• Gujarati News
  • Dvb original
  • 'People Were Bowing Their Heads In Front Of That Pistol!', How Was Shaheed e Azam's Historic Pistol Found After 86 Years In Oblivion?

ભાસ્કર એક્સક્લૂસિવશહીદ ભગતસિંહની પિસ્તોલ છેક 86 વર્ષે મળી!:આ જ બંદૂકથી અંગ્રેજ ઑફિસર સોંડર્સનું ઢીમ ઢાળી દીધેલું, પણ પછી ‘લોકો એ પિસ્તોલની સામે માથું ટેકવતા હતા!’

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: વિક્રમ મહેતા
  • કૉપી લિંક

25 ડિસેમ્બરની ગાત્રો થીજવી દે એવી કડકડતી ઠંડી. યુવાઓની એક ટોળી ઠંડી રાતના ગાઢ અંધકારમાં હથિયારો સાથે એક ઘર તરફ આગળ વધી રહી છે. એમના હાથમાં પિસ્તોલ, લાકડીઓ, ધારદાર શસ્ત્રો છે. એ ક્રાંતિવીરોની ટોળી છે. દિલોદિમાગમાં મરી ફિટવાની સરફરોશી તમન્ના રાખતા આ ક્રાંતિવીરો શેરડીના વેપારી બલદેવ સિંહના ઘર તરફ જઇ રહ્યા છે.

બલદેવ સિંહ વ્યાજખોર છે. ઊંચા દરે વ્યાજ વસૂલે. બલદેવસિંહ પાસેથી ધનરાશિ એકઠી કરીને એનો આઝાદીની લડાઇમાં હથિયાર ખરીદવા માટે ઉપયોગ કરવાની ક્રાંતિકારીઓની યોજના છે. ક્રાંતિકારીઓએ બલદેવ સિંહના ઘરમાં ધાડ પાડી. ક્રાંતિકારીઓ આઠ હજાર રૂપિયા અને સોના ચાંદીનાં ઘરેણાં લૂંટીને જેવા નીકળ્યા એટલે બલદેવ સિંહના એક પહેલવાન મોહનલાલે ક્રાંતિકારીઓને પડકાર ફેંકતા રોક્યા. રોશનસિંહ નામના ક્રાંતિવીરે ગોળી ચલાવી. મોહનલાલનું શરીર થોડું તરફડીને શાંત થઇ ગયું!

ક્રાંતિકારીઓ પોતાના ગુપ્ત ઠેકાણે પહોંચ્યા. સૌ કોઇ ખુશ હતા. લૂંટમાં ઘણી ધનરાશિ-ઘરેણાં મળ્યાં હતાં, કે જેનો આઝાદીની લડાઇમાં ઉપયોગ થવાનો હતો. પણ વાતાવરણમાં એક ખામોશી પણ હતી. અત્યાર સુધી સાવ ખામોશ રહેલો એક વ્યક્તિ બોલ્યો: હવે પછીથી મને આવી કોઇ ડકૈતીમાં સાથે ન લઇ જવો. આવી હિંસાનો હું સમર્થક નથી કે જેમાં કોઇ જીવતા માણસની હત્યા કરવા મજબૂર થવું પડે!

એ યુવાન એટલે ભગત સિંહ. બિનજરૂરી હિંસાની તરફેણ નહીં, પણ ક્રાંતિકારી પિતા કિશન સિંહ,કાકા સ્વર્ણ સિંહ અને અજિત સિંહને તથા મા ભારતીને આઝાદ કરવા માટે આઠ વર્ષની ઉંમરે ખેતરમાં બંદૂક ઉગાડવા મથતા ભગત સિંહ! હિન્દુસ્તાનની સ્વતંત્રતાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું એક મર્દાના નામ ભગત સિંહ. બ્રિટિશ સામ્રાજ્ય સામે ક્રાંતિનો ઇન્કલાબી જયઘોષ કરનાર ભગતસિંહ. સ્વાતંત્ર્યની દેવીને પોતાના રક્તની આહુતિ ધરનાર ભગતસિંહ. ફાંસીના ગાળિયાને ચૂમીને દેશની આઝાદીના યજ્ઞમાં પોતાના પ્રાણનાં સમિધ હોમનાર શહીદ-એ-આઝમ ભગતસિંહ.

