તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજની પોઝિટિવ સ્ટોરી:લગ્નના છ મહિના બાદ ગર્ભવતી થયાં અને રિપોર્ટ HIV+ આવ્યો, સમાજ માટે પોઝિટિવ કરવાનું ઝનૂન ચડતાં સંગઠન બનાવ્યું, 74 હજાર લોકોને મદદ કરે છે

8 મહિનો પહેલાલેખક: સુનિલ પાલડિયા
  • 2003માં ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV સંગઠનની સ્થાપના કરી
  • 6 વર્ષ સુધી આ બીમારી અને બીમારગ્રસ્ત દર્દીઓની સાથે રહી તેમનો અભ્યાસ કર્યો
  • અનેક દાતાઓ અને કોર્પોરેટ સંસ્થાઓ આ સેવામાં સહભાગી થયાં

એઇડ્સને જીવલેણ અને ગંભીર રોગ માનવામાં આવે છે. એક સમય એવો હતો કે લોકો એઇડ્સગ્રસ્તોથી દૂર ભાગતા હતા. ત્યારે 1997માં દક્ષા પટેલ નામની મહિલાએ લગ્ન બાદ ગૃહસ્થીની શરૂઆત કરી અને ગર્ભવતી બન્યાં, પરંતુ એ દરમિયાન કરવામાં આવેલા રિપોર્ટમાં બહાર આવ્યું કે તેમને HIV પોઝિટિવ છે. તેમના પરિવાર પર આભ ફાટ્યું અને તેમણે ગર્ભ પણ ગુમાવવો પડ્યો. સતત મોતની રાહ જોતાં દક્ષાબેને નિરાશાને દૂર કરી પોતાના જેવા લોકો માટે કામ કરવાની શરૂઆત કરી. આજે તેમણે સ્થાપેલા સંગઠન ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV એઇડ્સ(GSNP+) થકી આજે 74 હજાર લોકોને દવાઓથી લઇને તમામ પ્રકારની સહાય કરવામાં આવે છે.

2003માં સંગઠનની સ્થાપના કરી
દક્ષાબેન પટેલે જણાવ્યું છે કે મારો પરિવાર સૌરાષ્ટ્રથી સુરત સ્થાયી થયો. મારો જન્મ અને ઉછેર સુરતમાં થયો છે. અનેક લોકો સુરત આવી નામના અને પૈસા કમાયા, પણ મારા જીવનમાં કંઇક અલગ જ બનવાનું હતું. 1997માં મારો HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બીમારીની ગંભીરતા સાંભળી મારો સંસાર અંધકાર તરફ ધકેલાતો હોય તેવો અહેસાસ થયો હતો. ખૂબ જ મનોબળ કેળવી અંધારામાંથી બીજાના જીવનમાં અજવાળું પાથરવા શરૂઆત કરી. HIV પોઝિટિવ સાથીમિત્રો સાથે 2003માં ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV સંગઠનની સ્થાપના કરી.

દક્ષાબેન પતિ વિઠ્ઠલભાઇ સાથે છેલ્લાં 22 વર્ષથી સામાન્ય જીવન જીવી રહ્યાં છે.
દક્ષાબેન પતિ વિઠ્ઠલભાઇ સાથે છેલ્લાં 22 વર્ષથી સામાન્ય જીવન જીવી રહ્યાં છે.

74 હજાર પોઝિટિવ લોકોને બે પરિવાર મળ્યા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે અમારા આ સંગઠનની નોંધ વૈશ્વિક લેવલે લેવાઈ રહી છે. સંગઠનના માધ્યમથી 74 હજાર પોઝિટિવ લોકોને બે પરિવાર મળ્યા છે. મારો સંઘર્ષ આસાન ન હતો. પરિવાર અને ખાસ કરીને મારા પતિએ મને અમૂલ્ય સહયોગ આપ્યો છે. આજે મારા જીવનનો સંઘર્ષ મારા એકનો નથી, પરંતુ આખા સમુદાય સાથે છે.

35 સભ્ય સાથે કામની શરૂઆત કરી
દક્ષાબેન પટેલે કહ્યું હતું કે પરિવારના સભ્યોએ હિંમત આપી જીવવાની દિક્ષા બતાવી હતી. એ સમય એવો હતો કે એઇડ્સ નામની બીમારીની વ્યાખ્યા સાંભળીને જ કંપારી છૂટી જતી હતી. આખા સુરતમાં માત્ર 35 જેટલા જ કેસ હતા. આવા બીમારગ્રસ્ત દર્દીઓથી લોકો દૂર જ રહેતા હતા. જોકે મેં બીજાના જીવનમાં અજવાળું પાથરવાનું મન બનાવી લીધું હતું. સતત શારીરિક રીતે ફિટ રહી 6 વર્ષ સુધી આ બીમારી અને બીમારગ્રસ્ત દર્દીઓની સાથે રહી તેમનો અભ્યાસ કર્યો. માત્ર 35 જેટલા એચઆઇવી પોઝિટિવ સાથીમિત્રો સાથે 2003માં ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV સંગઠનની સ્થાપના કરી એક નવા સમાજની વ્યાખ્યા ઊભી કરી હતી.

6 વર્ષ સુધી આ બીમારી અને બીમારગ્રસ્ત દર્દીઓની સાથે રહી તેમનો અભ્યાસ કર્યો.
6 વર્ષ સુધી આ બીમારી અને બીમારગ્રસ્ત દર્દીઓની સાથે રહી તેમનો અભ્યાસ કર્યો.

