ભાસ્કર એક્સક્લૂસિવ'આખું અમદાવાદ વેચીને રૂપિયા આપો તોપણ સમાધાન નહીં કરું':સાત વર્ષના લાડલાને ગુમાવનાર પિતાએ કહ્યું, બેગ ખોલીને જોયું તો ચોરણીથી મોઢે ડૂમો મારેલો દીકરો પડ્યો હતો

અમદાવાદ17 દિવસ પહેલાલેખક: સારથી એમ.સાગર

'પત્ની જિનલ રોજ સાંજે ચાર વાગ્યે દીકરા અને દીકરીને લેશન કરાવવા ઉપરના રૂમમાં લઈ જતી હતી. એ દિવસે સાંજે લેશન કરાવીને પત્નીએ દીકરીને બહાર મોકલી દીધી. થોડીવાર પછી હું ઓફિસથી આવ્યો ત્યારે નાનાભાઈની બેબીએ આવીને મારી મમ્મીને પૂછ્યું કે ધ્રુવ ક્યાં છે? મારી મમ્મીએ કહ્યું કે એ ઉપર રૂમમાં લેશન કરે છે. એટલે હું તરત ઉપર જોવા ગયો, પણ એ મળ્યો નહીં. હાંફળા-ફાંફળા થઈને આખા ઘર, શેરી અને શહેરમાં દીકરાને શોધ્યો, પણ ક્યાંય મળ્યો નહીં. પછી પોલીસમાં ગયા. પોલીસે આવીને આખું ઘર તપાસ્યું, પણ કંઈ ના મળ્યું. પછી ઘરમાં લોક કરીને પડેલી એક મોટી બેગ પર મારી નજર પડી. એને ખોલતાં જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. બેગમાં મારો લાડલો ધ્રુવ નિસ્તેજ થઈને પડ્યો હતો,' આ શબ્દો છે શાંતિલાલ પરમારના.

શાંતિલાલ અને જિનલનો લગ્ન સમયનો ફોટો
શાંતિલાલ અને જિનલનો લગ્ન સમયનો ફોટો

શું હતી ગુજરાતની હચમચાવી દેતી એ ઘટના?
આજથી અંદાજે પાંચ વર્ષ પહેલાં 6 ફેબ્રુઆરી, 2018ની એક જઘન્ય ઘટનાએ આખા ગુજરાતને હમચાવી દીધું હતું. એક નિર્દયી માતાએ સગી દીકરીના મોહમાં ફૂલ જેવા સાવકા દીકરાને ઘાતકી રીતે મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યાની રીત જોઈને પોલીસ પણ બે ઘડી વિચારતી થઈ ગઈ હતી. ત્રણ દિવસ પહેલાં 10 જાન્યુઆરી, 2022ના રોજ આ કેસનો ચુકાદો આવ્યો. લીંબડી સેશન્સ કોર્ટે હત્યારી માતાને આજીવન કેદની સજા ફટકારી હતી.

દિવ્ય ભાસ્કરે મૃતક ધ્રુવના પિતા શાંતિલાલ પરમાર સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે એ દિવસની હૃદયદ્રાવક ઘટના વર્ણવી હતી...

પહેલી પત્નીનું મોત થતાં બીજા લગ્ન કર્યા
શાંતિલાલ પરમારે કહ્યું હતું, 'હું લેબર કમિશનરની ઓફિસમાં નોકરી કરું છું. મારા ડિમ્પલ નામની યુવતી સાથે પહેલા લગ્ન થયા હતા. પ્રથમ લગ્ન દરમિયાન એક પુત્ર ધ્રુવ ઉર્ફે ભદ્રનો વર્ષ 2011માં જન્મ થયો હતો. બાદમાં પત્ની ડિમ્પલનું બ્રેન હેમરેજને કારણે અકાળે અવસાન થયું. હું અને દીકરો ધ્રુવ એકલા પડી ગયા. પાંચ વર્ષના પુત્ર ધ્રુવને માતાનો પ્રેમ મળી રહે એ માટે ફરી લગ્ન કરવાનું નક્કી કર્યું. જે માટે મેં સમાજનો આશરો લીધો હતો. મારી પાસે લગ્નવિષયક બુક આવતાં એમાંથી જિનલ નામની યુવતી પસંદ આવી હતી. બુકમાંથી મેં નંબર લઈને જિનલના પરિવારનો સંપર્ક કર્યો હતો. બાદમાં અમારા બન્નેના પરિવારો મળ્યા અને લગ્ન કર્યા હતા. જોકે બુકમાં જિનલે પોતાને પુત્રી હોવાનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. અમે તેને મળવા અમદાવાદ ગયા ત્યારે જ આ ખબર પડી હતી. જિનલ પોતે એ વખતે ભણતી હતી અને પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરતી હતી. તેનો પરિવાર અમદાવાદના કાલુપુર ખાતે રહેતો હતો.'

