• Gujarati News
  • Dvb original
  • 5 Young Gujarati Deaths In One Month, Vaccine, Corona, Or What Else? This Signal Received From Family And Doctors

ભાસ્કર એક્સક્લૂસિવક્રિકેટ રમતાં કેમ આવી રહ્યો છે હાર્ટ એટેક?:એક મહિનામાં 5 જુવાનજોધ ગુજરાતીનાં મોત, વેક્સિન, કોરોના, કે બીજું કાંઈ? પરિવાર અને ડૉક્ટરોથી મળ્યા આ સંકેત

21 દિવસ પહેલાલેખક: સોહેલ સૈયદ
  • કૉપી લિંક

એ લોકો મેદાનમાં મોજથી ક્રિકેટ રમી રહ્યા હતા. મિત્રોનો સાથ હતો, જીવનની સૌથી સુખદ અને સુંદર ક્ષણ હતી. પરંતુ અચાનક જ જિંદગીની ઈનિંગ પૂરી થઈ ગઈ. કોઈકને બેટિંગ કરતા સમયે હાર્ટ એટેક આવી ગયો, તો કોઈ ત્રીજી ઓવરનો છેલ્લો બોલ ફેંકે એ પહેલાં ઢળી પડ્યો. એક ને તો મેચ રમ્યા પછી પેટમાં બળતરા જેવું લાગ્યું, પણ દવાખાને પહોંચે એ પહેલાં જ મોતને ભેટ્યા. ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારી બાદ વધુ એક બીમારી મહામારી જેટલી ગંભીર બની રહી છે, આ બીમારી એટલે હાર્ટ એટેક. ખાસ કરીને હાર્ટ એટેકથી યુવાનોના મૃત્યુ વધુ પ્રમાણમાં થઈ રહ્યા છે અને આ ગંભીર સ્થિતિને લઈ સરકારની સાથે-સાથે આરોગ્ય નિષ્ણાતોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે.

ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં પાંચથી વધુ એવી ઘટના બની છે, જ્યારે રમતાં-રમતાં અચાનક જ જુવાનજોધ લોકોએ જીવ ગુમાવી દીધો હોય અને પાછળ પરિવારનો આક્રંદ અને સેંકડો સવાલ છોડી ગયા છે. ટીવી સ્ટાર સિદ્ધાર્થ શુક્લાથી પત્રકાર રોહિત સરદાના સહિતના ફિટ દેખાતા યુવાઓને અચાનક હાર્ટ એટેક ભરખી ગયો છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી ગુજરાતમાં આ સ્થિતિ અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. માત્ર એટલું જ નહીં, છેલ્લા એક મહિનામાં તો ક્રિકેટ રમતાં-રમતાં જ 4 યુવાઓએ જીવ ગુમાવ્યા છે.

સતત બની રહેલી આ પ્રકારની ઘટના અંગે દિવ્ય ભાસ્કરે એક એક્સક્લુઝિવ રિપોર્ટ તૈયાર કર્યો છે. મૃતક વ્યક્તિ કોરોનાગ્રસ્ત બન્યો હતો કે નહીં અને વેક્સિન લીધી હતી કે કેમ? અચાનક જ કેમ મોત થઈ જાય છે? અને લાઇફસ્ટાઈલ સહિત તમામ બાબતો અંગે જાણવા તેમનાં પરિવારજનો અને ત્યાર બાદ પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટર સાથે પણ વાત કરીને મોતનું સચોટ કારણ જાણવાનો પ્રયાસ કર્યો. આ ચારેય યુવાનોના કેસ સ્ટડી બાદ સમગ્ર રિપોર્ટ અંગે હૃદયરોગના નિષ્ણાત ડૉ.અનિશ ચંદારાણા સમક્ષ ચારેય કેસો મૂકી તેમની પાસેથી મૃત્યુના કારણો અને બચાવ અંગે શું કરવું તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

કેસ નંબર-1

માત્ર 33 વર્ષની ઉંમરે ક્રિકેટના મેદાન પર જ અચાનક જીવ ગુમાવનાર વસંત રાઠોડ પાછળ અનેક સવાલો છોડતા ગયા છે. ત્યારે દિવ્ય ભાસ્કરે વસંત રાઠોડના મોટાભાઈ રમેશભાઈ રાઠોડ સાથે વાત કરી હતી અને અચાનક મૃત્યુ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો.

