અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો ડર:હઝારા સમુદાયની યુવતીઓ સાથે બળજબરીથી નિકાહ કરી રહ્યા છે તાલિબાનો; ભયથી લોકો યુવાન દિકરીઓ કાબુલ મોકલે છે

નવી દિલ્હી3 મહિનો પહેલાલેખક: પૂનમ કૌશલ
  • હઝારા સમુદાયના લોકો ભયભીત થઈ ગયા છે

8 ઓગસ્ટ 1998ના રોજ અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં પ્રવેશતાંની સાથે જ તાલિબાન લડવૈયાઓએ અરાજકતા સર્જવાનું શરૂ કર્યું. જે જ્યાં પણ દેખાયા ત્યાં ગોળી મારી દીધી, ઘણા દિવસો સુધી હઝારા સમુદાયના હજારો લોકોને પકડી પકડીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. તાલિબાનોએ મૃતદેહોને દફનાવવા પણ ન દીધા. પછી બલ્ખના તાલિબાન ગવર્નર મુલ્લા મન્નાન નિયાઝીએ એક ભાષણમાં કહ્યું, 'ઉઝબેક લોકો ઉઝબેકિસ્તાનમાં જાય, તાજિકિ લોકો તાજિકિસ્તાનમાં જાય અને હઝારાઓ મુસ્લિમ બની જાય અથવા કબ્રસ્તાનમાં જાય.'

હવે 23 વર્ષ બાદ ફરી એકવાર અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન પાછું આવ્યું છે. આ અંગે હઝારા સમુદાયના લોકો ભયભીત થઈ ગયા છે. ઘણી જગ્યાએ તાલિબાન લડવૈયાઓ તેમની પુત્રીઓ સાથે બળજબરીથી નિકાહ પણ કરી રહ્યા છે, એવા અહેવાલો આવ્યા છે. જોકે હજુ સુધી એની પુષ્ટિ થઈ નથી, જ્યારે કેટલાક વિસ્તારોમાં હત્યાના પણ સમાચાર છે.

હઝારા શિયા મુસ્લિમોનું એક જૂથ છે, જે દાયકાઓથી પીડાઈ રહ્યું છે. આ શિયા મુસ્લિમો, અફઘાન વસતિના આશરે 10%, વિશ્વમાં સૌથી વધુ પીડાતા લઘુમતીઓમાં સામેલ છે. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓને કારણે પણ નિશાન પર રહ્યા છે. કટ્ટરપંથી સુન્નીઓ તેમને મુસ્લિમ જ માનતા નથી.

હઝારા નેતાની પ્રતિમાનું શિરચ્છેદ કરીને ફેલાવ્યો ભય
જ્યારે કાબુલમાં તાલિબાન વૈશ્વિક મીડિયાને "શાંતિ અને સલામતી" નું વચન આપી રહ્યા હતા ત્યારે બામિયાનથી હઝારા નેતા અબ્દુલ અલી મઝારીની પ્રતિમા તોડવાના સમાચાર આવ્યા હતા. 1995માં તાલિબાન દ્વારા મઝારીની હત્યા કરવામાં આવી હતી. આ બામિયાનમાં જ તાલિબાનોએ 20 વર્ષ પહેલાં પ્રખ્યાત બુદ્ધની પ્રતિમાઓને ઉડાવી દીધી હતી.

તાલિબાનોએ બામિયાનમાં હઝારા નેતા અબ્દુલ અલી મઝારીનું પૂતળું તોડી નાખ્યું હતું. હઝારા સમાજના લોકોએ પણ આનો વિરોધ કર્યો હતો.
તાલિબાનોએ બામિયાનમાં હઝારા નેતા અબ્દુલ અલી મઝારીનું પૂતળું તોડી નાખ્યું હતું. હઝારા સમાજના લોકોએ પણ આનો વિરોધ કર્યો હતો.

