• Gujarati News
  • Dvb original
  • The 77 year old Grandmother Started A Homemade Gujarati Food Startup In Lockdown With Her Grandson, Now A Business Worth Rs 2 3 Lakh Per Month.

ખુદ્દારીની વાત:77 વર્ષીય દાદીએ પૌત્ર સાથે મળીને લોકડાઉનમાં હોમમેડ ગુજરાતી ફૂડનું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ, હવે દર મહિને 2-3 લાખનો બિઝનેસ

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોતાની બંને પુત્રવધૂઓ અને પૌત્રી સાથે ઉર્મિલા જમનાદાસ. - Divya Bhaskar
પોતાની બંને પુત્રવધૂઓ અને પૌત્રી સાથે ઉર્મિલા જમનાદાસ.

મુંબઈના રહેવાસી ઉર્મિલા જમનાદાસ પોઝિટિવીટી અને પ્રેરણાનું ઉદાહરણ છે. 77 વર્ષની વયમાં પણ તેમનો જોશ અને ઝનૂન જોરદાર છે. દરરોજ તેઓ સવારે 6 વાગ્યે જાગી જાય છે. ડેઈલી રૂટિનના કામ પતાવ્યા પછી પોતાના કિચનમાં જાય અને અહીંથી તેમના પ્રોફેશનલ કામની શરૂઆત થાય છે. તેઓ સૂકો નાસ્તો, ગરમ નાસ્તો, ઢોકળા, નમકીન, અલગ અલગ પ્રકારની કૂકીઝ, અથાણાં અને અનેક ગુજરાતી ડિશિસ તૈયાર કરે છે. પછી તેના પેકેજિંગ પછી મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ડિલિવરી થાય છે. માત્ર એક વર્ષમાં જ તેમના કિચનની સુગંધ મુંબઈની સાથે સાથે દેશના અન્ય હિસ્સા સુધી ફેલાઈ ગઈ છે. એટલે સુધી કે લંડનમાં રહેતા તેમના રિલેટિવ પણ ઉર્મિલાના હાથની જાદુગરીના ફેન છે. તેનાથી તેઓ દર મહિને 2થી 3 લાખ રૂપિયાનો બિઝનેસ કરી રહ્યા છે.

એક પછી એક અનેક સેટબેક મળ્યા
વાસ્તવમાં ઉર્મિલાબેનની સફરમાં ઉતારચઢાવ અને સંઘર્ષ દરેક વળાંકમાં રહ્યા છે પરંતુ એટલી જ ઝિંદાદિલીથી તેમણે તેનો મુકાબલો પણ કર્યો છે. લગ્નના કેટલાક વર્ષ જ વીત્યા હતા કે એક એક્સિડન્ટમાં તેમની અઢી વર્ષની પુત્રીનું મોત થયું હતું. તેના થોડા વર્ષો પછી બ્રેઈન ટ્યુમરના કારણે તેમના મોટા પુત્રનું મોત થયું. તેઓ આ આઘાતમાંથી બહાર આવે ત્યાં થોડા વર્ષો બાદ તેમના નાના પુત્રનું પણ હાર્ટએટેકમાં મોત થઈ ગયું. ઉર્મિલાબેન માટે આ સૌથી મોટો સેટબેક હતો. પરિવારની આર્થિક સ્થિતિ પહેલાથી જ નબળી હતી, ઉપરથી એક પછી એક આઘાત. પરંતુ તેમણે મુશ્કેલીઓ સામે સરેન્ડર ન કર્યુ. પરંતુ તેનો દૃઢતાથી સામનો કર્યો. તેમના પતિ પ્રાઈવેટ નોકરી કરતા હતા. કમાણી એટલી નહોતી કે પરિવારનો ખર્ચ ચલાવવાની સાથે બંને પૌત્ર-પૌત્રીને સારૂં એજ્યુકેશન આપી શકે. આથી ઉર્મિલાબેને આગળ વધીને જવાબદારી ઉઠાવી. તેઓ હંમેશા ભોજન બનાવવાના શોખીન રહ્યા હોવાથી તેઓ દરેક પ્રકારની ગુજરાતી રેસિપીઝ બનાવતા હતા. થોડા વર્ષો માટે તેઓ એક રિલેટિવના માધ્યમથી લંડન જતા રહ્યા હતા. ત્યાંથી ઉર્મિલાબેન પરિવાર ચલાવવા માટે પૈસા મોકલતા હતા.

