર્ષના માસૂમ હર્ષુએ કોઈનું શું બગાડ્યું હતું કે તેની તડપાવી-તડપાવીને હત્યા કરવામાં આવી. તેના ચારેય હત્યારાઓને પણ એવી જ રીતે તડપાવી-તડપાવીને મારવા જોઈએ ત્યારે હર્ષુને શાંતિ મળશે. એક મહિનો થઈ ગયો છે. તેની હત્યા કરનાર જેલમાં રોટલી ખાઈ રહ્યા છે, અમે માતા-પિતા રોજ તડપી-તડપીને મરી રહ્યાં છીએ. 8-10 દિવસમાં કાર્યવાહી પૂરી કરી તેમને ફાંસી પર લટકાવી દેવા જોઈએ.

આ એક માતાની પીડા અને ગુસ્સો છે. ઈન્દોરના પિગદમ્બરમાં 6 વર્ષના પુત્ર હર્ષ ચૌહાણની બે ભાણિયા અને તેમના મિત્રોએ મળીને 4 કરોડ રૂપિયાની ખંડણી માટે હત્યા કરી હતી. ચાર આરોપી ભાણિયા ઋતિક (પિગદમ્બર), તેનો મિત્ર વિક્રાંત (રાઉ), હરિઓમ (શાજાપુર) અને ઋતિકનો નાનો ભાઈ જેલમાં છે. આ ઘટના બાદ હર્ષની માતા રંજના ચૌહાણે પહેલીવાર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને પોતાની વાત ભાસ્કર સાથે શેર કરી. તેઓ કેમ ગુસ્સે છે, તેઓ ગુનેગારોને કેવા પ્રકારની સજા ઈચ્છે છે, તેમના પુત્રના એવા કયા શબ્દો છે, જે તેમને રોજ રડાવે છે.

માના ખોળામાં નિર્દોષ હર્ષ, સાથે પિતા અને મોટો ભાઈ.
માના ખોળામાં નિર્દોષ હર્ષ, સાથે પિતા અને મોટો ભાઈ.

'મારો દીકરો હર્ષુ બહુ હોશિયાર હતો. મોટા પુત્ર કરતાં પણ... જરાય ડરતો ન હતો. ક્યારેક રાત્રે ગામમાં લાઇટો જતી હોય અને બધા અંધારામાં ઘરની બહાર બેસી જાય ત્યારે ઘરની અંદરથી પાણી લાવવાનું કહેતાં મોટો દીકરો ના પાડે છે. છ વર્ષનો હર્ષુ કહેતો કે હું પાણી લાવીશ. તે એકલો જ અંધારામાં પણ ઘરની અંદરથી પાણી લાવતો અને બધાને પીવા માટે આપતો.

જ્યારે તે શાળાએથી ઘરે આવતો ત્યારે ઘરમાં પ્રવેશતાં જ બૂમો પાડતો હતો- મા, તમારો દીકરો આવ્યો છે. તમે આજે શું બનાવ્યું છે? પછી રમવા જતો. સાંજ પડતી ત્યારે તેને તેના પિતા યાદ આવતા. પિતા ક્યારે આવશે, તે પોતે જ ફોન કરી લેતો. તમે મારા માટે શું લાવશો? તેને ચીલી ચીઝ ગમતી. પિત્ઝા અને મોમોઝ પણ.... રોજ કોઈ ને કોઈ વાત માટે તે પિતાને ફોન કરતો. જ્યાં સુધી પપ્પા આવી ન જાય, ત્યાં સુધી ત્રણ-ચાર વાર ફોન કરતો હશે.

આવા માસૂમ દીકરાએ કોઈનું શું બગાડ્યું હશે કે તેને તડપાવીને મારી નાખ્યો. અમે અમારા ભાણિયા ઋતિક(19) અને તેના નાના ભાઈ(17)ને સગા ભાણિયાની જેમ રાખતા હતા. ક્યારેક જમતી વખતે તે આવી જતા તો તેમને પણ જોડે જમાડતા. ઘણી વખત બહારનું ખાવા માટે પૈસા પણ આપ્યા છે.

હર્ષની માતા રંજના, નાની દાદી રામકન્યા અને હર્ષની ફોઈ રૂપકાંતા ઠાકુર.
હર્ષની માતા રંજના, નાની દાદી રામકન્યા અને હર્ષની ફોઈ રૂપકાંતા ઠાકુર.

વિચારતા હતા કે માતા વિનાના બાળક છે, અનાથ જેવા છે, પરંતુ તેણે એક ક્ષણ માટે પોતાની મામી વિશે ન વિચાર્યું. જ્યારે હર્ષુ ગુમ થઈ ગયો હતો તો ઋતિક અને તેનો ભાઈ અમારી સાથે ફરતા હતા. મેં પૂછ્યું કે હર્ષુને જોયો તો તેણે કંઈ જવાબ ન આપ્યો. નાનો ભાણિયો પણ પોતાના મોટા ભાઈ ઋતિકના ષડયંત્રમાં સામેલ હતો.

