• Gujarati News
  • Dvb original
  • Terrible Earthquake Destroys Ancient Heritage Including Turkey Syria Amid Rubble And Screams Of Buried People

52 હજારથી વધુનાં મોત, 90 અબજ ડોલરથી વધુનું નુકસાન:ચારેબાજુ કાટમાળ, 15 લાખથી વધુ લોકો બેઘર, દટાયેલા લોકોની ચીસો; તુર્કી-સિરિયા સહિત વિશ્વની પ્રાચીન વિરાસતો ભૂકંપને કારણે ખંડેર બની

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તુર્કી
આ ભૂભાગના એક પછી એક પડ ખૂલે તો કેટલીક માનવ સભ્યતાનો પરચો મળે! પૃથ્વીના પટ પર ૧૨,૦૦૦ વર્ષ પહેલાં એક ક્રાંતિ થઈ. માનવ સભ્યતાના પાયા નખાઈ રહ્યા હતા અને આદિમાનવ ખેતી તરફ વળ્યો હતો. એ સમયગાળાને માનવ ઇતિહાસમાં નીઓલિથિક પિરિયડ કહે છે. પથ્થરોની મદદથી માનવે ક્રાંતિ કરી હતી. એના અવશેષો તુર્કીમાંથી મળ્યા. આ ભૂભાગ હેત્તીયન્સ, હિટ્ટાઇટ, ફ્રીજિયન, લિડિયન, એનાતોલિયન, મેસેનિયન ગ્રીક જેવી માનવ સભ્યતાઓ વસતી હોવાના પુરાવા મળ્યા છે. ૧૦૦૦-૧૫૦૦ વર્ષ જૂની ઇમારતોના અવશેષો આજેય તુર્કીમાં જોઈ શકાય છે. પૃથ્વી પરનો આ હિસ્સો એશિયા અને યુરોપ વચ્ચે ચાવીરૂપ છે.
તુર્કીનું ઇસ્તંબુલ, ગાઝિયાટેપ, અંતારિયા, અંકારા, ઇઝમિર જેવાં શહેરો હજારો વર્ષનો ઇતિહાસ સાચવીને ઊભાં છે.

હજારો ઇમારતો ધરાશાયી કરનારો ભૂકંપ વિશ્વભરમાં એક કરતાં વધુ વર્ષોમાં સૌથી ભયંકર હતો. ફોટો ક્રેડિટ: AP.
હજારો ઇમારતો ધરાશાયી કરનારો ભૂકંપ વિશ્વભરમાં એક કરતાં વધુ વર્ષોમાં સૌથી ભયંકર હતો. ફોટો ક્રેડિટ: AP.

સિરિયા
21મી સદીના બે દાયકા ગૃહયુદ્ધ અને આતંકવાદના કારણે આ દેશ માટે ભારે રહ્યા. 2000ના વર્ષ પછી જન્મેલી જનરેશન આ દેશને અરાજક રાષ્ટ્ર ગણે છે, પરંતુ માનવ સભ્યતાની ઉત્ક્રાંતિમાં આ દેશ પણ અગત્યનું સાક્ષી રહ્યું છે.
સિરિયાનું એલેપ્પો શહેર જગતના ગણ્યાગાંઠ્યા સૌથી જૂનાં શહેરો પૈકીનું એક છે. આ દેશે પણ અનેક રાજાઓના રાજ્યોમાં ચડતી-પડતી જોઈ છે. તુર્કીની જેમ સિરિયા પણ નીઓલિથિક પિરિયડનું મહત્ત્વનું કેન્દ્ર હતું. એના પેટાળમાં સેંકડો વર્ષ શીતનિંદ્રામાં પોઢ્યાં છે.

