તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાજેતરમાં જ રૂ. 1000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા અમીરોની યાદીમાં સ્થાન મેળવનાર રાજકોટ - ગુજરાતની નમકીન બનાવતી કંપની ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક બિપિનભાઈ હદવાણી તેમની કંપનીમાં કામ કરતી મહિલાઓને જ પોતાની દીકરી માને છે. નમકીનની બ્રાંડ તરીકે ગોપાલ આજે ગુજરાત અને દેશનાં અન્ય 8 રાજ્યમાં જાણીતી બ્રાંડ બની ગઈ છે. બિપિનભાઈએ 1994માં ઉધાર કરીને આની શરૂઆત કરી હતી અને આજે આ બ્રાન્ડની વેલ્યુ રૂ. 3000 કરોડથી પણ વધારે છે. માત્ર 11 ધોરણ પાસ સૌરાષ્ટ્રના એક નાના ગામ ભાદરામાંથી આવેલા બિપિનભાઈએ દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં એકદમ સહજ ભાવે તેમની સફર વર્ણવી હતી. દિવ્યભાસ્કરે જયારે તેમને ફોન કર્યો ત્યારે તેઓ મોડાસામાં તેમના નવા બની રહેલા પ્લાન્ટમાં ખાટલો ઢાળીને બેઠા હતા.
દિવ્યભાસ્કર: તમારું નામ ગુજરાતના સૌથી અમીર લોકોની યાદીમાં આવ્યું છે આ વાતે તમે કેવું અનુભવો છો?
બિપિનભાઈ: તમારી કંઇક ભૂલ થતી લાગે છે. મારું નહિ મારી પત્ની દક્ષાનું નામ આવ્યું છે. (દિવ્યભાસ્કરે સ્પષ્ટતા કરી પછી તેમના ધ્યાનમાં આ વાત આવી). થોડા દિવસ પહેલાં ગુજરાતની સૌથી ધનિક મહિલાઓમાં મારી પત્નીનું નામ આવ્યું એવું મેં વાંચ્યું હતું. મારું પણ નામ આવ્યું છે એ મને આજે ખબર પડી.
આગળ ભણવાનો વિચાર કેમ ના આવ્યો?
12મા ધોરણમાં ફેલ થયો એટલે પછી આગળ ભણવાનો વિચાર ન કર્યો. એ સમયે એવું હતું કે ગામડે અમારી દુકાન હતી અને નિશાળેથી આવી સીધા દુકાને કામે લાગી જતા હતા. સવારે વહેલા ઊઠીને જેતપુર ભણવા જતા અને બપોર પછી અમારી કરિયાણાની દુકાને કામે લાગતા હતા. આવી સ્થિતિમાં ભણવાનો સમય બહુ મળતો નહિ.
તમારો શોખ શું?
મને ફરવું ગમે છે. પત્ની દક્ષા તેમજ પરિવાર સાથે હું દર વર્ષે ભારતમાં અથવા તો વિદેશમાં ફરવા જાવ છુ. અત્યારસુધીમાં 7 દેશનો પ્રવાસ કર્યો છે. કોરોનાને કારણે હમણાં ક્યાંય જઈ શકાયું નથી પણ શોખ પૂરો કરવા માટે હું મારા પ્લાન્ટ્સમાં ફરી આવું છુ. આ ઉપરાંત મને લોકોને જમાડવું ગમે છે. મારા પિતાએ અમારા ગામમાં 1980થી મકરસંક્રાંતિએ બાળકોને જમાડવાની શરૂઆત કરી હતી. આજે પણ અમે આ પરંપરા જાળવી રાખી છે. મને માણસો સાથે રહેવું ગમે છે અને એટલે જ મારી ફેકટરીના કર્મચારીઓ સાથે વધુ સમય વિતાવું છુ, તેમની સાથે જમું છુ અને તેમના સુખદુઃખની વાતો પણ થતી રહે છે. હું એવું માનું છુ કે ભગવાને મને બુદ્ધિ અને પૈસા આપ્યાં છે તો મારે બીજા માટે કામ કરવું જોઈએ.
આજે પણ ગામડાના જૂના મિત્રોના સંપર્કમાં રહો છો?