આજે શહીદ દિવસ છે. ભગત સિંહ-સુખદેવ અને રાજગુરુની ક્રાંતિ ત્રિપુટીને આજના દિવસે ફાંસી આપવામાં આવી હતી. વર્ષ હતું 1931નું. ભગત સિંહ વિશે ખૂબ લખાયું છે. અઢળક લખાયું છે. કુલદીપ નાયરથી માંડીને મલવિંદરજીત સિંહ વડૈચ, રાજશેખર વ્યાસ સુધીના ઇતિહાસકારો-પત્રકારો-લેખકોએ ભગત સિંહ વિશે લખ્યું છે. આજે ભગત સિંહ પર લખાયેલા એક વિશિષ્ટ પુસ્તકની વાત કરવી છે. પુસ્તકનું નામ છે: 'ભગત સિંહ કી પિસ્તૌલ કી ખોજ'. લેખક છે જુપિંદરજીત સિંહ. 86 વર્ષ સુધી ગુમનામીના અંધારામાં રહેલી ભગત સિંહની અણમોલ વારસાસમી આ પિસ્તોલને શોધીને આપણી સમક્ષ લાવનાર જુપિંદરજિત સિંહે ‘દિવ્ય ભાસ્કર’ સાથે ખાસ વાતચીત કરી હતી.

ભગત સિંહની પિસ્તોલ: 32 બોર, 168896
એક હકીકત મુજબ આ પિસ્તોલ ભગત સિંહને ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ તરફથી મળી હોવાનું કહેવાય છે. લાલા લજપતરાયની હત્યાનો બદલો લેવા માટે ભગત સિંહે આ જ પિસ્તોલથી તારીખ 17 ડિસેમ્બર,1928ના રોજ અંગ્રેજ પોલીસ અધિકારી સોંડર્સને સ્વધામ પહોંચાડી દીધો હતો. ભગત સિંહે પોતાની પિસ્તોલથી કરેલી આ એક માત્ર હત્યા! 1929ના એપ્રિલમાં ભગત સિંહ અને સાથી બટુકેશ્વર દત્તે એસેમ્બલીમાં બોમ્બ ફેંકીને ‘ઇન્કલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ મુર્દાબાદ’ના નારા લગાવ્યા. નાસી જવાને બદલે આત્મસમર્પણ કર્યું. સાર્જન્ટ ટેરીએ ભગત સિંહ પાસેથી પિસ્તોલ અને સાહિત્ય જપ્ત કર્યુ. ફોરેન્સિક તપાસ અને સરકારી સાક્ષી બનેલા જયગોપાલ અને એચ. આર. વહોરાના નિવેદનને આધારે આ પિસ્તોલથી જ સોંડર્સની હત્યા થઇ હોવાનું પછી ખૂલ્યું!

પણ પછી એ પિસ્તોલનું શું થયું? કેટલી લાંબી જદ્દોજહદ બાદ એ પિસ્તોલ મળી આવી? મળી ત્યારે કઇ હાલતમાં હતી? જુપિંદરજીત સિંહે કઇ રીતે આ પિસ્તોલ મેળવી..? આવા તમામ સવાલોના જવાબ જાણવા પડછંદ વ્યક્તિત્વના ધણી એવા જુપિંદરજીત સિંહ સાથે વાતચીતનો દોર આરંભાય છે. જુપિન્દરજીત સિંહ વ્યવસાયે પત્રકાર અને લેખક. ક્રાઈમ પત્રકારત્વની સાથે ‘જસ્ટિસ ફોર જસ્સી’ અને ‘યર્સ લેટર... ઓન ફેસબુક’ જેવાં પુસ્તકો એમણે લખ્યાં છે. બીજા બધા જુવાન છોકરાઓની જેમ જુપિંદરજીત સિંહે પ્રેમપત્રો પણ લખ્યા. કવિતાઓ લખી. ટૂંકી વાર્તાઓ લખી. કોઇકે અખબારમાં લખવાની સલાહ આપી અને પત્રકારત્વ-લેખનમાં એમનો પ્રવેશ થયો. હાલ તેઓ ચંદીગઢમાં અંગ્રેજી અખબાર ‘ધ ટ્રિબ્યુન’ના પત્રકાર-લેખક છે.