'છેલ્લે ક્યારે હોસ્પિટલમાં ભાઈને દાખલ કર્યો હતો યાદ નથી'

વસંત રાઠોડના ભાઈ રમેશભાઈ રાઠોડે જણાવ્યું કે, 'મારો ભાઈ એકદમ સ્વસ્થ હતો. ક્રિકેટ રમવાનો એને ઘણો શોખ હતો. અમદાવાદના વસ્ત્રાપુરમાં એ સરકારી વસાહતમાં રહેતો હતો. પરંતુ લાઈફસ્ટાઈલના કારણે આવું બન્યું હોય એવું મને નથી લાગતું.' રમેશભાઈ રાઠોડના મતે કોરોનાની એક પણ લહેરમાં તેમના ભાઈ વસંત કોરોનાની ઝપેટમાં નહોતા આવ્યા. રમેશભાઈ જણાવ્યું કે, 'મારા ભાઈને છેલ્લે ક્યારે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો, એ પણ યાદ નથી આવતું. તેને કોઈ બીમારી હતી જ નહીં.' રમેશભાઈ રાઠોડ જણાવે છે કે 'વસંતભાઈએ કોરોનાની રસી લીધી હતી કે નહીં તેનો ચોક્કસ ખ્યાલ નથી પરંતુ સરકારી કર્મચારી હતા, એટલે એમના માટે તો ફરજિયાત કરવામાં આવી હતી. એટલે મને લાગે છે કે રસી તો લીધી હશે.'

કેસ નંબર-2

'અમારા પરિવારમાં અત્યાર સુધીમાં એકેય આવી ઘટના નહોતી બની, જેમાં અચાનક જ હાર્ટ એટેકના કારણે કોઈકનો જીવ જતો રહ્યો હોય. જિજ્ઞેશ સાથે આવું કેવી રીતે બન્યું, એ ખબર જ નથી પડતી.' આ શબ્દો છે જિજ્ઞેશ ચૌહાણનાં પત્ની રાધિકા ચૌહાણના. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં તેમણે કહ્યું, 'જિજ્ઞેશ જિમમાં તો નહોતા જતા પરંતુ દર શનિવાર અને રવિવારે ક્રિકેટ મેચ રમવા માટે જતા હતા. આ ઘટના બની એ દિવસે પણ તેઓ મેચ રમવા માટે જ ગયા હતા.'

જિજ્ઞેશ ચૌહાણને ભૂતકાળમાં કોરોના થયો હતો

રાધિકા ચૌહાણે જણાવ્યું કે, 'કોરોનાની બીજી લહેર વખતે જિજ્ઞેશ ચૌહાણને કોરોના થયો હતો. 18થી 20 દિવસ સુધી એમને ક્વોરન્ટાઈન રાખવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં એડમિટ કરવાની જરૂર નહોતી પડી. મારી દીકરી નાની હતી એટલે ઘરે ક્વોરન્ટાઈન થવાને બદલે સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટાઈન થયા હતા. એમણે કોરોનાની કોવિશિલ્ડ રસીના ત્રણેય ડોઝ લીધા હતા. ભૂતકાળમાં પણ તેમનું સ્વાસ્થ્ય એવું હતું કે ક્યારેય તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નહોતી પડી.'

અચાનક મૃત્યુ પાછળ લાઈફસ્ટાઈલ જવાબદાર?

