વડનગર અને માણસા એ ગુજરાતનાં બે ગામ-ટાઉન છે, જે 50 કિલોમીટરના અંતરે છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહનો જન્મ 1964માં માણસામાં થયો હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 વર્ષના હતા. ડિસેમ્બર 1964માં જ સંસદના શિયાળુ સત્રમાં કોંગ્રેસના તત્કાલીન ગૃહમંત્રી જીએલ નંદાએ એક વર્ષની અંદર જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાનું વચન આપ્યું હતું.
જોકે વડનગર અને માણસાના સામાન્ય પરિવારોમાં જન્મેલા આ 2 છોકરાએ વર્ષ 2019માં 55 વર્ષ પછી આ વચન પૂરું કર્યું હતું. કોણ જાણતું હતું કે 50 કિલોમીટરના અંતરે જન્મેલા આ બે છોકરા આજે દેશના 2 મોટા હોદ્દા પર બિરાજમાન હશે.
2017 એ વર્ષ હતું, જ્યારે વડનગર (ઊંઝા બેઠક) અને માણસા બંને બેઠક પર ભાજપને કોંગ્રેસથી હાર મળી હતી. માણસામાં સતત બીજી વખત આવું બન્યું હતું. વડનગરની ઓળખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી થાય છે. એ જ રીતે માણસાની ઓળખ અમિત શાહના નામથી થાય છે. તેમનું જૂનું ઘર અને ઈષ્ટદેવીનું મંદિર અહીં છે.
જ્યારે અમે અહીં પહોંચ્યા તો વિકાસની નજરે મોટો બદલાવ જોવા મળે છે. એક તરફ જ્યાં વડનગરને ગામ કહેવામાં સંકોચ થાય છે, તો બીજી તરફ માણસા હજુ પણ ટ્રેન કનેક્ટિવિટી જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ દૂર છે.
અહીં કોંગ્રેસે આ વખતે પણ ઠાકોર સમાજમાંથી આવતા મોહનસિંહ ઠાકોર (બાબુજી)ને મેદાનમાં ઉતાર્યા છે. 2012માં થયેલી પેટાચૂંટણીમાં તેમણે ભાજપના ઉમેદવાર ડીડી પટેલને 8 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.
50 KMનો અંતર, વિકાસમાં ઘણાં વર્ષો પાછળ
માણસામાં પ્રવેશતાંની સાથે જ તે દેશના સામાન્ય ગામ તરીકે નજરે પડે છે. વડનગર જેવી ઊંચી-ઊંચી ઇમારતો નથી. વડનગરની જેમ હજુ વ્યવસ્થિત વિકાસ શરૂ થયો નથી. માણસા ગુજરાતની રાજધાની ગાંધીનગરથી બીજાપુર તરફ જતા સ્ટેટ હાઈવે પર આવેલું છે.
30 હજારથી વધુ વસતિ ધરાવતું આ ગામ હજુ પણ ટ્રેન કનેક્ટિવિટીથી દૂર છે. મહેસાણા જંકશન અહીંથી લગભગ 40 કિલોમીટરના અંતરે છે. ગાંધીનગરથી માણસાનું અંતર પણ 30 કિલોમીટરની આસપાસ છે. ટ્રેનમાં મુસાફરી કરવા માટે અહીંના લોકોને આ બેમાંથી એક જગ્યાએ જવું પડે છે. તેઓ ઈચ્છે છે કે ટ્રેન માણસા સુધી આવે. આ ઉપરાંત અહીં વડનગર જેવા રસ્તા, હોટલ અને રેસ્ટોરન્ટ પણ જોવા મળતી નથી.
થોડા આગળ વધીએ, કોઈપણ બતાવી દેશે અમિતભાઈનું ઘર
માણસામાં પ્રવેશતાં જ સાંકડી ગલીઓમાં બંને બાજુ મકાનો જોવા મળે છે. અમે એ ઘર જોવા માગીએ છીએ, જ્યાં અમિત શાહનો જન્મ થયો હતો. અમે અહીં ચા વેચતા રામદાસને તેમના ઘર વિશે પ્રશ્ન પૂછીએ છીએ. તે તરત જ હાથ વડે ઈશારો કરીને કહે છે, થોડા આગળ જાઓ. કોઈપણ ઘર સુધી લઈ જશે.