સંજોગો ઉર્મિલાબેનની પરીક્ષા લઈ રહ્યા હતા
2012માં તેમના પૌત્ર હર્ષે એમબીએ કર્યુ અને એક ટુરિઝમ કંપનીની સાથે કામ કરવા લાગ્યો. તેના પછી ઉર્મિલાબેન મુંબઈ પરત આવી ગયા. આ દરમિયાન તેમણે તેમની પૌત્રીના લગ્ન પણ કરી દીધા. બધુ ધીમે ધીમે પાટા પર આવી રહ્યું હતું. હર્ષે પોતાની નોકરી છોડીને ગિફ્ટિંગ પ્રોડક્ટ્સનો બિઝનેસ શરૂ કર્યો હતો. સારી કમાણી થઈ રહી હતી પરંતુ 2019માં હર્ષ એક અકસ્માતનો શિકાર બન્યો. તેને ગંભીર ઈજા થઈ. અનેક દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું. બિઝનેસ પણ ઠપ થઈ ગયો. એટલે હરીફરીને સ્થિતિએ ફરીથી ઉર્મિલાબેનની પરીક્ષા લેવાનું શરૂ કર્યુ.

કિચનમાં ભોજન તૈયાર કરતા ઉર્મિલાબેન. તેમને હંમેશા અલગ-અલગ પ્રકારની ગુજરાતી ડિશિસ બનાવવાનો શોખ રહ્યો છે.
કિચનમાં ભોજન તૈયાર કરતા ઉર્મિલાબેન. તેમને હંમેશા અલગ-અલગ પ્રકારની ગુજરાતી ડિશિસ બનાવવાનો શોખ રહ્યો છે.

મુશ્કેલીઓનું શું છે, એ તો આવે ને જાય
30 વર્ષના હર્ષે કહ્યું કે એ અકસ્માત પછી મેન્ટલી તે ખૂબ પરેશાન રહેતો હતો. મારા મોંના અપર લિપ્સ લોસ થયા હતા. આ કારણથી ફેસ થોડો અજીબ દેખાતો હતો, પરંતુ દાદી મારી હિંમત વધારતી હતી. દાદી કહેતા કે અપર લિપ્સ કપાવાથી અને બિઝનેસ બંધ થવાથી જિંદગી અટકી ન જાય. મુશ્કેલીઓનું શું છે એ તો આવે ને જાય. તું શિક્ષિત છો, ટેલેન્ટેડ છો, કોશિશ કર, સફળતા જરૂર મળશે.

દાદીના બનાવેલા અથાણાંને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા તો આવવા લાગ્યા ઓર્ડર્સ
હર્ષના દાદી દર વર્ષે ગુજરાતી અથાણાં તૈયાર કરતા હતા. ગત વર્ષે પણ તેમણે કેરીના કેટલાક અથાણાં બનાવ્યા. કોરોનાના કારણે લોકડાઉન હોવાથી તેઓ ઘરમાં જ રહેતા હતા. એ દરમિયાન હર્ષના મનમાં વિચાર આવ્યો કે દાદીએ બનાવેલા અથાણાં બીજા લોકો સુધી પહોંચાડવા. તેણે દાદી સાથે વાત કરી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી. પછી તો એક પછી એક અનેક લોકોનાં ઓર્ડર્સ આવવા લાગ્યા, હર્ષ અને તેમના દાદી માટે આ ટર્નિંગ પોઈન્ટ સાબિદ થયો. અને અહીંથી તેમના હોમમેડ સ્ટાર્ટઅપની શરૂઆત થઈ.

પોતાની દુકાન સામે ઊભેલો હર્ષ. તે પોતાના સ્ટાર્ટઅપના માર્કેટિંગનું કામ સંભાળે છે.
પોતાની દુકાન સામે ઊભેલો હર્ષ. તે પોતાના સ્ટાર્ટઅપના માર્કેટિંગનું કામ સંભાળે છે.