ધરતીકંપના 24 કલાક બાદ સિરિયાના એલેપ્પોના પ્રાચીન કિલ્લાના કાટમાળ નજીક ઊભેલા છોકરાની તસવીર (7 ફેબ્રુઆરી 2023)
ધરતીકંપના 24 કલાક બાદ સિરિયાના એલેપ્પોના પ્રાચીન કિલ્લાના કાટમાળ નજીક ઊભેલા છોકરાની તસવીર (7 ફેબ્રુઆરી 2023)

તુર્કી અને સિરિયામાં ભૂકંપને કારણે 90 અબજ ડોલરનું નુકસાન

ચડતી-પડતીનો લાંબો ઇતિહાસ ધરાવતા આ બંને દેશોએ બરાબર એક મહિના પહેલાં વધુ એક વખત કુદરતનું રૌદ્ર રૂપ જોયું. 7.8ની તીવ્રતાથી ત્રાટકેલા મહાવિનાશક ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ. 52,700 કરતાં વઘુ લોકોનાં મૃત્યુ થયાં. 1.30 લાખ લોકો ઇજાગ્રસ્ત બન્યા. 15 લાખ લોકો ઘરવિહોણા થયા. તુર્કી અને સિરિયાને ૯૦ અબજ ડોલરનું નુકસાન થયું. આર્થિક નુકસાનીની દૃષ્ટિએ આ ચોથો સૌથી ખતરનાક ભૂકંપ છે.

આ ભૂકંપ આર્થિક-સામાજિક રીતે તુર્કી-સિરિયા માટે જેટલો નુકસાનકારક સાબિત થયો એટલો સાંસ્કૃતિક રીતે પણ ઘાતક બન્યો. બંને દેશોની કેટલીય ઐતિહાસિક ઇમારતોને આ ધરતીકંપે મોટી ક્ષતિ પહોંચાડી.

બંને દેશોનાં જે બાંધકામો એક સમયે ઐતિહાસિક વિરાસત ગણાતાં હતાં એ આજે ખંડેર બની ગયાં છે. સદીઓ જૂના પ્રાચીન શહેરો, ઈમારતો આજે કાટમાળમાં તબદીલ થયા છે. તુર્કીના પ્રાચીન વિસ્તાર હતાયમાં આવેલું અંતાક્યા શહેર 70 ટકા નેસ્તનાબૂદ થઈ ગયું છે. તુર્કી અને સિરિયામાં ત્રણ પ્રાચીન શહેરોએ સૌથી વધુ વિનાશ જોયોઃ અંતાક્યા, સાનલિઉર્ફા અને એલેપ્પો.

અંતાક્યા શહેરનો ઈતિહાસ ઘણો રોચક છે. એક સમયે રોમન સમ્રાટો સમશીતોષ્ણ મહાનગરોમાં શિયાળો વિતાવતા હતા એ શહેરો આજે નષ્ટ થઈ ગયું. અંતાક્યા શહેરમાં ભૂકંપનો ઈતિહાસ પણ લાંબો છે. ચાર વિનાશકારી ભૂકંપ પછી આ શહેરે અનેક પરિવર્તનો જોયાં છે. યહુદી, ખ્રિસ્તી, મુસ્લિમ સમુદાયોએ પ્રાચીનકાળથી લઈને અત્યાર સુધી અંતાક્યામાં વસવાટ કર્યો છે. કથા તો એવી પણ મળે છે કે અંતાક્યા એ સ્થળ છે જ્યાં ઈશુને પહેલીવાર ખ્રિસ્તી કહેવામાં આવ્યા હતા.

ઐતિહાસિક વિરાસત ગણાતાં બાંધકામો કાટમાળમાં તબદીલ

પ્રાચીન કથાઓ અને લોકકથાઓમાં આ શહેરના ઉલ્લેખો મળે છે. ચોથી સદીના ગ્રીક વિદ્વાન લિબાનિયસે એન્ટિઓક પરના તેમના પ્રવચનમાં કહ્યું હતું કે ઓરોન્ટેસ નદી પરનું શહેર એટલું સુંદર હતું કે દેવતાઓ પણ ત્યાં રહેવાનું પસંદ કરતા હતા. શહેર પ્રાચીન ગ્રીક અને રોમન સામ્રાજ્ય હેઠળ હતું ને 637માં મુસ્લિમ લડાકુઓના નિયંત્રણમાં આવ્યું, 10મી સદીમાં ખ્રિસ્તી લડવૈયાઓએ પોતાના નિયંત્રણમાં લીધું. 11મી સદીમાં મુસ્લિમ શાસકોના અંકુશમાં અને પછી 1098માં પ્રથમ ધર્મયુદ્ધ દરમિયાન યુરોપના તાબામાં આવ્યું.

