ભાસ્કર એક્સક્લૂસિવગુજરાતમાં બનશે સ્વામી વિવેકાનંદ સર્કિટ:110 કરોડથી વધુનો ખર્ચ, દરિયામાં મુકાશે મહાકાય પ્રતિમા, જાણો કયાં સ્થળે કઈ કઈ સુવિધા ઊભી કરાશે

ગાંધીનગર17 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે

યુવાઓના આદર્શ એવા સ્વામી વિવેકાનંદની જન્મજયંતીને યુવાદિન તરીકે ઊજવવામાં આવે છે. આ 12મી જાન્યુઆરીએ તેમની 160મી જન્મજયંતી ઊજવવામાં આવશે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદર્શ રહ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2012નું વર્ષ 'યુવાશક્તિ વર્ષ' તરીકે ઊજવવામાં આવ્યું હતું. ગુજરાતનું એ ગૌરવ છે કે શિકાગો વિશ્વ ધર્મસભામાં ભાગ લેવાની પ્રેરણા સ્વામીજીને ગુજરાતમાં જ મળી હતી. અહીં તેમને પ્રથમવાર વિશ્વ ધર્મસભા વિશેની માહિતી સાંપડી. અહીં ગુજરાતમાં જ તેમને સનાતન ધર્મના પ્રચારાર્થે વિદેશમાં જવાની પ્રેરણા મળી. જે જ્ઞાનગંગા સ્વામીજીએ શિકાગો વિશ્વ ધર્મસભામાં વહેવડાવી એનું સર્જન પણ સ્વામીજીએ અહીં ગુજરાતમાં જ કર્યું. વિદેશ જતાં પહેલાં સ્વામીજીએ સમસ્ત ભારતનું ભ્રમણ કર્યું, એનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ તેમણે ગુજરાતમાં જ વિતાવ્યો હતો.

સ્વામી વિવેકાનંદે 8 મહિના સુધી ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું. ગુજરાત ભ્રમણ દરમિયાન તેઓ ઘણા વિદ્વાનો, રાજકુમાર, લેખક, દીવાનો અને સમાજ સુધારકોને મળ્યા તેમજ મહત્ત્વનાં સ્થળોની મુલાકાત પણ લીધી હતી. સ્વામી વિવેકાનંદની ગુજરાતની મુલાકાત વર્તમાન ગુજરાતની મોટા ભાગની લંબાઈ અને પહોળાઈવાળા વિસ્તારને આવરી લે છે. હવે ગુજરાત સરકાર સ્વામી વિવેકાનંદ સર્કિટ બનાવવા માટે વિચારણા કરી રહી છે.

કઈ તારીખે વિવેકાનંદ ગુજરાત આવ્યા અને ક્યાં સુધી રોકાયા?
સ્વામી વિવેકાનંદ જ્યારે દેશ પરિભ્રમણ કરી રહ્યા હતા ત્યારે વર્ષ 1891ની 16 સપ્ટેમ્બરે રેલવે મારફતે અજમેરથી સૌ પ્રથમવાર અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ આવ્યા બાદ તેમના ભ્રમણની શરૂઆત થઈ અને ગુજરાતમાં અલગ અલગ 30 સ્થળો પર તે ફર્યા હતા. તેઓ થી 26 એપ્રિલ 1892 સુધી ગુજરાતમાં રહ્યા હતા. આમ લગભગ 194 દિવસ ગુજરાતમાં વિતાવ્યા હતા. સ્વામી વિવેકાનંદ જે સ્થળ પર ફર્યા હતા એ સ્થળોને તબક્કાવાર વિકસાવવા માટે રાજ્ય સરકાર આયોજન કરી રહી છે. રાજ્ય સરકાર સ્વામી વિવેકાનંદ સર્કિટ ઊભી કરીને એ તમામ વિસ્તારને ટૂરિઝમ પોઈન્ટ બનાવવાની વિચારણા હેઠળ આગળ વધી રહી છે. હાલ આ અંતર્ગત સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. પ્રોજેક્ટને મંજૂરી આપવા અને જગ્યા ફાળવવા માટે સરકારના વિચારણા હેઠળ પ્રયત્નો ચાલી રહ્યા છે.

ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ અલગ અલગ 30 જગ્યાએ ફર્યા હતા, એ તમામ સ્થળો વિકસાવવા માટે સરકારના પ્રયાસો શરૂ થયા છે. સરકાર દ્વારા આ અંગે વિભાગીય સ્તરે અનેકવાર મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના સભ્યો પણ હાજર રહ્યા હતા.