ડો.સલીમ જાવેદ વ્યવસાયે ડોક્ટર અને માનવાધિકાર કાર્યકર્તા છે. તેઓ સ્વીડનમાં રહે છે અને લાંબા સમયથી હઝારાઓના મુદ્દાઓ પર લખી રહ્યા છે. ભાસ્કર સાથે વાત કરીને તેમણે મઝારીની મૂર્તિ તોડવાની પુષ્ટિ કરી. ડો.જાવેદ કહે છે, 'મઝારીની મૂર્તિનું માથું કાપીને જમીન પર મૂકવામાં આવ્યું, જેથી શિરચ્છેદનું દૃશ્ય સર્જાય. હઝારા લોકોએ પણ આનો વિરોધ કર્યો છે, પરંતુ તાલિબાને તેમને કહ્યું હતું કે આ કેટલાંક તોફાની તત્ત્વનું કામ છે.

સલીમ જાવેદ કહે છે, 'આ મોહરમનો મહિનો છે, જે શિયા લોકો માટે ખૂબ જ પવિત્ર છે. તેઓ કાળા ઝંડા લગાવીને ઇમામ હુસૈનના મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે. મેં એ વાતની પણ પુષ્ટિ કરી છે કે કેટલાક વિસ્તારોમાં તાલિબાનોએ ઇમામ હુસૈનનો કાળો ધ્વજ ઉતારી લીધો છે અને તેમનો સફેદ ઝંડો ફરકાવી દીધો છે. ઘણાં સ્થળોએ શિયાના ધ્વજને કચડી નાખવાના અહેવાલો પણ છે.

તાલિબાને કરી હઝારા લોકોની હત્યા
માનવાધિકાર કાર્યકર દાવો કરે છે કે તાલિબાનોએ હઝારાના પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં લોકોની હત્યા કરી છે, જેને કારણે હઝારા સમુદાયની વસતિ ગભરાઈ ગઈ છે. ડો. જાવેદ કહે છે, 'હું જે હઝારા લોકો સાથે સંપર્કમાં છું તે લોકોમાં ભય અને ગભરાટ છે. જ્યારથી તાલિબાનોએ હઝારા પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓનો કબજો લેવાનું શરૂ કર્યું છે ત્યારથી તેઓ ગભરાઈ ગયા છે. ખાસ કરીને જ્યારે ગઝનીના માલિસ્તાનમાં તાલિબાન આવ્યા તો પહેલા તેમણે કહ્યું હતું કે અમે કોઈને ખલેલ પહોંચાડીશું નહીં, બધું સારું થઈ જશે, પરંતુ જેવા જ તાલિબાનોએ તે જિલ્લા પર કબજો કર્યો તો ઘરે ઘરે જઈને તેમણે લોકોના ઓળખકાર્ડ ચેક કર્યા હતા.

તાલિબાને લોકોને ઓળખકાર્ડ જોયા અને પહેલા કહ્યું હતું કે જો કોઈ અફઘાન સેનામાં હોય તો તેમને બચાવી લેવામાં આવશે, પરંતુ અમને એવા અહેવાલો મળી રહ્યા છે કે પાછળથી તાલિબાને આ લોકોને મારી નાખ્યા. અફઘાનિસ્તાનના સ્વતંત્ર માનવ અધિકાર પંચ અને હ્યુમન રાઇટ્સ વોચે પણ માલિસ્તાન વિશે અહેવાલ આપ્યો છે અને તાલિબાનોએ નાગરિકોની હત્યા કરી હોવાની પુષ્ટિ કરી છે.

