તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજની પોઝિટિવ સ્ટોરી:દિવ્યાંગ, અનાથની સગાં મા-બાપ ન કરી શકે એવી સેવા 31 વર્ષથી કરી રહેલા સુરતના હીરા દલાલ

સુરત5 મહિનો પહેલાલેખક: પંકજ રામાણી
ત્રણેક દાયકા કરતાં વધુ સમયથી પોતાના ઘરે જ નિરાધારો અને મંદબુદ્ધિના લોકોની પરેશભાઈ સેવા કરી રહ્યા છે. - Divya Bhaskar
ત્રણેક દાયકા કરતાં વધુ સમયથી પોતાના ઘરે જ નિરાધારો અને મંદબુદ્ધિના લોકોની પરેશભાઈ સેવા કરી રહ્યા છે.
  • શરૂઆતમાં પોતાના ગામના મંદબુદ્ધિ લોકોને સાથે રાખીને સેવા શરૂ કરી હતી
  • વરાછામાં પરેશભાઈ કેસરી કપડાં સાથે દિવ્યાંગો સાથે રસ્તા પર ફરવા નીકળે છે

કુદરતના અન્યાયનો ભોગ બનેલી દિવ્યાંગ, અનાથ, મંદબુદ્ધિની વ્યક્તિઓએ જિંદગીમાં ભારે ઝઝૂમવું પડતું હોય છે, પરંતુ કુદરત આવા અન્યાયનો ભોગ બનેલાનો ન્યાય કરવા માટે એવી વ્યક્તિઓને પણ મોકલતી હોય છે, જેથી ભોગ બનેલાને પ્રેમ, હૂંફ અને લાગણી મળી રહે. સુરતમાં આવા જ અનાથ અને માનસિક દિવ્યાંગ લોકોની સેવા 55 વર્ષના હીરા દલાલ પરેશભાઈ ડાખરા કરી રહ્યા છે. સગાં મા-બાપ ન કરી શકે એવી સેવા 31 વર્ષથી સેવાકાર્ય કરી રહ્યા છે. અત્યારસુધીમાં 160 જેટલા અનાથ, મંદબુદ્ધિની સેવા-ચાકરી કરી ચૂક્યા છે. હાલ તેમના ઘરને જ બનાવેલા આશ્રમમાં 17 માતા-દીકરી અને 2 અનાથ બાળકોની સાર સંભાળ રાખી રહ્યા છે.

કેસરી કપડાં પહેરીને પરેશભાઈ રસ્તા પર માનસિક દિવ્યાંગોને લઈને ફરવા નીકળે છે.
કેસરી કપડાં પહેરીને પરેશભાઈ રસ્તા પર માનસિક દિવ્યાંગોને લઈને ફરવા નીકળે છે.

ટ્રેનમાં મંદબુદ્ધિની દીકરીને જોઈને પ્રેરણા મળી
મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામના વતની પરેશભાઈ સવજીભાઈ ડાખરાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું, ખૂબ નાની ઉંમરમાં હીરાના વ્યવસાય માટે સુરત આવી ગયો હતો. હીરાનો વેપાર પણ સારો ચાલતો હતો, એટલે અવારનવાર સુરતથી મુંબઈ સહિતનાં શહેરોમાં જવાનું થતું હતું. નાની ઉંમરમાં સારીએવી કમાણી થતી હતી. નામ પણ સારું બની રહ્યું હતું. એવામાં એકવાર ટ્રેનમાં મુંબઈ જતાં એક મંદબુદ્ધિની દીકરી ટ્રેનમાં હતી. એ તેની મસ્તીમાં હતી. મેં તેને ફેરિયા પાસેથી અલગ અલગ વસ્તુઓ આપી, પણ ન લીધી. આખરે 10ની નોટ આપી તો એના પણ કટકા કરી નાખ્યા. પછી થયું કે સારાને તો સહુ બોલાવે, આ લોકોને સાચવવા જોઈએ તેવા સંતોના વિચાર બાળપણમાં મળ્યા હોવાથી માનસિક દિવ્યાંગોની સેવા કરવાનું નક્કી કર્યું..

