કરિયર ફન્ડા:પ્રોફેશનલ સક્સેસ માટે અંબાણી ફોર્મ્યુલા, જોખમ લેવું એ વ્યવસાયનો નહીં, આગળ વધવાનો મંત્ર છે

21 દિવસ પહેલા
  • શિક્ષણવિદ સંદીપ માનુધને

તમે ધીરુભાઈ અંબાણી વિશે તો સાંભળ્યું જ હશે. આજે આપણે જાણીશું કે ગુજરાતના એક નાનકડા ગામમાં જન્મેલી વ્યક્તિ કે જે પોતાનું શાળાકીય શિક્ષણ પણ પૂરું કરી શકી ન હતી તેણે કેવી રીતે રિલાયન્સનું સામ્રાજ્ય ઊભું કર્યું. ધીરુભાઈની સંઘર્ષની વાત દરેક વિદ્યાર્થી અને વેપારીને કંઈક શીખવે છે.

કરિયર ફન્ડામાં સ્વાગત છે!

જીવનની શરૂઆત
ધીરજલાલ હીરાલાલ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર, 1932ના રોજ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના નાનાં ગામ ચોરવાડમાં થયો હતો. તેમના પિતા ગોરધનભાઈ અંબાણી શિક્ષક હતા અને માતા જમનાબેન ગૃહિણી હતાં. ધીરુભાઈને બીજા ચાર ભાઈ-બહેન હતા. મોટો પરિવાર હોવાના કારણે અને એકમાત્ર કમાનાર સભ્ય હોવાના કારણે ઘરમાં આર્થિક સંકડામણ રહેતી, જેના કારણે તેણે પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડવો પડ્યો હતો.
પહેલું પગલું
ધીરુભાઈએ નાનાં-નાનાં કામોમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું, જેનાથી ઘરમાં આર્થિક મદદ પણ થઈ. ફળ, નાસ્તો, પકોડા વગેરે વેચવાના થોડાં નાનાં પ્રયાસો પછી, તેમના પિતાની સલાહ પર નોકરી માટે યમન જવા સંમત થયા. ધીરુભાઈના મોટા ભાઈ રમણિક પહેલેથી જ યમનમાં નોકરી કરતા હતા. તેમની મદદથી ધીરુભાઈએ યમનમાં શેલ કંપનીના પેટ્રોલ પંપ પર મહિને માત્ર રૂ.300ના પગારથી નોકરી શરૂ કરી અને બે વર્ષમાં તેઓ આપબળે મેનેજરના હોદ્દા પર પહોંચી ગયા. પરંતુ તે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા હતા.
મોટા વિચાર
જ્યારે તે શેલ કંપનીમાં ફરજ બજાવતા હતા ત્યારે ત્યાંના કામદારોને 25 પૈસામાં ચા મળતી હતી, પરંતુ ધીરુભાઈ ચા માટે નજીકની મોટી હોટલમાં જતા હતા, જ્યાં ચાની કિંમત 1 રૂપિયો હતી. જ્યારે તેને આવું કરવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે મોટા ઉદ્યોગપતિઓ તે હોટલમાં આવતા હતા અને બિઝનેસની વાતો કરતા હતા. ધંધાની ઝીણી ઝીણી વાતો સાંભળવા માટે જ હું ત્યાં જતો.
તકોને ઓળખવી અને એ ઝડપથી લાભ લેવો
ધીરુભાઈ કહેતા કે મોટું વિચારો, ઝડપથી વિચારો અને આગળ વિચારો. તે દિવસોમાં યમનમાં ચાંદીના સિક્કા ચલણમાં હતા. આ ચાંદીની કિંમત સિક્કાઓની કિંમત કરતાં વધુ હતી. ધીરુભાઈએ આ ધ્યાને લઈ આ સિક્કાઓ ઓગાળીને લંડનની એક કંપનીને આપવાનું શરૂ કર્યું. યમન સરકારને આ વાતની જાણ થઈ ત્યાં સુધીમાં તેઓ ભારે નફો કમાઈ ચૂક્યા હતા.
મુશ્કેલ પરિસ્થિતિઓનો ઉપયોગ તમારા લાભ માટે કરો
1950 ના દાયકામાં, જ્યારે યમનમાં સ્વતંત્રતા સંગ્રામ શરૂ થયો, ત્યારે ત્યાં ભારતીયો માટે તક ઝીરો થઈ ગઈ. આવા મુશ્કેલ સમયમાં તે ભારત આવ્યા અને પોતાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું.
