સરકાર બચી ગઈ. દેશની તમામ સરકાર બચી ગઈ. મંત્રી કોઈપણ હોય, ગમે તેવું નિવેદન આપે, આના માટે સરકાર જવાબદાર નહીં રહે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે કહ્યું હતું કે વ્યક્તિની બોલવાની સ્વતંત્રતા વ્યક્તિની પોતાની હોય છે. આના માટે કોઈપણ મંત્રી કોઈ બેજવાબદારી ભરેલું નિવેદન આપે છે, તો એના માટે તેઓ પોતે જવાબદાર રહેશે.
વાસ્તવમાં મંત્રીઓ અથવા જાહેર હોદ્દા પર બેઠેલી વ્યક્તિના વાંધાજનક નિવેદનનો મામલો હતો. અરજીમાં માગ કરવામાં આવી હતી કે જવાબદાર હોદ્દાઓ પર બેઠેલી વ્યક્તિનાં બેજવાબદાર નિવેદનો પર પ્રતિબંધ લગાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે બોલવાની સ્વતંત્રતા પર વધુ પ્રતિબંધ લગાવી ન શકાય.
સાચું પણ છે, પરંતુ મંત્રીઓ અથવા જવાબદારોએ પોતાના પર જાતે જ પ્રતિબંધ લગાવવો જોઈએ. શું તે લોકો આ પ્રકારના હોદ્દા પર બફાટ કરવા બેઠા છે? લોકોની વચ્ચે અથવા મીડિયામાં ચર્ચાનો વિષય બનવા આ પ્રકારનાં ફાલતુ નિવેદનો આપતા હોય છે. ક્યારેક તો પોતાના હાઇકમાન્ડને ખુશ કરવા આ પ્રકારના નિવેદન આપતા હોય છે.
ચોંકાવનારી વાત એ પણ છે કે તેઓ ખુશ પણ થતા હોય છે. સત્તાવાર રીતે પાર્ટી નિવેદન જાહેર કરીને કહે છે કે આ તેમનું વ્યક્તિગત નિવેદન છે. પાર્ટી સાથે તેને કોઈ લેવા-દેવા નથી, પરંતુ થોડા સમય પછી આપણે જોતા હોઈએ છીએ કે તે ફાલતુ નિવેદનને કારણે તે નેતાને પ્રમોશન મળી ગયું હોય છે. આવામાં બિનજરૂરી નિવેદનો કેવી રીતે અટકશે.
રાજનીતિમાં જ્યાં સુધી શૈક્ષણિક યોગ્યતા નક્કી નહીં થાય, ત્યાં સુધી આવાં નિવેદનો પર પ્રતિબંધ લાગાવવો મુશ્કેલ છે. એવું નથી કે ભણેલા નેતા બિનજરૂરી નિવેદન નથી આપતા, પરંતુ કોઈ તો નિયમ-કાયદો હોવો જોઈએ, જેને કારણે આવાં બિનજરૂરી નિવેદનો પર પ્રતિબંધ લાગે. બીજો ઉપાય શું છે?
પાંચ જજની બંધારણીય બેંચનાં એક જજે જરૂરથી કહ્યું હતું કે જો કોઈ મંત્રી આપત્તિજનક નિવેદન આપે છે, તો એના માટે તેમની સરકારને કેમ જવાબદાર ન ગણવી જોઈએ? જોકે આ વાત દરેક કેસમાં અલગ લાગું પડે છે. કયા નિવેદન પર સરકાર જવાબદાર હશે અને કયા નિવેદન પર નહીં, એ જે-તે સમયે જ નક્કી થઈ શકે છે.
હવે મંત્રીઓનાં ખોટાં નિવેદનોથી સરકારો મુક્ત થઈ ગઈ છે અને મંત્રીઓ પહેલાંથી જ આઝાદ પક્ષી હતા. હવે તો વધુ આઝાદી મળી ગઈ છે. આ આઝાદીનો ઉપયોગ જનતાના હિત માટે કરવો જોઈએ. સભ્ય ભાષા બોલવાના રૂપમાં કરવો જોઈએ, જેથી લોકોના મનમાં જગ્યા બનાવી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.