• Gujarati News
  • Dvb original
  • The Dharavi Model Was Being Praised All Over The World, So What Happened Suddenly That Corona Exploded Again?

એશિયાના સૌથી મોટા સ્લમથી ગ્રાઉન્ડ રિપોર્ટ:ધારાવી મોડલના દુનિયાભરમાં વખાણ થઈ રહ્યાં હતાં, તો અચાનક એવું શું થયું કે ફરી કોરોનાબ્લાસ્ટ થઈ ગયો?

મુંબઈએક વર્ષ પહેલાલેખક: અક્ષય બાજપેયી
  • ધારાવીમાં 3 હજારથી વધુ કોરોનાના કેસ થઈ ગયા, દસ દિવસથી ફરી ઝડપથી વધવા માંડ્યા દર્દીઓ, 180થી વધુ એક્ટિવ કેસ, જૂનમાં અહીં કોરોના પર નિયંત્રણ આવી ગયું હતું
  • એશિયાનો સૌથી મોટો સ્લમ કહેવાતા ધારાવી વિસ્તારમાં 10 લાખથી વધુ લોકો રહે છે, મોટા ભાગનાં ઘરોમાં એક જ રૂમ
  • અહીંના લોકો પાસે વર્ક ફ્રોમ હોમ જેવો કોઈ ઓપ્શન જ નથી, કહે છે કે કોરોનાથી બચી ગયા તો ભૂખથી મરી જઈશું, એટલા માટે નીકળવું જરૂરી છે.

ધારાવી... આ નામ સાંભળતાંની સાથે જ મગજમાં ઝૂંપડપટ્ટીઓની તસવીર બનવા લાગે છે. લગભગ 2.5 ચો. કિમીમાં ફેલાયેલા એશિયાના સૌથી મોટા આ સ્લમમાં 10 લાખથી વધુ લોકો રહે છે. એપ્રિલમાં અહીં કોરોનાનો બ્લાસ્ટ થયો હતો, પરંતુ જૂન સુધી વાઈરસ પૂરી રીતે કાબૂમાં આવી ગયો હતો. એટલા માટે ‘ધારાવી મોડલ’ની ખૂબ જ ચર્ચા થઈ હતી. હવે એકવાર ફરી અહીં કોરોનાની બીજી લહેર આવતી જોવા મળી રહી છે. ધારાવીમાં કોરોનાના કેસ 3 હજારને પાર કરી ચૂક્યા છે. છેલ્લા 10 દિવસથી દર દિવસે બે આંકડામાં કેસ વધી રહ્યા છે. હાલ 180થી વધુ કેસ છે. એવામાં અમે ધારાવી પહોંચ્યા અને જોયું તો કોરોનાને અટકાવનારું ‘ધારાવી મોડલ’ શું હતું, હવે શી પરિસ્થિતિ છે અને લોકો કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.

ધારાવીમાં પાક્કાં ઝૂંપડાં છે, જે ઊંચાઈ પરથી આવાં દેખાય છે.
ધારાવીમાં પાક્કાં ઝૂંપડાં છે, જે ઊંચાઈ પરથી આવાં દેખાય છે.

સાંકળી શેરીઓ, નાના રૂમ.. રૂમમાં જ રસોડું અને વાસણ ધોવાની પણ એક જગ્યા. એક જ ઘરમાં રહેતા સરેરાશ પાંચથી સાત લોકો. ઘણામાં તો 12થી 15 લોકો રહે છે. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરવી ખોટી છે, કારણ કે જગ્યા જ એટલી ઓછી છે કે એકબીજાથી અંતર રાખવું મુશ્કેલ છે. મોટા ભાગના ઘરમાં એક જ રૂમ છે. સાઈઝ દસ બાય દસ ફુટ હશે. જોકે અહીં ઝૂંપડાં કાચાં નથી, પાક્કાં છે. ગુરુવારે સવારે 10 વાગ્યે જ્યારે અમે અહીં પહોંચ્યા તો ધારાવી પહેલાંની જેમ જ જોવા મળ્યું. બજાર ખુલ્લાં હતાં. લોકો કામ ધંધા પર નીકળી રહ્યા હતા. માસ્ક તો ગણ્યાગાંઠ્યા લોકોના ચહેરા પર જોવા મળતું હતું. હેન્ડ સેનિટાઈઝર જેવી વસ્તુ ભાગ્યે જ કોઈ ઉપયોગમાં લેતું હશે. હા. પણ આ વખતે ધારાવીમાં સાફસફાઈ જોવા મળી. અહીંના લોકોમાં હવે કોરોનાની સહેજ પણ બીક નથી, કારણ કે વાત પેટ પર આવી ગઈ છે. તેઓ કહે છે, કોરોનાથી નહીં મરીએ તો ભૂખથી મરી જઈશું, એટલા માટે કામે તો જવું જ પડશે. છેલ્લા લગભગ એક સપ્તાહથી અહીં દરરોજ કોરોના પોઝિટિવ દર્દી મળી આવે છે.