બેઠકમાં હાજર રહેલા સભ્યો

 • ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
 • કે.કૈલાસનાથન, CMના મુખ્ય અગ્ર સચિવ
 • મૂળુ બેરા, પ્રવાસન મંત્રી
 • બળવંતસિંહ રાજપૂત, કેબિનેટ મંત્રી
 • રાજકુમાર, અધિક મુખ્ય સચિવ - ગૃહ વિભાગ
 • હરિત શુકલા, સચિવ- પ્રવાસન વિભાગ
 • આલોક પાંડે, એમ.ડી., પ્રવાસન વિભાગ
 • એસ.બી.વસાવા, સચિવ- માર્ગ અને મકાન વિભાગ
 • સ્વામી ઈષ્ટમાયંદા મહારાજ, સેક્રેટરી- રામકૃષ્ણ મિશન
 • સ્વામી પ્રભુ સેવાનંદ મહારાજ - અધ્યક્ષ - રામકૃષ્ણ મઠ
 • જિમિત શાહ, કો ઓર્ડિનેટર-રામકૃષ્ણ મઠ
 • મુકેશ શાહ, સભ્ય-રામકૃષ્ણ મઠ

વિવેકાનંદ સર્કિટ અંગે મુખ્યમંત્રી, પ્રવાસનમંત્રી અને અધિકારીઓ વચ્ચે થયેલી બેઠકમાં રામકૃષ્ણ મઠના કો-ઓર્ડિનેટર જિમિત શાહ પણ હાજર રહ્યા હતા, જેને પગલે દિવ્ય ભાસ્કરે જિમિત શાહ સાથે વાતચીત કરી હતી.

સ્વામી વિવેકાનંદ સર્કિટનો કોન્સેપ્ટ શું છે ?
સ્વામી વિવેકાનંદ સર્કિટનો કોન્સેપ્ટ અંગે જણાવતાં જિમિત શાહે કહ્યું હતું કે સ્વામી 8 મહિના રોકાયા હતા. 8 મહિના દરમિયાન 30 સ્થળે ફર્યા હતા. 30 સ્થળને ડેવલપ કરવાનો હેતુ છે. સંસ્થાના ભક્તો આખા વર્લ્ડમાં છે. આખા વિશ્વમાં 265 સેન્ટર છે. ગુજરાતનું ટૂરિઝમ વધે અને સ્વામી વિવેકાનંદ વિશે લોકો જાણી શકે એ માટે રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સરકારને પ્રપોઝલ આપવામાં આવ્યું હતું.

ફેઝ-1માં ક્યાં શું થશે?
30 સ્થળમાંથી ફેઝ-1 અંગે વાત કરતા જિમિત શાહે કહ્યું હતું કે ફેઝ-1માં 10 જગ્યા લીધી છે. ભુજમાં દીવાનજી બંગલો, વડોદરામાં દિલારામ બંગલોની પાછળ, પોરબંદરમાં રાજમહેલ રિસ્ટોર કરવા, લીંબડીમાં રાજમહેલ રિસ્ટોર કરવા, સાણંદના લેખંબામાં સ્વામીજીના ભક્તોએ આપેલી સાડાસાત એકર જમીનનો વિકાસ કરવો. બીજી 4 જગ્યામાં દ્વારકા, સોમનાથ, નારાયણ સરોવર અને જૂનાગઢમાં સ્વામીની પ્રતિમા મૂકવાનું પ્લાનિંગ છે.

સરકારના પ્રયાસો અંગે જિમિત શાહે વધુમાં કહ્યું હતું કે સરકાર સાથે 1 વર્ષથી વાત ચાલે છે. સરકાર ખૂબ જ હકારાત્મક બની આગળ વધી રહી છે. સરકાર સ્વામીજીના ધ્યેય પ્રમાણે, આ કામ આગળ વધારશે.

સર્કિટ કેમ, ફાયદો શું?
સર્કિટ કેમ કરવામાં આવી રહી છે અને એનાથી શું ફાયદો થશે એ અંગે જિમિત શાહે જણાવ્યું હતું કે સ્વામીના વિચારો લોકો સુધી પહોંચી શકે, લોકો શિક્ષિત થાય, સ્વામીની જિંદગી વિશે વધારે જાણે, શિકાગોનું ભાષણ - હિદું સમાજની સ્થિતિ વગેરે અંગે માહિતી આપવાનો હેતુ છે. આ થવાથી ટૂરિઝમ વધશે અને ફોરેન એક્સચેન્જ પણ વધશે.