પરેશભાઈ અને તેમનાં ધર્મપત્ની પોતાના હાથે જ રસોઈ બનાવીને તમામને જમાડે છે.
પરેશભાઈ અને તેમનાં ધર્મપત્ની પોતાના હાથે જ રસોઈ બનાવીને તમામને જમાડે છે.

શરૂઆતમાં પરિવારે વિરોધ કર્યો
પરેશભાઈએ કહ્યું, માનસિક દિવ્યાંગોની સેવા કરવાનું મેં નક્કી કર્યું એ અગાઉ મારા લગ્ન નક્કી થયાં હતાં. મારે સેવા કરવી હતી, એટલે લગ્નને હું ટાળતો હતો. નાનાં ભાઈ-બહેનોનાં ધૂમધામથી લગ્ન કરાવી દીધાં. જોકે પરિવાર પાસે મેં એવી શરતો મૂકી જેને કારણે સેવા પણ કરી શકાય. આખરે હંસા સાથે લગ્ન થયા અને ત્યાર બાદ મેં જ્યાંથી માનસિક દિવ્યાંગો મળે તેને અલગ ઘરમાં રાખવાની સાથે સેવા શરૂ કરી હતી. શરૂઆતમાં બધા વિરોધ કરતાં, પરંતુ બાદમાં તેમને સેવાનું મહત્ત્વ સમજાતાં સહકાર આપી રહ્યા છે.

મંદબુદ્ધિના લોકોને છોડીને પરેશભાઈ તેમના વતન પણ જઈ શકતા નથી.
મંદબુદ્ધિના લોકોને છોડીને પરેશભાઈ તેમના વતન પણ જઈ શકતા નથી.

ચાર સંતાનમાંથી એક દીકરી માનસિક દિવ્યાંગ
પરેશભાઈને ચાર સંતાન છે, જેમાં બે દીકરી અને બે દીકરા છે. બીજા નંબરની દીકરી માનસિક દિવ્યાંગ છે. માનસિક દિવ્યાંગ દીકરી જન્મ્યા બાદ તેમની સેવા કરતી વખતે પત્ની હંસાબેને જ સામેથી કહ્યું, હવેથી તમામ માનસિક દિવ્યાંગો અને અનાથ લોકો આપણી સાથે જ રહેશે, એટલે લગભગ બે દાયકા કરતાં વધુ સમયથી ઘરના તમામ સભ્યો સાથે માનસિક દિવ્યાંગ વ્યક્તિઓ અને પરિવારના સભ્યો સાથે રહે છે. પરેશભાઈનો એક દીકરો વિદેશમાં છે અને બીજો દીકરો પણ વિદેશ જવાની તૈયારીમાં છે. એક દીકરીનાં લગ્ન પણ કરાવી દીધાં છે.

તમામ તહેવારોની ઉજવણી પરેશભાઈ બધાની સાથે જ કરે છે.
તમામ તહેવારોની ઉજવણી પરેશભાઈ બધાની સાથે જ કરે છે.

દિવ્યાંગોને છોડીને ક્યાંય જવાતુ નથી
માનસિક દિવ્યાંગોને સાચવવા એ એક પડકારભરી જવાબદારી છે. માનસિક દિવ્યાંગો અંદોરઅંદર ઝઘડો ન કરી બેસે એ માટે પરેશભાઈ તેના વતન પણ શક્ય હોય ત્યાં સુધી જતા નથી. દિવસે ક્યાંય જાય તોપણ રાત્રિના સમયે તો તેમને ઘરે આવી જ જવું પડે છે. પરેશભાઈએ કહ્યું, હવે હું મારા પરિવારના સભ્યોને છોડીને ક્યાંય જતો પણ નથી. છેલ્લા ઘણા સમયથી દલાલીનો ધંધો પણ બંધ કરી દીધો છે. જોકે માનસિક દિવ્યાંગ લોકો હોવા છતાં ક્યારેય અગવડ આવી નથી.

