તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • The BJP, Which Has Been In Power For Years Where It Created New States, Wants To Retain The Stronghold Of North Bengal.

નોર્થ બંગાળને અલગ રાજ્ય બનાવવાની ચર્ચા:ભાજપાએ જ્યાં નવા રાજ્યો બનાવ્યા, ત્યાં વર્ષો સુધી સત્તામાં રહી, નોર્થ બંગાળના ગઢને જાળવી રાખવા માગે છે

કોલકાતા18 દિવસ પહેલાલેખક: અક્ષય વાજપેયી
  • કૉપી લિંક
  • ભાજપાના જે સાંસદોએ નોર્થ બંગાળને અલગ રાજ્ય બનાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, તેમને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા

પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારથી ભાજપા સાંસદ અને લઘુમતી મામલાઓનાં મંત્રી બનાવાયેલા જોન બારલાએ થોડા જ દિવસો અગાઉ નોર્થ બંગાળને અલગ રાજ્ય તરીકે બનાવવાની માગણી કરી હતી. કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રમાણિકે પણ બારલાની માગને સમર્થન આપ્યું હતું. બંનેએ જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે તેઓ માત્ર સાંસદ હતા અને હવે મોદી સરકારમાં મંત્રી છે. સવાલ ઉઠવા લાગ્યા છે કે શું મોદી સરકાર પશ્ચિમ બંગાળને વિભાજિત કરી શકે છે...

વાસ્તવમાં, ભાજપા હંમેશા નાના રાજ્યોનાં સમર્થનમાં રહી છે. વર્ષ 1999થી 2004 દરમિયાન જ્યારે ભાજપાના નેતૃત્વમાં એનડીએની સરકાર હતી, ત્યારે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ત્રણ નવા રાજ્યો છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તરાખંડની રચના કરી હતી.

નવા રાજ્યોની રચના પછી છત્તીસગઢમાં વર્ષ 2000થી 2018 દરમિયાન 15 વર્ષથી વધુ ભાજપાની સરકાર રહી. ઝારખંડમાં 2000થી 2019 વચ્ચે ટુકડે ટુકડે લગભગ 12 વર્ષ, ઉત્તરાખંડમાં 2000થી 2021 દરમિયાન લગભગ 10 વર્ષ સરકારમાં રહ્યા અને અત્યારે પણ છે. આનાથી એ સાબિત થાય છે કે નવા રાજ્યોની રચના ભાજપા માટે લાભનો સોદો રહ્યો છે.

મોદી સરકારે પણ પોતાના બીજા કાર્યકાળમાં જમ્મુ-કાશ્મીરથી લડાખને અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યું. આ સાથે જ દમણ-દ્વિપ અને દાદરા તેમજ નગર હવેલીને મેળવીને એક જ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયો છે.

હવે પશ્ચિમ બંગાળથી નોર્થ બંગાળને અલગ કરીને નવું રાજ્યું બનાવવાની માગ ભાજપા સાંસદોની તરફથી જ કરાઈ છે. આ મામલે અમે ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય સાથે વાત કરી તો તેમણે કહ્યું કે તેમાં કોઈ બેમત નથી કે ભાજપા નાના રાજ્યોને સમર્થન આપે છે પરંતુ પશ્ચિમ બંગાળ એવો પ્રદેશ છે, જેની સીમા અનેક દેશોને સ્પર્શે છે.

સીમાવર્તી રાજ્યમાં ફેરફાર અંગે નિર્ણય ભાવનાત્મક રીતે નથી લેવાતા. તેમાં કેન્દ્ર સરકાર ગૃહ અને સંરક્ષણ મંત્રાલયને સ્પર્શતા તમામ પાસાઓ પર ગંભીર વિચારવિમર્શ કરીને નિર્ણય કરે છે. નોર્થ બંગાળને લઈને કોઈપણ પ્રકારની કોમેન્ટ કરવી એ અત્યારે યોગ્ય નથી.

બંગાળઃ એ સેફ્રન એક્સપેરિમેન્ટ પુસ્તકના લેખક અને બંગાળની રાજનીતિ પર ઊંડી પકડ ધરાવતા સ્નિગ્ધેન્દુ ભટ્ટાચાર્ય જણાવે છે કે નોર્થ બંગાળમાં તો સમગ્ર પશ્ચિમ બંગાળનો પાંચમો હિસ્સો છે. પ્રદેશમાં લોકસભાની 42 સીટો આવે છે, તેમાંથઈ નોર્થ બંગાળમાં માત્ર 8 સીટ આવે છે. તેથી ભાજપાને અહીંથી કોઈ મોટો લાભ નહીં થાય. પરંતુ નુકસાન એ થશે કે દક્ષિણ બંગાળથી તેનો સંપૂર્ણ સફાયો થઈ જશે. કેમકે બંગાળના લોકો હવે રાજ્યને વહેંચવાની તરફેણમાં નથી.

ભાજપા બંગાળમાં ડબલ લાઈન લઈને ચાલી રહી છે. નોર્થ બંગાળમાં ભાજપાના સાંસદ નવું રાજ્ય બનાવવાની વાત કરે છે તો દક્ષિણ બંગાળમાં તેમના પ્રદેશ અધ્યક્ષ કહે છે કે અમે વિભાજન ઈચ્છતા નથી. અલગ રાજ્ય અંગે સમર્થન આપવાનો લાભ ભાજપાને નોર્થ બંગાળમાં મળતો પણ રહ્યો છે. ગોરખાલેન્ડને અલગ રાજ્ય બનાવવાની માગને સમર્થન આપવાના કારણે જ ભાજપા ત્યાં 2009થી સતત ત્રણવાર જીતી ચૂકી છે.

ભાજપા સાંસદોની તરફથી આ મુદ્દો ઉઠાવવા અંગે સ્નિગ્ધેન્દુ કહે છે કે ભાજપાએ નોર્થ બંગાળમાં જે પકડ જમાવી છે, તને જાળવી રાખવા માટે કોઈને કોઈ મુદ્દો સર્જવા માગે છે. આથી અલગ રાજ્યની વાત કરવામાં આવે છે, જેથી લોકોને લાગે કે ભાજપા કંઈકને કંઈક તો કરશે.

સિનિયર જર્નાલિસ્ટ સંતોષ કુમાર કહે છે, ભાવનાત્મક મુદ્દો હંમેશા ભાજપાની રણનીતિમાં સામેલ રહ્યો છે. નોર્થ બંગાળમાં જે જમીન મજબૂત થઈ છે, તેને જાળવી રાખવા માટે જ આ મુદ્દો ઉછાળવામાં આવ્યો છે. જો કે એવું લાગતું નથી કે ભાજપા અત્યારે એવું કંઈ કરી શકશે. આ પહેલા જે રાજ્યોની રચના થઈ છે, તેને લઈને વર્ષો સુધી આંદોલન ચાલી રહ્યા હતા. વિકાસનો મુદ્દો પણ ક્યાંકને ક્યાંક હતો. નોર્થ બંગાળના મામલે એવું કંઈપણ નજરે પડતું નથી.