મારા પુત્રને ગુજરી ગયાને એક મહિનો થઈ ગયો છે. તે લોકોને શું મળ્યું. હત્યારાઓ જેલમાં રોટલી ખાઈ રહ્યા છે અને અમે માતા-પિતા રોજ મરી રહ્યાં છીએ. મારા પુત્રને ત્યારે જ શાંતિ મળશે જ્યારે આ ચારેયને પણ આ જ રીતે ત્રાસ આપીને મારી નાખવામાં આવે.

આ ચારેય લોકોને રસ્તા વચ્ચે ચોકમાં ફાંસી આપીને લટકાવી દેવામાં આવે, જેથી મારી જેમ કોઈ બીજી મા લૂંટાઈ ન જાય. કારણ કે આ લોકો જેલથી છૂટશે તો બદલો લેશે.

નાની ઉંમરના સમજીને કોઈ પર દયા ન દાખવવી જોઈએ, આ ઉંમરમાં આ લોકો આવું કારનામું કરી શકે છે તો વિચારો મોટા થઈને શું-શું કરશે? અમે નહીં, બીજું કોઈ આ લોકોનો શિકાર બનશે. આ એક માતાની વિનંતી છે.

બેસ્ટ ફ્રેન્ડ આઘાતમાં બીમાર પડ્યો
અમારી મોટી ફોઈ ઉમાનો પુત્ર સમર્થ હર્ષુનો સારો મિત્ર હતો અને તેની સાથે શાળાએ જતો, સાથે રમવા હતા. હર્ષુ વિશે સાંભળ્યું ત્યારથી તે આઘાતમાં છે. હર્ષુ ગુમ થવાને કારણે તે બીમાર પડી ગયો છે. તાવના કારણે શાળાએ પણ જતો નથી.

આટલું જ નહીં, હર્ષુનો મોટો ભાઈ નવ વર્ષનો લક્ષ્ય એટલો ગુસ્સે છે કે તે પણ મારી નાખવાની વાત કરે છે. તે પૂછે છે- મમ્મી, શું થયું ભય્યુને…. તે કહે છે કે જો આ લોકો (હત્યારાઓ) મારી સામે આવશે તો હું તેમને મારી નાખીશ.

ઘરની સામે જ રમતો હતો
5મી ફેબ્રુઆરી રવિવાર હતો. રજાને કારણે હર્ષુ ટ્યૂશનમાં ગયો ન હતો અને ઘરે રમી રહ્યો હતો. સાંજે અમારા ભાણિયા વિજેન્દરનો ભાણિયો ઋતિક (19) અમારા ઘરે આવ્યો હતો. તે ખૂબ જ ભાગ્યે જ આવતો હતો. એ દિવસ અચાનક આવ્યો ત્યારે અમે તેને ચા પીવડાવી. તેણે એક કપ ચા પીધી ત્યાર પછી બીજો કપ માગ્યો અને ફરી પીધી.

એ પછી તે ચાલ્યો ગયો. તેના ગયા પછી હર્ષુ પણ દેખાતો નહોતો, પણ અમને લાગ્યું કે તે ક્યાંક બહાર સાઇકલ ચલાવતો હશે, આવશે થોડીવારમાં. મેં જોયું તો હર્ષુનો ચાનો કપ પણ ભરેલો હતો એટલે કે તેણે ચા પણ પીધી ન હતી. ચા કેમ ન પીધી... તેને પૂછવા માટે શોધવાનું શરૂ કર્યું, ત્યારે તે ન મળ્યો. અમને એક સેકન્ડ માટે પણ ખ્યાલ ન આવ્યો કે ઋતિક તેને લઈ ગયો છે.

પિગદમ્બરમાં હર્ષનું ઘર, જ્યાં ઘટના બાદ બહાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
પિગદમ્બરમાં હર્ષનું ઘર, જ્યાં ઘટના બાદ બહાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

ડર એટલો છે કે ઘરની બહાર CCTV કેમેરા લગાવવા પડ્યા
આ બનાવથી પરિવાર સહિત ગ્રામજનો અંદરોઅંદર હચમચી ગયા છે. આ ઘટના કલ્પના બહારની હતી, તેથી હવે હર્ષુના ઘરની બહાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ગામના અન્ય પરિવારોએ પણ બાળકો પર નજર રાખવા કેમેરા લગાવ્યા છે. હર્ષુના પિતા જિતેન્દ્રનું કહેવું છે કે આ ઘટના બાદ તે એટલા ડરી ગયા છે કે લોકો બાળકોને ટ્યૂશન માટે 50 ડગલાં દૂર પણ એકલાં જવા દેતા નથી. જાતે લેવા અને મૂકવા જાય છે.

ભાણિયાએ કહ્યું- મામા, મેં કંઈ નથી જોયું
હર્ષુના પિતા જિતેન્દ્રએ જણાવ્યું કે આટલી મોટી ઘટના બની ગઈ, પરંતુ ભાણિયા ઋતિકને હજુ પણ કોઈ અફસોસ નથી. ઘટના પછી હું એક વખત પોલીસ સ્ટેશનમાં રૂબરૂ થયો હતો, પરંતુ તેણે કહ્યું, મામા મેં કંઈ નથી કર્યું. તેને અફસોસ પણ નથી.

