• Gujarati News
  • Dvb original
  • When The Valves Were Opened In Vatwa At Midnight And The Oxygen From The Foreign Reached Across Gujarat, The Story Of AB Panchal, The Government's 'troubleshooter'.

સન્ડે બિગ સ્ટોરીમળો 'ઓક્સિજન મેન'ને..:અડધી રાત્રે વટવામાં વાલ્વ બન્યા અને ફોરેનથી આવેલો ઓક્સિજન ગુજરાતભરમાં પહોંચ્યો, સરકારના 'ટ્રબલ શૂટર' એ.બી.પંચાલની કહાની

ગાંધીનગર13 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે
  • કૉપી લિંક

ગાંધીનગરની એક ઓફિસમાં ફોન રણક્યો. ફોન ઉપાડતાં જ સામેની વ્યક્તિએ ઉતાવળે ફરિયાદના સ્વરમાં બોલવાનું શરૂ કરી દીધું, 'સાહેબ, તમે કહ્યું હતું ટ્રક નીકળી ગઈ છે પણ હજુ અમારી હોસ્પિટલ સુધી પહોંચી નથી... કંઈક કરો, રાત સુધી ચાલે એટલો જ એક્સિજન બચ્યો છે'

'ચિંતા ન કરો, અમે તપાસ કરીએ છીએ અને તમને ટ્રકનું સ્ટેટસ પણ જણાવીએ છીએ. બસ થોડો સમય આપો.' વળતો જવાબ મળ્યો,

મોરબીમાં મચ્છુ ડેમ તૂટવાની ઘટના હોય, કચ્છમાં ભૂકંપની હોનારત હોય કે પછી કોરોનાના કપરા કાળમાં ઓક્સિજનની સુચારુ રૂપે વ્યવસ્થા ગોઠવવા જેવી મહત્ત્વની જવાબદારી આપવાની હોય. ગાંધીનગરમાં મુખ્યમંત્રી, મંત્રી, નેતાઓના મોઢે એક નામ જરૂરથી આવે અને એ નામ એટલે એ.બી.પંચાલ.

ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયાને રવિવારે (19 માર્ચ) ત્રણ વર્ષ પૂરાં થયાં, ત્યારે દિવ્ય ભાસ્કરે ગાંધીનગરમાં રાજ્યસ્તરના બનેલા ઓક્સિજન કંટ્રોલ રૂમમાં મહત્ત્વની જવાબદારી સંભાળનાર અને હાલમાં ખાસ ફરજ પરના અધિકારી(OSD) એ.બી.પંચાલ સાથે વાત કરી હતી. એ કપરા સમયમાં ગુજરાતમાં વિવિધ હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડવામાં શું મુશ્કેલી આવી? વિદેશથી ઓક્સિજન આવ્યા બાદ પણ કેટલાક સમય માટે કેમ વહેંચી નહોતું શકાયું? અડધી રાત્રે અમદાવાદના વટવામાં ઓક્સિજન વાલ્વ બનાવવાની ઘટના શું હતી? જેવા સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

કોરોના સમયે રાજ્યની હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય માટેની જવાબદારી એ.બી.પંચાલને મળી હતી.
કોરોના સમયે રાજ્યની હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય માટેની જવાબદારી એ.બી.પંચાલને મળી હતી.

'ઓક્સિજનની માગ 50થી 1300 મેટ્રિક ટન પહોંચી ગઈ હતી'
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં એ.બી.પંચાલે જણાવ્યું કે, 'ગુજરાતમાં જ્યારે કોરોનાનો પહેલો કેસ નોંધાયો ત્યારે સરકારે કેવા પ્રકારનાં પગલાં લીધાં હતાં, તેની હું વધારે માહિતી ન આપી શકું. કારણકે એ સમયે મને અન્ય કોઈ કામની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ જેમ-જેમ કોરોનાનો વ્યાપ વધતો ગયો તેમ-તેમ સિનિયર અધિકારીઓને કેટલાક મહત્ત્વના કામ સરકાર તરફથી સોંપવામાં આવ્યા. ગુજરાતમાં સામાન્ય દિવસોમાં 50થી 60 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત હોય છે પરંતુ કોરોનાકાળમાં એક સમય એવો આવ્યો જ્યારે આ માગ 1300 મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ હતી. ત્યારે સરકારે એ સમયે મને ઓક્સિજન મેનેજમેન્ટની જવાબદારી સોંપી હતી.'