અમદાવાદના માધવબાગમાં કેમ બનાવાય છે સ્ટેચ્યૂ?
અમદાવાદના માધવબાગમાં કેમ સ્ટેચ્યૂ બનાવાય છે? આ સવાલના જવાબમાં જિમિત શાહે કહ્યું હતું કે અમદાવાદ રેલવે સ્ટેશન પર સ્વામીની પ્રતિમા બનાવવા કેન્દ્રીય રેલવેમંત્રીને દરખાસ્ત કરી હતી, પરંતુ પોલિસીને કારણે એ શક્ય બન્યું નહિ. બાદમાં અમે રાજ્ય સરકારને રજૂઆત કરી કે રેલવે સ્ટેશન આસપાસ કોઈ જગ્યા આપવામાં આવે. આ કારણસર રેલવે સ્ટેશન સામે આવેલા માધવબાગમાં સ્વામીની પ્રતિમા મૂકવાની મંજૂરી આપવામાં આવી છે. હાલ સ્ટેચ્યૂના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે. સ્ટેચ્યૂની કામગીરી 80થી 90 ટકા થશે, પછી બાગનું લેન્ડસ્કેપિંગ કરશે અને ત્યાર પછી ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. 10 ફૂટની લગભગ પ્રતિમા બનશે અને એનો બેઝ 5 ફૂટ આસપાસ રહેશે. આ પ્રતિમા બેલુરમઠ કે જે મુખ્ય રામકૃષ્ણ મઠ અને મિશનનું મુખ્ય હેડ ક્વાર્ટર સાથે જોડાયેલા એક સ્વામીજી આ પ્રતિમા બનાવી રહ્યા છે.

રાજ્યમાં પ્રતિમાની સ્થિતિ કેવી છે?
રાજ્યમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાઓ અંગે કહ્યું હતું કે રાજ્યમાં હાલ લગભગ બધાં શહેરોમાં પ્રતિમા હશે જ એમ હું માનું છું. એટલું કહી શકું કે જોતાંની સાથે જ ખ્યાલ આવી જવો જોઈએ કે આ સ્વામીની પ્રતિમા છે. એમ નથી કે પ્રોપર સ્ટેચ્યૂ નથી, પરંતુ એ છે કે વડોદરામાં દિલારામ બંગલો ખાતે મૂકવામાં આવેલી પ્રતિમા જેવી જ પ્રતિમા બનશે તો સ્વામીને ઓળખ આપવી નહિ પડે. હાઈટ અંગે કેટલીક જગ્યાએ એવું છે કે પ્રતિમા 4 કે 5 ફૂટની છે, પણ સરકાર પર વિશ્વાસ છે કે એ બધું વ્યવસ્થિત કરશે.

ગુજરાત ભ્રમણની વિગતો મેળવવામાં 23 વર્ષ લાગ્યાઃં સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદ વર્ષ 1891-92માં ગુજરાત યાત્રા માટે આવ્યા હતા, એ અંગેની વિગતવાર માહિતી મેળવવા માટે પણ અનેકગણી મહેનત કરવી પડી છે. રાજકોટ ખાતે રામકૃષ્ણ આશ્રમ અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ મહારાજ, જેમણે આ તમામ વિગતો મેળવવા પોતાના જીવનનો 23 વર્ષનો સમય ખર્ચી નાખ્યો હતો. સ્વામી નિખિલેશ્વરાનંદ મહારાજ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવે છે કે આ તમામ વિગતો મેળવ્યા બાદ એક પુસ્તક લખવામાં આવ્યું હતું, જેનું નામ ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ રાખવામાં આવ્યું છે. આ પુસ્તકનું વિમોચન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 26 જુલાઈ, 2013ના રોજ કરવામાં આવ્યું હતું તેમજ શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો.

કયા વિસ્તારમાં કેટલો સમય રોકાયા હતા વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદ જૂનાગઢ, પોરબંદર, ભાવનગર અને કચ્છના માંડવીમાં ચાર-ચારવાર ગયા હતા, જ્યારે દ્વારકા, બેટ દ્વારકા, વઢવાણ, અમદાવાદ અને ભુજમાં બે-બેવાર ગયા હતા તેમજ લીંબડી, નડિયાદ, સિહોર, કણઝા, ગોંડલ, માળિયા, નારાયણ સરોવર, આશાપુરા, પાલિતાણા, જેતલસર અને ભચાઉ એક એકવાર ગયા હતા.