એક આર્ટિકલથી શરૂ થઈ ભગત સિંહની પિસ્તોલની શોધખોળ
ભગત સિંહની પિસ્તોલ શોધવાના વિચાર અંગે જુપિંદરજીત સિંહ કહે છે કે, '19 ઓક્ટોબર, 2016ના દિવસે મારી સહયોગી સારિકા શર્મા ભગત સિંહના જીવન સાથે સંકળાયેલા દસ્તાવેજો અને રિસર્ચર અપર્ણા વૈદિકના રિસર્ચ પર એક સિરીઝ કરી રહી હતી. સિરીઝની એક સ્ટોરીમાં સારિકાએ ભગત સિંહ સહિતના લાહોર ષડ્યંત્ર કેસના ટ્રાયલ દરમિયાન એમની પાસેથી જપ્ત કરવામાં આવેલી વસ્તુઓ અંગે સવાલો ઉઠાવ્યા હતા. હથિયારો-બોમ્બ-પુસ્તકો-પત્રો-નોટબુક્સ સહિતની આ વસ્તુઓમાં એક ભગત સિંહની પિસ્તોલ પણ હતી. આ પિસ્તોલ પોલીસ એકેડમી ફિલ્લૌરમાં રાખવામાં આવી હોવાની સંભાવના સારિકાએ સ્ટોરીમાં વ્યક્ત કરી હતી. વર્ષ 2004-2005માં મેં આ પિસ્તોલ પર રિસર્ચ કર્યું હતું અને તેને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પણ ત્યારે જરૂરી નેટવર્ક અને કોન્ટેક્ટ નહોતા, સરકારી અધિકારીઓએ પણ ખાસ રસ દાખવ્યો ન હોવાના કારણે બહુ સફળતા મળી ન હતી. સારિકાના આર્ટિકલથી મેં ભગત સિંહની પિસ્તોલ શોધવા ફરી કમર કસી.'

આરંભ હૈ પ્રચંડ...
જુપિંદરજીત સિંહ પિસ્તોલ શોધવાની આખી પ્રોસેસ અંગે જણાવતા કહે છે, ‘સારિકાએ આર્ટિકલમાં પિસ્તોલના નંબરની પણ નોંધ કરી હતી. પિસ્તોલનો નંબર હતો બોર 32,168896. આ નંબર બહુ ફાયદાકારક રહ્યો. ફિલ્લૌરની એકેડેમી કે જ્યાં હજારો હથિયારો સ્ટોર કરવામાં આવે છે એ એકેડેમીમાં નંબર વગર આ પિસ્તોલને શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવી મુશ્કેલ વાત હતી.’

જુપિંદરજીત સિંહે પંજાબ DGP સુરેશ અરોરાની મદદ લીધી અને પોલીસ અકાદમીની મુલાકાત માટે પરમિશન માગી. થોડા દિવસો તો એમ જ પસાર થઇ ગયા. જુપિંદરજીત સિંહને મનમાં ડર કે ક્યાંક પહેલાંની જેમ વાત અટકી ન પડે. જુપિંદરજીત સિંહે પછી ‘રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ’નો રસ્તો લીધો. DGP સુરેશ અરોરાએ તમામ પ્રકારની સંભવિત મદદનું આશ્વાસન આપ્યું. જુપિંદરજીત સિંહ તો ખુશખુશાલ. ડીજીપીના આ આશ્વાસનથી ઘણા બંધ રસ્તા ખૂલવાના હતા. DGPએ IG કુલદીપ સિંહને મળવા કહ્યું. જુપિંદરજીત સિંહ ક્રાઇમ રિપોર્ટર હતા એ દરમિયાન IG કુલદીપ સિંહ સાથે સંબંધો વણસેલા. ચૌદ વર્ષ પહેલાં. કુલદીપસિંહે જુપિંદરજીત સિંહ પરમાનહાનિનો કેસ પણ કર્યો હતો. જોકે ચૌદ વર્ષ પછી જ્યારે ભગત સિંહની પિસ્તોલ સંદર્ભે જુપિંદરજીત સિંહે IG કુલદીપ સિંહને ફોન કર્યો ત્યારે કુલદીપ સિંહે જૂનું મનદુઃખ ભૂલીને મદદની તૈયારી દર્શાવી.

એ ધૂળિયાં રજિસ્ટરોમાં એક પિસ્તોલની નોંધ ક્યાં હશે?
જુપિંદરજીત સિંહ કહે છે, ‘'DGP અને IG સ્તરના પોલીસ અધિકારીઓની સૂચનાથી ફિલ્લૌર પોલીસ એકેડમીનો સ્ટાફ કામે લાગી ગયો. IG કુલદીપ સિંઘે મારી મદદ માટે એક્સ આર્મીમેન રાવચરણ બરારને મારી સાથે કામ પર લગાવી દીધા. રાવચરણ બરાર હથિયાર અને ઇતિહાસના અચ્છા જાણકાર હતા. ફિલ્લૌરના સ્ટાફે 1980 પહેલાંનાં જૂનાં રજિસ્ટરો ફંફોળવા માંડ્યાં. રજિસ્ટરો એટલી ખરાબ હાલતમાં હતાં કે અડતાં જ ફાટી જાય. ધૂળથી ભરેલાં હજારો રજિસ્ટરોના ઢગલામાં એક રજિસ્ટરની શોધ કરવી સહેલું નહોતું.’