પરેશભાઈ તમામને પોતાનાં સંતાન માને છે, તેમને હીરાના કારખાનાની મુલાકાતે પણ લઈ જાય છે.
પરેશભાઈ તમામને પોતાનાં સંતાન માને છે, તેમને હીરાના કારખાનાની મુલાકાતે પણ લઈ જાય છે.

રાત્રે એક વ્યક્તિએ જાગવું પડે છે
માનસિક દિવ્યાંગોને સાચવવા માટે ખૂબ ધ્યાન રાખવું પડે છે. પરેશભાઈ કહે છે, રોજ રોજ તેમના માટે અલગ અલગ રસોઈ બનાવવાની રહે છે. તેમને રોજ એક પ્રકારના શાક પણ આપતા નથી. વધારેપડતું તીખું-તળેલી રસોઈ પણ અપાતી નથી. સૌથી વધુ ધ્યાન રાત્રે રાખવું પડે છે. રાત્રે અમારા બન્નેમાંથી એકને જ જાગવું પડે છે.

આ પણ વાંચોઃ-માતા-પિતા ડોક્ટર, જોકે પુત્રએ નોકરી છોડીને ખેતી શરૂ કરી

લોકોનો સહયોગ પણ ખૂબ મળે છે
માનસિક દિવ્યાંગો માટે ધૂણી ધખાવીને બેઠેલા પરેશભાઈએ કહે છે, અમને લોકોનો પણ ખૂબ સહયોગ મળે છે. રસ્તા પર દિવ્યાંગોને લઈને નીકળીએ ત્યારે લોકો સામેથી પોતાની શક્તિ પ્રમાણે આપી જાય છે. સામાન્ય ગરીબ અને મધ્યમવર્ગના લોકો પોતાનાથી અપાય તેટલું આપે છે. અમે કોઈ પાસે માગવા જતા નથી.

આ પણ વાંચોઃ-એન્જિનિયરિંગની નોકરી છોડીને ત્રણ વર્ષ પહેલાં શરૂ કરી સ્ટ્રોબેરીની ખેતી

અમે એકબીજા વગર જમતા પણ નથી
પરેશભાઈએ વધુમાં કહ્યું, છેલ્લા 3 દાયકાથી માનસિક દિવ્યાંગો સાથે રહું છું. એકપણ ખરાબ અનુભવ થયો નથી. અમે જેટલો પ્રેમ કરીએ એનાથી માનસિક દિવ્યાંગો અમને વધુ પ્રેમ કરે છે. અમારા વગર તેઓ જમતા પણ નથી. ઘણા લોકો સાજા થઈને પોતાના ઘરે પણ ગયા છે. ઘણા નવા સભ્યો પણ મળ્યા છે. અમુક સભ્યો તો 25 વર્ષ કે તેનાથી પણ વધુ સમયથી અમારી સાથે છે.

આ પણ વાંચોઃ-ઓર્ગેનિક ખેતી કરી વાર્ષિક રૂ. 1.25 કરોડ કમાય છે આણંદના IT એન્જિનિયર દેવેશ પટેલ

સંપત્તિ વાપરવાનો સાચો માર્ગ જાણવો જોઈએ
આજે રૂપિયા કમાવાની દોડમાં દરેક વ્યક્તિ છે, પરંતુ કોઈને એ નથી ખબર કે સંપત્તિને વાપરવાનો સાચો માર્ગ કયો છે. ત્યારે અમને સૂઝયો, અમે તેવા દિવ્યાંગોની સેવા કરવાના માર્ગે સંપત્તિ વાપરીએ છીએ. ભગવાન જે આપે છે એ માત્ર આપણા માટે નથી હોતું, તેમ ઉમેરતાં પરેશભાઈ કહે છે, એને વાપરવાનો સાચો માર્ગ કયો એ જાણવાની મથામણમાં આ માર્ગે થાય એટલી સેવા કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો