ભાસ્કર એક્સક્લૂસિવભાજપ સામે હરીફાઈ વધી:રાજ્યમાં આમ આદમી પાર્ટીનો વધતો વ્યાપ ભાજપ માટે માથાના દુખાવા સમાન

ગાંધીનગર18 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે

ગુજરાતમાં સતત 27 વર્ષથી શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટી સામે આ વખતે ખરેખર એક અલગ પ્રકારનો પડકાર છે અને એ આમ આદમી પાર્ટી ફેંકી રહી છે. આમ આદમી પાર્ટીનો ગ્રામ્ય સ્તરે વધતો જતો વ્યાપ એ હવે ભાજપ માટે ચિંતાનો વિષય બની ગયો છે.

AAP વિસ્તરતી ગઈ અને સંગઠન રોકી ન શક્યું
આમ આદમી પાર્ટી(AAP) ગ્રામ્ય સ્તરે જે રીતે વિસ્તરી રહી છે એ રીતે હવે દેખીતી રીતે જોઈએ તો આપની લોકચાહના વધતી જતી હોય એમ લાગે છે. અત્યારસુધીમાં ગ્રામ્ય સ્તરે વોટ બેંક કોંગ્રેસતરફી હોવાનું મનાઈ રહ્યું હતું, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને છુટ્ટા હાથે જે રીતે પ્રજાએ મેન્ડેટ આપતાં લોકોએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો હોવાનું જોવા મળ્યું. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ AAPએ કરેલી મહેનતને આધારે ગ્રામ્ય સ્તરે એની લોકચાહના વધતી જઈ રહી છે. ત્યારે AAP વિસ્તરતી ગઈ અને સંગઠન રોકી શકવા સક્ષમ ના રહ્યું એમ પણ લાગી રહ્યું છે.

સરકારી યોજના અને લોકોને મળતા લાભ મુદ્દે પ્રચાર કરવા સૂચના
ભારતીય જનતા પાર્ટી ચૂંટણીપ્રચાર માટે હવે સરકારે લાગુ કરેલી યોજના તેમજ એના થકી લોકોને મળતા લાભ જેવા મુદ્દા પર પ્રચાર કરવા માટે આગળ વધી રહી છે. આ માટે દરેક મંત્રીઓ તેમજ સંગઠનના પદાધિકારીઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે.

AAP વધવા પાછળ સ્થાનિક સ્તરે ભાજપ સંગઠનનો આંતરિક વિખવાદ પણ જવાબદાર
ભારતીય જનતા પાર્ટીમાં સ્થાનિક સ્તરે જે રીતે ગ્રુપીઝમની શરૂઆત થઈ છે ત્યારે પ્રજાની એન્ટીઇન્કમ્બન્સી કરતાં પાર્ટીમાં ચાલી રહેલી આંતરિક જૂથબંધી રોકવી પાર્ટી માટે અઘરી સાબિત થઈ રહી છે. AAP જે રીતે સ્થાનિક, એટલે કે ગ્રામ્ય સ્તરે વિસ્તરી રહી છે એની પાછળ ભાજપ સંગઠનની આંતરિક જૂથબંધી પણ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.

વડાપ્રધાને કોર કમિટીની અધ્યક્ષતા લેવી પડી
વડાપ્રધાન તાજેતરમાં ગુજરાત મુલાકાતે આવ્યા હતા ત્યારે ગાંધીનગર ખાતે કાર્યક્રમ પૂરો કર્યા બાદ સીધા જ તેઓ કમલમ ગયા હતા, જ્યાં કોર કમિટીના સભ્યો સાથે અઢી કલાક સુધી બેઠક કરી હતી. પ્રદેશ નેતૃત્વ તો આ એક સહજ મુલાકાત ગણાવી રહ્યા છે, પરંતુ વડાપ્રધાન કક્ષાએથી થતી બેઠક સહજ ના હોઈ શકે એ વાત સૌ કોઈ સમજી શકે છે. આમ, પ્રદેશ સંગઠન આમ આદમી પાર્ટીને ગુજરાતમાં પ્રસરતી રોકવામાં નિષ્ફળ હોવાની ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

ભાજપ કોંગ્રેસમુક્ત ગુજરાત કરવાની લાયમાં AAPની ગુજરાત એન્ટ્રી
વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે કે નહિ એનો મદાર મતદાર પર છે, પરંતુ જે રીતે ગુજરાતમાં હાલની રાજકીય સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ભાજપ સંગઠન કોંગ્રેસમુક્ત ગુજરાત કરવાની દોટ મૂકી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં કોંગ્રેસના અનેક મોટાં માથાં ભાજપમાં જોડાયાં છે. આમ, ભાજપ સંગઠનના નેતાઓ કોંગી આગેવાનોને ભાજપમાં સમાવવામાં વ્યસ્ત રહ્યા અને આ તક મેળવી AAPએ ગુજરાતમાં પગપેસારો શરૂ કર્યો.

AAP ને મોકળું મેદાન મળવા પાછળ ભાજપની પ્રતિક્રિયા આપવાની આળસ?
જ્યારે જ્યારે પણ AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે કોઈક ને કોઈક એવા નિવેદન જરૂર આપે છે, જેમાં સરકાર કે સંગઠન બચાવ મુદ્રામાં આવી જાય છે. જોકે સંગઠન દ્વારા કેજરીવાલનાં અનેક નિવેદન સામે કોઈ પ્રતિક્રિયા નથી આપી, ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોકળું મેદાન મળતું જતું હોય એમ માનવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...