તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજની પોઝિટિવ સ્ટોરી:ગુજરાતના છેવાડાના સાગબારાની ધો-10 પાસ મહિલાએ 3 એકરમાં સજીવ ખેતી કરી 2 લાખની આવક મેળવી

નર્મદાએક મહિનો પહેલાલેખક: રોહિત ચાવડા
નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ હેઠળ મહિલાઓ સજીવ ખેતી કરે છે.
  • આદિવાસી વિસ્તારમાં લાલ ડાંગરની શ્રી પદ્ધતિથી ખેતી કરી પાણીની બચત પણ કરે છે

આજના યુગમાં મહિલાઓ પુરુષ સમકક્ષ જ નહીં, પણ આગળ નીકળી રહી છે. જેનું જીવતુ જાગતુ ઉદાહરણ છે, નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના છેવાડા પાંચપીપરી ગામના મહિલા ઉષાબેન વસાવા. ઉષાબેને 3 વર્ષ પહેલા પોતાની 3 એકર જમીનમાં સજીવ ખેતી કરવાનું શરૂ કર્યું હતું. જેનાથી તેઓએ પોતાની જમીનને બગડતી બચાવી છે અને વાર્ષિક બે લાખ રૂપિયાની આવક કરી રહ્યા છે. આ ઉપરાંત તેમનામાંથી પ્રેરણા લઇને આજે 3 હજાર મહિલાઓ સજીવ ખેતી કરતી થઇ છે અને આ મહિલાઓ પણ વર્ષે અંદાજે એક લાખ રૂપિયાની આવક કરે છે.

દેશી બિયારણનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે છે.
દેશી બિયારણનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે છે.

દેશી ખાતરથી ખેતી કરે છે
ગુજરાતના છેવાડના નર્મદા જિલ્લાના પાંચપીપરી ગામના મહિલા ઉષાબેન દિનેશભાઇ વસાવાએ જણાવ્યુ હતું કે, આગાખાન સંસ્થાના માર્ગદર્શન હેઠળ નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ કામ કરે છે. હું આ સંસ્થા સાથે 2005માં જોડાઇ હતી. જ્યાંથી મને સજીવ ખેતી કરવા માટેની પ્રેરણા મળી હતી. આજના આધુનિક યુગમાં રાસાયણિકને દવા કોટેટ બિયારણોથી ખેડૂતો ખેતી કરે છે, જે લાંબા ગાળે જમીનને નુકસાન પહોંચાડે છે. જોકે, દેશી બિયારણ અને ગાયના છાણમાંથી અમૃત પાણી, પંચગવ્ય અને જીવામૃતના દેશી ખાતરથી ખેતી કરવાથી 3 વર્ષ સુધી તેનો લાભ મળે છે.

ગાયના છાણમાંથી અમૃત પાણી, પંચગવ્ય અને જીવામૃતના દેશી ખાતરથી ખેતી થાય છે.
ગાયના છાણમાંથી અમૃત પાણી, પંચગવ્ય અને જીવામૃતના દેશી ખાતરથી ખેતી થાય છે.

સામાજિક પ્રસંગોમાં શાકભાજીનું વેચાણ કરીએ છીએ
ઉષાબેન કહે છે કે, શરૂઆતમાં મેં મારી 3 એકર જમીનમાં દેશી બિયારણ અને છાણીયા ખાતર વડે સજીવ(ઓર્ગેનિક) ખેતીની શરૂઆત કરી હતી. પહેલા વર્ષે આવક ઓછી થઇ હતી, પરંતુ, બીજા વર્ષથી આવકમાં વધારો થયો હતો. હું અત્યારે દેશી બિયારણ અને ઓર્ગેનિક ખાતરથી શાકભાજી, દેશી લાલ ડાંગર, લાલ જુવાર, શેરડી અને દેશી તુવેર સહિતની ખેતી કરુ છું. સજીવ ખેતીના કારણે ઓછા ખાતર અને વરસાદી પાણીથી અમે વધુ આવક મેળવીએ છીએ. અમે ગામમાં જ સામાજિક પ્રસંગોમાં શાકભાજીનું વેચાણ કરીએ છીએ. શાકભાજીની ખેતી હું ડ્રીપ ઇરીગેશન પદ્ધિતિની કરીએ કરું છું.

મહિલાઓ દ્વારા ઉત્પાદિત થતા શાકભાજીનું વેચાણ કરવામાં આવે છે.
મહિલાઓ દ્વારા ઉત્પાદિત થતા શાકભાજીનું વેચાણ કરવામાં આવે છે.