હાર્ટ એટેકના કેસમાં લાઈફસ્ટાઈલને પણ જવાબદાર ગણવામાં આવે છે. ત્યારે દિવ્ય ભાસ્કરે જિજ્ઞેશ ચૌહાણની લાઈફસ્ટાઈલ અંગે કરેલા સવાલના જવાબમાં તેમનાં પત્નીએ જણાવ્યું કે, 'એમનું રૂટિન જ એ પ્રકારનું હતું કે રાત્રે લેઈટ જ આવતા હતા. મોડી રાત સુધી એમનું કામ રહેતું હતું. રાતના 12 કે 1 વાગ્યા સુધી એ ઘરે ઓછા જ હોય. જો કે ભોજન તો તેઓ સમયસર લઈ લેતા હતા. જમવા બાબતે તો એવું છે કે તેઓ સવારનો ચા-નાસ્તો, બપોર, રાત્રે ઘરે જ જમતા હતા. રાત્રે પણ જમ્યા બાદ જ ફરી કામ અર્થે બહાર જતા હતા.'

કેસ નંબર-3

લગ્ન પ્રસંગે જ અચાનક ભરત બારૈયાનું મૃત્યુ થતા તેમના પરિવારને ખૂબ આઘાત લાગ્યો છે. ભરત બારૈયા વિશે જાણકારી મેળવવા માટે દિવ્ય ભાસ્કરે તેમના ખૂબ નજીકના મિત્ર શૈલેષ મકવાણા સાથે વાત કરી હતી.

'મારા મિત્રને ક્રિકેટનો જબરો શોખ હતો!'

શૈલેષ મકવાણાએ જણાવ્યું કે, 'ભરતભાઈનું વતન તો રાજકોટ હતું પરંતુ વર્ષો પહેલાં પિતાની નોકરીના કારણે ડીસા આવ્યા હતા. ભરતભાઈના પિતા તો હયાત નથી, પરિવારમાં હાલ તો તેમના પત્ની અને માતા છે. ભરતને ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો. સિઝન બોલ પર પણ ક્રિકેટ પણ રમતા હતા. પરંતુ ટેનિસ પર વધારે રમવાનું થતું હતું. ડીસા ઉપરાંત બહારગામ પણ રમવા માટે જતા હતા. તેઓ 10-12 વર્ષથી અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા. વર્ષોથી આ કામ કરતા હતા. આમ તો આખો દિવસ ઘંટીમાં જ કામ કરતા એટલે શરીર પર સારું મજબૂત હતું, એટલે જ ક્રિકેટ પણ સારી રીતે રમી લેતા હતા. ઘણી વખત એવું પણ બનતું કે આખો દિવસ ઘંટી પર કામ કર્યા બાદ રાત્રે ક્રિકેટ રમવા માટે જતાં રહેતા હતા.'

શૈલેષ મકવાણા જણાવે છે કે, 'ભૂતકાળમાં ભરતભાઈને કોરોના તો નહોતો થયો. ક્યારેક કોઈ નાની એવી બીમારી થઈ હોય. ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં જે તે સમયે કેટલા કેસ આવ્યા હતા, એનો મને આઈડિયા છે, જેમાં ભરતભાઈ તો ન હતા.'

કેસ નંબર-4

'વિઝા અંગે જવાબ આવે એ પહેલાં ભગવાનનો આદેશ આવી ગયો'
26 વર્ષના યુવાન પ્રશાંત ભારોલિયા સાથે બનેલી ઘટના ખરેખર હચમચાવી નાખે એવી છે. કેનેડા જવાનાં સપનાં જોતો, વિઝાની રાહ જોઈ રહેલો યુવાન, અકાળે અવસાન પામ્યો. પ્રશાંત ભારોલિયાના પિતા કાંતિભાઈ ભારોલિયાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, 'તેને કેનેડા સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે મોકલ્યો હતો. કોરોનાના કારણે ત્યાં ઘણું બધું બંધ થઈ ગયું હતું. આ દરમિયાન તેના વિઝા પતી ગયા એટલે તે સુરત પરત ફર્યો હતો. અઢી મહિનાનો તેનો અભ્યાસ કોરોનાના કારણે બાકી રહી ગયો હતો. માસ્ટર્સની એક વિષયની પરીક્ષા પણ આપવાની હતી. એટલે અમે કેનેડાના વિઝા માટે તેની ફાઈલ ફરીથી મૂકી હતી. ફી પણ ભરી દીધી હતી. પરંતુ વિઝા અંગે કોઈ જવાબ આવે એ પહેલાં તો ભગવાનનો આદેશ આવી ગયો. શું કરીએ?'

