ભાસ્કર એક્સક્લૂસિવનોકરી માટે રોજ ગાંધીનગરના ધક્કા:છેલ્લાં 19 સોમવારથી વિદ્યાસહાયકો ભરતી માટે શિક્ષણ મંત્રી વાઘાણીને રજૂઆત કરે છે, જવાબમાં મળે છે માત્ર વાયદા

ગાંધીનગર25 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે

રાજ્યના પાટનગર સચિવાલય ખાતે તમે જો દર સોમવારે જાઓ તો શિક્ષણમંત્રી જિતુ વાઘાણીની ચેમ્બર બહાર 7થી 10 ઉમેદવાર અચૂક બેઠા જ હોય. આ ઉમેદવારો એટલા માટે દર સોમવારે બેઠા હોય છે, કેમ કે તેમની ભરતી થાય એ માટે શિક્ષણમંત્રીને દર સોમવારે રજૂઆત કરવાની હોય છે. દર અઠવાડિયે રજૂઆત એટલા માટે કરવી પડે છે, કેમ કે શિક્ષણમંત્રી પોતાના આપેલાં વચન પર ખરા ઊતર્યા નથી.

વિદ્યા સહાયકોની ભરતીની જગ્યા વધારવાની મૂળ માગ
નવી સરકારની રચના થઈ કે તાત્કાલિક ધોરણે જ અનેક મોટી જાહેરાતો કરવામાં આવી હતી, જે પૈકીની એક જાહેરાત શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ પણ કરી હતી. વિદ્યા સહાયકો માટે 3300ની ભરતી કરવામાં આવશે, એ પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત તો કરવામાં આવી, પરંતુ ભરતી સંખ્યામાં વધારો કરવામાં આવે એ પ્રકારની માગ ઊઠી.

ભરતી સંખ્યા વધારવાની માગ સાથે ઉમેદવાર રસ્તા પર ઊતર્યા
આંદોલન સાથે ટેટ પાસ ઉમેદવાર રસ્તા પર આવી ગયા હતા. સ્વર્ણિમ પાર્ક ખાતે એકાએક ટોળા સ્વરૂપે આવી વિરોધપ્રદર્શન કરવા તેમજ સચિવાલય બહાર એકાએક ધરણાં પ્રદર્શન કરવાને કારણે સચિવાલયના દરવાજા બંધ કરવા સુધીની નોબત આવી પડી હતી.

તબક્કાવાર જગ્યા વધારવા શિક્ષણમંત્રીએ મધ્યસ્થી બની બાંયધરી આપી
42 દિવસ સુધી આંદોલન ચાલ્યું એટલે સ્વાભાવિક છે કે સરકાર માટે ચર્ચા કરવી જરૂરી બની ગઈ હતી. સરકાર તરફથી વિભાગીય મંત્રી જિતુ વાઘાણી અને મંત્રી આરસી મકવાણા મધ્યસ્થી બની આંદોલન સમેટવા માટે ઉમેદવારો સાથે ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન ઉમેદવારોને બાંયધરી આપવામાં આવી હતી કે એકવાર આંદોલન સમેટાય ત્યાર બાદ તબક્કાવાર જગ્યા વધારવામાં આવશે.

આશ્વાસન આપ્યું હતું એટલે અમે આંદોલન બંધ કર્યું હતું: જાસ્મિન પટેલ, ઉમેદવાર
ટેટ 1 અને ટેટ 2 પાસ ઉમેદવાર જાસ્મિન પટેલે દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું, 'શિક્ષણમંત્રીના આશ્વાસન અને વિશ્વાસને કારણે અમે ઘરે બેઠા છીએ. હાલ ઘણાં આંદોલન ચાલે છે, પરંતુ હવે અમારા ઉમેદવારોની ધીરજ ખૂટી ગઈ છે. અમે વિદ્યા સહાયક ભરતીની રજૂઆત કરવા આવ્યા છે. 42 દિવસ આંદોલન કર્યું હતું. તમે જ આશ્વાસન આપ્યું હતું એટલે અમે આંદોલન બંધ કર્યું હતું. દરેક આંદોલન પૂરા કરવા કમિટી રચી છે, પણ અમને ડર છે કે અમારો મુદ્દો ચૂકી ન જવાય. ભાજપ સરકારના વિશ્વાસે બેઠા છીએ. નવી જાહેરાત આપી અને હજારો યુવાનોના ભવિષ્ય બચાવે એવી સરકારને વિનંતી છે. અમે રાજકારણ સાથે જોડાયેલા નથી. અમારું ભવિષ્ય ઉજ્જવળ થાય એવી આશા છે. અમારે ફરી આંદોલન ના કરવું પડે એ વાતનું ધ્યાન રાખજો.'

