તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Students Have To Pay More Than Double The Price Of A Ticket To Reach Canada As There Is No Direct Flight

મહામારીમાં મુશ્કેલી:સીધી ફ્લાઇટ ન હોવાથી કેનેડા પહોંચવા માટે વિદ્યાર્થીઓએ ટિકિટના બમણાથી વધુ ભાવ ચૂકવવા પડે છે

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના બાદ ભારત અને કેનેડા વચ્ચે કોઈપણ એરલાઇન્સની સીધી ફ્લાઇટ બંધ છે
  • કેનેડા જવા માટે દુબઈ, અમેરિકા, ઈજિપ્ત જેવા દેશોની કનેક્ટિંગ ફ્લાઇટ લેવી પડે છે

કોરોનાને કારણે કેનેડામાં અભ્યાસ કરવા જવા માગતા વિદ્યાર્થીઓને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોવિડને કારણે કેટલાક દેશોમાં સીધી ફ્લાઈટની કનેક્ટિવિટી શરૂ થઈ નથી. એવામાં કેનેડા કે જ્યાં ગુજરાત અને દેશભરમાંથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જતા હોય છે. કોરોનાના કેસ ઘટતાં હવે વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે કેનેડા પહોંચવા માટે વાયા બીજા દેશથી જવાની ફરજ પડી રહી છે. યુનિવર્સિટી તરફથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ શરૂ થાય એ માટે વહેલી તકે કેનેડા પહોંચવા માટે સૂચના આપવામાં આવી રહી છે, જેને લઇને વિદ્યાર્થીઓ કેનેડા જવા માટેનો ધસારો જોવા મળી રહ્યો છે.
કનેક્ટિંગ ફ્લાઇટમાં ભાડું બમણાથી વધુ
સામાન્ય રીતે કેનેડા જવા માટે 50 હજારથી લઇને 75 હજાર સુધીની ટિકિટ હોય છે, પરંતુ હાલના સમયે કેનેડા જવા માટે વન વે ટિકિટના વિદ્યાર્થીઓએ 1.50થી 2 લાખ સુધીનો ખર્ચ કરવો પડી રહ્યો છે. હાલના તબક્કે સ્થિતિ એવી છે કે દર કલાકે ટિકિટના ભાવ બદલાઈ રહ્યા છે, એટલે કોઈ ચોક્કસ ભાવ કહેવો મુશ્કેલ છે. આ સ્થિતિ પાછલા 15થી 20 દિવસથી ઊભી થઈ છે.

વિઝા કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કર.
વિઝા કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કર.

22 એપ્રિલથી કેનેડાએ ભારતથી ડાયરેકટ ફ્લાઈટ પર પ્રતિબંધ મુક્યો છે
IRCC દ્વારા એપ્રૂવ્ડ વિઝા કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કરનું કહેવું છે કે ભારતમાં બીજી લહેર સમયે નવા વેરિયન્ટને કારણે સતત કોરોનાના કેસ વધવા લાગ્યા. એપ્રિલમાં ભારતથી આવતી દરેક ફ્લાઈટમાં કોવિડના પોઝિટિવ કેસ મળ્યા હતા. ઘણા પ્રવાસીઓ કોરોનાનો ફેક નેગેટિવ રિપોર્ટ લઇને પ્રવાસ કરતા હોવાનું જોવા મળ્યું, જેથી અન્ય પ્રવાસીઓને પણ જોખમમાં મૂક્તા હતા. પરિણામે, કેનેડા સરકારે ભારતથી ડાયરેક્ટ આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. હાલમાં ભારતના પ્રવાસીઓએ બીજા દેશોમાં ઊતરી ત્યાં કોવિડનો રિપોર્ટ કરાવ્યા બાદ જ કેનેડા જઇ શકે છે. આશા રખાય છે કે 21 જુલાઈથી ભારતથી ડાયરેક્ટ કેનેડાની ફ્લાઈટ શરૂ જશે, જોકે એ વખતે દરેક પ્રવાસીઓ માટે કોરોનાનો QR કોડવાળો નેગેટિવે રિપોર્ટ આપવો જરૂરી બની જશે.

