કોરોનાકાળમાં વિદ્યાર્થીઓ માટે શાળામાં જઈને ભણવાનું છેલ્લા દોઢ વર્ષથી બંધ થઈ ગયું છે. સરકાર વંદે ગુજરાત અને દૂરદર્શન મારફત ઓનલાઈન શિક્ષણ આપી રહી છે. જોકે ગુજરાતમાં ઘણા એવા વિસ્તારોના વિદ્યાર્થીઓ છે, જેમની પાસે આ રીતે ભણવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર નથી. સરકારની મદદની અપેક્ષા રાખ્યા વગર જ દાહોદના આદિવાસી વિસ્તાર ડબલારા અને ભીંતોડી ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓના હિત માટે સ્વખર્ચે અને લોકો પાસેથી ફાળો ઊઘરાવી ટીવી, કેબલ અને ઈન્ટરનેટની વ્યવસ્થા કરી શેરી શિક્ષણનો કોન્સેપ્ટ શરૂ કરી વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે.
એક વર્ષ પહેલાં શરૂ થયેલો આ નવો કોન્સેપ્ટ આજે ગુજરાતના દાહોદ, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં પણ શરૂ થયો છે. આજે ગુજરાતમાં ઘણા શિક્ષકો આ કોન્સેપ્ટ અપનાવી પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે એ માટે કામ કરી રહ્યા છે. જે વ્યવસ્થા સરકારે કરવાની હોય છે એ વ્યવસ્થા સરકારી સ્કૂલના શિક્ષકો સ્વખર્ચે અને લોકભાગીદારીથી ઊભી કરી રહ્યા છે.
બે શિક્ષકોએ શરૂ કરેલું અભિયાન રાજ્યભરમાં ફેલાયું
શેરી શિક્ષણ અને ઓનલાઇન શિક્ષણ સંદર્ભે દાહોદ જિલ્લાના શિક્ષકોએ સ્વેચ્છાએ હાથ ધરેલી કામગીરીને સફળતા મળી છે. ફતેપુરા તાલુકાના ભીંતોડી પ્રાથમિક શાળાના શિક્ષક શંકર કટારાનું કહેવું છે કે ગયા વર્ષે જૂના TV ભેગા કરી બાળકોને ભણાવવાનું શરૂ કર્યું હતું. આ કોન્સેપ્ટ જાણ્યા બાદ આ વર્ષે ડબલારા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક રવીન્દ્ર પ્રજાપતિએ ફળિયામાં ઓનલાઇન ભણાવવા માટે જૂનાં TV ભેગા કર્યાં હતાં. રવીન્દ્ર પ્રજાપતિનું કહેવું છે કે તેમને મળેલાં TVને જે-તે વિસ્તારમાં વિદ્યાર્થીઓને અનુકૂળતા હોય ત્યાં લગાવી ભણાવી રહ્યા છે. માત્ર એટલું જ નહિ, પરંતુ TV સિવાય પણ બાળકોને તેમના ફળિયામાં જઇને ચોક્કસ સ્થાન નકકી કરીને પ્રત્યક્ષ રીતે ભણાવવામાં આવે છે.
દાહોદમાં 435 જૂનાં-નવાં TVની મદદથી 2 લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ
દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મેહુલ પરીખે દિવ્યભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે જિલ્લામાં 435 TV મારફત DD, વંદે ગુજરાતના ઓનલાઇન વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે, જેનો લાભ 2 લાખ વિદ્યાર્થી લઇ રહ્યા છે. મોટા ભાગના વિદ્યાર્થીઓના વાલીઓ પાસે મોબાઇલ ન હોવાથી લોકો સહયોગ અને શિક્ષકોએ સ્વખર્ચે જે-તે ગામના ફળિયામાં TV, DTHની વ્યવસ્થા કરી છે, સાથે-સાથે પ્રત્યક્ષ રીતે જે-તે ગામના ફળિયામાં જઇને ભણાવી રહ્યા છે. શિક્ષકોના આ પ્રયોગથી પ્રેરિત થઇ જિલ્લાના નિવૃત્ત શિક્ષકોએ 6 નવાં TV આપ્યાં.