‘મને ફોન આવ્યો કે...’
જુપિંદરજીત સિંહ કહે છે કે, ‘તારીખ 1 નવેમ્બરના રોજ મને રાવચરણ બરારનો ફોન આવ્યો કે જુપિંદર તારું વોટ્સએપ ચેક કર. મેં વોટ્સએપ ચેક કરીને જોયું તો એમણે 1969ના એક રજિસ્ટરનો ફોટો મોકલ્યો હતો. જેમાં BSFના ઇંદોર મ્યુઝિયમમાં આઠ પિસ્તોલ મોકલી દેવાનો રેકોર્ડ દર્જ હતો. આ આઠ પિસ્તોલમાં એક ભગત સિંહની પિસ્તોલ પણ હતી કે જેનો નંબર હતો: 32 કોલ્ટ 168896. રજિસ્ટરમાં લખેલી નોંધ પ્રમાણે આ પિસ્તોલ 7 ઓક્ટોબર, 1969 સુધી ફિલ્લૌરમાં રહી હતી.’

આ શોધ બહુ મહત્ત્વની છે...
જુપિંદરજીત સિંહે ઇન્દોરના BSF મ્યુઝિયમમાં ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન આદર્યો, પણ ત્યાંના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિજય રોયે આવી કોઇ પિસ્તોલ BSF મ્યુઝિયમમાં હોવાની વાત જ નકારી કાઢી. હવે? આ દરમિયાન ટ્રિબ્યુનમાં જુપિંદરજીત સિંહે ભગતસિંહની પિસ્તોલ 1969 સુધી ફિલ્લૌર એકેડમીમાં હોવાની અને ત્યારબાદ તેને ઇંદોર BSF મ્યુઝિયમમાં ટ્રાન્સફર કરી હોવાના સમાચાર પણ બ્રેક કરી દીધા હતા. આ સમાચારથી ઇતિહાસકારોએ જુપિંદરજીત સિંહને અભિનંદન પાઠવ્યા. મલવિંદર સિંહ વડૈચે કહ્યું કે આ શોધ ખૂબ મહત્ત્વપૂર્ણ છે..

પણ પિસ્તોલ હતી ક્યાં?
જુપિંદરજીત સિંહ BSFના ઇંદોર સ્થિત સેન્ટર સ્કૂલ ઓફ વેપન્સ એન્ડ ટેક્ટિકસમાં સતત ફોન કૉલ્સ કરી રહ્યા હતા. જુપિંદરજીત સિંહે ટેલિફોન ઓપરેટરને ડાયરેક્ટર ઓફ ધ સ્કૂલ સાથે વાત કરાવવા વિનંતી કરી. છેક ત્રીજા દિવસે જુપિંદરજીત સિંહની IG પંકજ સાથે વાતચીત શક્ય બની. જુપિંદરજીત સિંહ કહે છે, મેં ટ્રિબ્યુન અખબારના પત્રકાર તરીકે મારી ઓળખાણ આપી. ભગત સિંહની પિસ્તોલ અંગે વાત કરી. IG પંકજ ત્રણ વર્ષ પંજાબમાં ફરજ બજાવી ચૂક્યા છે એટલે પંજાબીઓ માટે ભગત સિંહનું શું મહત્ત્વ છે એનાથી તેઓ બરાબર વાકેફ હતા. એમણે મને પિસ્તોલના રેકોર્ડના રજિસ્ટરનો ફોટો મોકલી આપવા જણાવ્યું અને વ્યક્તિગત ધોરણે મદદની તૈયારી બતાવી. મને IG પંકજ સાહેબ પર ભરોસો હતો કે તેઓ મારી મદદ કરશે.’