આ હઝારા સમુદાયની યુવતીઓ છે. અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ તેઓ ભયભીત છે. (ફાઇલ ફોટો)
આ હઝારા સમુદાયની યુવતીઓ છે. અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ તેઓ ભયભીત છે. (ફાઇલ ફોટો)

હઝારાને તાલિબાન પર વિશ્વાસ નથી
અકરમ ગિઝાબી વર્લ્ડ હજારા કાઉન્સિલના ચેરમેન છે. તેઓ 1980ના દાયકામાં સોવિયત શાસન સામે હિંસક સંઘર્ષમાં સામેલ હતા અને હઝારાના લડવૈયાના કમાન્ડર હતા. તેઓ 1985માં અમેરિકા આવ્યા હતા. અફઘાનિસ્તાનમાં પાછા ફરતા તેમણે એક રાજકીય પક્ષની રચના કરી, જેના પર પ્રતિબંધ લગાવાયો હતો.

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસને તેમને ડરાવ્યા છે. અકરમ ગિઝાબી કહે છે, 'હું અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને લઈને બહુ આશાવાદી નથી. તેઓ દેશને સદીઓ પાછળ લઈ જશે. તેઓ એક પ્રાચીન વિચાર છે અને ફરીથી એ જ નિયમ સ્થાપિત કરવા માગે છે. અફઘાનિસ્તાનમાં જે સ્વતંત્રતા હતી, મહિલાઓને જે અધિકારો હતા, એ તાલિબાનના શાસનમાં રહેશે નહીં.

તાલિબાને આ વખતે ઉદાર ચહેરો રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કાબુલમાં શિયા સમુદાયના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો અને એની તસવીરો પણ જાહેર કરી. તાલિબાને કહ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાનમાં તમામ ધાર્મિક લઘુમતીઓના અધિકારોનો બચાવ કરશે, પરંતુ અકરમને તેમના પર વિશ્વાસ નથી.

શિયા લોકોને અપનાવવાનો રાજકીય સ્ટંટ છે
અકરમ ગિઝાબી કાબુલમાં શિયા કાર્યક્રમમાં તાલિબાનનું સામેલ થવાને રાજકીય સ્ટંટ માને છે. અકરમ કહે છે, 'આ છેતરપિંડી છે, કારણ કે તાલિબાન હઝારાને મુસ્લિમ જ માનતા નથી. અમારા પ્રત્યેનું તેમનું વલણ બદલાયું નથી, તેમનું હૃદય પણ બદલાયું નથી. દુનિયાને બતાવવા માટે આ માત્ર એક રાજકીય સ્ટંટ છે. તેઓ પરિસ્થિતિનો લાભ લેવા માગે છે.

ડો.સલીમ જાવેદ વ્યવસાયે ડોક્ટર અને માનવાધિકાર કાર્યકર્તા છે. તેઓ લાંબા સમયથી હઝારાઓના મુદ્દાઓ પર લખી રહ્યા છે. તેમણે મઝારીની મૂર્તિ તોડવાની પુષ્ટિ કરી છે.
ડો.સલીમ જાવેદ વ્યવસાયે ડોક્ટર અને માનવાધિકાર કાર્યકર્તા છે. તેઓ લાંબા સમયથી હઝારાઓના મુદ્દાઓ પર લખી રહ્યા છે. તેમણે મઝારીની મૂર્તિ તોડવાની પુષ્ટિ કરી છે.

ડો. જાવેદ આગળ કહે છે, 'તેમણે એવા લોકોને નિશાન બનાવ્યા જેમના કોઈ સગાના અફઘાન સેના અથવા આંતરરાષ્ટ્રીય સેના સાથે સંબંધ હતા. અમારી પાસે સ્પિન બોલ્દકના અહેવાલો છે. ત્યાં તાલિબાનોએ મસ્જિદોમાંથી જાહેરાત કરી કે કોઈને કંઈ થશે નહીં. તેમણે લોકોને ઓળખ કાર્ડ માગતાં કહ્યું કે કોઈને કંઈ થશે નહીં, પરંતુ બાદમાં લોકોને મારી નાખ્યા. કંદહારથી પણ આવા જ અહેવાલો છે. હઝારાઓને સૌથી વધુ ડર એ છે કે તેઓ તાલિબાન આંતરરાષ્ટ્રીય મીડિયા સામે વાત તો સારી કરે છે, પરંતુ તેમને ડર છે કે મીડિયા અહીંથી જતું રહેશે પછી એ જ થશે, જે 1998માં થયું હતું.

