• Gujarati News
  • Dvb original
  • Surat School Taught Practical Lessons To Students Along With Studies, Worked 6 Days, One Student Got 7 Thousand

આજની પોઝિટિવ સ્ટોરી:સુરતની સ્કૂલે અભ્યાસની સાથે વિદ્યાર્થીઓને શીખવ્યા પ્રેક્ટિકલ પાઠ, જાતે નોકરી શોધી 6 દિવસ કામ કર્યુ, એક વિદ્યાર્થીને 7 હજાર મળ્યાં

સુરત22 દિવસ પહેલાલેખક: પંકજ રામાણી
વિદ્યાર્થીઓને જીવન મૂલ્યોના પાઠ શીખવવા માટે શાળાનો પ્રયાસ
  • માત્ર પુસ્તકીયા જ્ઞાન સુધી જ વિદ્યાર્થીઓ સિમિત ન રહી જાય તે માટે પ્રયાસ કરાયો

ડાયમંડ કિંગ તરિકે ઓળખાતા ગોવિંદભાઈ ધોળકીયાના ઘરે ચાંદીની ચમચી સાથે જન્મેલા દીકરાને કોઈ સાહ્યબી આપ્યા વગર એક મહિનો હૈદરાબાદમાં જાતે નોકરી શોધી ગુજરાન ચલાવવાનું હતું. પરંતુ એ મહિના પછી પુત્રને રૂપિયાની,માનવતાની અને સમયની કિંમત સમજાઈ ગઈ હતી. આવાં જ જીવન મૂલ્યોના પાઠ પોતાની સ્કૂલના વિદ્યાર્થીઓને પણ મળી રહે તે માટે ગોવિંદભાઈના ટ્રસ્ટીપણા નીચે ચાલતી અને કતારગામમાં આવેલી વી.એન.ગોધાણી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ઈન્ટર્નશીપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને 6 દિવસ માટે પોતાને ગમતા અને મળેલાં ફિલ્ડમાં કામ માટે મોકલવામાં આવ્યાં હતાં. ધોરણ 11ના 52 વિદ્યાર્થીઓએ છ દિવસ સુધી હાર્ડ વર્કનો પહેલો અનોખો અનુભવ મેળવ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીએ કામના બદલમાં 7 હજાર રૂપિયા પણ મળ્યાં હતાં.

વિદ્યાર્થીઓને 6 દિવસ માટે પોતાને ગમતા અને મળેલાં ફિલ્ડમાં કામ માટે મોકલવામાં આવ્યાં
વિદ્યાર્થીઓને 6 દિવસ માટે પોતાને ગમતા અને મળેલાં ફિલ્ડમાં કામ માટે મોકલવામાં આવ્યાં

સ્કૂલ દ્વારા પ્રોગ્રામ ડિઝાઈન કરાયો
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી વી.એન.ગોધાણી ઈંગ્લિશ સ્કૂલના પ્રિન્સિપાલ દિવ્યા બી. ગજ્જરએ જણાવ્યું હતું કે, નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પ્રેક્ટિકલ પર ભાર મૂકવામાં આવનાર છે. પરંતુ સ્કૂલ દ્વારા આ અગાઉ જ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે જીવનના પાઠ નાની ઉંમરે જ શીખવા મળે તે માટે એક પ્રોગ્રામ ડિઝાઈન કરવામાં આવ્યો હતો.જે અંતર્ગત કુલ 20 બિંદુઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. ઈન્ટર્નશીપ પ્રોગ્રામ અંતર્ગત શાળાના 11 કોમર્સના કુલ 52 વિદ્યાર્થીઓને જાતે જ કામ શોધીને 20થી 25 ડિસેમ્બર એમ કુલ 6 દિવસ માટે કામ પર મોકલવામાં આવ્યાં હતાં. જેના ખૂબ જ સારો રિસ્પોન્સ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓને કામ આપનારામાં જોવા મળ્યો હતો.

