• Gujarati News
  • Business
  • The Company Said The Satellite Launch Will Be As Easy As Booking A Cab; Vikram S Launched From Space Center In Sriharikota

ભારતનું પહેલું પ્રાઇવેટ રોકેટ લોન્ચ:કંપનીએ કહ્યું- સેટેલાઇટ લોન્ચિંગ કેબ બુકિંગ જેટલું જ સરળ હશે; શ્રીહરિકોટામાં સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાયું વિક્રમ-S

17 દિવસ પહેલા

ભારતનું પ્રથમ પ્રાઇવેટ રોકેટ વિક્રમ-S આજે સવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સિંગલ-સ્ટેજ રોકેટ ભારતીય સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ એક પ્રકારનું ડેમોન્સ્ટ્રેશન મિશન હતું, જેમાં ત્રણ પેલોડ એકસાથે લેવામાં આવ્યા હતા. રોકેટે ફ્લાઇટની 5 મિનિટથી પણ ઓછા સમયમાં 89.5 કિમીનું અંતર કાપીને ટોચની ઊંચાઈ હાંસલ કરવામાં આવી હતી અને પછી સમુદ્રમાં સ્પેલ્શડાઉન થયું હતું.

કોમર્શિયલ સ્પેસ એક્સ્પ્લોરેશનને પ્રમોટ કરતી ભારતની નોડલ એજન્સીએ ઈન-સ્પેસમાં વિક્રમ-S સબઓર્બિટલ વ્હીકલ લોન્ચ કરવાની મંજૂરી આપી હતી. આ મિશનનું નામ પ્રારંભ છે. કંપનીનો દાવો છે કે વિક્રમ સિરીઝના રોકેટ સેટેલાઇટ લોન્ચિંગને કેબ બુક કરવા જેટલું જ સરળ બનાવશે. એટલું જ નહીં, વિક્રમ સિરીઝના રોકેટ પેલોડ સેગમેન્ટમાં સૌથી ઓછી કિંમતના રોકેટ હશે.

ત્રણ પેલોડ અવકાશમાં મોકલવામાં આવ્યા હતા
ચેન્નઈ સ્થિત સ્ટાર્ટઅપ સ્પેસકિડ્ઝ, આંધ્રપ્રદેશ સ્થિત એન-સ્પેસટેક અને આર્મેનિયન બાઝુમ-ક્યુ સ્પેસ રિસર્ચ લેબના ત્રણ પેલોડ વિક્રમ-S રોકેટ પર મોકલવામાં આવ્યા હતા. સ્પેસકિડ્ઝનું 2.5 kg પેલોડ 'ફન-સેટ' ભારત, અમેરિકા, સિંગાપોર અને ઇન્ડોનેશિયાના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

સ્કાયરૂટ કંપનીની શરૂઆત 2018 માં ISROના બે ભૂતપૂર્વ વૈજ્ઞાનિકો પવન કુમાર ચંદના (જમણે) અને નાગા ભરત ડકા દ્વારા કરવામાં આવી હતી.
સ્કાયરૂટ કંપનીની શરૂઆત 2018 માં ISROના બે ભૂતપૂર્વ વૈજ્ઞાનિકો પવન કુમાર ચંદના (જમણે) અને નાગા ભરત ડકા દ્વારા કરવામાં આવી હતી.

IN-SPACEના અધ્યક્ષ પવન ગોએન્કાએ જણાવ્યું હતું કે 'ભારતમાં ખાનગી અવકાશક્ષેત્ર માટે આ એક મોટી સિદ્ધિ છે. રોકેટ લોન્ચ કરવા માટે અધિકૃત પ્રથમ ભારતીય કંપની બનવા બદલ સ્કાયરૂટને અભિનંદન. રોકેટે એના મિશનમાં 89.5ની ટોચની ઊંચાઈ હાંસલ કરી હતી.

8 મીટર લાંબું અને 546 કિલોનું રોકેટ વિક્રમ S
વિક્રમ S માત્ર 8 મીટર લાંબું સિંગલ સ્ટેજ સ્પિન સ્ટેબિલાઈઝ્ડ સોલિડ પ્રોપેલન્ટ રોકેટ છે. આ રોકેટનું વજન 546 કિલોગ્રામ છે અને વ્યાસ 1.24 ફૂટ છે. એમાં 4 સ્પિન થ્રસ્ટર્સ છે. એ કલામ 80 પ્રોપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત છે, જેનું પરીક્ષણ 15 માર્ચ 2022ના રોજ સોલર ઇન્ડસ્ટ્રીઝ, નાગપુર ખાતે કરવામાં આવ્યું હતું.

