• Gujarati News
  • Dvb original
  • Tata Group Could Become Air India Owner After 68 Years, Know How Long The Process Will Last And What The Buyer Will Get

ભાસ્કર એક્સપ્લેનર:68 વર્ષ પછી ટાટા ગ્રૂપ બની શકે છે એર ઈન્ડિયાનું માલિક, જાણો ક્યાં સુધીમાં પૂરી થશે પ્રોસેસ અને ખરીદનારને શું-શું મળશે

એક મહિનો પહેલાલેખક: આબિદ ખાન
  • કૉપી લિંક

ખોટનો સામનો કરી રહેલી એર ઈન્ડિયાને વેચવાની પ્રોસેસ ચાલી રહી છે. 15 સપ્ટેમ્બરે તેને ખરીદવા ઈચ્છતી કંપનીઓ માટે બોલી લગાવવાની અંતિમ તારીખ હતી. આ દિવસે ટાટા ગ્રૂપ અને સ્પાઈસ એરલાઈન્સે તેના માટે બોલી લગાવી છે. જો બધુ બરાબર રહેશે તો ડિસેમ્બર સુધીમાં એર ઈન્ડિયાને વેચવાની પ્રક્રિયા પૂરી થઈ શકે છે.

સરકાર કહે છે કે બોલી માટે સરકાર પાસે અનેક કંપનીઓએ સંપર્ક કર્યો છે, જેમાં સૌથી મોટું નામ ટાટા ગ્રૂપનું છે. ટાટાની સાથે જ સ્પાઈસજેટના ચેરમેન અજય સિંહે પણ બોલી લગાવી છે. જો ટાટા ગ્રૂપ એર ઈન્ડિયાને ખરીદે છે તો 68 વર્ષ પછી ટાટા ફરી એર ઈન્ડિયાનું માલિક બની જશે.

આવો સમજીએ, સરકાર એર ઈન્ડિયાને શા માટે વેચી રહી છે? શું આ અગાઉ પણ એર ઈન્ડિયાને વેચવાની કોશિશ થઈ છે? એર ઈન્ડિયાની આર્થિક સ્થિતિ કેવી છે? અને સરકાર એરલાઈનમાં શું-શું વેચી રહી છે...

સરકાર એર ઈન્ડિયાને શા માટે વેચી રહી છે?
આની કહાની શરૂ થાય છે વર્ષ 2007થી. 2007માં સરકારે એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સનું મર્જર કર્યુ હતું. મર્જર પાછળ સરકારે ફ્યુલની વધતી કિંમત, પ્રાઈવેટ એરલાઈન કંપનીઓ પાસેથી મળી રહેલી કોમ્પિટિશનને કારણ ગણાવ્યું હતું.

જો કે વર્ષ 2000થી લઈને 2006 સુધી એર ઈન્ડિયા નફો કમાઈ રહી હતી પરંતુ મર્જર પછી પરેશાની વધી ગઈ. કંપનીની આવક ઓછી થવા લાગી અને દેવું સતત વધતું ગયું. કંપની પર 31 માર્ચ 2019 સુધીમાં 60 હજાર કરોડથી પણ વધુનું દેવું હતું. નાણાકીય વર્ષ 2020-21 માટે અનુમાન લગાવાયું હતું કે એરલાઈનને 9 હજાર કરોડની ખોટ થઈ હોઈ શકે છે.

શું અગાઉ પણ થઈ છે એર ઈન્ડિયાને વેચવાની કોશિશ?
હા. આ અગાઉ 2018માં પણ સરકારે એર ઈન્ડિયાના વિનિવેશની તૈયારી કરી હતી. નિર્ણય લીધો હતો કે સરકાર એર ઈન્ડિયામાં પોતાનો 76 ટકા હિસ્સો વેચશે. આ માટે કંપનીઓ પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EOI) મગાવ્યા હતા. જેને સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2018 હતી, પરંતુ નિર્ધારિત તારીખ સુધીમાં સરકાર પાસે એક પણ કંપનીએ એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ સબમિટ કર્યુ નહોતું.