એ રૂમ અને બેગ જ્યાં માસૂમનું મૃત્યુ થયું હતું
એ રૂમ અને બેગ જ્યાં માસૂમનું મૃત્યુ થયું હતું

મારી સામે દીકરાને સારી રીતે રાખતી પણ...
મારા માટે તેની દીકરી અને મારો દીકરો ધ્રુવ બંને સમાન હતાં. મેં બધા જ ડોક્યુમેન્ટ મારા નામના કર્યા હતા, પણ એ અદેખાઈ રાખતી હતી. મારી સામે ધ્રુવને સારી રીતે રાખે અને હું ન હોઉં ત્યારે તેને ટોર્ચરિંગ કરતી, પણ દીકરો નાનો હતો, બોલી નહોતો શકતો. મેરેજ કર્યા ત્યારે કોઈ શરતો નહોતી મૂકી. અમારા બંનેની એક જ શરત હતી કે દીકરા-દીકરીને સરખાં રાખવાનાં. પરિવારમાં પણ સારી રીતે રહેતી હતી. મારી સરકારી નોકરી હતી અને એ પણ નોકરી કરતી. બધી રીતે સારું હતું, પણ ધ્રુવ પ્રત્યે તેનું વર્તન બરોબર નહોતું. અમારી સામે કંઈ જ ન કરે. સારી રીતે રાખે. સવારે સ્કૂલે મૂકવા જાય. ચા-પાણી સાથે પીવે.

એ દિવસે સાંજે ઘરે આવીને જોયું તો દીકરો ગાયબ હતો
પત્ની જિનલ ધ્રુવ પ્રત્યેની ઈર્ષાની આગમાં દિવસે ને દિવસે સળગતી હતી. તેના મનમાં એવું હતું કે મારી તમામ મિલકત ધ્રુવના નામે થશે અને તેની દીકરીને કંઈ નહીં મળે. એ દિવસે નોકરી પરથી હું સાંજે ઘરે આવ્યો, પણ મેં ધ્રુવને ક્યાંય ન જોયો. એટલે પત્નીને પૂછ્યું તો તેણે કહ્યું કે મને ખબર નથી. ઉપરના રૂમમાં જઈને જોયું તો ત્યાં પણ ધ્રુવ નહોતો. બાળક ન મળતાં અમે શોધાશોધ શરૂ કરી. ઘરમાં, ધાબા પર, ટાકામાં બધી જ જગ્યાએ શોધ્યો. રાત્રે 10 વાગ્યા સુધીમાં મેં ઘરનો ખૂણેખૂણો તપાસી લીધો હતો. શેરીમાં અનેક લોકોને પૂછ્યું, પણ દીકરાની ભાળ ન મળી. અમે આખા સુરેન્દ્રનગરમાં દીકરાને શોધવા ફર્યા હતા. ફરી પૂછતાં જિનલે કહ્યું હતું કે કે ધ્રુવ બાજુવાળા વનુભાની વંડી ટપીને રમવા ગયો છે, પણ એ વખતે વિચાર ન આવ્યો કે નાનો છોકરો આટલી વંડી ન ટપી શકે. એ ત્યારે રમવા પણ નહોતો ગયો.