‘જુપી તેરી પિસ્તોલ મિલ ગઇ!
જુપિંદરજીત સિંહ એ પ્રસંગને યાદ કરતાં કહે છે, ‘મને રાત્રે સાડા-દસ અગિયાર વાગ્યે IG પંકજ સાહેબનો ફોન આવ્યો. તેઓ હંમેશાં મને પ્રેમથી ‘જુપી’ જ કહેતા. IG પંકજ સાહેબે મને ટેલિફોન કરીને જણાવ્યું કે જુપી તેરી પિસ્તોલ મિલ ગઈ હૈ! મેં IG સાહેબને ફોટો મોકલવાનું કહ્યું, પણ એમણે મનાઇ કરી અને રૂબરૂ જ આવવા કહ્યું. મારું મન જાણે છે કે એ રાત મેં કેવી રીતે પસાર કરી છે. સવારની જે પહેલી ફ્લાઇટ હતી એમાં હું ઇન્દોર પહોંચી ગયો. મેં મારા એડિટર સાહેબને વાત કરી. ઇન્દોર પહોંચ્યા પછી અમને પહેલાં તો ચા-પાણીની ઑફર કરવામાં આવી. પણ મને તો ઉતાવળ હતી એ પિસ્તોલને જોવાની. એને હાથમાં લેવાની. અમે તુરંત જ મ્યુઝિયમમાં આવ્યા કે જ્યાં આ પિસ્તોલ રાખવામાં આવી હતી. મ્યુઝિયમમાં રાખેલી અન્ય પિસ્તોલની જેમ ભગત સિંહની પિસ્તોલ પર પણ કાળો પેઇન્ટ કરવામાં આવ્યો હતો. કાટ ન લાગે એ માટે. પિસ્તોલનો નંબર પેઇન્ટને કારણે જોઇ શકાતો ન હતો. IGએ રંગ ઉતારવાનો આદેશ કર્યો. આઠ પૈકી ત્રીજી પિસ્તોલનો રંગ ઊતર્યો. નંબર વંચાયો 168896.'

જુપિંદરજીત સિંહ ઉત્સાહની ચરમસીમા પર હતા. આખરે એ પિસ્તોલ મળી ગઇ કે જે પિસ્તોલે અંગ્રેજ સામ્રાજ્યની ઊંઘ હરામ કરી નાખી હતી. જુપિંદરજીત સિંહ આગળ કહે છે, ‘મેં IG પાસે એ પિસ્તોલને હાથમાં લઇને એને સ્પર્શ કરવાની પરવાનગી માગી. IGએ પણ અત્યાર સુધી એ પિસ્તોલને હાથમાં નહોતી લીધી. જ્યારે મેં એ પિસ્તોલને હાથમાં લીધી એટલે અચાનક હું અનેક વર્ષો પાછળ ચાલ્યો ગયો. ભગત સિંહની પિસ્તોલ મારા હાથમાં હતી. રોમાંચથી મારા રુવાંડાં ખડાં થઇ ગયાં હતાં!’

‘આજે પણ હું એ ઘટનાને યાદ કરું છું ત્યારે મારા શ્વાસ ફૂલી જાય છે!’
‘માત્ર હું જ નહીં, પણ આ પિસ્તોલનું ઐતિહાસિક મહત્ત્વ સમજતા IG પંકજ પણ ઇમોશનલ બની ગયા હતા. એટલી વારમાં તો વાત ફેલાઇ ગઇ હતી કે પંજાબથી કોઇ જર્નાલિસ્ટ આવ્યો છે અને એણે ભગતસિંહની પિસ્તોલ શોધી કાઢી છે. IG પંકજ સાહેબે એક ટ્રેમાં પિસ્તોલ મૂકીને એને મ્યુઝિયમની બહાર પ્રદર્શન માટે મૂકી. મેં લોકોને આ પિસ્તોલ સામે માથું ટેકવતા જોયા છે. પ્રણામ કરતા જોયા છે. કેટલીક મહિલાઓ પોતાનાં બાળકોને આ પિસ્તોલ બતાવી રહી હતી અને ભગત સિંહની વાત કહી રહી હતી. BSFના ન્યૂ રિક્રૂટ પણ પિસ્તોલને માથું ટેકવી રહ્યા હતા. આખો માહોલ ઇમોશનલ અને ભગત સિંહમય બની ગયો હતો. આજે પણ હું એ ઘટનાને યાદ કરું ત્યારે મારા શ્વાસ ફૂલી જાય છે. રુવાંડાં ખડાં થઈ જાય એવી ફીલિંગ આવે છે. જ્યારે આંખ બંધ કરીને મારી લાઇફ વિશે વિચારું છું ત્યારે લાગે છે કે આ મારી લાઇફની ડિફાઇનિંગ મોમેન્ટ હતી.’

કોઇને ખબર પણ ન હતી કે આ ભગત સિંહની પિસ્તોલ છે!
1931માં કોર્ટે લાહોર પોલીસના DSP નિયાઝ ખાનને લાહોર ષડ્યંત્ર સાથે જોડાયેલી વસ્તુઓ કે જેમાં એક પિસ્તોલ પણ હતી તેને ફિલ્લૌર પોલીસ ટ્રેનિંગ મોકલી આપવાનો આદેશ કર્યો હતો, પણ મંથર સરકારી તંત્રને કારણે કોર્ટના આદેશનો અમલ છેક વર્ષ 1944માં થયો. ચૌદ વર્ષ સુધી ભગત સિંહની પિસ્તોલ લાહોરના પોલીસ શસ્ત્રાગારમાં રહી હતી. 1944થી 1969 સુધી આ પિસ્તોલ પોલીસ એકેડમી ફિલ્લૌરમાં રહી. ત્યારબાદ ઇન્દૌર BSF મ્યુઝિયમમાં ટ્રાન્સફર કરવામાં આવી. આ ટ્રાન્સફરનું કારણ આપતા જુપિંદરજીત સિંહ કહે છે કે, BSFની સ્થાપના વર્ષ 1966માં થઇ હતી. 1962 યુદ્ધના ઘા હજુ રુઝાયા ન હતા. BSFના ન્યૂ રિક્રુટની તાલીમ-પ્રશિક્ષણ માટે મધ્યપ્રદેશના ઇન્દોરમાં સેન્ટર સ્કૂલ ફોર વેપન્સ એન્ડ ટેક્ટિક્સ શરૂ કરવામાં આવી હતી. આ સ્કૂલમાં વિભિન્ન હથિયારોની જાણકારી મળે એ માટે એક મ્યુઝિયમ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ માટે દરેક પ્રકારનાં હથિયારોની જરૂરિયાત હતી એટલે દેશભરમાં કયા પ્રકારનાં હથિયારો ઉપલબ્ધ છે એની તપાસ કરવામાં આવી. આ તપાસમાં 32 બોર, યુએસ કોલ્ટ નંબર 168896ના નંબરની પિસ્તોલની પણ જાણકારી મળી. જોકે ત્યાં સુધી કોઇને આ પિસ્તોલના ભગત સિંહ સાથેના ઐતિહાસિક કનેક્શન વિશે જાણકારી ન હોતી!

ઇન્દોરથી પંજાબ: PIL દાખલ થઇ, BSFએ એક કાંકરે બે પક્ષી માર્યાં
પિસ્તોલ મળી એટલે બૌદ્ધિક વર્ગમાં એક નવી ચર્ચા શરૂ થઈ કે આ પિસ્તોલને રાખવી ક્યાં. ત્રણ વિકલ્પ હતા. એક: ભગતસિંહનું પૈતૃક ગામ ખટકડ કલા, બીજો: જ્યાં ભગત સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા એ હુસૈનીવાલા, ફિરોઝપુર અને ત્રીજો: નેશનલ મ્યુઝિયમ, દિલ્હી. પિસ્તોલને ઇન્દોરથી પંજાબ લાવવી અઘરી પ્રક્રિયા હતી. એના માટે રાષ્ટ્રપતિની પરમિશન જરૂરી હતી. પંજાબના DGP સહિતના ઉચ્ચ અધિકારીઓએ પિસ્તોલને પંજાબ લાવવા અંગે પત્રવ્યવહાર શરૂ કરી દીધો હતો.

જુપિંદરજીત સિંહ કહે છે, ‘આખરે 400થી વધુ PIL કરનારા અને મજાકમાં ‘હાઇકોર્ટ અરોરા’ તરીકે ઓળખાતા હરિચંદ અરોરાએ PIL કરી. કોર્ટે BSFને નોટિસ ફટકારી. સુનાવણી દરમિયાન જ BSF- ઇંદોરે પિસ્તોલને પંજાબ મોકલી આપી. વર્ષ 2017થી પંજાબમાં હુસૈનીવાલા, ફિરોઝપુર સ્થિત BSFના મ્યુઝિયમમાં આ પિસ્તોલ રાખવામાં આવી છે. પંજાબ બીએસએફને પિસ્તોલ આપીને એક રીતે BSFએ જ આ પિસ્તોલનો કબજો રાખ્યો છે. BSFનું માનવું હતું કે હુસૈનીવાલામાં હજારો લોકો ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધા સુમન અર્પણ કરે છે. તેથી અહીં પિસ્તોલને રાખવાથી વધુ સારી રીતે તે પ્રદર્શિત થઇ શકશે. વાઘા બોર્ડરની જેમ અહીં પણ પરેડ થાય છે. હજારો લોકો આ પરેડને નિહાળવા માટે આવે છે. આ કારણે પિસ્તોલને વધુ લોકો નિહાળી શકશે.’