આ શહેરને સિકંદરના ઉત્તરાધિકારી સેલ્યુકસ નિકોટોએ બનાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો. એલેક્ઝાન્ડર ધ ગ્રેટના ભૂતપૂર્વ જનરલ દ્વારા સ્થાપવામાં આવ્યું. આ સ્થળ સિલ્ક રૂટ માટે મુખ્ય સ્ટેજિંગ પોઈન્ટ હતું. જે રૂટ જૂના સમયમાં મધ્ય એશિયાનો વ્યાપાર માર્ગ હતો. આ સિલ્ક રૂટ પરથી અનેક લક્ઝરી સામાનનો વેપાર થતો હતો. રોમન શાસન અંતર્ગત આ જગ્યા સિરિયાની રાજધાની હતું. જોત જોતામાં વસતી પણ વધી અને આ શહેર રોમ અને સિકંદર બાદ દુનિયાનાં મોટાં શહેરોમાં સામેલ થયું. અહીં થોડીઘણી યહુદીઓની વસતી પણ છે. હતાયા એ જગ્યા છે જ્યાં અનેક ખ્રિસ્તી ધર્મગુરુઓએ ધર્મનો પ્રચાર કર્યો હતો.

અંતાક્યાનું જગવિખ્યાત સેન્ટ પોલ ચર્ચ અને હબીબી નિકાર્ક મસ્જિદ જેવાં બાંધકામો પડી ભાંગ્યાં છે. મસ્જિદનું ગુંબજ આખું જમીનદોસ્ત થઈ ગયું. 7મી સદીની આ ઈમારત તુર્કીની સૌથી જૂની ઇમારતો પૈકી એક માનવામાં આવે છે. જે ભૂકંપના કારણે કાટમાળમાં ફેરવાઈ ગઈ.

7મી સદીની સૌથી જૂની ઈમારતમાં ગણાતી હબીબી નિકાર્ક મસ્જિદ ભૂકંપમાં જમીનદોસ્ત થઈ.
7મી સદીની સૌથી જૂની ઈમારતમાં ગણાતી હબીબી નિકાર્ક મસ્જિદ ભૂકંપમાં જમીનદોસ્ત થઈ.

ગઝિયાટેપમાં કિલ્લાઓની દીવાલો તૂટી ગઈ

તુર્કીના ગઝિયાટેપમાં પણ ભારે વિનાશ વેરાયો છે. ગાઝિયાટેપ કિલ્લો આ કુદરતી હોનારતમાં સંપૂર્ણપણે નાશ પામ્યો છે. 2000 વર્ષ જૂનો આ ઐતિહાસિક કિલ્લો રોમનોએ બાંધ્યો હતો. ૧૨ પિલરથી શોભતો આ કિલ્લો હવે માત્ર તસવીરોમાં જ જોઈ શકાશે. બીબીસીના અહેવાલ અનુસાર, રોમન સામ્રાજ્ય દરમિયાન બાંધવામાં આવેલો કિલ્લો હવે ખંડેર હાલતમાં છે અને તેની ઘણી દીવાલો તૂટીને શેરીઓમાં ટુકડા રૂપે વેરાઈ ગઈ છે. તુર્કીની સરકારી સમાચાર એજન્સી અનાદોલુએ જણાવ્યું હતું કે, "પ્રાચીન કાટમાળ રસ્તા પર વિખેરાઈ ગયો હતો". બીજી- ત્રીજી સદીમાં રોમનોએ આ પ્રખ્યાત કિલ્લાનું નિર્માણ કર્યું હતું. કિલ્લાને જોવા માટે વર્ષે અસંખ્ય પ્રવાસીઓ આવતા હતા.

રોમન સામ્રાજ્યએ બીજી કે ત્રીજી સદીમાં બનાવેલો પ્રાચીન કિલ્લો કાટમાળમાં ફેરવાયો.
રોમન સામ્રાજ્યએ બીજી કે ત્રીજી સદીમાં બનાવેલો પ્રાચીન કિલ્લો કાટમાળમાં ફેરવાયો.