કોરોના બાબતે લેવામાં આવતા તમામ નિર્ણયોમાં સૌથી મોટો ફાળો રાજ્યના આરોગ્ય વિભાગ હસ્તગત હતો. ગુજરાતની કોઈપણ હોસ્પિટલ, ખાનગી હોય કે સરકારી, કોઈપણ સમયે ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય તો સીધો સંપર્ક ગાંધીનગરમાં સચિવાલયમાં બનેલા ઓક્સિજન કંટ્રોલ રૂમ સુધી માહિતી પહોંચે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. એ.બી.પંચાલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું, 'ઓક્સિજન મેનેજમેન્ટ માટે અમારી ઓફિસમાં કંટ્રોલ રૂમ શરૂ કર્યો. મારી કામગીરીના થોડા સમય બાદ ઉપરી અધિકારી તરીકે ધનંજય દ્વિવેદી અને સંજીવ કુમારને જવાબદારી સોંપવામાં આવી હતી. આ સાથે જ ફુડ એન્ડ ડ્રગ વિભાગ પણ સતત સંકલનમાં રહેતું હતું. કોરોનાના સમયગાળામાં સૌથી મોટો પ્રશ્નો તો ઓક્સિજનના જથ્થાનો હતો. શરૂઆતના તબક્કે તો દૈનિક ધોરણે માત્ર 50 મેટ્રિક ટનનો જ જથ્થો અમારી પાસે આવતો હતો. જેને ગુજરાતના ખૂણે ખૂણે સમયસર પહોંચાડવો એ ખૂબ મોટો પડકાર હતો.'

કોરોના સમયે બનાવવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટ
કોરોના સમયે બનાવવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટ

'અડધી રાત્રે વટવામાં વાલ્વ બનાવ્યા'
કોરોના સમયે સરકારે ઉદ્યોગો પાસેથી પણ ઓક્સિજન લઈને તેને શ્વસન યોગ્ય બનાવીને હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. તેમ છતાં ઓક્સિજનની માગ વધતી જ જતી હતી એટલે અન્ય રાજ્યો અને વિદેશમાંથી ઓક્સિજનની આયાત કરવામાં આવી હતી. પરંતુ બહારથી આવેલા ઓક્સિજન બાદ એક નવો જ પડકાર શરૂ થયો. આયાત થયા પછી ઓક્સિજન ડાઉનલોડની સિસ્ટમ મેચ થતી નહોતી. વાલ્વ અલગ પ્રકારના હતા. એટલે ઓક્સિજન સામે પડ્યો છે પણ તેનો ઉપયોગ નથી કરી શકતા એવી સ્થિતિ હતી. આખરે ગાંધીનગરથી નિર્ણય લેવાયો અને અમદાવાદના વટવામાં એન્જિનિયરિંગ એકમને ખોલાવવામાં આવ્યાં, આયાત થયેલો ઓક્સિજન ડાઉનલોડ થઈ શકે એવા વાલ્વ રાતોરાત બનાવી શકે એવી વ્યક્તિની શોધ આદરી અને તાત્કાલિક ધોરણે નવા વાલ્વ બનાવીને શક્ય હોય એટલી ઝડપે જ્યાં તાતી જરૂરિયાત હતી એવી હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો હતો.'

જામનગરથી મેડિકલ ઓક્સિજન વિવિધ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો.
જામનગરથી મેડિકલ ઓક્સિજન વિવિધ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો.