સ્કૂલના ઈન્ટર્નશીપ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓને કામ પર મોકલાયાં હતાં.
સ્કૂલના ઈન્ટર્નશીપ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓને કામ પર મોકલાયાં હતાં.

રોજનો અનુભવ વિદ્યાર્થીઓએ લખ્યો
શાળા દ્વારા વિદ્યાર્થીઓને કામ પર મોકલવામાં આવ્યા હતાં. જેમાં વિદ્યાર્થીઓને રોજના છ કલાક કામ કરવાનું હતું. પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ ફૂલ ટાઈમ જ કામ કરતાં હતાં. વિદ્યાર્થીઓને શાળાએ આવવાની જગ્યાએ કામ પર જવાનો અનુભવ કેવો રહે છે તે રોજે રોજ લખવાનું હતું. વ્યવસાયિક જીવનની શરૂઆત થાય તે અગાઉ જ વિદ્યાર્થીઓને કામ મળ્યું હતું. ઘણા વિદ્યાર્થીઓને અમુક ફિલ્ડનું માત્ર આકર્ષણ હતુ. પરંતુ કામ કર્યા બાદ ખબર પડી એ ફિલ્ડ તેમના માટે કેટલું કપરૂં કે રસપ્રદ છે. આ તમામ અનુભવો વિદ્યાર્થીઓએ શાળાને લેખિતમાં આપ્યાં હતાં.

ધોરણ 11ના 52 વિદ્યાર્થીઓએ છ દિવસ સુધી હાર્ડ વર્કનો પહેલો અનોખો અનુભવ મેળવ્યો
ધોરણ 11ના 52 વિદ્યાર્થીઓએ છ દિવસ સુધી હાર્ડ વર્કનો પહેલો અનોખો અનુભવ મેળવ્યો

15 જેટલા ફિલ્ડમાં વિદ્યાર્થીઓએ કામ કર્યું
નોકરી સ્વરૂપે કામ શોધવાથી લઈને કામ કરવા વિદ્યાર્થીઓને શાળાએ મોકલ્યા તેમાં લગભગ અલગ અલગ 15 જેટલા ફિલ્ડમાં વિદ્યાર્થીઓ ગયા હતાં.વેબ ડિઝાઈનિંગથી લઈને, બૂટિક, જ્વેલરી, હોટલ મેનેજમેન્ટ, આઈટી,પ્રોવિજન સ્ટોરી, મેડિકલ સ્ટોર, હીરા, સીએ સહિતના ફિલ્ડમાં વિદ્યાર્થીઓએ કામ કરવાનો અનુભવ મેળવ્યો હતો.

અલગ અલગ ફિલ્ડમાં વિદ્યાર્થીઓએ કામ શોધીને અનુભવ લીધો હતો.
અલગ અલગ ફિલ્ડમાં વિદ્યાર્થીઓએ કામ શોધીને અનુભવ લીધો હતો.

શિક્ષકો ચેકિંગમાં જતા હતા
પ્રોગ્રામ ઈન્ચાર્જ મૈત્રી જોષીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને કામ પર મોકલતાં પહેલા જ માનસિકત રીતે શાળા દ્વારા તૈયાર કરવામાં આવ્યાં હતાં. કોવિડ ગાઈડ લાઈનના પાલનની સાથે સાથે વાણી-વર્તન કામના સ્થળ પર રાખવા અંગેની તમામ સમજ આપવામાં આવી હતી. કામના સ્થળ પર વિદ્યાર્થીઓની સરપ્રાઈઝ વિઝિટ શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી.આ કામ માટે 13-13 વિદ્યાર્થીઓના ચાર ગ્રુપ બનાવી દેર ગ્રુપ પર એક શિક્ષકને રાખવામાં આવ્યાં હતા.સોશિયલ મીડિયામાં એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું.જેનું નામ વિદ્યાર્થીઓના સજેશન પ્રમાણે હાર્ડ વર્કર રાખવામાં આવ્યું હતું.