તેના પછી જાન્યુઆરી 2020માં નવેસરથી પ્રક્રિયા શરૂ કરવામાં આવી. આ વખતે 76 ટકાના સ્થાને 100 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો. કંપનીઓને 17 માર્ચ, 2020 સુધી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ સબમિટ કરવા કહેવામાં આવ્યું પરંતુ કોરોનાના કારણે એવિએશન ઈન્ડસ્ટ્રી ખરાબ રીતે પ્રભાવિત થઈ, આ કારણથી અનેકવાર તારીખ આગળ વધારવામાં આવી અને 15 સપ્ટેમ્બર 2021 અંતિમ તારીખ નિશ્ચિત કરવામાં આવી.

સરકાર એરલાઈન્સમાં શું-શું વેચી રહી છે?

  • સરકાર એર ઈન્ડિયાની 100 ટકા હિસ્સેદારી વેચી રહી છે. તેમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની પણ 100 ટકા હિસ્સેદારી સામેલ છે. આ સાથે જ કાર્ગો અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની AISATSની 50 ટકા હિસ્સેદારી સામેલ છે.
  • વિમાનો ઉપરાંત એરલાઈનની પ્રોપર્ટી, કર્મચારીઓ માટે બનેલી હાઉસિંગ સોસાયટી અને એરપોર્ટ પર લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ પણ સોદાનો હિસ્સો હશે.
  • નવા માલિકને ભારતીય એરપોર્ટ્સ પર 4400 ડોમેસ્ટિક અને 1800 ઈન્ટરનેશનલ લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ મળશે. સાથે જ વિદેશી એરપોર્ટ પર પણ લગભગ 900 સ્લોટ મળશે.

કંપની પર જે દેવું છે તેનું શું થશે?
31 માર્ચ 2019 સુધી કંપની પર 60074 કરોડ રૂપિયાનું દેવું હતું. જાન્યુઆરી 2020માં DIPAM દ્વારા અપાયેલી જાણકારી અનુસાર, એરલાઈન્સને ખરીદનારને 23286 કરોડ રૂપિયાનું દેવું ચૂકવવાનું રહેશે. બાકીનું દેવું સરકારની કંપની એર ઈન્ડિયા એસેટ હોલ્ડિંગ્સ (AIAHL)ને ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

તેને એર ઈન્ડિયાની ઘર વાપસી કેમ કહેવામાં આવે છે?
બોલી લગાવનારાઓમાં ટાટા ગ્રૂપ પણ છે. 1932માં જેઆરડી ટાટાએ દેશમાં ટાટા એરલાઈન્સની શરૂઆત કરી હતી, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાભરમાં એવિએશન સેક્ટર ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. આ મંદીનો સામનો કરવા માટે આયોજન પંચે સૂચન કર્યુ કે તમામ એરલાઈન કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવે.

માર્ચ 1953માં સંસદે એર કોર્પોરેશન્સ એક્ટ પાસ કર્યો. આ એક્ટ પાસ થયા પછી દેશમાં કામ કરી રહેલી 8 એરલાઈન્સનું રાષ્ટ્રીયકરણ કરી દેવાયું હતું. તેમાં ટાટા એરલાઈન્સ પણ સામેલ હતી. તમામ કંપનીઓને મેળવીને ઈન્ડિયન એરલાઈન્સ અને એર ઈન્ડિયા બનાવવામાં આવી. એર ઈન્ડિયાને ઈન્ટરનેશનલ તો ઈન્ડિયન એરલાઈન્સને ડોમેસ્ટિક ફ્લાઈટ્સ સંભાળવાની જવાબદારી આપવામાં આવી. જો એર ઈન્ડિયાને ટાટા ગ્રૂપ ખરીદી લે છે તો એક રીતે એર ઈન્ડિયાની ઘરવાપસી થશે.

અન્ય સમાચારો પણ છે...