'ડ્રાઈવર ઊંઘી તો નથી ગયો ને એ વાતનું પણ ધ્યાન રાખવું પડતું'
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા એ.બી.પંચાલે કોરોના સમયના ઘણા એવા અનુભવોને યાદ કર્યા, જે ખરેખર આજના સમયે નવા અધિકારીઓએ જાણવા અને સાચારુ વ્યવસ્થા માટે સમજવા જેવું છે. તેમણે જણાવ્યું કે, 'કોરોનાની બીજી લહેર સમયે અમારું 'શિડ્યુલ ખૂબ જ ટાઈટ' રહેતું હતું. જેમ કે જામનગરથી બનાસકાંઠા માટે ઓક્સિજન લઈને નીકળેલા ટ્રકનો ડ્રાઈવર રસ્તામાં ક્યાં રોકાય છે? કેટલો સમય રોકાણ કરે છે? ડ્રાઈવર રસ્તામાં સૂઈ જાય છે કે કેમ? એ બધું જ આયોજન કરવું પડતું હતું. કારણ કે આખરે તો બધા લોકોને એક સમય પછી થાક લાગે, આરામની જરૂર પડે એ સ્વાભાવિક છે, તો સામે બાજુએ ઓક્સિજન ઝડપી અને સમયસર પહોંચાડવો પણ જરૂરી હોય. આવા સમયે તમારા નાના અમથા એક નિર્ણયની ખૂબ મોટી અસર પડી શકે છે.'

ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઓક્સિજન પ્લાન્ટ ખુલ્લો મૂક્યો હતો.(ફાઈલ તસવીર)
ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઓક્સિજન પ્લાન્ટ ખુલ્લો મૂક્યો હતો.(ફાઈલ તસવીર)

જ્યારે ભાવનગરનો પ્લાન્ટ અચાનક બંધ થઈ ગયો
એ.બી.પંચાલે ભાવનગરના એક ઓક્સિજન પ્લાન્ટનો કિસ્સો પણ યાદ કરતા જણાવ્યું કે, 'કોરોનાની બીજી લહેર સમયે જ્યારે ઓક્સિજનની માગ એકદમ વધી ગઈ, એવા સમયે ભાવનગરના એક પ્લાન્ટમાં ખામી આવી. એટલે આખી સપ્લાય ચેઈન તેનાથી પ્રભાવિત થઈ. આ પ્લાન્ટના રિપેરિંગ માટે અમે તાત્કાલિક ધોરણે વડોદરાથી એક ટીમને ભાવનગર માટે રવાના કરી. આ ટીમે સતત બે દિવસ સુધીની મથામણ કર્યા બાદ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થયો. આ કામની તમામ અપડેટ અમે ગાંધીનગરમાં બેઠાં-બેઠાં લઈ રહ્યાં હતાં.'

એક મહિના સુધી સતત તણાવભર્યું વાતાવરણ રહ્યું
કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રેમડેસિવિર માટે જેવી રીતે પડાપડી થઈ હતી, એવી જ પડાપડી સરકારી ધોરણે પણ ઓક્સિજન માટે થઈ હતી. ગાંધીનગરમાં બનાવવામાં આવેલા ઓક્સિજન કંટ્રોલ રૂમમાં ગુજરાતભરના જિલ્લાઓમાંથી ઓક્સિજનનો જથ્થો આપવા માટે સતત ફોન આવતા હતા. એ.બી.પંચાલે કહ્યું, 'દર્દીને ગમે તેટલી દવાઓ માટે પરંતુ જ્યારે ઓક્સિજનની જરૂર હોય તો તેનો બીજો કોઈ વિકલ્પ હોતો નથી, એટલે સ્વાભાવિક છે કે જિલ્લા તંત્ર પણ આ બાબતે તણાવમાં રહેતું હતું. જેથી કોઈપણ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટશે એવી સ્થિતિ લાગે એટલે તરત જ ગાંધીનગરથી ફોન આવી જતો. જે બાદ ઓક્સિજનના સપ્લાય માટે અમારો તણાવ પણ વધી જતો હતો. આવી સ્થિતિ લગભગ એક મહિના સુધી ચાલી હતી, જ્યારે સવારથી સાંજ ક્યાં પડી જાય તેનો ખ્યાન ન આવે. પરંતુ થોડા સમયમાં બધું સામાન્ય થવા લાગ્યું હતું.'