સ્વામી વિવેકાનંદના ઈતિહાસ સાથે ગુજરાતનું મજબૂત જોડાણ
સ્વામી વિવેકાનંદનો મહત્ત્વનો એટલા માટે છે, કેમ કે ગુજરાત પ્રવાસ દરમિયાન જૂનાગઢના જેતલસર ખાતે આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર મારફત સ્વામી વિવેકાનંદને 1893માં યોજાનારી ધર્મ સંસદ અંગે માહિતી મળી હતી. એ બાદ ઘણા પ્રયાસો પછી વેદાંત અને આધ્યાત્મિકતાનાં મૂલ્યોનો પ્રચાર કરવા જવા માટે તેઓ સંમત થયા. આમ, સ્વામી વિવેકાનંદના જીવન અને ભારતના ઈતિહાસ સાથેનું મજબૂત જોડાણ ગુજરાત પાસે છે.

ફેઝ-1ની કામગીરી બે ઝોનમાં વહેંચાઈ
સ્વામી વિવેકાનંદ સર્કિટ કુલ બે ઝોનમાં બનાવવામાં આવશે. આ બંને ઝોનના કામ ફેઝ-1 અંતર્ગત મંજૂર કરવામાં આવ્યા છે. ફેઝ-1 બનાવવા પાછળ રૂ. 110.93 કરોડનો ખર્ચ થાય તેવો પ્રાથમિક અંદાજ છે. જ્યારે ફેઝ-2 બનાવવા પાછળ 4.69 કરોડનો ખર્ચ થશે તેવો પ્રાથમિક અંદાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલા સભ્યો દ્વારા રાખવામાં આવ્યો છે અને આ પ્રપોઝલ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યુ છે.

બજેટમાં સ્વામી વિવેકાનંદ સર્કિટનો સમાવેશ થશે
સ્વામી વિવેકાનંદ સર્કિટના તમામ મુદ્દાઓ અંગે સરકાર સાથે પરામર્શ થયા બાદ સરકાર હસ્તકની જમીન કમિશનર પ્રવાસનના નામે તબદીલ અથવા લેન્ડ યુઝ પરમિશન આપવાની થાય છે, જે અંતર્ગત વિચારણા ચાલી રહી છે. જો આ મંજૂરી આપવામાં આવે છે તો સર્કિટમાં દર્શાવેલી તમામ સ્થળો પર કરવામાં આવનારી કામગીરી પૂરી થયા બાદ જે તે પરિસરને ચલાવવા અને નિભાવવાની કામગીરી રામકૃષ્ણ મઠને આપવામાં આવી શકે છે. બીજી તરફ આખીયે કામગીરી અંગે આવનારા વર્ષ 2023-24માં સુચિત નવી આઈટમ તરીકે સમાવેશ કરી અને રૂપિયા 10 કરોડની ફાળવણી કરવામાં આવી શકે છે.

7.5 એકર જમીન દાન કરવામાં આવી
સ્વામી વિવેકાનંદ સર્કિટ બનાવવા માટે અલગ અલગ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ વિસ્તારો એવા છે, જ્યાં સ્વામી વિવેકાનંદે ભ્રમણ કર્યું હતું. સ્વામી વિવેકાનંદના અનુયાયીઓ દ્વારા સાણંદના લેખંબા ગામ પાસે સાડાસાત એકર જમીનનું દાન કરવામાં આવ્યું છે. આ જમીન પર જ રામકૃષ્ણ મિશનની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે અને હાઈટેક વ્યવસ્થા ઊભી કરાશે.

લેખંબા ખાતે હેડ ક્વાર્ટર બનશે
સાણંદના લેખંબા ગામ પાસે આવેલી 12 હજાર ચો.મી.ની જગ્યામાં વિવિધ વિકાસનાં કામો હાથ ધરીને સ્વામી વિવેકાનંદ સર્કિટનો એક ભાગ બનાવવામાં આવશે. અહીં હોસ્પિટલથી માંડી સાધુ નિવાસ અને અતિથિ નિવાસ જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે, ત્યારે આ સ્થળને હેડ ક્વાર્ટર તરીકે રાખવામાં આવશે, એમ જિમિત શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું.