હું દર બે મહિને ગામડે જાવ છું. ત્યાં મારા મિત્રો છે ,તેમને અચૂક મળું. ભલે આજે મારી પાસે તેમના કરતાં વધુ રૂપિયા હોય પણ એનાથી મારી મિત્રતામાં કોઈ ફરક પડતો નથી. આ બધું કૃષ્ણ સુદામા જેવું થઇ ગયું છે. તેમણે માગવાનું ના હોય, આપણે આપણી રીતે સમજી જવાનું. મને ખબર પડે કે તેમને મદદની જરૂર છે તો તેમાં પીછેહઠ કરવી કે મોટાઈ દેખાડવી, એવું કરતા મને નથી આવડતું. પૈસો તો આજે આવ્યો છે, પણ તે બધા તો મારા નાનપણના સાથી છે.
તમારા સ્ટાફ સાથે કેવો સંબંધ રહે છે, કેમ કે તમારા વર્કર્સમાં મોટે ભાગે મહિલાઓ વધુ છે?
અમારે અત્યારે 3000 જેવો પ્રોડક્શન સ્ટાફ છે, જેમાંથી 1500 જેટલી છોકરી છે. મારી પત્ની દક્ષા સતત તેમની સાથે રહે છે અને અમારા પ્રયત્નો એવા હોય છે કે છોકરીઓ તેની મમ્મીને પણ યાદ ન કરે તેવી સારસંભાળ રાખવી. અમારે દીકરી નથી એટલે આ છોકરીઓ જ અમારી દીકરીઓ છે. અમે તેમને દીકરીની જેમ જ રાખીએ છીએ અને મને મારી પત્નીને તેમાં ઘણો આનંદ આવે છે. અમારી સાથે કામ કરતી દરેક કુવારી છોકરીઓને અમે કરિયાવર બોનસ આપીએ છીએ. દર વર્ષે તેમને રૂ. 25000 આપીએ છીએ. આ ઉપરાંત રહેવા માટે હોસ્ટેલ પણ બનાવી છે. કોરોના જેવી ઈમર્જન્સીમાં તેમને કોઈ તકલીફ ના પડે અને આવવા-જવાની પણ મુશ્કેલી ન રહે એ માટે હોસ્ટેલમાં રહેવા તેમજ જમવા સહિતની સગવડતાઓ અપાય છે અને દક્ષા એનું સંપૂર્ણ સંચાલન કરે છે.
નમકીનના બિઝનેસમાં આવવાનું કઈ રીતે થયું?
ભાદરામાં અમારી દુકાન પર ફરસાણનું પણ વેચાણ થતું હતું. મારા પપ્પા જાતે ફરસાણ બનાવતા અને તેમણે મારા મોટા ભાઈ મહેન્દ્રભાઈને નમકીન બનાવતા શીખવ્યું. મોટા ભાઈએ મને અને પ્રફુલભાઈને અલગ અલગ નમકીન બનાવતા શીખવ્યું હતું. હું 13 વર્ષની ઉંમરથી આ બધું કરી રહ્યો છું, એટલે આને જ આગળ વધારવાનો વિચાર આવ્યો. શરૂઆતના તબક્કે કોઈપણ નામ વગર ગામડામાં અને ત્યાર બાદ આજુબાજુના વિસ્તારમાં ચવાણું બનાવી વેચતા હતા. ગામડામાં વેપાર સીમિત હોય છે એટલે પછી રાજકોટ આવવાનો વિચાર કર્યો.
રાજકોટમાં શરૂઆત કેવી રહી અને આગળ કઈ રીતે વધ્યા?
1990ની સાલમાં મેં મારા પિતરાઈ ભાઈ સાથે ધંધો શરુ કર્યો હતો. એ સમયે અમે બંને ભાઈઓએ ભાગીદારીમાં રૂ. 8500નું રોકાણ કર્યું હતું અને ગોકુલ નામથી ચવાણું વેચવાની શરૂઆત કરી હતી. બાદમાં આ બ્રાન્ડને મેં તેમને સોંપી અને 1994માં રાજકોટના રાજનગરમાં અમારા ઘરે નવી શરૂઆત કરી. ત્યારે મારી પાસે કંઈ હતું નહિ. ઉધાર કરી તેલ અને બેસન લીધાં અને આ રીતે ઘરમાં શરૂ થયું ગોપાલ નમકીન. અમારા અલગ અલગ પ્રકારના ગાઠિયા લોકોને આજે પણ વધારે ભાવે છે. જેમ જેમ ધંધો વધતો ગયો તેમ તેમ મુજબ મશીનરી પણ વસાવી અને સાથે સાથે જગ્યા લઈને સેમી-ઓટોમેટિક અને ઓટોમેટિક પ્લાન્ટ્સ પણ બનાવ્યા.