કોઈ ભાડું ચૂકવી શકતું નથી તો કોઈની પર હજારોનું દેવું છે
ધારાવીની વાસ્તવિકતા જાણવા માટે અમે અંદરની શેરીઓમાં ઘૂસ્યા. પહેલી શેરીમાં ઘૂસતાંની સાથે જ સારોદેવી જોવા મળ્યા. એક નાના રૂમમાં તેઓ ભજિયાં તળી રહ્યાં હતાં. આટલાં બધાં સમોસાં, વડાં, ભજિયાં કોના માટે બનાવો છો? એવું પૂછ્યું તો તેમણે જણાવ્યું, મારો દીકરો સાયન હોસ્પિટલની બહાર વેચે છે. પાંચ મહિનાથી કામ બંધ હતું. 15 દિવસ પહેલાં જ શરૂ કર્યું છે. લોકડાઉનમાં ગુજરાન કેવી રીતે ચલાવ્યું? આ અંગે જણાવ્યું તેમણે કહ્યું, મફતનું રાશન મળતું હતું, એ લેતા હતા. થોડુંક સરકાર પાસેથી પણ મળ્યું. થોડોક સામાન અમારી પાસે હતો. આ બધા સાથે જેમ તેમ કરીને દિવસો કાઢ્યા હતા. 25 હજારનું દેવું પણ થઈ ગયું હતું. હવે કામ શરૂ થયું છે તો થોડું થોડું કરીને ચૂકવીશું. સારોદેવીના ઘરની બીજી શેરીમાં અનીતા મળી. તેનો એક પગ કામ નથી કરતો. પિતા પણ દિવ્યાંગ છે. બે બાળકો છે, જેમાંથી એકને માતા-પિતા જેવી ખામી આવી છે. બીજો દીકરો ઠીક છે. દસ બાય દસના એક રૂમમાં અનીતાનો પરિવાર રહે છે. પતિ માટીનાં વાસણ બનાવવા માટે જાય છે. તેમનો દીકરો ચિરાગ કહે છે, પપ્પાનો માલ વેચાય તો જ ઘરમાં પૈસા આવે છે. રૂમનું ભાડું ત્રણ હજાર રૂપિયા મહિને આવે છે, પરંતુ ચાર-પાંચ મહિનાથી ભર્યું નથી. મકાનમાલિકે કહે છે, ઝડપથી ભાડું ચૂકવો નહીં તો ખાલી કરવું પડશે.

આ સારોદેવી છે. તેઓ કહે છે, લોકડાઉનમાં ખાવાનાં ફાંફાં પડ્યાં હતાં. સમોસાં, ભજિયાં, વડાં વેચીને પરિવારને ચલાવી રહી છું.
આ સારોદેવી છે. તેઓ કહે છે, લોકડાઉનમાં ખાવાનાં ફાંફાં પડ્યાં હતાં. સમોસાં, ભજિયાં, વડાં વેચીને પરિવારને ચલાવી રહી છું.

ધારાવીના મોટા ભાગનાં ઘરોમાં મહિલાઓ ખાવાપીવાની વસ્તુઓ તૈયાર કરે છે અને તેમના દીકરા કે પતિ આ સામાન બહાર વેચે છે. કિંમત ઓછી હોય છે એટલા માટે માલ વેચાઈ જાય છે. 10 રૂપિયામાં ઈડલી વેચતી મારિયા માથે મોટું તપેલું રાખીને જોવા મળી. હાથમાં એક થેલો હતો, જેમાં ત્રણ ડબ્બા હતા. તે ઈડલી અને વડા-સાંભર વેચવા માટે નીકળી હતી. અમે અટકાવી તો કહેવા લાગી કે ઘરમાં કઈ ખાવાનું ન હતું, મેં લોકડાઉનમાં પણ ચોરીછૂપીથી ઈડલી-વડા વેચ્યાં હતાં, કારણ કે ઘરમાં કંઈ ખાવા માટે ન હતું. પૈસાની ખૂબ જ જરૂર હતી એટલા માટે પ્લાસ્ટિકની થેલીઓમાં ઈડલી, વડા ભરીને લઈ જતી હતી અને ધારાવીની શેરીમાં વેચીને આવતી હતી.

મારિયા મહિનાના 25થી 30 હજાર રૂપિયાની કમાણી કરી લે છે. આ પૈસાથી તેને માત્ર ઘર જ નહીં, પણ બાળકોને ભણાવવાનાં પણ હોય છે. ધારાવીમાં મોટી સંખ્યામાં દક્ષિણ ભારતીય પણ રહે છે, જે ઈડલી-સાંભર અને વડા-સાંભર ઘરમાં બનાવીને બહાર વેચે છે. તેમની સાંકળી શેરીમાં ઘણા સ્મોલ સ્કેલ બિઝનેસ પણ ચાલે છે, જેમ કે કોઈ પરિવાર માટીના વાસણ બનાવે છે, તો કોઈ જૂતા, કોઈ બેગ સીવે છે. કપડાંની નાની નાની ફેક્ટરીઓ પણ અહીં છે. એ પૂરી રીતે માર્કેટ ખૂલવા પર જ ડિપેન્ડ છે. વર્ક ફ્રોમ હોમ જેવો ઓપ્શન આ લોકો પાસે નથી. જીવન ચલાવવા માટે જરૂરી છે કે આ લોકો પાસે ગ્રાહકો આવે કાં તો આ લોકો ગ્રાહક પાસે જાય. છેલ્લા 15-20 દિવસમાં તમામે પોતાના ધંધા શરૂ કરી દીધા, પરંતુ પહેલાંની જેમ ગ્રાહકો નથી આવી રહ્યા.

મારિયા કેરળની રહેવાસી છે. આ રીતે રોજ સવારે 10 વાગ્યે કામ પર નીકળી જાય છે, ઘરે આવતાં સાંજ પડી જાય છે.
મારિયા કેરળની રહેવાસી છે. આ રીતે રોજ સવારે 10 વાગ્યે કામ પર નીકળી જાય છે, ઘરે આવતાં સાંજ પડી જાય છે.
અન્ય સમાચારો પણ છે...