22 વર્ષથી સામાન્ય લાઈફ જીવી રહી છું
22 વર્ષ ૫હેલાં ડોક્ટરે કહ્યું હતું, પાંચ મહિનાથી વધુ નહીં જીવી શકો અને આજે પોઝિટિવ લોકોની મદદ માટે ફાઉન્ડેશન બનાવી સેવા કરી રહ્યાં છે. સોસાયટીમાં લોકો HIV પોઝિટિવ લોકોથી દૂર રહેવાનો પ્રયત્ન કરતા હોય છે, તેવી જ રીતે HIV પોઝિટિવ લોકો પણ સોસાયટીથી દૂર રહેતા હોય છે, પરંતુ બંનેની વિચારશ્રેણીને બદલવામાં લગભગ સફળ થયાં છે. HIV પોઝિટિવ લોકો હવે સામાન્ય લોકોની જેમ તેમનું જીવન સોસાયટીના લોકો સાથે મળીને જીવતા થયા છે. તેમનાં ધ્યેય પણ પૂરાં કરી રહ્યા છે. HIV પોઝિટિવ દર્દીઓ માટે કામ કરતાં કરતાં હું પણ મારા પતિ વિઠ્ઠલભાઇ સાથે છેલ્લાં 22 વર્ષથી સામાન્ય જીવન જીવું છે.

દર્દીઓને દવાઓ મફતમાં મળે એવી વ્યવસ્થા કરી
1997માં કોઇ HIV પોઝિટિવ હોય એટલે સામાન્ય લોકોની તો વાત દૂર રહી, તબીબો પણ તેમની સારવાર કરતા નહોતા. આવા સમયે HIVની દવા માટે મહિને ઓછામાં ઓછો 25 હજારનો ખર્ચ કરવો પડતો હતો. ત્યારે સામાન્ય લોકોએ આ દવા માટે 25 હજારનો ખર્ચ કરી શકે તેમ નહીં હોવાનું ધ્યાને આવ્યું હતું. તેથી GSNP પ્લસનાં દક્ષાબેને ગાંધીનગર ખાતે રેલી કાઢીને ચળવ‌ળ ચલાવી હતી. તેના પરિણામે રાજ્ય સરકારે ટીબી, કેન્સરગ્રસ્ત દર્દીઓને જે પ્રમાણે મફતમાં સારવાર આપવામાં આવી રહી છે, તેવી જ રીતે એઇડસના દર્દીઓને મફત સારવાર આપવાનું શરૂ કરવું પડ્યું હતું.

સંગઠન દ્વારા મેરેજ બ્યુરો ચાલે છે, જેમાં HIV લોકો પોતાના જીવનસાથીની પસંદગી પણ કરી શકે છે.
સંગઠન દ્વારા મેરેજ બ્યુરો ચાલે છે, જેમાં HIV લોકો પોતાના જીવનસાથીની પસંદગી પણ કરી શકે છે.

25 જિલ્લામાં કાર્ય થાય છે
સંગઠન દ્વારા મેરેજ બ્યુરો ચાલે છે, જેમાં HIV લોકો પોતાના જીવનસાથીની પસંદગી પણ કરી શકે છે. 12 જેટલા લગ્નના મેળાવડા પણ કરવામાં આવ્યા છે, જેમાં લગ્ન કરીને યુવક-યુવતીઓ પોતાનું સુખી જીવન જીવી રહ્યાં છે. તેમને નિયમિત દવાઓ પણ પહોંચાડવામાં આવે છે. ગુજરાતમાં 25 જિલ્લા સંગઠન કામ કરી રહ્યું છે. નવા ચેપ ન લાગે એ માટે સગર્ભા બહેનો માટે પણ કામ કરવામાં આવે છે. અમારા સંગઠનના સભ્યો ન વધે એ માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ.

દવા લેવા જનારા દર્દીને ભાડું પણ અપાય છે
2 વર્ષથી લઈ 65 વર્ષની ઉંમર સુધીના દર્દીઓ દવા લઈ રહ્યા છે. આ તમામ દર્દીઓને અમે દવાઓ મફતમાં મળી રહે છે, સાથે જ દવા લેવા જવા માટે આવવા-જવાનું ભાડું પણ સંસ્થા તરફથી આપવામાં આવે છે. સરકાર અને GSASના માર્ગદર્શનથી સંસ્થા કાર્યરત છે. અનેક દાતાઓ અને કોર્પોરેટ સંસ્થાઓ આ સેવામાં સહભાગી થયાં છે. અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ સુધીનો પ્રવાસ કરે છે. લોકોમાં આ બીમારીને લઈ જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

2003માં ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV સંગઠનની સ્થાપના કરી.
2003માં ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV સંગઠનની સ્થાપના કરી.

બીમારીથી બચી શકાય છે
દક્ષાહેન પટેલે આગળ જણાવે છે, આ બીમારી થાય તો ડરવાની જરૂર નથી. આ બીજાને ન ફેલાય એ માટે કાળજી રાખવી જોઇએ. તમામ જિલ્લામાં સેન્ટર છે. ત્યાંથી દવા લઈ શકાય છે. માર્ગદર્શન અને દવાના કારણે સ્વસ્થ જીવન જીવી શકાય છે. આ બીમારીમાં લાઈફ લોંગ દવા લેવાની હોય છે, પરંતુ દવાઓ નિયમિત રીતે લેવાથી આરામથી જિંદગી જીવી શકાય છે.

નોંધઃ તેમની પૂર્વમંજૂરી અને આગ્રહ હોવાને કારણે તેમની તસવીરો બ્લર કરી નથી.

અન્ય સમાચારો પણ છે...