સ્કૂલના અનોખા કાર્યક્રમને વિદ્યાર્થીઓ, શિક્ષકો,વાલીઓ અને કામ આપનારાએ બિરદાવ્યો હતો.
સ્કૂલના અનોખા કાર્યક્રમને વિદ્યાર્થીઓ, શિક્ષકો,વાલીઓ અને કામ આપનારાએ બિરદાવ્યો હતો.

ભણતર સાથે ગણતરનો અનુભવ મળ્યો-વિદ્યાર્થી
આઈટી ફર્મમાં વેબ ડેવલપિંગના કામ માટે ગયેલા નારોલા તરંગએ જણાવ્યું હતું કે, મને આ કામમાં પહેલેથી જ રૂચી છે. પપ્પાએ એક ફર્મ સજેસ્ટ કરી હતી. ત્યાં જઈને મેં છ દિવસ સુધી કામ કર્યું હતું. અહિં કામ કરવાની મને ખૂબ મજા આવી હતી. ભણવાની સાથે સાથે ગમતા કામમાં આગળ શું-શું શીખી શકાય તથા કેવી રીતે આ ફિલ્ડમાં કામ કરતાં લોકો પહોંચ્યા તે સહિતની રસપ્રદ વસ્તુઓ જાણવા મળી હતી. સાથે સાત હજાર રૂપિયા પણ મને મળ્યાં હતાં. ખરેખર ભણતર સાથે ગણતરનો આ અનુભવ મળ્યો હતો.

દિવસે કામ કર્યા બાદનો અનુભવ સાંજે વિદ્યાર્થીઓ કાગળ લખતાં હતાં.
દિવસે કામ કર્યા બાદનો અનુભવ સાંજે વિદ્યાર્થીઓ કાગળ લખતાં હતાં.

રૂપિયાની કદર થવા લાગી-વાલી
હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું હતું કે, મારા સંતાને જ્યારે આ પ્રોગ્રામ વિષે વાત કરી ત્યારે મને હાલની કોરોનાની પરિસ્થિતિને લઈને સંકોચ થતો હતો. પરંતુ બાદમાં શાળાના વર્કના ભાગરૂપે મેં તેને રોક્યો નહોતો.મારૂ સંતાન જ્યારથી આ પ્રોગ્રામ અંતર્ગત છ દિવસ કામ કરીને આવ્યો છે. તેને રૂપિયાની કદર થવા લાગી છે. હવે તે ખોટી રીતે રૂપિયા વપરાતા હોય તો તરત જ રોકે અને ટોકે છે. આ પ્રોગ્રામથી તેની માનસિકતામાં પણ ઘણો જ બદલાવ આવ્યો છે. ખરા અર્થમાં જીવન ઘડતર પણ ભણતરની સાથે થયું છે.

ઈન્ટર્નશીપ પ્રોગ્રામ બાદ વિદ્યાર્થીઓના જીવનમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે.
ઈન્ટર્નશીપ પ્રોગ્રામ બાદ વિદ્યાર્થીઓના જીવનમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે.

વિદ્યાર્થીઓના બિહેવિયર ખૂબ સારા હતાં
સીએની પેઢીના માલિકે કહ્યું કે, અમારે ત્યાં એક વિદ્યાર્થિની છ દિવસ સુધી આવી હતી. અમારે હાલ રિટર્ન ભરવાની સિઝન હોવાથી કામનો પણ ખૂબ બોજ હતો. આ દરમિયાન વિદ્યાર્થિની પૂછવા આવી અને અમે તેને કામ આપ્યું હતું. અમે શાળાની વિદ્યાર્થી અને પ્રોજેક્ટના ભાગરૂપે કામ પર આવી હોવાથી કામ આપ્યું હતું.શરૂઆતમાં એમ હતું કે, ખાસ કંઈ નહી કરી શકે પરંતુ અમારી ધારણા ખોટી પડી હતી. અમારૂં કામ જાણ હળવું તેણીએ કર્યું હોય તે રીતે એન્ટ્રીઓ તે અપલોડ કરતી હતી. વિદ્યાર્થીનું બિહેવિયર નાની ઉંમર ખૂબ સારૂં હતું.