તાલિબાન લડવૈયાઓ યુવતીઓ સાથે બળાત્કાર અને બળજબરીથી નિકાહ કરી રહ્યા
તાલિબાનના આગમન બાદ સૌથી મોટો ખતરો મહિલાઓની સલામતી અને અધિકારો માટે છે. અફઘાનિસ્તાનના તખર અને બદખ્શોં પ્રાંતમાંથી એવા અહેવાલો પણ છે કે તાલિબાન તેમના લડવૈયાઓ સાથે બળજબરીથી યુવતીઓના નિકાહ કરાવી રહ્યા છે.

ડો. જાવેદ કહે છે, 'અમે છોકરીઓને બળજબરીથી ઉઠાવીને નિકાહ કરવા માટે મજબૂર કરવામાં આવી રહી હોવાના અહેવાલોની પુષ્ટિ કરી શક્યા નથી, પરંતુ ઉત્તર અફઘાનિસ્તાનના એક દૂરના વિસ્તારમાં તાલિબાન કમાન્ડરે વડીલોને વિધવાઓ અને લગ્નની ઉંમરની છોકરીઓની યાદી સોંપવાનું કહ્યું હતું. મુજાહિદો સાથે તેમના નિકાહ કરાવવામાં આવશે. માનવાધિકાર કાર્યકરો દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે.

ડો. જાવેદ કહે છે, 'મારી પાસે પુષ્ટિ થયેલા અહેવાલ છે કે હઝારા પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાંથી લોકોએ તાલિબાનના આદેશને સાંભળીને જ તેમની યુવાન છોકરીઓને કાબુલ મોકલી હતી, પરંતુ હવે તેઓ ડરે છે કે તેઓ કેટલો સમય કાબુલમાં રહેશે અને ત્યાં ક્યાં સુધી સુરક્ષિત રહેશે.'

માનવાધિકાર કાર્યકરો દાવો કરે છે કે તાલિબાનોએ હઝારા પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં લોકોની હત્યા કરી છે, જેને કારણે હઝારા લોકોની વસતિ ગભરાઈ ગઈ છે. (ફાઇલ ફોટો)
માનવાધિકાર કાર્યકરો દાવો કરે છે કે તાલિબાનોએ હઝારા પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં લોકોની હત્યા કરી છે, જેને કારણે હઝારા લોકોની વસતિ ગભરાઈ ગઈ છે. (ફાઇલ ફોટો)

આ મુદ્દે ડો. ગિઝાબી કહે છે, 'તખાર પ્રાંતમાં તાલિબાનોએ દરેક પરિવારને તાલિબાનને લગ્ન કરવા માટે એક છોકરી આપવાનું કહ્યું છે. ભલે તેઓ અત્યારે કાબુલમાં આ ન કરી રહ્યા હોય, પરંતુ તેઓ દેશના અન્ય ભાગોમાં કરી રહ્યા છે. તાલિબાન અથવા તો આ છોકરીઓ સાથે લગ્ન કરશે અથવા ભેટ તરીકે તેમના સાથી આતંકવાદીઓને સોંપી દેશે. ભૂતકાળમાં પણ તેમણએ છોકરીઓને છીનવી લીધી હતી અને તેમને પોતાનામાં વહેંચી દીધી હતી. તેઓ કહે છે, “આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. જો તાલિબાનોએ બળાત્કાર કર્યો હોય તોપણ એની પુષ્ટિ કરવી ખૂબ જ મુશ્કેલ હશે, કારણ કે પીડિતો તેના વિશે મોઢું ખોલતી નથી. અફઘાનિસ્તાનના સમાજમાં એને અત્યંત શરમજનક માનવામાં આવે છે. તાલિબાન લડવૈયાઓ જાણે છે કે ભલે તેઓ બળાત્કાર કરે કે સામૂહિક બળાત્કાર કરે, પીડિતો ક્યારેય મોઢું ખોલશે નહીં, પરંતુ હું માનું છું કે 1998માં તાલિબાનોએ બળાત્કાર કર્યો હતો એવું જ તેઓ કરી રહ્યા હશે.