કોરોના અને વેક્સિન અંગે પિતાએ શું કહ્યું?
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કાંતિભાઈ ભારોલિયાએ થોડી ચિંતાજનક માહિતી આપી. તેમણે કહ્યું કે, 'પ્રશાંત કેનેડા હતો અને ત્યાર બાદ ભારત પરત આવ્યો, પણ તેને ક્યાંય કોરોના નહોતો થયો પરંતુ, પ્રશાંત કેનેડા હતો, ત્યાં તેણે વેક્સિન લીધી હતી. ત્યાર બાદ એ સુરત પરત ફર્યો. અહિંયાં આવીને પણ તેણે કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હતા. બુસ્ટર ડોઝ લેવા માટે પણ ગયો હતો પણ સ્ટોક ખલાસ થઈ ગયો હતો એટલે પાછો આવ્યો હતો.' જો કે કેનેડામાં અને ભારતમાં પ્રશાંતે કઈ રસી લીધી હતી, તેનો ખ્યાલ પિતાને નથી. પ્રશાંત દરરોજ સવાર-સાંજ જિમમાં જતો હતો. સવારે બે કલાક, સાંજે બે કલાક કસરત કરતો હતો. ક્રિકેટ મેચ પણ નિયમિત રમતો હતો. રવિવારના દિવસે તો સવારથી સાંજ સુધી ક્રિકેટ રમતો હતો.

જીવનના છેલ્લા દિવસ સુધી પરિસ્થિતિ સામે ઝઝૂમતો રહ્યો પ્રશાંત
કોરોનાના કેસ ઓછા થતાં ફરીથી કેનેડા જવા માટે દોઢ મહિના પહેલાં જ પ્રશાંતે વિઝા માટેની ફાઈલ મૂકી હતી. ત્યાંથી જવાબ આવ્યો ન હતો એટલે તેણે 1 ફેબ્રુઆરીથી નોકરી કરવાની શરૂ કરી હતી. સુરતમાં એક કંપની છે, જેઓ વિવિધ પ્રોડક્ટ્સનું ફોન દ્વારા વિદેશમાં માર્કેટિંગ કરે છે. એટલે તેની નાઈટ શિફ્ટ રહેતી હતી. પ્રશાંતનું અંગ્રેજી સારું હતું, એટલે તેને આ નોકરી મળી હતી. પરોઢિયે ચાર વાગ્યે તે નોકરી પરથી પાછો આવતો હતો.

પ્રશાંતનું મૃત્યુ થયું એ દિવસનો ઘટનાક્રમ
પ્રશાંત સવારના ચાર વાગ્યે નોકરી પરથી ઘરે આવ્યો. ત્યાર બાદ તેણે બે કલાક સુધી કસરત કરી હતી. કસરત કર્યા બાદ 6 વાગ્યે ક્રિકેટ રમવા માટે જતો રહ્યો. પછી સાડા નવ વાગ્યાની આસપાસ ક્રિકેટ રમીને ઘરે આવ્યો. નાસ્તો કર્યા બાદ તેણે કહ્યું, 'મને છાતીમાં દુખે છે.' પેટમાં બળતરા થતી હોવાનું કહીને તેણે તરબૂચ ખાધું. પરંતુ તેને ફાયદો ન થયો એટલે એસિડિટીની દવા લીધી. ડૉક્ટરે ઈન્જેક્શન પણ આપ્યું, તો પણ રાહત ન થઈ. જેથી મોટા ડૉક્ટરને બતાવવાનું નક્કી કર્યું. એટલે તે જાતે ટુ વ્હીલર લઈને મોટા ભાઈની પત્ની સાથે દવા લેવા માટે માટે નીકળ્યો. પરંતુ રસ્તામાં વધારે તબિયત ખરાબ થઈ અને અચાનક ઢળી પડ્યો. એટલે તેને રિક્ષા મારફતે હોસ્પિટલ લઈ ગયા પરંતુ રસ્તામાં જ તેનો જીવ જતો રહ્યો હતો.

પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે શું કહ્યું?
પ્રશાંતને ફક્ત એસિડિટીનો જ પ્રોબ્લેમ હતો. બીજો કોઈ પ્રોબ્લેમ હતો જ નહીં. મૃત્યુ થયું એ દિવસે પણ અમને એવું જ લાગ્યું હતું કે એસિડિટી થઈ છે. કારણકે શરીરથી એટલો ફીટ હતો કે શંકા પણ ન જાય કે આવી રીતે અચાનક બીમાર પડી શકે. 15 દિવસ પહેલાં પણ પેટમાં બળતરા થતી હતી, ત્યારે ડૉક્ટર પાસેથી દવા લીધી તો સારું થઈ ગયું હતું. પ્રશાંત ભારોલિયાના અચાનક મૃત્યુનું કારણ જણાવતા ડૉક્ટરે કાંતિભાઈને કહ્યું કે, 'તેને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું. પરંતુ બીજા કેટલાક રિપોર્ટ આવશે એટલે વધુ માહિતી મળી શકશે.'

વસંત રાઠોડનું પોસ્ટમોર્ટમ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ત્યારે મૃત્યુનું કારણ જાણવા માટે દિવ્ય ભાસ્કરે સોલા સિવિલ હોસ્પિટલ મેડિકલ ઓફિસર ડૉક્ટર વિનોદ ભીમાણી સાથે વાત કરી હતી.

ડૉક્ટર વિનોદ ભીમાણી, મેડિકલ ઓફિસર, સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
ડૉક્ટર વિનોદ ભીમાણી, મેડિકલ ઓફિસર, સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ

દિવ્ય ભાસ્કર- GST અધિકારી વસંત રાઠોડનું ક્રિકેટ રમતાં-રમતાં મોત થઈ ગયું. એ કેસ તમારી પાસે આવ્યો હતો. એમના મૃત્યુ પાછળનું કારણ શું હતું?

ડૉ.વિનોદ ભીમાણી- અમે તેમનું પોસ્ટમોર્ટમ કર્યું હતું, પરંતુ બાહ્ય ઈજાના કોઈ નિશાન ન હતા. શરીરના અંદરના ભાગે પણ કોઈ મોટી ઈજાના નિશાન અમને મળ્યાં ન હતાં. એટલે અમે મૃત્યુનું સચોટ કારણ જાણવા માટે એમના વિસેરા લઈને પોલીસને આપ્યા છે, જેની લેબમાં ચકાસણી થશે ત્યારે મૃત્યુના કારણ અંગે માહિતી મળી શકશે.

દિવ્ય ભાસ્કર- વસંત રાઠોડનું જે પરિસ્થિતિમાં મૃત્યુ થયું, ભૂતકાળમાં જો આ પ્રકારના કોઈ કેસનો વિસેરા રિપોર્ટ આવ્યો હોય, તેમાં મૃત્યુનું શું કારણ આવ્યું હતું?
ડૉ.વિનોદ ભીમાણી- જ્યારે પોસ્ટમોર્ટમ દ્વારા મૃત્યુનું કારણ ન મળે તો વિસેરા માટે મોકલવામાં આવે છે. આવા કિસ્સામાં મોટેભાગે એવું બનતું હોય કે હૃદય સુધી બ્લોકના કારણે લોહી ન પહોંચે તો મૃત્યુ થયું હોવાનાં કારણો સામે આવેલાં છે.