ડાબા ફોટામાં જિનલ અને જમણે માસૂમ ધ્રુવ
ડાબા ફોટામાં જિનલ અને જમણે માસૂમ ધ્રુવ

બેગ ખોલીને જોયું તો...
અમે બધી જગ્યાએ તપાસ કરી, પણ ધ્રુવ ન મળ્યો. રાત્રે દસ વાગ્યે અમે ધ્રુવની ચંપલ જો ત્યારે શંકા ગઈ. છેવટે સૂટકેસ પર ધ્યાન પડ્યું. આખા ઘરમાં આ એક જ બેગ હતી, જેને મેં તપાસી નહોતી. તેને ઊંચકી તો એમાં વજન લાગ્યું. જે અંગે પૂછ્યું તો જિનલ ગલ્લાંતલ્લાં કરવા લાગી. એટલે હું મારા ઓફિસના મકવાણાભાઈ અને પીબી વાઘેલા રૂમમાં ગયા. બીજા કોઈને અંદર આવવા ન દીધા. સૂટકેસની તપાસ કરી એમાં ખબર પડી. રાત્રે 10 વાગ્યે મેં દીકરાને સૂટકેસમાંથી બહાર કાઢ્યો અને તરત પોલીસને જાણ કરી. પોલીસ આવી અને તેને પકડી ગઈ. બીજી તરફ હું દીકરાને હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

દીકરાને જીવતો બેગમાં પૂરી દીધો
પત્ની જિનલે ધ્રુવના મોઢામાં ડૂચો મારીને ગૂંગળાવીને જીવતે જીવતો બેગમ પૂરી દીધો હતો. બેગ ખોલી ત્યારે ઘટના સામે આવી. પોલીસવાળા ઘરે આવ્યા ત્યારે તેમણે પણ બેગ અંગે પૂછ્યું હતું. તો જિનલે કહ્યું હતું કે આમાં કપડાં છે. પોલીસ લેડીઝને વધુ કંઈ કહી ન શકે એટલે તે ત્યાંથી જતા રહ્યા હતા. અટકાયત બાદ જ્યારે મેં જિનલને આ અંગે પૂછ્યું તો તેણે કહ્યું હતું કે મેં તો કંઈ કર્યું જ નથી. એ આજની તારીખે પણ ના પડે છે કે મેં કંઈ જ કર્યું નથી.

ચોરણીથી ધ્રુવનું મોઢું બાંધીને બેગમાં પૂરી દીધો, શું કહે છે પોલીસ?
આ અંગે દિવ્ય ભાસ્કરે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ત્યારના PI અને તપાસ અધિકારી કે એચ ત્રિવેદી સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બંનેનાં દીકરા- દીકરી હતાં, જેને રાખવા બાબતે અવારનવાર મગજમારી થતી હતી. એક દિવસ જિનલ બંનેને ટ્યૂશન કરાવતી હતી. ત્યારે દીકરી નીચે ઊતરી ગઈ અને દીકરો ઉપર જ હતો. ત્યારે તેને બીજા માળના ધાબાની સીડી પર લઈ જઈને ત્યાંથી ધક્કો મારીને પાડ્યો. દીકરો જીવતો હતો, પણ સીડીમાંથી પડીને બેભાન જેવો થઈ ગઈ હતો. તેના મોઢેથી લોહી નીકળતું હતું, જેથી જિનલને લાગ્યું કે આ મારી પોલ ખોલી નાખશે, જેથી તેણે પોતાની ચોરણી (લેગિસ) ધ્રુવના મોઢે બાંધીને તેને બેગમાં પૂરી દીધો. એ લોકો વારંવાર ઘરમાં તપાસ કરતા હતા. એમાં રૂમમાં મૂકેલી બેગોમાંથી એક બેગ વજનદાર લાગી અને એમાં લોક મારેલું હતું. એ લોક તોડ્યું તો એમાં મોં પર ચોરણી બાંધેલો છોકરો મળી આવ્યો હતો. જિનલ અવારનવાર ઝઘડા કરતી હતી કે મારી દીકરીને રાખતા નથી. છોકરાને બધા રાખે છે. તેના મોં પર એ વખતે અને અત્યારે સજા થઈ તોપણ પસ્તાવો નથી. અમને જાણ થતાં જ એને તાત્કાલિક પકડીને નિવેદનો તથા પંચનામું કર્યું હતું. એનો પહેલેથી આવો ઇરાદો નહોતો. અચાનક ખુન્નસ ચઢી એમાં તેણે આવું કરી નાખ્યું. તપાસ અધિકારી કે એચ. ત્રિવેદી હવે રિટાયર્ડ થઈ ગયા છે.