ઓક્સિજન સિલેન્ડર રિફિલ સેન્ટર (ફાઈલ તસવીર)
ઓક્સિજન સિલેન્ડર રિફિલ સેન્ટર (ફાઈલ તસવીર)

ઓક્સિજનના જથ્થા બાબતે ગુજરાતની હાલની સ્થિતિ કેવી છે?
IAS અધિકારી એ.બી.પંચાલે આપેલી જાણકારી મુજબ કોરોનાની બીજી લહેર સમયે પડેલી મુશ્કેલીને ધ્યાને રાખીને સરકારે સારી એવી વ્યવસ્થા હવે ગોઠવી છે. 'અમે ઓક્સિજન પ્લાન્ટ મેન્યુફેક્ચરની મુલાકાત લીધી, તેમની કામગીરીની ચકાસણી અને ટેન્ડર પ્રક્રિયા કરી. જે બાદ ભારત સરકારની મદદ મળી અને 300 પ્લાન્ટ રાજ્યમાં સ્થપાયા. રાજ્યમાં કોરોનાકાળમાં ઓક્સિજનની અછતના કારણે એકપણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી.'

સરકારમાં ખૂબ ઓછા અધિકારીઓ એવા હોય છે, જેમની ગણના 'ટ્રબલ શૂટર' તરીકે થતી હોય છે. રાજ્ય પર આવેલી કોઈ આફતમાંથી લોકોને ઉગારવાનું કામ હોય કે પછી કોઈ મોટા આયોજનને સફળતાપૂર્વક પાર પાડવાનો પડાકાર હોય, સત્તામાં રહેલા નેતાઓ જે અધિકારીઓ પર ભરોસો કરે, તેમની યાદીમાં એ.બી.પંચાલનું નામ મોખરે આવે છે. IAS પંચાલની કારકિર્દીમાં આવો સૌથી પહેલો પડકાર મચ્છુ ડેમની હોનારત સમયે આવ્યો હતો.

'મોરબીનો એ અનુભવ આજે પણ યાદ છે'
એ.બી.પંચાલે એ ઘટનાને યાદ કરતા જણાવ્યું, 'મચ્છુ ડેમની હોનારત બન્યા પછી ઉદ્યોગોને થયેલા નુકસાનનો સરવે કરવા માટે 1979માં અમારી આખી ટીમ રાજકોટ ગઈ હતી. ત્યાંની સ્થિતિ ખૂબ ખરાબ હતી. અમે રાજકોટથી મોરબી અપડાઉન કરતા હતા. ઉદ્યોગોમાં ઘણી જગ્યાએ પાણી ભરાયું હતું. કેટલીક જગ્યાએ તો પાણીના વહેણમાં મશીનરી પણ ખેંચાઈ હતી. કાચો માલ કાદવમાં રગદોળાઈ ગયો હતો. ઘડિયાળ ઉદ્યોગ, નળિયા ઉદ્યોગોને મોટામાં મોટું નુકસાન થયું હતું. મારા માટે એ ઘટનામાં શીખવાની મોટી વાત એ હતી કે તત્કાલીન મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સહિતના લોકો મોરબીમાં જ કેમ્પ કરી જરૂર સહાય અને માર્ગદર્શન સ્થળ પર જ પૂરું પાડતા હતા.'

મચ્છુ ડેમ હોનારત થઈ એ સમયની તસવીર
મચ્છુ ડેમ હોનારત થઈ એ સમયની તસવીર

'મોતને હાથ-તાળી આપનાર વ્યક્તિ સાથે મુલાકાત થઈ'
મચ્છુ ડેમથી થયેલા નુકસાન બાદ સરવેની કામગીરી સમયે એક પીડિત સાથે થયેલી મુલાકાત એ.બી.પટેલને આજે પણ યાદ છે. દિવ્ય ભાસ્કરને તેમણે જણાવ્યું, 'પૂર આવ્યું ત્યારે એક વ્યક્તિ પોતાના ઘરના ધાબા પર ચડી ગયો હતો. એના પરિવારના લોકો ક્યાં હતા તેનો ખ્યાલ ન હતો. પાણી વધતું ગયું અને ખભા ઉપર પાણી આવી ગયું હતું. પરંતુ તેને એક દીવાલનો સહારો મળ્યો. તેની માનસિકતા કેવી હશે તે સમજાય કે મોત ઘડીકમાં દેખાઈ રહ્યું છે, તેવી સ્થિતિમાં માણસ અડીખમ રહ્યો. કુદરતે તેને મદદ કરી અને ધીમે ધીમે ખભા સુધી પહોંચેલું પાણી ઊતરવા લાગ્યાં. આ વર્ણન હૃદયમાં કંડારી ગયું છે. એની હિંમત અને કુદરત સામે લડવાની જે તાકાત હતી, તે તાકાતને દાદ આપવી પડે. આવા અનુભવો કામ કરવાની ક્ષમતા વધારે છે અને હિમ્મત પણ આપે છે.'