દિવ્ય ભાસ્કરે ચારેય મૃતકોના પરિવારનો સંપર્ક કર્યો ત્યાં સુધી પીએમ તેમજ વિસેરા રિપોર્ટ પરિવારને મળ્યા ન હતા. દિવ્ય ભાસ્કરે ગુજરાતના ખ્યાતનામ કાર્ડિયાક સર્જન ડૉક્ટર અનિશ ચંદારાણાનો સંપર્ક કર્યો. જેઓ વર્ષ 1999થી અમદાવાદમાં પ્રેક્ટિસ કરે છે. ત્યારે ચારેય મૃતકોના પરિવારે આપેલી જાણકારીના આધારે અચાનક મૃત્યુના કેસમાં કેવા કારણો જવાબદાર હોઈ શકે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ડૉક્ટર અનિશ ચંદારાણા, કાર્ડિયાક સર્જન
ડૉક્ટર અનિશ ચંદારાણા, કાર્ડિયાક સર્જન

દિવ્ય ભાસ્કર- હાર્ટએટેકના કેસમાં અચાનક વધારો આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. શું તમે આવા કેસને કોરોનાની અસર ગણી શકો?
ડૉ.અનિશ ચંદારાણા- કોરોનાના આટલા વર્ષના અનુભવ બાદ, કોરોનાના કારણે કોઈને હાર્ટએટેક કે કાર્ડિયાક એરેસ્ટથી મોત થતું હોય, એ વાત માનવા હું તૈયાર નથી. કારણ કે તમે જે પણ ઘટના વિશે જાણકારી આપી, એમાં કોવિડ કરતાં પણ બે થિયરી ઘણા સમય પહેલાંથી જ એસ્ટાબ્લિશ થયેલી છે.

થિયરી નંબર-1
કોઈ વ્યક્તિને બ્લડપ્રેશરની બીમારી હોય, ડાયાબિટીસ હોય, તંબાકુ ખાતા હોય, દારૂનું સેવન કરતા હોય, બેઠાડુ જીવન કે સ્ટ્રેસના કારણે હાર્ટ એટેક આવી શકે છે. એટલે જે ચાર કેસની હાલ વાત થઈ રહી છે, એમાં આ બધાં પરિબળો ચકાસવામાં નથી આવતાં. કોઈ માણસ ભલે સ્વસ્થ દેખાતો હોય પરંતુ એનું કોલસ્ટ્રોલ 270 હોય એવું પણ બની શકે. એનું સુગર લેવલ વધુ હોઈ શકે છે. કોઈ વ્યક્તિ કહે કે હું સ્વસ્થ છું પણ બની શકે એ બેઠાડુ જીવન જીવતો હોય, કોઈ વાતનું તેને ટેન્શન હોય. સ્વસ્થ દેખાતી વ્યક્તિ દારૂ, સિગારેટ કે ડ્રગ્સનું પણ સેવન કરતી હોય. જેને ડૉક્ટરની ભાષામાં રિસ્ક ફૅક્ટર કહેવાય. એટલે જ્યાં સુધી આ બધાં પરિબળોની સચોટ જાણકારી ન આવે ત્યાં સુધી કોરોનાથી અચાનક હાર્ટ એટેક આવ્યો હોવાનું માનવું એ ભૂલ ભરેલું છે.

થિયરી નંબર-2
વૈજ્ઞાનિક રીતે એ વાત પણ સામે આવી છે કે ઉપર જણાવેલાં પરિબળો ન હોય તો પણ હાર્ટ એટેક આવે. આવા કેસ કોવિડ પહેલાં પણ આવતા જ હતા. હું 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. જો હું મહિનામાં હાર્ટ એટેકના 100 દર્દી જોઉં તો એમાં 15 તો એવા પણ દર્દી હોય જેમનામાં કોઈ રિસ્ક ફેક્ટર ન હોય તો પણ હાર્ટ એટેક આવે છે.