સરકારે ઓનલાઇન શિક્ષણ માટે બજેટની કોઈ વ્યવસ્થા કરી નથી
કોરોનાકાળમાં શાળાઓ બંધ છે ત્યારે સરકારી શાળામાં ઓનલાઇન શિક્ષણ માટે કોઇ ખાસ બજેટ ફાળવવામાં નથી આવ્યું. આ બાબતે સર્વ શિક્ષા અભિયાનના અધિકારીના જણાવ્યા પ્રમાણે, દરેક સરકારી શાળામાં TV તથા ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ હોય છે, પરંતુ ઓનલાઇન શિક્ષણ બાબતે સ્પેસિફિક ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી.
અમદાવાદ જિલ્લામાં પણ શેરી શિક્ષણ કોન્સેપ્ટનું ચલણ શરૂ થયું
અમદાવાદમાં 695 સરકારી પ્રાથમિક શાળા છે, જેમાં 1.5 લાખ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. અંતરિયાળ તાલુકાનાં ગામડાંમાં મોબાઇલ કે ઇન્ટરનેટ કનેક્શનમાં સમસ્યા હોવાથી ધોળકા, સાણંદ તાલુકામાં શિક્ષકો બાળકોને તેમના ઘરેની નજીકના ગામના મંદિર પરિસર અથવા ચોરા પાસે ભણાવી રહ્યા છે. વિરમગામના જેતાપુર ગામના શિક્ષક જયંત સથવારાએ તો પોતાની ગાડીમાં બ્લેક બોર્ડ, લેપટોપની વ્યવસ્થા કરી તેમની શાળાનાં બાળકોને ભણાવી રહ્યા છે. ધંધૂકાના રાયકામાં બાકડા પર વિદ્યાર્થીઓને બેસાડીને ભણાવાય છે. આ સિવાય તમામ શાળાના શિક્ષકો તેમની શાળાના વિદ્યાર્થીઓ પાસે જઇ ભણાવી રહ્યા છે.
અરવલ્લીમાં શિક્ષિકાએ વિદ્યાર્થીઓને રિચાર્જ કરાવી આપ્યા
અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ દિવ્યભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતુ કે જિલ્લામાં કુલ 1239 સરકારી પ્રાથમિક શાળા છે, જ્યાં અંદાજે 73 હજારથી વધુ બાળકો શેરી શિક્ષણનો લાભ લઇ રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે બાયડ તાલુકાનાં ગાબટ CRC શિક્ષિકા મિત્તલબેન પટેલ ગણિત-વિજ્ઞાન વિષય ભણાવે છે. જેઓ વાલીઓની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી દર મહિને 6 મોબાઇલના રિચાર્જ કરાવી આપે છે, જેનાથી એક મોબાઇલમાં 5-6 વિદ્યાર્થી ઓનલાઇન ભણી શકે. મિત્તલ પટેલનું કહેવું છે કે દિવસે વાલી મજૂરીએ હોવાથી રાતે વિદ્યાર્થીઓને મોબાઇલ મળે છે, એ સમયે રાતે આ વિદ્યાર્થીઓને ભણાવે, ઉપરાંત નવતર પ્રયોગો થકી વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે.
સુરેન્દ્રનગરની 860 શાળાના શિક્ષકો શેરી શાળામાં ભણાવી રહ્યા છે
સુરેન્દ્રનગરના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીએ દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તમામ તાલુકાની 860 સરકારી પ્રાથમિક શાળામાં શેરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અંતરિયાળ અને રણ વિસ્તાર હોવાથી ઓનલાઇન શિક્ષણ મોટો પડકાર હોવાથી શિક્ષકો વિદ્યાર્થીઓના વિસ્તારમાં જઇને ભણાવી રહ્યા છે, જેનો વાલીઓ તરફથી આવકાર મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.