• Gujarati News
  • Dvb original
  • The Combination Of Vishnu Puran And Modern Science Will Help To Understand The Inborn Abilities Of Children

ફિંગરપ્રિન્ટ રિસર્ચ:આંગળીના ટેરવાથી જાણો તમારું બાળક ડોક્ટર બનશે કે એન્જિનિયર? વિષ્ણુપુરાણ અને મોડર્ન સાયન્સ બાળકોની કુદરતી ક્ષમતા, ક્રિમિનલના માઇન્ડને સમજાવશે

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: વિમુક્ત દવે
  • કૉપી લિંક
  • ફિંગરપ્રિન્ટને આધારે બાળકોની અંદર રહેલી સ્કિલ અને તેના મેન્ટલ ગ્રોથ અંગે જાણી શકાય છે
  • વડોદરાની કંપની CFMIDએ બનાવ્યું ખાસ સોફ્ટવેર, જે બાળકોના ભવિષ્ય ઘડતરમાં મદદ કરશે
  • કંપનીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે મળી ક્રિમિનલ સાઇકોલોજી સમજવા સેન્ટર પણ શરૂ કર્યું

માતા-પિતા તરીકે દરેકને પોતાના સંતાનના ભવિષ્ય અંગે ચિંતા હોય છે. પોતાનું સંતાન મોટું થઈને શું થશે? તેની આવડત કેવી હશે અને તેનો માનસિક ગ્રોથ કેવો હશે? આવી અનેક બાબતો સતાવતી હોય છે. આવા અનેક સવાલોનો જવાબ આપણાું પ્રાચીન પુરાણોમાં તો છે, પણ યોગ્ય અર્થઘટનના અભાવે આપણે એનાથી માહિતગાર નથી હોતા. વડોદરાની કંપની CFMID લિમિટેડે વિષ્ણુપુરાણના 'હસ્ત સામુદ્રિકશાસ્ત્ર'ને આધાર બનાવી અને મોડર્ન ફિંગરપ્રિન્ટ ટેકનોલોજીના સમન્વયથી એક સોફ્ટવેર ડેવલપ કર્યું છે, જે બાળકોનાં ભવિષ્યને બહેતર બનાવવામાં મદદ કરશે.

બાળકોની અંદર રહેલું ટેલન્ટ જાણી શકાય છે
કંપનીના ડિરેક્ટર સુંદર અય્યરે જણાવ્યું હતું કે વિષ્ણુપુરાણના હસ્ત સામુદ્રિકશાસ્ત્ર અને આજનું ફિંગરપ્રિન્ટ સાયન્સ ઘણું જ મળતું આવે છે. અમે આ બંનેને સાંકળીને તારણ કાઢીએ છીએ જેના આધારે બાળકની નેચરલ ટેલન્ટ જાણી શકાય છે. આ બધાથી બાળકના અભ્યાસ અને તેની પર્સનાલિટી ડેવલપ કરવામાં ઘણી જ મદદ મળી રહે છે. હસ્ત સામુદ્રિકશાસ્ત્રમાં દર્શાવાયું છે કે હાથમાં કઈ પ્રકારની ડિઝાઇનનો શું અર્થ થાય છે. એના આધારે બાળકના દિમાગની પેટર્ન પણ સમજી શકાય છે. બાળપણમાં જ જો એ મુજબ બાળકને વાતાવરણ આપવામાં આવે તો કારકિર્દી પસંદ કરવામાં આસાની રહે છે.

પેરન્ટિંગ માટે નવા રસ્તા મળે છે
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દંપતી જ્યોત અને કરિશ્મા શુક્લએ પોતાની 9 વર્ષની દrકરી જિયાના ફ્યુચર ગ્રોથ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે ફિંગરપ્રિન્ટ એનાલિસિસ કરાવ્યું હતું. જ્યોત જણાવે છે કે આનાથી માત્ર બાળકને જ નહીં, પણ માતા-પિતાને પણ બાળકના ઉછેર માટે નવા રસ્તા અને ગાઈડન્સ મળે છે. જિયામાં લીડરશિપ કેપેસિટી હતી એનો આછેરો ખ્યાલ અમને હતો, પણ તેને હેન્ડલ કેમ કરવી અને તેને વધારે સારી રીતે વિકસાવવાની સમજ અમને તેના ફિંગરપ્રિન્ટ સ્કેન કર્યા પછી વધારે ખબર પડી. એનાલિસિસ પછી અમારું જિયા તરફનું વર્તન અમે બદલ્યું અને એનો ફાયદો પણ થયો છે.

જ્યોત અને કરિશ્મા શુક્લા તેમનાં સંતાનો જિયા અને પ્રથમ સાથે.
જ્યોત અને કરિશ્મા શુક્લા તેમનાં સંતાનો જિયા અને પ્રથમ સાથે.

ફિંગરપ્રિન્ટ એનાલિસિસનો પિતા-પુત્ર બંનેને ફાયદો થયો
વડોદરાની ખાનગી શાળામાં અકાઉન્ટન્ટના શિક્ષક અમરીશ શાહે તેમના દીકરા વ્રજની કરિયર પસંદગી અને પર્સનાલિટી માટે ફિંગરપ્રિન્ટ એનાલિસિસ કરાવ્યું હતું. અમરીશ જણાવે છે, ત્યારે અમને ખબર ન હતી કે વ્રજ મલ્ટી-ટાસ્કિંગ સારી રીતે કરી શકે છે. આ ઉપરાંત અમે વાંચવાની પદ્ધતિને કારણે પણ વ્રજને અવારનવાર ટોકતા હતા. ફિંગરપ્રિન્ટ રીડિંગ બાદ જાણ્યું કે તે જે રીતે વાંચે છે એ તેની જન્મજાત ખૂબી છે અને આથી જ અમે તેને ટોકવાનું બંધ કર્યું અને અમને એમાં સારા પરિણામ પણ મળ્યા. આજે વ્રજ ડોક્ટરનો અભ્યાસ કરે છે. એનેલિસિસ બાદ મળેલાં સૂચનોને અનુસરતાં વ્રજના એકેડમિક ગ્રોથમાં અમે 15% જેવી વૃદ્ધિ જોઈ છે.

પોતાના દીકરા વ્રજના અનુભવના આધારે અમરીશ શાહે પોતાના ફિંગરપ્રિન્ટનું એનાલિસિસ પણ કરાવ્યું હતું. તેમને જાણવા મળ્યું કે મ્યુઝિકના ફિલ્ડમાં તે ઘણું સારું કરી શકે તેમ છે. આ ઉપરાંત તેઓ સારા સ્પીકર પણ છે. એનાલિસિસ પહેલા અમરીશભાઈ માત્ર વિદ્યાર્થીઓને ભણાવવા માટે ક્લાસરૂમમાં જ બોલતા હતા, પણ હવે કરાઓકે ક્લબમાં જોડાઈને ગીત પણ ગાય છે અને તેમની સ્પીચ પણ ઘણી સુધરી ગઈ છે.

અમરીશ શાહે તેમના દીકરા વ્રજ અને પત્ની હિરલ સાથે.
અમરીશ શાહે તેમના દીકરા વ્રજ અને પત્ની હિરલ સાથે.

આશરે 54,000થી વધુ વિદ્યાર્થીઓને સ્કેન કર્યા છે
અય્યરે જણાવ્યું હતું કે અમે 'ઇગ્નાઇટિંગ ઈન્ડિયાઝ ઇનબોર્ન ઇન્ટેલિજન્સ - પ્રોજેક્ટ 4i' હેઠળ 2017થી ગુજરાત અને અન્ય રાજ્યોની 116 શાળાઓમાં 54,000થી વધુ વિદ્યાર્થીઓના ફિંગરપ્રિન્ટ લીધા છે અને તેમનું એનાલિસિસ કર્યું છે. એના આધારે ઘણા વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. કંપની આગળ પણ આ પ્રકારે સ્ટુડન્ટ સ્કેનિંગ કરવાની છે.

ગુજરાતની એકલવ્ય શાળામાં ફિંગરપ્રિન્ટ સ્કેનિંગનો પ્રોગ્રામ થયો એ સમયની તસવીર.
ગુજરાતની એકલવ્ય શાળામાં ફિંગરપ્રિન્ટ સ્કેનિંગનો પ્રોગ્રામ થયો એ સમયની તસવીર.

માતાના ગર્ભમાં જ તૈયાર થઈ જાય છે ફિંગરપ્રિન્ટ
સુંદર અય્યરે કહ્યું, ફિંગરપ્રિન્ટ માતાના ગર્ભમાં જ તૈયાર થઈ જાય છે. ગર્ભ 30 સપ્તાહનો થાય ત્યાં સુધીમાં બાળકનું મગજ અને હાથની ફિંગરપ્રિન્ટ એકસાથે વિકસે છે. બીજા શબ્દોમાં કહીએ તો ફિંગરપ્રિન્ટ એ આપણા મનની સ્થિતિનો ગ્રાફ છે. એના આધારે મનમાં શું ચાલી રહ્યું છે અને આપણા વિચારો કઈ દિશામાં વધુ સક્રિય છે એની જાણકારી મળી શકે છે.

ક્રિમિનલ સાઇકોલોજી સમજવામાં આસાની રહેશે
CFMID લિમિટેડના કો-ફાઉન્ડર દર્પણ વ્યાસે જણાવ્યુંકે, ફિંગરપ્રિન્ટના આધારે ક્રિમિનલ સાઇકોલોજી સમજવામાં ઘણી મદદ મળે છે. આના રિસર્ચ માટે અમે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી સાથે મળી એક રિસર્ચ સેન્ટર પણ શરૂ કર્યું છે, જેમાં ગુનેગારોના ફિંગરપ્રિન્ટનો અભ્યાસ કરવામાં આવશે. આના માટે જેલમાં રહેલા ગુનેગારોની નવેસરથી ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે. ડર્મેટોગ્લાયફિક્સના આધારે ક્રિમિનલના વર્તનનો અભ્યાસ થઈ શકે છે અને કોઈ વ્યક્તિ કેમ ક્રિમિનલ બને છે એ અંગે પણ જાણકારી મળે છે.