લેખંબાથી રામકૃષ્ણ મઠ પાસે સી. સી. રોડ બનાવવા જોબ નંબર ફાળવ્યો
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તારીખ 8-6-2022ના રોજ અમદાવાદ પંચાયત વર્તુળના અધીક્ષક ઈજનેરને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રની અંદર લેખંબાથી રામકૃષ્ણ મઠ તરફના રોડને સી.સી. રોડ બનાવવા માટે જોબ નંબર ફાળવવામાં આવ્યો છે. આ રસ્તો બનાવવા માટે સરકારે અંદાજીત રૂપિયા 50 લાખની ફાળવણી પણ કરી છે.

સરકાર આગામી સમયમાં નિર્ણય લેશેઃ પ્રવાસન વિભાગના એમ.ડી.
પ્રવાસન વિભાગના એમ.ડી. આલોક પાંડેએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠના સંચાલકો દ્વારા 10 સેન્ટર પ્રપોઝ કરવામાં આવ્યા છે. આ એ બધી જગ્યાઓ છે, જ્યાં સ્વામી વિવેકાનંદ આવ્યા હતા અને રહ્યા પણ હતા. 10 જગ્યામાંથી 4 જગ્યા તેમની માલિકી હેઠળની છે, જ્યારે બાકીની 6 જગ્યા સરકારી કે ખાનગી માલિકીની છે. 125 કરોડનો પ્રોજેક્ટ આપ્યો છે, જે સરકારમાં વિચારણા હેઠળ છે. બેઠકો સતત ચાલી રહી છે અને સરકાર હવે આગામી સમયમાં નિર્ણય લેશે.

શ્યામજી કૃષ્ણ વર્મા સાથે બે અઠવાડિયાં ગાળ્યાં, પછી ગુજરાત તરફ વળ્યા
પોતાના શિષ્ય ખેતડીના મહારાજા સાથે અઢી મહિના ગાળી બધી માયા ખંખેરીને સ્વામીજીએ ઓક્ટોબર 1891માં અજમેર તરફ પ્રયાણ કર્યું અને ત્યાં હરબિલાસ શારદા અને શ્યામજી કૃષ્ણ વર્મા સાથે બે અઠવાડિયાં ગાળ્યા, પછી તેઓ અમદાવાદ ભણી વળ્યા. જૂના જમાનામાં કર્ણાવતી તરીકે ઓળખાતું અમદાવાદ ગુજરાતના સુલતાનોનું પાટનગર હતું અને દેશના સુંદરમાં સુંદર શહેરોમાં તેની ગણના થતી.

ગુજરાતમાં કોને કોને મળ્યા હતા વિવેકાનંદ?
અમદાવાદના સબ જજ લાલશંકર ઉમિયાશંકર, લીંબડીના મહારાજા યશવંતસિંહ, ભાવનગરના મહારાજા તખતસિંહજી, કચ્છના મહારાવ ખેંગારજી ત્રીજા, પોરબંદરના મહારાણા વિક્રમાતજી, જૂનાગઢના દીવાન હરિદાસ બિહારીદાસ દેસાઈ, કચ્છના દીવાન મોતીલાલ લાલચંદ, વડોદરાના દીવાન મણિલાલ જશભાઇ વગેરે સાથે તેમણે દેશની, રાજ્યની જટિલ સમસ્યાઓ વિશે ચર્ચાઓ કરી હતી! વળી, આ બધી ચર્ચાની અસર ગુજરાતના વિકાસ પર અવશ્ય થઈ હશે. મણિલાલ દ્વિવેદી, ગોવર્ધનરામ ત્રિપાઠી વગેરે ચિંતનશીલ સાહિત્યકારો પર અને તેમના સાહિત્ય પર સ્વામી વિવેકાનંદનો કેવો પ્રભાવ પથરાયો હશે!