દિવ્ય ભાસ્કર- અમે છેલ્લા એક મહિનાની અંદર અચાનક મૃત્યુ પામેલા ચાર યુવાનોની વિગત એકઠી કરી છે. આ ચારેય યુવાનો ક્રિકેટ રમતા હતા. આ અંગે તમારું શું કહેવું છે?
ડૉ.અનિશ ચંદારાણા- આવા કેસમાં સાયન્સ પાસે ખૂબ સરસ રીતે એસ્ટાબ્લિશ થયેલું છે. જેને બે મુદ્દામાં સમજીએ.

  1. જ્યારે કોઈ વ્યક્તિ વધારે પડતી મહેનત કરે, ત્યારે એક ચાન્સ રહે છે કે હાર્ટને લોહી પહોંચાડતી નળીમાં થોડું ઘણું કોલેસ્ટ્રોલ જામ્યું હોય, જેને તબીબી ભાષામાં પ્લેક ફોર્મેશન કહેવાય. જે ચૂનાની એક નાનકડી પોપડી જેવું હોય. જેના કારણે હૃદય સુધી લોહી પહોંચતું બંધ થાય અને હાર્ટ એટેક આવી શકે છે. એટલે તમે જણાવેલા કેસમાં બની શકે આવું થયું હોય.
  2. કેટલાક લોકોને કાર્ડિયોમાયોપેથી નામની બીમારી હોય. જેમાં હૃદયમાં જન્મજાત ખોડખાપણ હોય, હૃદયમાં વાલ્વની તકલીફ હોય કે પછી હૃદયમાં સ્ટ્રક્ચરલી કંઈક ખોટું હોય તો શરૂઆતના તબક્કે બધું બરાબર ચાલે. પરંતુ જીવનનો એક પડાવ આવે જ્યારે ઓચિંતું હૃદય બંધ થઈ જાય અને કાર્ડિયાક ડેથ તરફ લઈ જાય.

દિવ્ય ભાસ્કર- સ્વસ્થ વ્યક્તિ અચાનક ક્રિકેટ રમતા, ડાન્સ કરતા કે જિમમાં ઢળી પડે અને મૃત્યુ થઈ જાય આવા કેસમાં શું કરી શકાય?
ડૉ. અનિશ ચંદારાણા- સ્વસ્થ હોવું અને સ્વસ્થ દેખાવવું એ ખૂબ અલગ વાત છે. સ્વસ્થ દેખાતી વ્યક્તિને યુવાવયે હાર્ટ એટેક આવવા પાછળ લાઈફસ્ટાઈલ, ખાનપાનની આદત, ઊંઘનો સમય, કામ અને જીવન વચ્ચે સંતુલન, આ બધું જવાબદાર હોઈ શકે છે જેને સુધારવાની જરૂર છે. અત્યારે એક ખૂબ ખોટો ટ્રેન્ડ વિકસિત થઈ રહ્યો છે કે કોઈ પણ વસ્તુને કોરોનાના નામે ઉધાર કરી નાખો. પરંતુ સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવો, જેથી કોઈ ચિંતાજનક વાત હોય તો ધ્યાને આવે.

દિવ્ય ભાસ્કર- હાર્ટ એટેકથી અચાનક કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાના કેસમાં શું પહેલાંથી કોઈ સંકેત મળે છે ખરાં?
ડૉ.અનિશ ચંદારાણા- આવા કેસમાં પહેલાંથી કોઈ ખાસ જાણકારી મળી શકતી નથી. પરંતુ કેટલાક કેસમાં છાતીમાં થોડો દુખાવો થવો, ગભરામણ જેવું લાગવું વગેરે થાય પરંતુ સ્વસ્થ વ્યક્તિ આવી ઘટનાને હળવાશથી લઈને ગેસ કે એસિડિટી થઈ હોય એમ માની લે છે. ક્યારેક આવો દુખાવો અડધા કલાકમાં ઓછો પણ થઈ જાય. એટલે વ્યક્તિને બધું સામાન્ય લાગે.