પંજાબનો કરન્ટ સિનારિયો અને ભગત સિંહની વિચારધારા
પંજાબની વર્તમાન સ્થિતિમાં ભગત સિંહની અને એમની વિચારધારાની જરૂરિયાત અનુભવતા જુપિંદરજીત સિંહ કહે છે, ‘આજે પંજાબમાં કોઇ વ્યક્તિની જરૂરિયાત હોય તો એ વ્યક્તિનું નામ છે: શહીદ ભગત સિંહ. માત્ર પંજાબ કે માત્ર હિન્દુસ્તાન નહીં, પણ જગતભરના ક્રાંતિવીરોમાં ભગત સિંહનું નામ બેં વેંત ઊંચું છે. ફ્રેન્ચ વિદ્વાન-ઇન્ડોલોજિસ્ટ ક્રિસ્ટોફી જેફરલોટે એમને વીસમી સદીના શ્રેષ્ઠ ક્રાંતિકારી કહ્યા છે. ભગત સિંહ એટલા માટે મહાન છે કારણ કે ધર્મ-જાતપાતથી પર ઊઠીને પોતાની માતૃભૂમિને ગુલામીની બેડીઓમાંથી આઝાદ કરવા માટેની લડાઇ લડી છે. ભગતસિંહ સંપૂર્ણ રાષ્ટ્રવાદી ક્રાંતિવીર હતા. આજે પંજાબમાં ગન કલ્ચરનું દૂષણ વધ્યું છે. ધાક બેસાડવા-હીરો ઇમેજ ઊભી કરવા માટે યંગસ્ટર્સ પોતાની પાસે ગન રાખે છે. અમૃતપાલ જેવા ખાલિસ્તાની એક્ટિવિસ્ટથી ખોટી પ્રેરણા લઇ રહ્યા છે. ગેંગસ્ટર્સ અને ટેરરિસ્ટ્સ પાસેથી પ્રેરણા લેતા યૂથને ખબર નથી કે ભગત સિંહ શું હતા!’

‘રંગ દે બસંતી’ જેવી ફીલિંગ: એક તરફ પિસ્તોલનું ઇન્વેસ્ટિગેશન, બીજી તરફ ભગત સિંહની દાસ્તાન
વેલ, આ પુસ્તકની મજાની વાત એ છે કે આ પુસ્તક વાંચતાં તમને રાકેશ ઓમપ્રકાશ મેહરાના સિનેમા જેવી ફીલિંગ આવે છે. એક તરફ પ્રેઝન્ટ ટાઇમ છે કે જેમાં પિસ્તોલનું ઇન્વેસ્ટિગેશન થઇ રહ્યું છે અને પેરેલલ પિરિયોડિક ટાઇમ ચાલે છે કે જેમાં ભગત સિંહને વારસામાં મળેલી દેશપ્રેમની ભાવના, સોંડર્સ કેસ, એસેમ્બલીમાં બોમ્બિંગ જેવી પિસ્તોલ સાથે સંકળાયેલી ઐતિહાસિક ઘટનાઓ, હિંસાને સમર્થન ન આપનારી એમની સ્પષ્ટ વિચારધારા, રાષ્ટ્રવાદને લઇને એમના વિચારો, વિશ્વસાહિત્ય-ઇતિહાસ-ક્રાંતિવીરોની કથાઓનું એમનું વાંચન...આ પાસાઓ પણ પ્રેઝન્ટ થતાં રહે છે. ભગત સિંહની પિસ્તોલ શોધવાની દાસ્તાન કહેતા આ પુસ્તકનો આખો ટોન તમે સમજી શકો છો. અહીં લેખકનો પ્રયાસ ભગત સિંહની હિંસાવાદી છબીને ભૂંસવાનો છે. ભગત સિંહ આતંકવાદી હોવાની એક વર્ગની માન્યતાને ભાંગવાનો છે.