નિરાધાર છે હઝારા
અફઘાનિસ્તાનમાં આશરે 40 લાખ હઝારા સમુદાયના લોકો વસે છે. તેઓ દેશની દસ ટકા વસતિ ધરાવે છે, પરંતુ સત્તામાં તેમનું પ્રતિનિધિત્વ ન બરાબર છે. તાલિબાનમાં બિલકુલ હઝારા નથી. હઝારા લોકો અફઘાન જાતિથી અલગ દેખાય છે અને વધુ એશિયન લાગે છે. અફઘાનિસ્તાનનો મધ્ય-પહાડી પ્રદેશ જેમાં આ લોકો રહે છે તેને હઝારિસ્તાન કહેવામાં આવે છે. તેમાં મુખ્ય પ્રાંતો બામિયાન, દેયકુંડી, ગોર, ગઝની, ઉરુઝગાન, પરવાન, મેદાન વર્દાક છે. આ ઉપરાંત, બદખ્શો પ્રાંતમાં પણ તેમની વસતિ છે.

અકરમ ગિઝાબી વર્લ્ડ હઝારા કાઉન્સિલના ચેરમેન છે. તેઓ કહે છે કે તાલિબાન ગમે તેવો દાવો કરે, તેમની વાતો પર વિશ્વાસ કરી શકાય નહીં.
અકરમ ગિઝાબી વર્લ્ડ હઝારા કાઉન્સિલના ચેરમેન છે. તેઓ કહે છે કે તાલિબાન ગમે તેવો દાવો કરે, તેમની વાતો પર વિશ્વાસ કરી શકાય નહીં.

હઝારા સમુદાય પર લાંબા સમયથી આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે. અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટે આ ખોરેસ્તાન પ્રાંતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં હઝારા પર ત્રીસ મોટા હુમલા કર્યા છે. તેમની શાળાઓ, મસ્જિદો, બજારોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.

અકરમ ગિઝાબી કહે છે, "હઝારાની હાલત આ સમયે ખૂબ જ ખરાબ છે. તેમના નેતાઓ દેશની બહાર છે. જેઓ દેશની અંદર છે તેમણે હઝારા લોકો માટે કશું જ કર્યું નથી. જે હઝારા સરકારમાં સામેલ હતા, તે પણ માત્ર નામ માટેના જ હતા. મને ખબર પડી છે કે હઝારા લડવૈયાઓ પર્વતોમાં છુપાયા છે. આ સમયે હઝારાઓ સંપૂર્ણપણે નિરાધાર છે.

હઝારા સિવાય ઉઝબેક અને તાજિકિ લોકોની સ્થિતિ પણ અફઘાનિસ્તાનમાં બહુ સારી નથી. એના મૂળ નેતા અમરુલ્લાહ સાલેહે તાલિબાન સામે બળવો કર્યા બાદ પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે, પરંતુ હઝારાએ હજુ સુધી વિરોધનો અવાજ ઉઠાવ્યો નથી. ગિઝાબી કહે છે, 'અમે તાલિબાન સામે થોડો વિરોધ ઊભો થઈ શકે છે કે નહીં એ જોઈ રહ્યા છીએ, પરંતુ અત્યારે પરિસ્થિતિ ખૂબ નાજુક છે. અમે માત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. હઝારા લડવૈયાઓ પર્વતો પર પાછા ફર્યા છે.

અન્ય સમાચારો પણ છે...