ભાસ્કર એક્સક્લૂઝિવ:ગ્રાન્ટેડ માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની બદલીનું કોકડું ગૂંચવાયું, 12 હજાર શિક્ષક ધક્કા ખાઈને થાક્યા

ગાંધીનગર18 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે
  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની બદલીનો મુદ્દો પોતાના હસ્તક લેવામાં સરકારના ઠાગાઠૈયા
  • સરકાર ભરતી તો કરે છે, પણ બદલીના કોઈ નિયમ જ લાગુ નથી
  • ટ્રસ્ટના નિયમોને આધીન ભરતી હોવાથી બદલી થવાની શક્યતા ઓછી: શિક્ષણ વિભાગ

ગુજરાત શિક્ષણ વિભાગ મોટા ઉપાડે રાજ્યના પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો ઉકેલીને મોટી-મોટી જાહેરાતો તો કરી રહ્યો છે, પરંતુ દીવા તળે જ અંધારા જેવી સ્થિતિ છે. રાજ્યના ગ્રાન્ટેડ બિનસરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની બદલીના પ્રશ્નો મુદ્દે હાથ પકડવા જ તે તૈયાર નથી. રાજ્યના 12 હજાર કરતાં વધુ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા અવારનવાર આ અંતર્ગત રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે પૂર્વ સરકારે તો આ અંગે કોઈ પગલાં ભર્યાં જ નથી, પરંતુ છેલ્લા 9 મહિનાથી શાસન કરી રહેલી નવી રાજ્ય સરકાર પણ આળસ દાખવી રહી છે.

ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 11-2-2011 અગાઉ ભરતીના નિયમો અલગ હતા. જે-તે સમયે સંચાલક મંડળ ભરતી કરતું હતું. જોકે વર્ષ 2016માં આ નિયમોને કોર્ટમાં પડકારવામાં આવતાં એના ચુકાદાને આધીન સરકારે ભરતીના નિયમોમાં ફેરફાર કરીને ભરતીની સત્તા પોતાના હસ્તક લઈ લીધી. કેન્દ્રીય કૃત ભરતીનો નિયમ આવતાં મેરિટને આધીન જ્યાં નોકરી મળે ત્યાં જવું પડે, જેને કારણે વતનથી દૂર ભરતી લેવી પડે અને નિવૃત્તિ સુધી એ જ શાળામાં રહેવું પડે એ પ્રકારનો નિયમ લાગુ થયો. એ નિયમ મુજબ, હાલ સુધી એ જ પદ્ધતિથી ભરતીપ્રક્રિયા ચાલી રહી છે.

ભરતી નિયમો તો લાગુ કર્યા, પરંતુ બદલીના નિયમોની જોગવાઈ જ ભુલાઈ ગઈ
ભરતી નિયમ પ્રમાણે, સરકારે વર્ષ 2016થી સંચાલક મંડળ પાસેથી ભરતીપ્રક્રિયા તો હસ્તક કરી અને મૂળ નિયમોમાં તો સુધારો કર્યો, પરંતુ વિનિમયમાં સુધારો કરવાનો મુદ્દો જ ઉલ્લેખ્યો નહિ. જો નિયમોમાં ફેરફાર કરતી વખતે બદલીને લગતી જોગવાઈ કરી હોત તો ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની બદલીની સમસ્યા ઉદ્ભવી ના હોત.

સમસ્યા કેવી રીતે ઉકેલાઈ શકે ?
સરકાર દ્વારા બદલી પ્રક્રિયાના નિયમો કરવા હોય તો તેણે જ આ અંગે શરૂઆત કરીને સંચાલક મંડળ સાથે ચર્ચા કરવી પડે તેમજ માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિમયમાં સુધારો કરવો પડે. જો આ સુધારો કરવામાં આવે તો 12 હજાર શિક્ષકને પડી રહેલી સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.

જૂના શિક્ષકની ભરતી જ વર્ષ 2009થી બંધ છે
ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 1:3ના પ્રમાણમાં ભરતી કરવાનો અગાઉ નિયમ હતો. નિયમ પ્રમાણે 1 જૂના શિક્ષક સામે 3 નવા શિક્ષકની ભરતી કરવાની હોય છે. જોકે વર્ષ 2009 બાદ રાજ્ય સરકારે જૂના શિક્ષકની ભરતી જ નથી કરી એવી જાણકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગમાંથી જાણકારી મળી રહી છે.

પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમમાં સરકારે સુધારા કર્યા
નવી સરકારના વિભાગીય 100 દિવસમાં કામ કરવાના હેતુ અન્વયે પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોમાં સુધારા કર્યા હતા, જેમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પ્રાથમિક શાળાના શિક્ષકો પાસે જવાની તક મળી શકે છે તેમજ પતિ-પત્નીના કિસ્સાનો લાભ મળવાની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

12 હજાર શિક્ષકને સમસ્યા - અધ્યક્ષ, ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ
ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને પડી રહેલી સમસ્યા અંતર્ગત રાજ્ય સરકારને અનેકવાર રજુઆત કરવામાં આવી છે. 12 હજાર જેટલા એવા શિક્ષકો છે, જેઓ પોતાના વતનથી દૂર નોકરી કરે છે. આ સમસ્યાનું નિવારણ થાય એ માટે મંત્રણા ચાલુ છે અને રજૂઆતો પણ ચાલુ છે તેમ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ મિતેષ ભટ્ટે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

ટ્રસ્ટ આધારિત નિમણૂક છે એટલે બદલીની શક્યતા ઓછી છે - શિક્ષણ વિભાગ
માધ્યમિક શિક્ષકોનું કોકડું એટલા માટે ગૂંચવાશે, કેમ કે આવા શિક્ષકો સીધા સરકારના કર્મચારી ગણવામાં આવતા નથી, પરંતુ આ તમામ લોકો ટ્રસ્ટના કર્મચારી ગણાય છે. આ શિક્ષકોને ટ્રસ્ટના નિયમો લાગુ પડે છે. શિક્ષકો જ્યારે ભરતી થયા એ સમયે તેમને ખ્યાલ જ હતો કે કાયમ એક જ સ્થળે નોકરી કરવાની છે. ટ્રસ્ટના બંધારણની જોગવાઈ મુજબ ભરતી થાય છે, એટલે બદલીપાત્ર નોકરી નથી. જો બદલી કરવાની થાય તો એક ટ્રસ્ટમાંથી બીજા ટ્રસ્ટમાં તેમની બદલી કરવી પડે. બંને ટ્રસ્ટ બદલી માટેની માન્યતા રાખે એવી શક્યતા ઓછી હોવાથી શિક્ષકોની બદલી કરવી અઘરી થઈ જાય છે એમ શિક્ષણ વિભાગ આ સમસ્યા મુદ્દે જણાવી રહ્યો છે.

પરિવાર હેરાનગતિ ભોગવે છે: રાહી ઝા, શિક્ષિકા
સરકારી શિક્ષકોની જેમ અમારી ભરતી થઈ છે. સરકારે ભરતી આપી એટલે તેમનો આભાર, પરંતુ ભરતી નામનો શબ્દ સરકાર ભૂલી ગઈ છે. સરકારના દરેક વિભાગમાં બદલી થાય છે તો અમારા માટે કેમ નિયમ લાગુ નથી થતા ? જો બંધારણમાં ફેરફાર થાય તો વિનિમયમાં કેમ સુધારા ના થઈ શકે ? સામાજિક જીવન ખોરવાઈ ગયું છે અને પરિવાર હેરાનગતિ ભોગવે છે. બીજા વિભાગની જેમ અમને પણ બદલી આપો એવી અમારી વિનંતી છે.

અમારી તકલીફનું નિવારણ કરો: દિનેશ પટેલ, શિક્ષક
વર્ષ 2016થી ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં નોકરી કરું છું. અમને બદલી મળતી નથી. બદલી ના મળવાને કારણે ઘરમાં પ્રશ્નો ઊભા થયા છે. અગાઉ સંચાલક મંડળ ભરતી કરતું હતું, પરંતુ વર્ષ 2016થી સરકારે ભરતી શરૂ કરી છે, પણ અમને બદલીનો લાભ મળતો નથી. અમે અમારા વતનથી દૂર નોકરી કરીએ છીએ. અમારી એક જ વિનંતી છે કે અમારી તકલીફનું નિવારણ કરો.

દીકરીને સાચવી નથી શકતી: ઉર્વશી પરમાર, શિક્ષિકા
મારા વતનથી 150 કિ.મી. દૂર હું હાલ નોકરી કરી રહી છું. સરકારને વિનંતી છે કે કેન્દ્રીયકૃત ભરતી કરીને લોકોને રોજગાર આપ્યો છે એ સારી વાત છે, પરંતુ અમને બદલીનો લાભ આપે. મારી સમસ્યા એ છે કે મારી દીકરીની પૂરી જવાબદારી મારી પર છે, પરંતુ આ નોકરીને કારણે દીકરીને સાચવી નથી શકતી અને એનાથી દૂર રહું છું. સરકાર આ મુશ્કેલી દૂર કરી આપે એવી વિનંતી છે.

માતાને શારીરિક સમસ્યા, સાથે રહેવું જરૂરી: અસ્મા જાદવ, શિક્ષિકા- દાહોદ
વતનથી 500 કિ.મી. દૂર નોકરી કરું છું. મારી માતાને શારીરિક સમસ્યા છે, જેથી તેમની સાથે રહેવું જરૂરી છે. નોકરીના સ્થળથી ઘરનું અંતર ઘણું દૂર છે, એટલે આકસ્મિક સંજોગોમાં તેમની પાસે જવું અઘરું પડી જાય છે. નોકરી છોડી શકાય એમ નથી. સરકારને નમ્ર વિનંતી કે બદલીની એક તક આપે.

અન્ય સમાચારો પણ છે...