અમિત શાહનું બાળપણ આ ગામમાં વીત્યું છે. જ્યારે અમે આગળ વધીએ છીએ ત્યારે અમારી મુલાકાત ભાજપના કાર્યકર પપ્પુ વ્યાસ સાથે થાય છે. જ્યારે પપ્પુને પૂછવામાં આવે છે ત્યારે તે પોતાનું બધું કામ છોડીને ઊભો થઈ જાય છે અને કહે છે - ચાલો, હું તમને ઘર બતાવું.
હવે અમે અમિત શાહના આ જૂના ઘરની સામે ઊભા છીએ. આ ઘર હવેલી જેવું લાગે છે. બે માળની ઈમારતમાં લાકડાની એવી કોતરણી છે કે વર્ષો પછી પણ આંખો એના પર ટકી જાય. જોકે આ ઇમારત ઘણી જૂની છે.
ગામની સૌથી મોટી હવેલી હતી શાહનું ઘર
અહીં અમને મહેન્દ્ર રજ્જુ સિંહ રાવત મળે છે. રાવત એક સમયે અમિત શાહ સાથે શાળામાં ભણતા હતા. 1975થી 1980ની યાદો આજે પણ તેમના મગજમાં તાજી છે. તેઓ કહે છે- અમિતભાઈ પાંચ બહેનોના એકમાત્ર ભાઈ અને સૌથી નાના હતા. 80ના દાયકામાં શાહ પરિવાર બિઝનેસના કારણે માણસાથી અમદાવાદ શિફ્ટ થયો હતો. અમિત ભાઈ પણ પરિવાર સાથે જતા રહ્યા.
મહેન્દ્રસિંહ રાવતના અનુસાર, અમિત શાહ દર નવરાત્રિના બીજા દિવસે ગામમાં આવે છે. ઘરની સામે જ બનેલા મંદિરની તરફ ઈશારો કરતાં મહેન્દ્રસિંહ કહે છે- આ તેમની કુળદેવી છે. તેમની પૂજા કરવા માટે અમિત શાહ ઘણાં વર્ષોથી આવી રહ્યા છે.
શાહનું ઘર ફરીથી બની રહ્યું, 38 લાખમાં લાઈબ્રેરીનું રિનોવેશન
મહેન્દ્રસિંહ જણાવે છે કે અમિત ભાઈનું જૂનું ઘર તોડી પડાશે અને જૂના ઘરની સામે જ નવું ઘર બનાવવામાં આવી રહ્યું છે. ઘરનાં જૂનાં લાકડાં પણ નવા ઘરમાં ઉપયોગમાં લેવાશે. ઘરના પાછળના ભાગમાં કામ શરૂ થઈ ગયું છે.
ગામના સેન્ટરમાં એક મોટી લાઈબ્રેરી બનેલી છે. ગ્રામજનો કહે છે કે અમિતભાઈ આ લાઈબ્રેરીમાં અભ્યાસ કરવા આવતા હતા. એનું રિનોવેશન કરવાનું સપનું હતું. નવી લાઇબ્રેરીનું ઉદઘાટન થોડા મહિના પહેલાં જ થયું હતું. તેના રિનોવેશનમાં લગભગ 38 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને હવે એ સંપૂર્ણ રીતે કોમ્પ્યુટરાઈઝ થઈ ગઈ છે.
અમિત શાહે 24 જુલાઈએ માણસામાં સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન અને લાઈબ્રેરીનું ઉદઘાટન કર્યું હતું. શાહે આ દરમિયાન કહ્યું હતું - આ મારું ગામ છે. મારા પૂર્વજો 1361માં અહીં આવ્યા હતા, મેં આ પુસ્તકાલયમાં અભ્યાસ કર્યો હતો, એની ઇમારત તૂટી રહી હતી અને એનું પુનઃનિર્માણ કરીને હું ખૂબ જ ખુશ છું.