કેનેડામાં અભ્યાસ માટે રૂ. 12-20 લાખ ખર્ચ
કેનેડા જવા માટે 4 વર્ષના ડીગ્રી કોર્સ માટે એક વર્ષના 18 લાખ, 2 વર્ષના ડિપ્લોમા કોર્સ માટે વાર્ષિક 12 લાખ, 2 વર્ષના માસ્ટર કોર્સ માટે વર્ષના 15-19 લાખ, 2 વર્ષના પીજી ડિપ્લોમા કોર્સ માટે 16-18 લાખ ખર્ચ થતો હોય છે. એક તરફ વિદ્યાર્થીઓના વાલીઓ યેન કેન પ્રકારેણ વિદ્યાર્થીઓને વિદેશ મોકલવા મહેનત કરતા હોય છે, એવામાં ટિકિટના ભાડાની મોટી રકમ મોટો પડકાર બની છે.

વાલી સંદીપ પંડ્યા.
વાલી સંદીપ પંડ્યા.

એરલાઇન્સ કંપનીઓ ઉઘાડી લૂંટ ચલાવી રહી છે
અમદાવાદના સંદીપ પંડ્યા, જેઓ વ્યવસાયે એડવોકેટ છે. તેમનો ભત્રીજો હાલ કેનેડા અભ્યાસ માટે જવાની તૈયારી કરી રહ્યો છે, પરંતુ મોટી સમસ્યા એ છે કે ટિકિટના ભાવ આસમાને છે. એરલાઇન્સ કંપનીઓ ગરજનો લાભ લઈને મોટું ભાડું વસૂલી રહી છે, જે યોગ્ય નથી. સરકારે આ બાબતે ધ્યાન આપવું જોઈએ, કારણ કે એક તરફ લોકોની આર્થિક સ્થિતિ ખરાબ છે અને લોન લઈને પોતાનાં બાળકોને વિદેશ અભ્યાસ માટે મોકલે છે.

MPની બુદ્ધિસ્ટ ઇન્ડિક યુનિ. કુલપતિ નીરજા ગુપ્તા.
MPની બુદ્ધિસ્ટ ઇન્ડિક યુનિ. કુલપતિ નીરજા ગુપ્તા.

અમેરિકામાં નિયંત્રણો બાદ કેનેડા અભ્યાસ કરનારા વધ્યા
મધ્યપ્રદેશની બુદ્ધિસ્ટ ઇન્ડિક સ્ટડી યુનિવર્સિટીના કુલપતિ અને અગાઉ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં એબ્રોડ એજ્યુકેશનના ઇન્ચાર્જ રહી ચૂકેલા પ્રોફેસર નીરજા ગુપ્તાનું કહેવું છે કે જ્યારથી યુએસમાં સ્ટુડન્ટસ વિઝાને લઈ નિયંત્રણ લાદવામાં આવ્યાં ત્યારથી કેનેડા તરફ યુવાનોનો અભ્યાસ માટે ઉત્તરોઉતર વધારો જોવા મળ્યો છે. કેનેડામાં વધતા ધસારાનું એક કારણ એ પણ છે કે આ પેંડેમિકમાં પણ કેનેડાએ વિદેશી વિદ્યાર્થીઓને વિઝા આપ્યા છે અને જે વિદ્યાર્થીઓનો સ્ટડી પૂરો થયો હોય કે ના થયો હોય, એક નવી TR to PR કેટેગરી હેઠળ 9 હજાર લોકોને ખૂબ જ સરળતાથી PR આપ્યા છે, માટે કેનેડા અત્યારે સૌથી પોપ્યુલર સ્ટડી ડેસ્ટિનેશન છે.

અન્ય સમાચારો પણ છે...