આરોપીએ નાના ભાઈને કહ્યું હતું કે આપણી લાઈફ બની જશે
ઘટનાને અંજામ આપ્યા પછી ભાણિયા ઋતિકે પોતાના નાના સગીર ભાઈને પણ સામેલ કર્યો. નાનો ભાઈ મામા જિતેન્દ્રના પરિવારથી વધુ ગાઢ હતો, આથી પહેલા તે માન્યો નહીં, પરંતુ ઋતિકે તેનું બ્રેઇનવોશ કર્યું અને કહ્યું કે કંઈક મોટું કરીશું તો લાઇફ બની જશે. આટલું જ નહીં, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ખંડણીના રૂપિયાથી ઋતિકે મોટી-મોટી ગાડીઓ ખરીદીને તેને ભાડે આપવાની વાત નાના ભાઈને કહી હતી, જેથી તે સાથ આપવા તૈયાર થઈ ગયો.

ગળું દબાવી લાશને જંગલમાં ફેંકી દીધી હતી
આરોપી વિક્રાંત હર્ષુ સાથે ચોરલના જંગલમાં ગયો હતો. આ દરમિયાન તે આરોપી ઋતિકના સંપર્કમાં રહ્યો. ઋતિક તેને વ્હોટ્સએપ પર ઘરે શું ચાલી રહ્યું છે તેની માહિતી આપતો હતો. એકવાર વિક્રાંતે હર્ષુનો અવાજ પિતા જિતેન્દ્રને સંભળાવ્યો, પછી ફરી ખંડણી માટે ફોન કર્યો ને સ્વિચ ઓફ કરી દીધો. આરોપીએ પોલીસને જણાવ્યું કે તેણે હર્ષુના મોં પર ટેપ બાંધીને તેનું ગળું દબાવ્યું હતું. બાદમાં લાશને બાઈ ગામના જંગલમાં ફેંકી દેવામાં આવી હતી.

રેલવે ક્રોસિંગ પર લાગેલા CCTV ફૂટેજમાં હર્ષ આરોપી ઋતિક સાથે જોવા મળ્યો હતો.
રેલવે ક્રોસિંગ પર લાગેલા CCTV ફૂટેજમાં હર્ષ આરોપી ઋતિક સાથે જોવા મળ્યો હતો.

આરોપી સુધી આવી રીતે પહોંચી હતી પોલીસ
પરિવાર તરફથી બાળકના અપહરણની માહિતી મળતાં પોલીસે સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા હતા. પહેલું ફૂટેજ રેલવે ક્રોસિંગ પરથી મળ્યું હતું, જેમાં હર્ષુ એક યુવક સાથે ચાલતો જોવા મળ્યો હતો. જ્યારે ફૂટેજ પિતાને બતાવવામાં આવ્યો ત્યારે તેમણે પુષ્ટિ કરી કે બાળક હર્ષુ છે. તેની સાથે આવેલા છોકરાનો દેખાવ ઋતિક જેવો જ વર્ણવવામાં આવ્યો હતો. પરિવાર પણ સ્તબ્ધ હતો કે ઋત્વિક અહીં છે અને બાળકને શોધી રહ્યો છે, તો તે ત્યાં કેવી રીતે હોઈ શકે, પરંતુ પોલીસે તરત જ ઋતિકને ગામમાંથી જ ઝડપી લીધો.

ઋતિકની કડકાઈથી પૂછપરછ કરી તો તે ભાંગી પડ્યો. પોલીસને જણાવ્યું કે તેણે હર્ષુને વિક્રાંતને સોંપ્યો હતો. તે ખંડવા તરફ ગયો છે. જ્યારે વિક્રાંતનો નંબર સર્વેલન્સ પર મૂકવામાં આવ્યો ત્યારે તેનું લોકેશન ઓમકારેશ્વર રોડની આસપાસ મળી આવ્યું હતું. જ્યારે તેની કારના નંબરના આધારે તલાશી લેવામાં આવી ત્યારે રસ્તામાં હોટલની બહાર એક અલ્ટો કાર મળી આવી હતી. પોલીસે તેને હોટલમાંથી પકડી લીધો અને હર્ષુ વિશે પૂછ્યું, જેના પર તેણે કહ્યું કે તે પહેલા જ તેને મારી ચૂક્યો છે.

પોલીસ આ અઠવાડિયે ચલણ રજૂ કરી શકે છે
આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તમામનાં નિવેદનો અને પુરાવા એકત્ર કરવામાં આવ્યાં છે. આ અઠવાડિયે પોલીસ કોર્ટમાં ચલણ રજૂ કરે એવી શક્યતા છે. પીડિતાનો પરિવાર વારંવાર એક જ વાત કહી રહ્યો છે કે વહેલી તકે ટ્રાયલ પૂર્ણ થવી જોઈએ અને આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. બધા સરખા દોષિત છે.

હર્ષ ચૌહાણ.
હર્ષ ચૌહાણ.
અન્ય સમાચારો પણ છે...