રોકાણ માટે પૈસાની અછત હતી. તેમણે તેમના મામા ત્ર્યંબકલાલ દામાણી સાથે મસાલા અને ખાંડનો વ્યવસાય શરૂ કર્યો. અહીંથી રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશનની શરૂઆત મુંબઈમાં મસ્જિદ બંદરમાં નરસિમ્હા સ્ટ્રીટ પર એક નાની ઓફિસ સાથે થઈ હતી. આ પછી રિલાયન્સે યાર્નના વ્યવસાયમાં પ્રવેશ કર્યો. અહીં પણ સફળતા મળી અને તેઓ બોમ્બે યાર્ન મર્ચન્ટ એસોસિએશનના ડિરેક્ટર બન્યા. આ સમય સુધી તેમનો પરિવાર મુંબઈના ભુલેશ્વરમાં 'જય હિંદ એસ્ટેટ'માં એક નાનકડા એપાર્ટમેન્ટમાં રહેતો હતો.
જોખમ લેવું
યાર્નનો ધંધો જોખમોથી ભરપૂર હતો જે તેના મામાની વ્યવસાય કરવાની રીતથી અલગ હતો, તેથી તે રિલાયન્સથી અલગ થઈ ગયા પરંતુ તેનાથી રિલાયન્સને બહુ ફરક પડ્યો નહીં અને 1966માં રિલાયન્સ ટેક્સટાઈલનો જન્મ થયો. અમદાવાદના નરોડામાં એક મિલની સ્થાપના કરી, તેમણે તેમના મોટાભાઈ રમણીક લાલના પુત્ર વિમલના નામ પરથી 'વિમલ' બ્રાન્ડની શરૂઆત કરી, જે 'ઓન્લી વિમલ' જિંગલથી સમગ્ર ભારતમાં જાણીતી બની. તેમનો ધ્યેય હવે "વર્ટિકલ ઇન્ટિગ્રેશન" હતો, એટલે કે તેના બિઝનેસની વેલ્યુ ચેઇનમાં આગળ અને પાછળની લિંક્સનું એક્સપાન્શન કરવું.
1980નો દાયકો
1980 ના દાયકામાં, પોલિએસ્ટર ફિલામેન્ટ યાર્ન બનાવવા માટે સરકાર પાસેથી લાઇસન્સ મેળવવામાં ધીરુભાઈ સફળ થયા. ભારતમાં ઈક્વિટી રોકાણને લોકપ્રિય બનાવવાનો શ્રેય પણ ધીરુભાઈને જાય છે. તેઓ ગુજરાત અને અન્ય રાજ્યોના ગ્રામીણ લોકોને ઈક્વિટીમાં રોકાણ કરવા માટે સમજાવવામાં સક્ષમ હતા. ધીરુભાઈએ પોતાના જીવનમાં રિલાયન્સના બિઝનેસને અલગ-અલગ વિસ્તારોમાં વિસ્તાર્યો. આમાં મુખ્યત્વે પેટ્રોકેમિકલ્સ, ટેલિકોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, પાવર, ટેક્સટાઇલ અને કેપિટલ માર્કેટનો સમાવેશ થાય છે.
ઓપન ઈકોનોમીનો યુગ
ધીરુભાઈની કારકિર્દી 1970 અને 80ના દાયકાની સરકાર-નિયંત્રિત અર્થવ્યવસ્થા દરમિયાન રહી, પરંતુ તેમના બંને પુત્રોએ 1991 પછી 'ફ્રી ઈકોનોમી' નીતિ દ્વારા સર્જાયેલી તકોનો સંપૂર્ણ ઉપયોગ કર્યો. રિલાયન્સ 2012માં સંપત્તિની દૃષ્ટિએ વિશ્વની 500 સૌથી ધનિક અને સૌથી મોટી કંપનીઓમાં પણ સામેલ હતી.
તેમના જીવન પર બનેલી મણિરત્નમ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં એક ડોયલોગ છે, "મુઝે જૈસા દરવાઝા મિલા, મૈને ઉસે વૈસે ખોલા", આ ડાયલોગ 'લાયસન્સ રાજ'માં બિઝનેસ કરવા માટે તેણે જે સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો તેના પર પ્રકાશ પાડે છે. તેમના પર સરકારની નીતિઓને પ્રભાવિત કરવાનો અને નીતિઓની ખામીમાંથી નફો કરવાના આરોપો પણ લાગતા રહ્યા હતા. વધતા કારોબારની વચ્ચે તેમની તબિયત બગડી અને 6 જુલાઈ 2002ના રોજ તેમનું અવસાન થયું.

આજનું કરિયર ફન્ડા એ છે કે દરેક વ્યક્તિના વિચારો તેની પરિસ્થિતિ અનુસાર ઢળે છે અને કેટલાક વધારે વિઝન અને હિંમતથી આગળ નીકળી જાય છે.

કરીને બતાવીશું.

.

અન્ય સમાચારો પણ છે...