તેના ચહેરા પર કોઈ જાતનો અફસોસ નહોતો
શાંતિલાલ પરમારે ઉમેર્યું હતું કે અમે જ્યારે ધ્રુવને શોધતા હતા ત્યારે જિનલ દીકરીને સતત સાથે રાખીને ફરતી હતી. એને બીક હતી કે ક્યાંક તેની દીકરી વાત લીક ન કરી દે. ઘટના સામે આવ્યા બાદ પણ તેને કોઈ જાતનો અફસોસ નથી. ઘટના સમયે ધ્રુવ સાતેક વર્ષનો હતો. એ ખૂબ સીધોસાદો હતો. તે એટલો ભોળો હતો કે કંઈ માંગણી નહોતો કરતો. તમે કહો ત્યાં બેસી જાય.

આખું અમદાવાદ વેચીને રૂપિયા આપો તોપણ સમાધાન નહીં કરું
શાંતિલાલ પરમારે કહ્યું હતું કે કેસ ચાલતો ત્યારે સામેવાળા દ્વારા વાયા વાયા સમાધાન કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે મેં ચોખ્ખું કહ્યું હતું કે તમે આખું અમદાવાદ વેચીને રૂપિયા આપો તોપણ સમાધાન નથી કરવું. મારો દીકરો આપો તો એક મિનિટમાં છોડાવી દઉં. ઘટના પછી અમારી ક્યારેય કોઈ મુલાકાત નથી થઈ. મારે જે ન્યાય જોઈતો હતો એ મળી ગયો.

દીકરાની ઘણી યાદો જોડાયેલી છે
મેં હજી લગ્ન નથી કર્યા. પાંચ વર્ષ એકલા હાથે લડીને ચુકાદો લાવ્યો છું. દીકરાની ઘણી યાદો જોડાયેલી છે. છેલ્લે તેણે મોજથી ઉત્તરાયણ કરી હતી. તેના વીડિયો પણ મારી પાસે છે. દીકરાના જન્મદિવસે છોકરાઓને જમાડું છું. તેની પાછળ દાનપુણ્ય વગેરે કરું છું.

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના તત્કાલીન PI અને તપાસ અધિકારી કેએચ ત્રિવેદી
સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના તત્કાલીન PI અને તપાસ અધિકારી કેએચ ત્રિવેદી

જિનલે ત્રણ-ત્રણ લગ્ન કર્યાં હતાં
શાંતિલાલ પરમારના જણાવ્યા પ્રમાણે, જિનલે સૌપ્રથમ તેની સાથે નોકરી કરતા યુવાન સાથે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. તેમને એક દીકરી પણ હતી, જેને લઈને ઝઘડા થતાં ડિવોર્સ લઈ લીધા હતા. એમાં યુવાને જિનલે બે લાખ રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ પાલનપુરના એક યુવક સાથે વર્ષ 2014માં તેણે સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. એક વર્ષ બાદ ફરી ડિવોર્સ થયા હતા. તેની પાસેથી પણ જિનલે 50 હજાર રૂપિયા લીધા હતા. જિનલે મારી સાથે લગ્ન કરતાં પહેલાં બે લગ્ન કર્યા હોવા છતાં એક જ લગ્ન થયાની વાત કરી હતી.

દીકરાને આખરી વિદાય આપતી વખતે શાંતિલાલ પરમાર
દીકરાને આખરી વિદાય આપતી વખતે શાંતિલાલ પરમાર
ધ્રુવ ની કોઈ માંગણી નહોતી, તે એકદમ સીધોસાદો છોકરો હતો
ધ્રુવ ની કોઈ માંગણી નહોતી, તે એકદમ સીધોસાદો છોકરો હતો
છેલ્લે તેણે મોજથી ઉત્તરાયણ કરી હતી
છેલ્લે તેણે મોજથી ઉત્તરાયણ કરી હતી
તેના પિતા સાથેનો ફોટો
તેના પિતા સાથેનો ફોટો
અન્ય સમાચારો પણ છે...