ધંધાને વિકસાવવામાં પત્ની તરફથી કેવો સહયોગ મળ્યો છે?
ગોપાલ બ્રાંડની શરૂઆત થઇ એ પહેલાં 1993માં મારા અને દક્ષાના લગ્ન થઇ ગયા હતા. ત્યારથી લઇને અત્યારસુધીમાં તે હંમેશાં મારી સાથે રહી છે અને આજે પણ તે એટલી જ સક્રિય છે (દક્ષાબેનનું નામ ગુજરાતની સૌથી ધનિક મહિલાઓમાં ત્રીજા ક્રમે આવે છે). દરેક તબક્કે તે મારી પડખે ઊભી રહી છે. પરિવારના અન્ય સભ્યોમાં મોટા ભાઈ પ્રફુલભાઈ પણ કંપની સાથે લાંબા સમયથી જોડાયેલા છે. છેલ્લાં બે વર્ષથી મારો પુત્ર રાજ પણ ઘણી જવાબદારીઓ નિભાવી રહ્યો છે.
નવી શરૂઆત કરી એ સમયે અન્ય ઘણી બ્રાન્ડ્સ બજારમાં હતી તો આગળ વધવાની સ્ટ્રેટેજી શું રાખી?
અમારા પિતાએ શિખડાવ્યું હતું કે કોઈપણ વસ્તુ બનાવો તો તેને ઘરમાં ખાવા માટે બનાવો છો એ રીતે બનાવવી, નહિ કે વેચવા માટે બનાવો છો. ક્યારેય પણ હલકો માલ નહિ વાપરવો અને નફાનો વિચાર નહિ કરવાનો. ધંધાને આગળ વધારવા અમે બેકવર્ડ ઇન્ટિગ્રેશન પર વધારે ફોકસ કર્યું છે. અન્ય કંપનીઓ સેલ્સ, માર્કેટિંગ, લોજિસ્ટિક તેમજ મશીનરી માટે બહારના લોકો પર આધાર રાખે છે, પણ અમે પ્રોડક્શન, માર્કેટિંગ, પ્રોડક્શન માટેનાં મશીન અમે જાતે બનાવીએ છીએ. ટ્રાન્સપોર્ટ પણ અમારું પોતાનું છે. બજારમાંથી તેમજ ખેડૂતો પાસેથી રો-મટીરિયલની સીધી ખરીદી કરીએ છીએ. આ બધાને કારણે અમારા ખર્ચમાં 75% સુધીનો ફાયદો થાય છે.
કંપનીને હવે કયા સ્તરે પહોચાડવી છે?
ભારતમાં દર 500 કિલોમીટરે ગોપાલની એક ફેક્ટરી બને એવી યોજના છે. અમે દેશના વિવિધ ભાગોમાં 5 મોટા પ્લાન્ટ બનાવવા માગીએ છીએ. અત્યારે રાજકોટ તેમજ નાગપુરમાં પ્લાન્ટ છે. આ ઉપરાંત દિલ્હી, કોલકાતા અને બેંગલુરુ આસપાસ મોટા પ્લાન્ટ બનાવવા છે. આ ઉપરાંત 20 નાના પ્લાન્ટ બનાવવા છે, જેથી લોજિસ્ટિકનો સમય બચાવી શકાય. આ સમગ્ર પ્રોજેક્ટ અમે આવતાં 10 વર્ષમાં પૂરો કરીશું અને તેમાં અંદાજે રૂ. 1000 કરોડથી વધુનું રોકાણ કરશે. અમારો વેફર માટેનો એક પ્લાન્ટ મોડાસામાં બની રહ્યો છે, જે એક મહિનામાં શરુ થઇ જશે. અહીં અમે 35000 ટનનું ગુજરાતનું સૌથી મોટું કોલ્ડસ્ટોરેજ બનાવી રહ્યા છીએ. અત્યારે અમારું ટર્નઓવર રૂ. 1000 કરોડ જેવું છે અને આવતા પાંચ-સાત વર્ષમાં એને વધારીને રૂ. 5000 કરોડ પર પહોંચાડવું છે.
કંપનીના ઓનગોઇંગ અને ફ્યુચર પ્લાન
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.