'બ્રિટનથી અડધી રાત્રે સહાય આવી'
વર્ષ 2001માં કચ્છમાં આવેલા ભૂકંપ વખતે દેશ-વિદેશથી ખૂબ મોટા પ્રમાણમાં સહાય આવવા લાગી હતી. આ સમયે એ.બી.પંચાલ જ એ અધિકારી હતા, તેમણે સહાયના કામમાં સંકલનની જવાબદારી સોંપાઈ હતી. આ અનુભવને યાદ કરતા તેમણે જણાવ્યું, 'મને એરપોર્ટ પર જવાબદારી સોંપાઈ હતી. સહાય માટે સૌથી પહેલા બ્રિટનથી પ્રથમ વિમાન રાત્રે 2 વાગ્યે વિવિધ સામગ્રી લઈને ગુજરાત પહોંચ્યું હતું, અમે તાત્કાલિક ધોરણે ટ્રક અને બસની વ્યવસ્થા કરી અને ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સામાન પહોંચાડ્યો. એ સમયે ઠંડી ખૂબ હતી, છતાં પણ દિવસ-રાત જોયા વગર અમારી ટીમના લોકોએ કામગીરી કરી હતી.'

'કચ્છને ફરી બેઠું કર્યું'
કચ્છમાં ભૂકંપ વખતે વ્યવસ્થા ગોઠવવામાં એક મોટો પડકાર તાડપત્રી ખરીદવાનો આવ્યો હતો. કારણ કે સરકારમાં ટેન્ડર સિવાય કાંઈ પણ કરવું મુશ્કેલ હોય છે. નહીં તો વિવાદ થવાની સંભાવના રહે છે. એટલે કપરા સંજોગોમાં 24 જ કલાકમાં તાડપત્રી ખરીદવી એ બહુ મુશ્કેલ કામ હતું. એ.પી.પંચાલે કહ્યું, 'સરકારે એ સમયે નવો અભિગમ અપનાવ્યો. મુખ્યમંત્રી કક્ષાએ કાચો માલ, જથ્થો અને તાડપત્રીની કિંમત વગેરે નક્કી કરીને જાહેરાત કરી કે નક્કી કરેલા ભાવે જેને તાડપત્રી વેચવી હોય તે વેચી શકશે. એટલે ખુલ્લી હરીફાઈ થઈ. નફો મળવાનો ભાવ નહોતો છતાં ઘણા લોકોએ સેવાના લક્ષથી તેમની પાસેથી અમને તાડપત્રી સપ્લાય કરી હતી. કચ્છની મુલાકાત સમયે મીઠું પકવતા લોકો સાથે મુલાકાત કરી, એ વિસ્તારમાં 1.5 થી 2 ફુટની ઊંડાણ સુધી તિરાડ હતી. અમારા નિરીક્ષણ બાદ ભૂજ, ભચાઉના ઉદ્યોગોને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારે સહાય મોકલી હતી. એ પછી કચ્છ ઉદ્યોગોથી ધમધમી ઊઠ્યું અને આજે પણ કચ્છમાં ઉદ્યોગો સારી રીતે કાર્યરત છે.'

વર્ષ 2001માં ભૂકંપ આવ્યો એ સમયની તસવીર
વર્ષ 2001માં ભૂકંપ આવ્યો એ સમયની તસવીર

એન્જિનિયરિંગનું ભણ્યા ને સરકારી અધિકારી બન્યા
એ.બી.પંચાલએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, 'હું અરવલ્લીના ઈટાડી ગામમાં જન્મ્યો છું. મારા પિતા ઉદ્યોગ ક્ષેત્રે સક્રિય હતા. હું ગામડાની સ્કૂલમાં 7 ધોરણ સુધી ભણી મોડાસા હાઈસ્કૂલમાં ભણ્યો. ત્યાર બાદ અમદાવાદમાં એલ.ડી.એન્જિનિયરિંગમાંથી બી ઈ મિકેનિકલ થયો અને સરકારી નોકરીમાં જોડાયો.'

અન્ય સમાચારો પણ છે...