શાહના ગામમાં આખરે ભાજપ કેમ હારી જાય છે?
આ સવાલ પૂછતાં જ મહેન્દ્ર સિંહ રાવત એક મિનિટ માટે મૌન થઈ જાય છે. આ દરમિયાન પપ્પુ વ્યાસ બોલવાનું શરૂ કરે છે - ફોર્મેલિટી વિના સત્ય બતાવી દઉં? ગત વખતે પક્ષની અંદરના જૂથવાદથી ભાજપનો પરાજય થયો હતો. પાટીદાર સમાજના બે ઉમેદવાર વચ્ચે જંગ ખેલાયો હતો. મતોનું વિભાજન થયું અને કોંગ્રેસનો વિજય થયો. અમે પૂછીએ છીએ, શું આ વખતે પણ આવું થઈ શકે? તો જવાબ છે - આ વખતે એવું નહીં થાય.
ગામની મુલાકાત લીધા પછી અમે માણસા બજાર તરફ આગળ વધીએ છીએ. બંને બાજુ કરિયાણા, ફળ-શાકભાજી અને કપડાંની દુકાનો દેખાય છે. કરિયાણાની દુકાન પર બેઠેલા ભાવેશ ચૌધરી સાથે વાત કરતાં તેમણે કહ્યું- આ વખતે માણસામાં ભાજપની જ જીત થશે. કોંગ્રેસ બે વખતથી જીતી રહી છે, પરંતુ વિકાસ થયો નથી. એનું કારણ એ છે કે રાજ્યમાં ભાજપની સરકાર છે, અહીં ધ્યાન આપવામાં આવતું નથી.
જોકે કાપડના વેપારી અભિમન્યુનો અભિપ્રાય અલગ છે. તેઓ કહે છે- માણસામાં ઠાકોર સમાજ કોંગ્રેસને સમર્થન આપે છે. આ વખતે પણ કોંગ્રેસની જીતની શક્યતા વધારે છે, કારણ કે ઠાકોરો એક થયા છે અને પાટીદારો ફરી વિભાજિત થયેલા જોવા મળે છે.
ઠાકોર અને પાટીદાર સમાજ પાસે સૌથી વધુ રાજકીય તાકાત
માણસામાં સૌથી વધુ વસતિ પાટીદાર સમાજની છે. તેમની પાસે લગભગ 45 હજાર વોટ છે. ઠાકોર લગભગ 42 હજાર, રાજપૂત 30 હજાર અને ચૌધરી સમાજમાં લગભગ 23 હજાર છે. બ્રાહ્મણ અને વાણિયાની વસતિ ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં પાટીદાર અને ઠાકોર મતો એક બાજુ પડે તેવો દરેક પક્ષનો પ્રયાસ છે. આ બે સમાજ કોઈપણ ઉમેદવારને જિતાડી શકે છે.
2017માં અહીં કોંગ્રેસના સુરેશ કુમાર પટેલે ભાજપના અમિતભાઈ ચૌધરીને માત્ર 524 મતથી હરાવ્યા હતા. 2012માં અમિત ચૌધરીએ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને ભાજપના ડીડી પટેલને 8,028 મતથી હરાવ્યા હતા. આ આંકડા દર્શાવે છે કે માણસામાં જીત અને હાર બહુ ઓછા માર્જિનથી થાય છે. અગાઉની ત્રણ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો, પરંતુ ત્યારે પણ જીતનું માર્જિન 10 હજાર સુધી પહોંચી શક્યું નહોતું.
પટેલ પાટીદાર સમુદાયથી આવે છે અને પાટીદારોની વસતિ ઠાકોરો કરતાં વધારે છે. તેઓ ભાજપના પરંપરાગત મતદાર પણ છે. જોકે 2012ની પેટાચૂંટણીમાં મોહનસિંહ ઠાકોરની જીતે તમામ સમીકરણો નિષ્ફળ કરી દીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.