એની પેલોડ કેપેસિટી 100 કિમીની ઊંચાઈ સુધી 83 કિલો વજન ઊંચકવાની છે. પિક વિલોસિટી મેક 5 (હાઇપરસોનિક). આ રોકેટ કમ્પોઝિટ મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું છે. 200 એન્જિનિયરોની ટીમે એને 2 વર્ષના રેકોર્ડ સમયમાં તૈયાર કર્યું છે. ફ્લાઇટ દરમિયાન સ્પિન સ્ટેબિલિટી માટે એને 3D પ્રિન્ટેડ એન્જિનથી સજ્જ કરવામાં આવ્યું છે.

સ્કાયરૂટના બિઝનેસ ડેવલપમેન્ટ લીડ સિરીશ પલ્લીકોંડાએ જણાવ્યું હતું કે મિશનનો ઉદ્દેશ કસ્ટમર પેલોડ સાથે વિક્રમ-1ના લોન્ચ માટે સ્ટેજ સેટ કરવાનો છે. વિક્રમ-1 રોકેટનું પ્રથમ લોન્ચ 2023ના બીજા ક્વાર્ટરમાં લક્ષ્યાંકિત છે અને સ્ટાર્ટઅપ પાસે કસ્ટમર પણ છે.

સ્કાયરૂટ વિક્રમ રોકેટના 3 પ્રકાર ડેવલપ કરી રહ્યું છે
સ્કાયરૂટ વિક્રમ રોકેટના ત્રણ પ્રકાર ડેવલપ કરી રહ્યું છે. વિક્રમ-I નીચા કક્ષાની ભ્રમણકક્ષામાં 480 કિલો પેલોડ વહન કરી શકે છે. એ સન સિંક્રોનસ પોલર ઓર્બિટ (SSPO)માં 290 કિગ્રા પેલોડ વહન કરવામાં પણ સક્ષમ છે.

જ્યારે વિક્રમ-II 595 કિલો કાર્ગો પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં લઈ જવા માટે સક્ષમ છે. એ SSPO ને 400 કિલો પેલોડ વહન કરી શકે છે, જ્યારે વિક્રમ-III 815 કિગ્રા પેલોડને લો અર્થ ઓર્બિટ અને 560 કિગ્રા SSPO સુધી લઈ જઈ શકે છે.

સેટેલાઇટ લોન્ચિંગ એ કેબ બુકિંગ જેટલું જ સરળ હશે
વિક્રમનું નામ ઈન્ડિયન સ્પેસ પ્રોગ્રામના ફાઉન્ડર ડો. વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. એ મોડ્યુલર સ્પેસ લોન્ચ વ્હીકલ્સની સિરીઝ છે, જે ખાસ કરીને નાના સેટેલાઇટ માર્કેટ માટે રચાયેલું છે. આગામી દાયકામાં 20,000થી વધુ નાના ઉપગ્રહો લોન્ચ થવાની ધારણા છે અને વિક્રમ સિરીઝ આ માર્કેટ માટે ડિઝાઈન કરવામાં આવી છે.

સ્કાયરૂટનો દાવો છે કે ટૂંક સમયમાં સેટેલાઈટને અવકાશમાં છોડવો એ કેબ બુક કરવા જેટલું જ સરળ બની જશે. પેલોડ સેગમેન્ટમાં એ સૌથી ઓછી કિંમતનું રોકેટ હશે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે વિક્રમ Iને 24 કલાકની અંદર કોઈપણ લોન્ચ સાઇટ પરથી એસેમ્બલ અને લોન્ચ કરી શકાય છે, જ્યારે વિક્રમ II અને III 72 કલાકની અંદર કોઈપણ લોન્ચ સાઇટ પરથી એસેમ્બલ અને લોન્ચ કરી શકાય છે.

ભારતમાં 100થી વધુ સ્પેસટેક સ્ટાર્ટઅપ્સ
ભારતમાં પ્રાઇવેટ સેગમેન્ટ માટે સ્પેસ સેક્ટર વર્ષ 2020માં ખોલવામાં આવ્યું હતું. એની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ માટે ભારત સરકારે સિંગલ વિન્ડો નોડલ એજન્સી સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર IN-SPACEની રચના કરી છે. જોકે ભારતમાં સૌપ્રથમ સ્ટાર્ટઅપ 2012માં યુવા ઇજનેરો અને વિદ્યાર્થીઓના જૂથ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, એ 2020થી ઘણું વેગ મેળવ્યું છે.