વિવેકાનંદને પીપળા નીચે બેઠેલા જોઈ લાલશંકર ત્રવાડીએ ઘરે આવવા આમંત્રણ આપ્યું
અમદાવાદ પહોંચી સ્વામી વિવેકાનંદે થોડા દિવસો ભિક્ષાવૃત્તિથી ચલાવ્યું. એક દિવસ અમદાવાદના સબજજ લાલશંકર ઉમિયાશંકર ત્રવાડી અમદાવાદ રેલવે સ્ટેશનથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમણે પીપળાના વૃક્ષ નીચે આ ભવ્ય સંન્યાસીને બેઠલા જોયા. આ સંન્યાસીના પ્રશાંત મુખમંડળનાં દર્શન માત્રથી તેઓ પ્રભાવિત થઈ ગયા અને તેમની પાસે જઇને તેમની સાથે વાતચીત શરૂ કરી. થોડીવારની વાતચીતથી જ તેમને ખબર પડી કે આ સંન્યાસી ફક્ત અંગ્રેજીમાં જ પારંગત નથી, પણ જ્ઞાનનું કોઇપણ ક્ષેત્ર તેમની બૌદ્ધિક પ્રતિભાની સીમાની બહાર નથી, આ સંન્યાસીની અસામાન્ય મેધા અને તેમના શાસ્ત્રજ્ઞાનથી મુગ્ધ થઇને તેમણે તેમને પોતાને ઘેર રહેવાનું નિમંત્રણ આપ્યું. બંને ઘોડાગાડીમાં બેઠા અને થોડી જ વારમાં લાલશંકરના ઘેર (26, અમૃતલાલ પોળ, ખાડિયા) પહોંચી ગયા. ઘર મોટું હતું, તેમ છતાં સ્વામી વિવેકાનંદને પોતાના ધ્યાન અને સ્વાધ્યાય માટે અનુકૂળ શાંતિમય વાતાવરણ ન મળવાથી લાલશંકર આ સૌમ્ય સંન્યાસીને પોતાના બીજા ઘેર એલિસબ્રિજના ટાઉનહોલની પાછળવાળા ઘરે લઇ ગયા. અહીં તેમને સાંભળવા લોકોનો મેળો જામતો. વેદ, દર્શન અને અન્ય વિષયો પરના તેમનાં પ્રવચનોથી લોકો મુગ્ધ બની જતા.

અમદાવાદમાં સ્વામી વિવેકાનંદજીએ ઘણાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી. જૈન મંદિરોની અને મિસ્જદોની કલા સમૃદ્ધિથી તેઓ પ્રભાવિત થયા. વિદ્વાનો પાસેથી તેમણે જૈનધર્મ વિશે ઊંડું જ્ઞાન મેળવ્યું. આમ, લગભગ 11 દિવસો ગાળી સ્વામીજીએ વઢવાણ તરફ પ્રયાણ કર્યું.

રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલા સંતો, કો-ઓર્ડિનેટર જિમિત શાહ(ડાબેથી પહેલા) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.
રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલા સંતો, કો-ઓર્ડિનેટર જિમિત શાહ(ડાબેથી પહેલા) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

પોરબંદરમાં થયો વિશ્વમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાનો અહેસાસ
સ્વામી વિવેકાનંદે ગુજરાત ભ્રમણ દરમિયાન પોરબંદરના મહારાજાને કહ્યું હતું, ‘મારી પાસે ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટેનું મિશન છે, પણ એ બધું કેવી રીતે પાર પડશે અને પાર પડશે કે નહીં એ વિશે અત્યારે ચોક્કસ કશું જાણતો નથી.’ આમ, સ્વામી વિવેકાનંદને પોતાને કરવાના મહત્ત્વના કાર્યનું ભાન ગુજરાતની પાવન ભૂમિ પોરબંદરમાં થયું હતું. તેઓ વિશ્વમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે એવો અહેસાસ થયો હતો. તો સ્વામી વિવેકાનંદને દ્વારકા ભ્રમણ દરમિયાન પોતાનામાં રહેલી અગાધ શક્તિઓનો ખ્યાલ આવ્યો હતો. વઢવાણના રાણકદેવી મંદિરની મુલાકાત દરમિયાન સ્વામીજીને હિન્દુ શાસ્ત્રમાં રહેલી લગ્નસંબંધની પવિત્રતાનો અહેસાસ થયો હતો. તદુપરાંત ભારતનાં ઉજજવળ ભાવિ વિશેનો બોધ પણ તેમને રાણક દેવી મંદિરના પ્રવાસ દરમિયાન થયો હતો.

પાલિતાણાનાં જૈન મંદિરોની મુલાકાત દરમિયાન સ્વામી વિવેકાનંદે ભારતને એક વિશાળ મંદિર તરીકે જોયું હતું. તેમને મહાભારતની એટલે મહાન ભારતની કીર્તિ જોઇ હતી. ભવ્ય સોમનાથ મંદિરનું ખંડેર જોઇને તેમને ભારતના ભવ્ય અતીતનો ખ્યાલ આવ્યો હતો.