દિવ્ય ભાસ્કર- થોડા સમય પહેલાં એક સમાચાર હતા કે અચાનક થતાં મૃત્યુના કેસ બાબતે ICMR કાંઈક રિસર્ચ કરી રહ્યું છે, તમને આ બાબતે કોઈ રિપોર્ટનો ખ્યાલ છે?
ડૉ.અનિશ ચંદારાણા- પશ્ચિમના દેશોમાં આવા મુદ્દે 15થી 20 વર્ષ પહેલાં ખૂબ ચર્ચા અને અધ્યયન થઈ ચૂક્યું છે. 35 વર્ષથી ઓછી ઉંમરે હાર્ટ એટેક આવે એ વાત એકદમ કોમન નથી. પણ આવું વિશ્વમાં દરેક જગ્યાએ બને જ છે. તેની પાછળનાં ઘણાં કારણો છે. એક તો બ્લોકેજના કારણે હાર્ટ એટેક આવે, બીજું હૃદયના બંધારણમાં કોઈ ખામી અને ત્રીજું હૃદયને ઇલેક્ટ્રિક સપ્લાયના ઈશ્યૂ હોવા, જેમાં તેના ધબકારાની ગતિવિધિ કોઈક રીતે પ્રભાવિત થાય. આ બધા મુદ્દે સારું એવું રિસર્ચ થઈ ચૂક્યું છે.

દિવ્ય ભાસ્કર- કોઈ વ્યક્તિ આવી ઘટનાઓથી કેવી રીતે બચી શકે?
આપણે લાઈફસ્ટાઈલને ખૂબ જ વ્યાપક દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે. યુવાનોને એવું લાગે છે કે હું એક કલાક જિમમાં જઈ આવું એટલે ફિટ છું. પરંતુ લાઈફસ્ટાઈલના 10 મુદ્દામાં જિમ કે કસરત એકમાત્ર મુદ્દો છે. બીજા પણ કેટલાંક કારણો છે. જેમ કે,

1) મનની ચોખ્ખાઈ અને પવિત્રતા.
સ્ટ્રેસ, નિંદા, હરીફાઈ એ વ્યક્તિને હેરાન કરે છે. જેની અસર હૃદય પર થાય. એટલે સૌથી પહેલાં તો મનનું સ્વાસ્થ્ય સુધારવું. જે સારાં વાંચન અને મેડિટેશનથી સુધરી શકે.

2) ડ્રગ્સ, તંબાકુ, દારૂનું સેવન છોડો
યુવાવર્ગમાં નશાનું પ્રમાણ વધ્યું છે, જેની સીધી અસર તેમની શરીર પર થાય જ છે.

3) કામકાજ અને અંગત જીવનનું સંતુલન
યુવાવર્ગમાં વર્ક-લાઈફ બેલેન્સ જેવું કાંઈ જ નથી. મોટાભાગના યુવાનો રાત્રે 1 વાગ્યા સુધી જાગે અને સવારે 10 વાગે ઊઠે. સાંજે એક કલાક જિમમાં જાય તો પણ આ લાઇફસ્ટાઇલ સારી ન કહેવાય.

4) ખાનપાન
બહારનો ખોરાક, એનિમલ બેઝ ડાયટનો ત્યાગ કરો. ઘરનું ભોજન લો.

5) જીવનમાં 'ટેક ઈટ ઈઝી'નો મંત્ર અપનાવો
પોઝિટિવ ઍટિટ્યૂડ સાથે કામ કરો, જીવન ઘણું લાંબું છે, ઘણું કામ શાંતિથી કરવાનું છે, એવી માનસિકતા રાખો.

(ગાફિક્સઃ- સોએબ મન્સુરી)

અન્ય સમાચારો પણ છે...