માગ ન સંતોષાતાં ઉમેદવારોની ગાંધીગીરી
42 દિવસ સુધી ચાલેલા વિદ્યા સહાયકોનું આંદોલન સમેટાય એ સરકાર માટે અત્યંત જરૂરી બની ગયું હતું, ત્યારે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ આંદોલન સમેટ્યા બાદ તબક્કાવાર જગ્યા વધારવા માટે હૈયા ધારણા આપતાં ઉમેદવારોએ આંદોલન સમેટ્યું હતું. મે માસમાં આંદોલન તો સમેટાયું, પરંતુ જગ્યા વધારવા માટેનો એકપણ તબક્કો સરકાર માટે આવ્યો ના હોવાથી હવે ઉમેદવારોની ધીરજ ખૂટી પડી છે. આ જ કારણસર જગ્યા વધારવાની માગ સાથે દર સોમવારે ઉમેદવારો શિક્ષણમંત્રીને રજૂઆત કરવા સચિવાલય પહોંચી જાય છે.

જિતુ વાઘાણી એકવાર બોલે છે એ પાળે છે: વાસુ દેસાઈ, ટેટ પાસ ઉમેદવાર
'26 જાન્યુઆરીના રોજથી સરકારે નવી ભરતી બહાર પાડી ત્યારથી અત્યારસુધી અમે લગભગ 70થી વધુ વખત રજૂઆતો કરી છે. સાહેબ અમને આશ્વાસન આપે છે. અમને ખ્યાલ છે કે શિક્ષણમંત્રી એકવાર બોલે છે એ પાળે છે. અમારા ઉમેદવારના પરિવારો રાહ જોઈને બેઠાં છે. અમારી ઇમેજ ખરડાય નહીં એનું ધ્યાન અમે રાખીએ છીએ અને સાહેબ પોતાના વચનનું પાલન કરે એવી માગણી છે.'

સ્ત્રી જો આંદોલનમાં ઊતરે એ કેટલું યોગ્ય ? : રશ્મિકા પટેલ, ટેટ પાસ ઉમેદવાર
'અમારી મહેકમ મુજબ ભરતી નથી કરાઈ. વિદ્યા સહાયકોની ભરતી સત્વર કરવામાં આવે એવી માગણી છે. સ્ત્રી જો આંદોલનમાં ઊતરે એ કેટલું યોગ્ય છે. 5 સપ્ટેમ્બર પહેલાં ભરતી બહાર પાડે એવી અપેક્ષા છે', એમ ટેટ પાસ ઉમેદવાર અને રજૂઆતકર્તા રશ્મિકા પટેલે જણાવ્યું હતું.

સકારાત્મક રીતે આગળ વધી રહ્યા છીએ: શિક્ષણમંત્રી
વિદ્યા સહાયકોની ભરતીની માગ બાબતે અનેક રજૂઆત કરવામાં આવી છે એ અંગે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને કેબિનેટ બ્રીફિંગ દરમિયાન દિવ્ય ભાસ્કરે સવાલ કર્યો હતો કે એક વર્ષમાં ભરતી કરવા માટે સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો એમ છતાં ભરતી કેમ નથી કરાઈ ? આ સંજોગોમાં શિક્ષણમંત્રીએ કહ્યું હતું, 'સરકાર સકારાત્મક રીતે આગળ વધી રહી છે.'

અન્ય સમાચારો પણ છે...