ઇકોનોમિક સર્વે ઓફ ઈન્ડિયા અનુસાર, 2021માં સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધીને 47 થઈ ગઈ છે. હવે આ આંકડો 100ને પાર કરી ગયો છે. અત્યારે ભારતમાં કેટલાક લોકપ્રિય સ્ટાર્ટઅપ્સની વાત કરીએ તો એમાં સ્કાયરૂટ સિવાય બેલાટ્રિક્સ એરોસ્પેસ, અગ્નિકુલ, ધ્રુવ, એસ્ટ્રોગેટ જેવાં નામોનો સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ, ઇન્ડિયન કોમર્શિયલ સ્પેસટેક માર્કેટ 2030 સુધીમાં 77 બિલિયન ડોલકથી વધુનું થઈ શકે છે.

આ સેક્ટરમાં ભંડોળ 2021માં 198.67% વધીને 67.2 મિલિયન ડોલર સુધી પહોંચ્યું હતું, જે 2020માં 22.5 મિલિયન ડોલર હતું.

સ્કાયરૂટની શરૂઆત
ISROમાં સાયન્ટિસ્ટ રહેલા પવન કુમાર ચંદના જ્યારે IIT ખડગપુરમાં હતા ત્યારે તેમને રોકેટરી પ્રત્યે આકર્ષણ હતું. અહીં તેઓ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા. પવન કુમાર IIT પછી ISROમાં જોડાયા. TEDx ટોકમાં પવન કહે છે, 'હું કોલેજ પછી રોકેટને લઈ આકર્ષિત થયો. આ ભવ્ય મશીનોમાં પૃથ્વીની ગ્રેવિટીથી બચીને અવકાશમાં જવાની શક્તિ છે. એના વિના અમારી પાસે આટલી બધી વસ્તુઓ ન હોત.

પવને 6 વર્ષ સુધી ઈસરોમાં કામ કર્યું. તેઓ કેરળના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં ફરજ બજાવતા હતા. તેઓ કહે છે, 'રોકેટ કેવી રીતે કામ કરે છે એ સમજીને ખૂબ જ આનંદ થયો. ઈસરોમાં રોકેટ બનાવતા અને લોન્ચ થતા જોઈને મંત્રમુગ્ધ થઈ જતો. અહીં મેં GSLV-Mk-3 પ્રોજેક્ટનો એક ભાગ હતો અને સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પ્રોજેક્ટના ડેપ્યુટી મેનેજર તરીકે કામ કર્યું હતું.

ઈસરોમાં જ પવનની મુલાકાત IITian નાગા ભરત ડાકાની સાથે થઈ હતી. બંને એકબીજાનાં સપનાં સમજી ગયા અને નોકરી છોડી દીધી. 2018માં બંનેએ સાથે મળીને સ્કાયરૂટ એરોસ્પેસની શરૂઆત કરી.

ઓર્બિટ વિશે મહત્ત્વની માહિતી
પૃથ્વીમાં ઓર્બિટના ત્રણ પ્રકાર છે - હાઈ અર્થ ઓર્બિટ, મીડિયમ અર્થ ઓર્બિટ અને લો અર્થ ઓર્બિટ. ઘણા હવામાન અને કેટલાક કમ્યુનિકેશન હાઈ અર્થ ઓર્બિટમાં છે, જે સપાટીથી સૌથી દૂર છે. મીડિયમ અર્થ ઓર્બિટમાં નેવિગેશન અને વિશિષ્ટ ઉપગ્રહોનો સમાવેશ થાય છે, જે ચોક્કસ ક્ષેત્રનું નિરીક્ષણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. નાસાના અર્થ ઓબ્ઝર્વિંગ સિસ્ટમના ફ્લિટ સહિત મોટા ભાગના સાયન્ટિફિક સેટેલાઈટ લો અર્થ ઓર્બિટમાં છે.

705 કિમીની ઊંચાઈને સન સિંક્રોનસ ઓર્બિટ કહેવામાં આવે છે, 20200 કિમીની ઊંચાઈને જિયોસિંક્રોનસ (GPS) અને 35780 કિમીની ઊંચાઈને જિયોસ્ટેશનરી ઓર્બિટ કહેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...