જુપિંદરજીત સિંહ કહે છે, ‘ભગત સિંહની પિસ્તોલ શોધવાની આખી દાસ્તાન પરથી પુસ્તક લખવાનો મારો વિચાર હતો. દરેક આજે એવું માને છે કે પોતે ભગત સિંહ વિશે બધું જ જાણે છે. આવા વહેમ રાખનારાઓમાં એક હું પણ હતો. જ્યારે હું લખવા બેઠો ત્યારે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે મારે ભગત સિંહ પર લખાયેલાં સાહિત્યમાંથી પસાર થવું પડ્યું. ભગત સિંહ પર લખાયેલાં પુસ્તકો મેં વાંચ્યાં અને ભગત સિંહની વિચારધારાને નજીકથી જાણી અને સમજી. પંજાબના ઇતિહાસકારો સાથે પણ ચર્ચા-વાતચીત કરી. ભગત સિંહની વિચારધારાને પુસ્તકોના માધ્યમથી સમજ્યા પછી મને લાગ્યું કે હું જે પુસ્તક લખીશ એમાં ભગત સિંહની વિચારધારા પણ પ્રેઝન્ટ કરીશ અને પિસ્તોલ શોધવાની ઇન્વેસ્ટિગેટિવ પ્રોસેસ પણ પ્રેઝન્ટ કરીશ. ભગત સિંહ વિશે એક માન્યતા હતી કે તેઓ લેફ્ટિસ્ટ હતા. પરંતુ આ વાતમાં તથ્ય નથી. જેલમાં એમણે ત્રણસોથી ઉપર પુસ્તકો વાંચી નાખ્યાં હતાં. ભગત સિંહની વિચારધારા સોશિયાલિસ્ટ હતી. એ હિંસાવાદી ન હતા. ભગત સિંહના આ વિચારોને મારે પ્રસ્તુત કરવા હતા.’

ઐતિહાસિક વારસાની જાળવણીમાં ઉદાસીનતા કેમ?
આપણા વારસાને સાચવવામાં આપણે ઊણા ઊતરીએ છીએ. વારસાની જાળવણીમાં પણ વ્યક્તિગત વિચારધારાના ચશ્માં આડે આવી જાય છે. છેક 86 વર્ષ સુધી ભગત સિંહની પિસ્તોલ ગુમનામીના અંધારામાં રહી. આપણને ખબર પણ ન હતી કે આ ભગત સિંહની પિસ્તોલ છે. એનું શું ઐતિહાસિક મૂલ્ય છે. જુપિંદરજીત સિંહ ફરિયાદી સૂરમાં કહે છે કે, ‘કોંગ્રેસ સરકારે ફક્ત કોંગ્રેસ સાથે જોડાયેલ સ્વાતંત્ર્ય વીરોને જ પ્રમોટ કર્યા છે. બીજા ક્રાંતિવીરો પ્રત્યે-એમના વારસા પ્રત્યે ખાસ ધ્યાન આપ્યું નથી. આ બહુ મોટી કરુણતા છે. તમે જુઓ કે છેક વર્ષ 2008માં પાર્લામેન્ટમાં ભગત સિંહનું સ્ટેચ્યુ બન્યું છે. જોકે મલવિંદર સિંહ વડેચ, કુલદીપ નાયર, પ્રોફેસર જૈન જેવા લોકોએ હંમેશાં પોતાનાં સાહિત્ય થકી ભગત સિંહની ક્રાંતિજ્વાળાને ભભૂકતી રાખી છે.’

આ પુસ્તક પરથી તો એક મસ્ત વેબસિરીઝ ન બની શકે?
જુપિંદરજિત સિંહ કહે છે, ‘મારી ઘણી ઇચ્છા છે. ભગત સિંહની વિચારધારાનો વ્યાપ વધે એ માટે મારી ખૂબ ઇચ્છા છે આના પર વેબસિરીઝ બનાવવાની. આ માટે કેટલાક ડાયરેક્ટર અને પ્રોડ્યુસરોએ મારો એપ્રોચ પણ કર્યો હતો. કોમર્શિયલ સિનેમામાં હજુ ભગત સિંહનાં ઘણાં પાસાંઓ તરફ ખાસ પ્રકાશ ફેંકાયો નથી. આ પુસ્તક એક વેબસિરીઝનો વિષય બની શકે, પણ એ માટે એના મેકર્સ પણ થોડા દેશદાઝવાળા-ભગત સિંહની વિચારધારાને સમજી શકે એવા હોવા જોઇએ કે જેના માટે આ પ્રોજેક્ટ આર્થિક હેતુથી પર હોય. માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે દેશ માટે ફાંસીના માંચડે ચડી જનારા ક્રાંતિવીર માટે જેને અંદરથી સન્માનની ભાવના હોય.’