આ ઉનાળામાં જે પ્રકારે ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે એવો જ તાપ આમજનતાને લાઇટ બિલમાં પણ લાગશે. ગુજરાત સરકારના પોતાના પાવર પ્લાન્ટ ખરાબ સ્થિતિમાં છે અને એને કારણે સરકારને વીજમાગને પૂરી કરવા માટે ઓપન માર્કેટમાંથી ઊંચા ભાવે વીજળી ખરીદવી પડી રહી છે. ગુજરાત ટ્રેડિશનલી પાવર સરપ્લસ સ્ટેટ ગણાય છે. રાજ્યની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 29,000 મેગાવોટથી વધારેની છે, એમ છતાં પ્રાઇવેટ કંપનીઓ અને એનર્જી એક્સચેન્જ પરથી રૂ. 6થી 14 પ્રતિ યુનિટના મોંઘા ભાવે વીજળી ખરીદવી પડે છે. સરકારે ચાલુ વર્ષ માટે વીજદરમાં વધારો કર્યો નથી, પણ જે પ્રકારે ઊંચા ભાવે પાવર ખરીદવો પડી રહ્યો છે એને કારણે સરકાર પાછલા બારણે લાઇટ બિલમાં વધારો કરી રહી છે.
ખાનગી ઉત્પાદકોના કરાર કરતાં ઊંચા ભાવે સપ્લાય
છેલ્લાં 2-3 વર્ષથી આયાતી કોલસાના સપ્લાય અને એના ભાવને કારણે કોલ-બેઝ્ડ પાવરનું ઉત્પાદન ઘણું જ મોંઘું થયું છે અને ઉત્પાદકોને પણ એની અસર થઈ છે. ગુજરાત સરકારે અદાણી, એસ્સાર, ટાટા જેવી કંપનીઓ સાથે રૂ. 2.50થી લઈને રૂ. 4 પ્રતિ યુનિટના ભાવે 25 વર્ષના લાંબા ગાળાના પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA) કરેલા છે, પરંતુ કોલ ઇસ્યુને કારણે બે વર્ષથી કંપનીઓ નિયમિત રૂપે સપ્લાય કરતી નથી, સાથે જ તાજેતરમાં રાજ્ય સરકારે રેટ રિવાઇઝ કરી રૂ. 6.22થી 7.08 પ્રતિ યુનિટ કર્યા છે. આ રીતે જોઈએ તો નિયત થયેલા કરાર કરતાં આ ભાવ લગભગ બમણા છે.
લોકો પર રૂ. 900 કરોડથી વધુનો બોજો પડશે
એનર્જી અને રેગ્યુલેટરી એક્સપર્ટ કે. કે. બજાજે જણાવ્યું હતું કે ઉનાળામાં વીજમાગ એકદમ વધી જવાથી સરકાર ખાનગી કંપનીઓ અને એક્સચેન્જ પરથી રૂ. 20 પ્રતિ યુનિટ સુધીના ભાવે વીજળી ખરીદતી હતી. જોકે બાદમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશને (GERC) એમાં લિમિટ બાંધી હોવાથી સરકાર ઓપન માર્કેટમાંથી રૂ. 12 પ્રતિ યુનિટના ભાવે વીજળી ખરીદી રહી છે. પ્રાઇવેટ કંપનીઓ અને એક્સચેન્જ પાસેથી વીજળી ખરીદવી પડતી હોવાને કારણે પ્રજા પર આશરે રૂ. 910 કરોડથી વધુનો બોજો પડશે.
અંદાજે 5000 મેગાવોટની વીજળી એક્સચેન્જ પરથી ખરીદી
એનર્જી ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ નામ ન દેવાની શરતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ગુજરાતમાં ઘણા સમયથી પાવરની સમસ્યા છે. કોલસા આધારિત પાવર પ્લાન્ટમાં વીજ ઉત્પાદનખર્ચ વધવાથી ખાનગી કંપનીઓ તરફથી સપ્લાય અનિયમિત બની હતી. બીજી તરફ, ઉનાળાને કારણે વીજ માગ વધવાથી એક્સચેન્જ પરથી રોજ 5000-6000 મેગાવોટ પાવર ખરીદવો પડે છે. સરકાર આના માટે રૂ. 8-14 પ્રતિ યુનિટ ચૂકવે છે.
પ્રજાને આડકતરી રીતે ભાવવધારો લાગુ પડશે
સરકારે 2022-23 માટે વીજળીના દરમાં કોઈ વધારો કર્યો નથી, પણ જે પ્રમાણે મોંઘા ભાવે વીજળી ખરીદવામાં આવી રહી છે એને કારણે આ ખર્ચ પાવર પર્ચેઝ પ્રાઇસ એડજસ્ટમેન્ટ (FPPPA) ચાર્જ દ્વારા ગ્રાહકો પર નાખવામાં આવે છે, એટલે કે આ વખતે ઉનાળા દરમિયાન જે લાઇટ બિલ આવે એમાં ફ્યુઅલ કોસ્ટમાં કોઈ વધારો નહીં હોય, પણ FPPPAના નામે ગ્રાહકોનું વીજ બિલ વધી જશે.
શું છે વર્તમાન સ્થિતિ?
ઉનાળા દરમિયાન ગુજરાતમાં દૈનિક 19,000-20,000 મેગાવોટ વીજળીની માગ રહે છે. એની સામે થર્મલ, ગેસ, હાઇડ્રો અને એટોમિકનું સરકારનું પોતાનું ઉત્પાદન 8,000 મેગાવોટ આસપાસ થાય છે, બાકીના પાવર માટે અદાણી, એસ્સાર, ટાટા અને એનર્જી એક્સચેન્જ પર નિર્ભર રહેવું પડે છે.
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)ના મેનેજિંગ ડિરેક્ટર એમ. પ્રસન્ના કુમારના જણાવ્યા પ્રમાણે, રાજ્યના કોલ-બેઝ્ડ પાવર પ્લાન્ટમાં 4510 મેગાવોટની ઉત્પાદનક્ષમતા છે અને હાલમાં ઘરેલુ તેમજ આયાતી કોલસાનો સપ્લાય નિયમિત હોવાથી પાવર જનરેશન ફુલ કેપેસિટીમાં થઈ રહ્યું છે. ગેસ આધારિત પાવર પ્લાન્ટમાં ઉત્પાદન નથી થતું, જ્યારે નદીના જળસ્તર આધારે હાઈડ્રો પાવરનું ઉત્પાદન થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.