સજીવ જમીન બગડતી નથી
સાગબારા પંથકમાં મહિલાઓ સજીવ ખેતી કરતા થાય તે માટે મે સંકલ્પ કર્યો હોવાનું કહેતા ઉષાબેને ઉમેર્યું કે, જો હું જ ખેતી ન કરતી હોય તો મારી વાત કોઇ ન માને. જેથી મે પોતે સજીવ ખેતી કરવાની શરૂઆત કરી હતી. સજીવ ખેતીથી આરોગ્ય અને જમીનને બગડતી અટકાવી શકાય છે. અમે 3 વર્ષથી ખેતી કરીએ છીએ. બહારનું ખાતર વાપરતા નથી, જેથી જમીન ફળદ્રપ રહે છે.

જમીન માટે ફાયદાકારક ખાતર જાતે જ બનાવવામાં આવે છે.
જમીન માટે ફાયદાકારક ખાતર જાતે જ બનાવવામાં આવે છે.

દેશી બિયારણનો ઉપયોગ થાય છે
મે સજીવ ખેતી કરી, તેમાં મને ફાયદો થયો અને વર્ષે 2 લાખ રૂપિયાની આવક કરતી થઇ, જેથી મારી ખેતી જોઇને અન્ય મહિલાઓએ પણ સજીવ ખેતી કરી હતી. આજે 3 હજર મહિલાઓ સજીવ ખેતી કરતી થઇ ગઇ છે. આ મહિલાઓ 3 હજાર હેક્ટર જમીનમાં સજીવ ખેતી કરે છે. અને અમે લાલ ડાંગર, લાલ જુવાર અને શાકભાજી સહિતના ઓર્ગેનિક ઉત્પાદનો વેચીને રોજગારી પણ મેળવી રહ્યા છે. અમે બજારમાંથી બિયારણ લાવતા નથી. અમે જાતે ઉગાડેલુ દેશી બિયારણ જ વાપરીએ છીએ, કારણ કે, બહારનું બિયારણ કેમિકલવાળું હોય છે, એટલે અમે દેશી બિયારણ વાવીએ છીએ તેમ ઉષાબેન વસાવાએ જણાવ્યું હતું.

મહિલાઓ દ્વારા કૃષિ મેળામાં પણ ભાગ લેવામાં આવે છે.
મહિલાઓ દ્વારા કૃષિ મેળામાં પણ ભાગ લેવામાં આવે છે.

સ્ટોલ થકી મહિલાઓ કમાણી કરે છે
કૃષિ મેળામાં ભાગ લઇને દેશી વિસરાતી વાનગીઓનો સ્ટોલ મૂકીએ છીએ. જેના થકી મહિલાઓ સારી એવી કમાણી કરે છે. બહેના નામે જમીન થાય અને ખેતી માટેની આજીવિકામાં કેવી રીતે સુધારો થાય તે અમારો મુખ્ય હેતુ છે. આ ઉપરાંત સરકારી પેન્શન, વિધવા સહાય અને ઘરેલુ હિંસા માટે લોકોને મદદ કરીએ છીએ.

શાકભાજીની ખેતીમાં ડ્રીપ ઇરીગેશન પદ્ધિતિનો ઉપયોગ કરાય છે.
શાકભાજીની ખેતીમાં ડ્રીપ ઇરીગેશન પદ્ધિતિનો ઉપયોગ કરાય છે.

લોકોને દેશી બિયારણ અને ખાતર વાપરવા અપીલ
ઉષાબેન જણાવે છે કે,દવામાં ગૌમૂત્રનો અને છાણનો ઉપયોગ કરીને પમ્પ વડે છંટકાવ કરીએ એટલે જીવ જંતુ મરી જાય છે અને સજીવ ખેતીથી ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મેળવીએ છીએ. લોકોને સમજ નથી. હાલ લોકો ખેતીમાં જે દવાઓ, બિયારણ અને ખાતર વાપરે છે, તેનાથી આપણી ખેતી બગડી જશે, તો ભવિષ્યમાં આપણને ઉત્પાદન નહીં મળે, જમીન બગડી રહી છે. ખાતરનો એટલો બધો વપરાશ વધ્યો છે કે, લોકોને ખાતર ખરીદવા માટે લાઇનોમાં ઉભા રહેવુ પડે છે. જેથી મારી ખેડૂતોને અપીલ છે કે, દેશી ખાતર નાખો અને ઉત્પાદન લઇને જુઓ. ચોક્કસ તમને ફાયદો થશે.

રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર અને એવોર્ડથી સન્માનિત કરાયા છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર અને એવોર્ડથી સન્માનિત કરાયા છે.

અનેક એવોર્ડ મેળવ્યા
ઉષાબેન વસાવાને ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચરલ રિસર્ચ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય અંત્યોદય કૃષિ પુરસ્કાર-2018થી સન્માનિક કર્યાં હતા. આ ઉપરાંત સીઆઇઆઇ ફાઉન્ડેશન દ્વારા સજીવ ખેતી અને મહિલા શશક્તિકરણ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા કલેક્ટરે પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કર્યું હતું. આ ઉપરાંત બાગાયત વિભાગ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...