હર્ષ કહે છે કે જ્યારે ડિમાન્ડ વધવા લાગી તો અમે પ્રોડક્ટ પણ વધારી દીધી. અથાણાંની સાથે સાથે સૂકો અને ગરમ નાસ્તો પણ અમે લોકો સુધી પહોંચાડવા લાગ્યા. ધીમે ધીમે વ્યાપ વધ્યો અને થોડા મહિના પછી ‘ગુજ્જુબેનના નાસ્તા’ એવા નામથી પોતાની એક દુકાન ખોલી. અમે ગુજરાતી કમ્યુનિટીમાંથી આવીએ છીએ તેથી આ નામ રાખ્યું છે. તેનો અર્થ એ છે કે ગુજરાતના બહેનના હાથે બનેલો નાસ્તો. અહીં અમે દાદીએ બનાવેલી તમામ પ્રોડક્ટ રાખીએ છીએ. લોકો દુકાનેથી પણ અમારી પ્રોડક્ટ ખરીદે છે અને અમે ઓનલાઈન પણ સેલ કરીએ છીએ. ગરમ નાસ્તાની ડિલિવરી તો હાલ મુંબઈ સુધી સીમિત છે પણ દાદીએ બનાવેલી ચિપ્સ, અથાણાં, કૂકીઝ, ખાખરા જેવી પ્રોડક્ટ ઓનલાઈન મુંબઈની બહાર પણ મોકલીએ છીએ.

તમામ પ્રોડક્ટની રેસિપી બનાવવાનું કામ ઉર્મિલાબેન કરે છે. જ્યારે હર્ષ માર્કેટિંગ અને એકાઉન્ટન્ટનું કામ સંભાળે છે. તેની સાથે જ તેમણે બે મહિલાઓને અને ત્રણ યુવકોને પોતાની મદદ માટે રાખ્યા છે. ઉર્મિલાની બંને પુત્રવધૂઓ પણ તેમના કામમાં મદદ કરે છે.

ઉર્મિલાબેન કહે છે કે મારાથી નવરાશથી બેસી રહેવાતું નથી. તેથી હું કામ કર્યા કરૂં છું. તેનાથી બાળકોને હિંમત પણ મળે છે.
ઉર્મિલાબેન કહે છે કે મારાથી નવરાશથી બેસી રહેવાતું નથી. તેથી હું કામ કર્યા કરૂં છું. તેનાથી બાળકોને હિંમત પણ મળે છે.

હર્ષ કહે છે કે બે વખત દાદીને હાર્ટ એટેક આવી ચૂક્યો છે. વય પણ ઘણી છે પરંતુ દાદીના ચહેરા પર તેની અસર માત્ર નથી. અમે લોકો કામ કરતા થાકી જઈએ પણ દાદી થાકતા નથી. અનેકવાર વધુ ઓર્ડર્સ આવી જાય છે તો અમે પરેશાન થઈ જઈએ છીએ કેવી રીતે જલદીથી આટલું બનાવીશું અને તેને ડિલિવર કરીશું પણ દાદી કહે છે કૂલ રહો, બધુ થઈ જશે અને તેઓ સમયસર કામ પણ પુરું કરી લે છે. તેનાથી અમારૂં મનોબળ વધે છે.

હર્ષ કહે છે અમારી પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. આથી ડિમાન્ડ હોવા છતાં પણ અનેકલોકો સુધી અમે પ્રોડક્ટ મોકલી શકતા નથી. અમારા સ્ટાર્ટઅપને હજુ એક વર્ષ જ થયું છે અને ઉપરથી કોરોના અને લોકડાઉનના પ્રતિબંધો છે. આથી મુંબઈની બહાર અમે નાસ્તાની ડિલિવરી કરી શકતા નથી. પરંતુ ટૂંક સમયમાં આ કામ પણ કરીશું. કેટલીક કુરિયર કંપનીઓ સાથે અમારી વાતચીત ચાલી રહી છે. આશા છે કે આગામી થોડા મહિનાઓમાં અમે પાન ઈન્ડિયા ડિલિવરી કરવા લાગીશું.