તુર્કીની જેમ સિરિયાની કેટલીક પ્રાચીન ઈમારતો પણ જમીનદોસ્ત થઈ. ઉત્તરમાં આવેલા એલેપ્પોમાં પ્રખ્યાત કિલ્લા સહિત અનેક પુરાતત્વીય સ્થળો કાટમાળમાં ફેરવાઇ ગયાં. સિરિયાના એન્ટિક્વિટીઝ એન્ડ મ્યુઝિયમ્સના ડિરેક્ટોરેટ જનરલના નિવેદન મુજબ, "એલેપ્પોના કિલ્લાની અંદર ઘણું નુકસાન થયું છે. દીવાલોના ભાગમાં તિરાડો પડી ગઈ છે." માત્ર એલેપ્પો પ્રાંતમાં ઓછામાં ઓછી 46 ઈમારતો ધરાશાયી થતાં 507 જેટલા લોકો ઘાયલ થયા હતા. યુનેસ્કોએ પ્રાચીન કિલ્લા અને ઐતિહાસિક સદીઓ જૂની બજારો માટે એલ્લેપો શહેરને અદ્વિતીય ગણાવ્યું હતું.

ભૂકંપ જેવી ઘટનાઓ સાથે મેક્સિકોનો જૂનો સંબંધ
મેક્સિકો એક એવો દેશ છે જેનો ઇતિહાસ ધરતીકંપની ઘટનાઓ સાથે ઊંડો સંબંધ ધરાવે છે. આમ તો, મેક્સિકોમાં 20મી સદી પહેલાંની આ ઘટનાઓ વિશેની માહિતી વ્યવહારિક રીતે અસ્તિત્વમાં નથી. પરંતુ, 20મી સદીની શરૂઆતમાં બે ધરતીકંપ નોંધાયા હતા. પ્રથમ 7મી જૂન 1911ના રોજ આવ્યો હતો અને જેલિસ્કો અને કોલિમા રાજ્યો સૌથી વધુ પ્રભાવિત થયાં હતાં. બીજી ઘટના 28મી જૂન 1957ના રોજ મેક્સિકો સિટીમાં 7.7ની તીવ્રતા નોંધાઈ હતી, જેના કારણે એન્જલ ઓફ ઈન્ડિપેન્ડન્ટ મોન્યુમેન્ટ પડી ગયું હતું, 569 લોકો ઘાયલ થયા હતા અને 52 લોકોએ જીવ ગુમાવ્યા.

કચ્છ ભૂકંપ તબાહી
ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ્સ એન્ડ કલ્ચરલ હેરિટેજના જણાવ્યા અનુસાર, કચ્છમાં 40% હેરિટેજ ઈમારતોને નુકસાન પહોંચ્યું હતું.

19મી સદીમાં રાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા બનાવેલા પ્રાગ મહેલમાં પણ ભૂકંપને કારણે નુકસાન થયું હતું
19મી સદીમાં રાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા બનાવેલા પ્રાગ મહેલમાં પણ ભૂકંપને કારણે નુકસાન થયું હતું

ભૂકંપના કારણે કચ્છનાં પ્રાચીન સ્થળો પણ ખંડેર બન્યાં

2001માં કચ્છમાં આવેલા ભૂકંપના કારણે પણ અનેક પ્રાચીન સ્થળોનો વિનાશ થયો હતો. કચ્છના હમીરસર તળાવની દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 20 મિનિટ ચાલ્યા બાદ એક શાહી સ્મારક લાલ પથ્થરો વડે બાંધવામાં આવ્યું હતું. ત્યાં ઘણી શાહી છત્રીઓ (છત્ર) રાજાઓ દ્વારા રાજવીઓને રક્ષણ અને છાંયો આપવા માટે બનાવાઇ હતી. જે ધરતીકંપના કારણે અહીંનાં ઘણાં સ્મારકો ખંડેર બની ગયાં છે. જોકે લખપતજી, રાયધનજી બીજા અને દેસરજીનાં સ્મારકો હજુ અકબંધ છે. અહીં આવેલી છત્રીઓ ઈ.સ. 1770માં શાહી પરિવારની કબરો માટે બનાવાઈ હતી. જે કચ્છની ઐતિહાસિક અને પ્રાચીન ઓળખ માનવામાં આવે છે.