ક્રિમિનલ ટેનડેન્સી જાણવામાં મદદ મળશે
દર્પણ વ્યાસે કહ્યું હતું કે ડર્મેટોગ્લાયફિક્સની મદદથી કોઈપણ વ્યક્તિમાં રહેલી ગુનાઇત માનસિકતા (ક્રિમિનલ ટેનડેન્સી) અંગે જાણવામાં મદદ મળે છે. અમારો પ્લાન છે કે આવનારા દિવસોમાં બાલ સુધાર ગૃહમાં રહેલાં બાળકોની ફિંગરપ્રિન્ટને એનાલાઇઝ કરી અને તેમનામાં ગુનાઇત માનસિકતા કઈ રીતે વિકસી એ અંગે જાણવા પ્રયત્ન કરીશું. આ વાતથી ભવિષ્યમાં અને ખાસ કરીને બાળકોમાં ગુનાખોરી અટકાવવામાં મદદ મળશે. આ ઉપરાંત આની મદદથી વિદેશથી આવતા લોકોને સ્કેન કરી તેમની મનોવૃત્તિ જાણી શકાય છે.

RRU સાઇકોલોજિકલ અને બિહેવિયરલ આસપેકટ્સ સ્ટડી કરશે
રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી (RRU)માં સ્કૂલ ઓફ ક્રિમિનોલૉજી, ક્રાઇમ સાયન્સ અને બિહેવિયરલ સાયન્સના ડિરેક્ટર એસ. એલ. વાયાએ જણાવ્યું હતું કે સાઇકોલોજિકલ અને બિહેવિયરલ આસપેકટ્સને સ્ટડી કરવાના હેતુથી CFMID લિમિટેડ સાથે મળીને યુનિવર્સિટીમાં રિસર્ચ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આમાં અમે ઇન્ડોર અને આઉટડોર બંને રીતે ફિંગરપ્રિન્ટ સેમ્પલ એકઠાં કરી એના પર રિસર્ચ કરી બાળકોમાં રહેલી ગુનાઈત માનસિકતા અંગે જાણી શકાય. આ ઉપરાંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું પણ સ્કેનિંગ કરીશું, જે તેમને આગળના અભ્યાસમાં અને તેમની સ્કિલ જાણવામાં મદદરૂપ થશે.

CFMID લિમિટેડ અને રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીનો સ્ટાફ.
CFMID લિમિટેડ અને રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીનો સ્ટાફ.

ફિંગરપ્રિન્ટ માટે ખાસ મોબાઈલ એપ બનાવી
દર્પણ વ્યાસે જણાવ્યું હતું કે લોકડાઉન પહેલાં અમે ગુજરાત સરકારની એકલવ્ય સ્કૂલ તેમજ પુણેની સ્કૂલમાં એક પ્રોગ્રામ કરેલો અને સ્ટુડન્ટ્સની ફિંગરપ્રિન્ટને કલેક્ટ કરી તેમની અંદર રહેલી જન્મજાત ખૂબીઓ અંગે શાળા અને વાલીઓને એ અંગે જાણકારી આપી હતી. અન્ય શાળાઓમાં પણ અમારે આવા પ્રોગ્રામ કરવા હતા, પણ કોરોનાને કારણે આ શક્ય ન બન્યું. ત્યાર બાદ જૂન 2020માં અમે એક મોબાઈલ એપ લોન્ચ કરી હતી, જેમાં કોઈપણ વ્યક્તિની ફિંગરપ્રિન્ટનું એનાલિસિસ થઈ શકે છે. અત્યારસુધીમાં 1400થી વધુ લોકોએ આ એપનો ઉપયોગ કરી ફિંગરપ્રિન્ટનું એનાલિસિસ કરાવ્યું છે.

ફ્યુચર ગ્રોથ માટે કંપની ફંડ રેઈઝ કરશે
દર્પણ વ્યાસે જણાવ્યું હતું કે વીતેલાં બે વર્ષમાં ટેકનોલોજી અને અન્ય કામો માટે અમે આશરે રૂ. 2.50 કરોડ જેવુ રોકાણ કર્યું છે. કંપની 2010માં શરૂ થઈ હતી અને અત્યારસુધી અમે 4 ફાઉન્ડર્સ કંપનીમાં રોકાણ કરતા આવ્યા છીએ. હવે પછીના વિસ્તરણ માટે અમે 20% સ્ટેક ડાયલ્યુટ કરી રૂ. 2 કરોડ જેવું ફંડ રેઇઝિંગ કરવા માગીએ છીએ અને આ માટે એન્જલ ઈન્વેસ્ટર્સ અથવા પ્રાઇવેટ ઇક્વિટીનો સંપર્ક કરીશું.

અન્ય સમાચારો પણ છે...