નરેન્દ્ર મોદી સાથે સ્વામી નિખિલેશ્વરાનંદ.
નરેન્દ્ર મોદી સાથે સ્વામી નિખિલેશ્વરાનંદ.

કચ્છમાં જોયેલા મૃગજળનો અનુભવ ન્યૂયોર્કના પ્રવચનમાં વર્ણવ્યો
ગુજરાતની ભૂમિ પર જ સ્વામીજીને એવી અનુભૂતિ થઈ કે ખરેખર ભારત જગતના દરેક ધર્મનું ઉદગમ સ્થાન છે અને સર્વોચ્ચ ધર્મ સનાતન હિન્દુ ધર્મ છે. ગુજરાતમાં જ સ્વામી વિવેકાનંદના આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વનું સર્વાંગી પરિવર્તન થયું. તેમના ગુરુભાઇ સ્વામી અખંડાનંદે નોંધ્યું છે કે ‘હું છેવટે માંડવી પહોંચ્યો...મેં જોયું કે સ્વામીજીના વ્યક્તિત્વમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તેમના બદલાયેલા આ વ્યક્તિત્વના તેજથી આખો રૂમ ઝળહળી રહ્યો છે. ગુજરાતમાં જ લીંબડીના ઠાકોર સાહેબે સ્વામી વિવેકાનંદને આફતમાંથી ઉગારી લીધા હતા અને તેમને નવજીવન બક્ષ્યું હતું. તેઓ જામનગરમાં ઝંડુ ભટ્ટને મળ્યા હતા અને તેમની ઉદારતાથી પ્રભાવિત થયા હતા. તેમણે કચ્છના રણમાં અદભુત અનુભવ થયો હતો. તેમણે મૃગજળ સગી નજરે જોયું હતું. તેમણે પોતાનો આ અનુભવ ન્યૂયોર્કના એક પ્રવચનમાં વર્ણવ્યો હતો.

ગુજરાતમાં કયારે કયાં સ્થળે સ્વામી વિવેકાનંદનું ભ્રમણ

16/9/1891-22/9/1891અમદાવાદ
23/9/1891-24/9/1891વઢવાણ
24/9/1891-29/9/1891લીંબડી
30/9/1891-1/10/1891ભાવનગર
1/10/1891-2/10/1891સિહોર
2/10/1891-3/10/1891જેતલસર
3/10/1891-4/10/1891જૂનાગઢ
5/10/1891-24/10/1891પોરબંદર
25/10/1891-25/11/1891પોરબંદર
26//11/1891-4/12/1891જૂનાગઢ
5/12/1891-6/12/1891કણઝા
9/12/1891-13/12/1891સોમનાથ
20/12/1891-21/12/1891જૂનાગઢ
22/12/1891-23/12/1891ગોંડલ
23/12/1891-24/12/1891રાજકોટ
26/12/1891-27/12/1891માળિયા
27/12/1891-27/12/1891કચ્છનું નાનું રણ પસાર કર્યું
31/12/1891-1/1/1892ભચાઉ
7/1/1892-13/1/1891ભુજ
15/1/1892-16/1/1892માંડવી
16/1/1892-17/1/1892બેટ દ્વારકા
17/1/1892-18/1/1892દ્વારકા
20/1/1892-20/2/1892પોરબંદર
21/2/1892-23/2/1892દ્વારકા
23/2/1892-25/2/1892બેટ દ્વારકા
25/2/1892-27/2/1892માંડવી
29/2/1892-1/3/1892નારાયણ સરોવર
1/3/1892-3/3/1892આશાપુરા
4/3/1892-8/3/1892માંડવી
9/3/1892-13/3/1892ભુજ
14/3/1892-25/3/1892માંડવી
27/3/1892-2/4/1892પોરબંદર
3/4/1892-6/4/1892ભાવનગર
6/4/1892-8/4/1892પાલિતાણા
8/4/1892-9/4/1892ભાવનગર
10/4/1892-14/4/1892જૂનાગઢ
14/4/1892-15/4/1892ભાવનગર
15/4/1892-16/4/1892વઢવાણ
17/4/1892-18/4/1892અમદાવાદ
18/4/1892-21/4/1892નડિયાદ
21/4/1892-26/4/1892વડોદરા
અન્ય સમાચારો પણ છે...