તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Starting From Selling Books On The Internet, Today Owns Rs 15 Lakh Crore; With Divorce Money The Wife Became The Fourth Richest Woman In The World

અમેઝોનના CEOનું પદ છોડી રહેલા જેફ બેઝોસની કહાની:ઇન્ટરનેટ પર પુસ્તકના વેચાણથી કરી શરૂઆત, આજે 15 લાખ કરોડના માલિક; ડિવોર્સ પછી પત્ની બની'તી વિશ્વની ચોથી સૌથી ધનિક મહિલા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CEO પદ છોડ્યા પછી પણ બેઝોસ અમેઝોન બોર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન બની રહેશે
  • જેફ બેઝોસ 20 જુલાઈએ તેના ભાઈ સાથે અવકાશમાં ઉડાન ભરવાના છે

વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ 5 જુલાઈએ અમેઝોનના CEOનું પદ છોડી દેશે. તેમના પછી આ પદ એન્ડી જેસી સંભાળશે. બેઝોસ કહે છે કે 5 જુલાઈ એ મારા માટે ભાવુક કરનારો દિવસ છે. 27 વર્ષ પહેલાં 5 વર્ષ જુલાઈ 1994ના રોજ અમેઝોનની શરૂઆત કરી હતી.

અહીં અમે તમને જેફ બેઝોસની સંપૂર્ણ કહાની જણાવી રહ્યા છીએ. શરૂઆતમાં ઇન્ટરનેટ પર પુસ્તકો વેચીને અમેઝોન ઓનલાઇન શોપિંગ જોઇન્ટમાં કેવી રીતે ફેરવાઈ ગયું. સાવકા પિતાએ આપેલા 3 લાખ ડોલરથી શરૂઆત કરીને 15 લાખ કરોડની સંપત્તિના માલિક કેવી રીતે બન્યા? બેઝોસથી તલાક બાદ સમાધાનનાં નાણાં સાથે તેમની પત્ની કેવી રીતે બની ગઈ હતી વિશ્વની ચોથી શ્રીમંત મહિલા? ચાલો શરૂઆતથી શરૂ કરીએ…

જન્મ બાદ એક વર્ષમાં જ થઈ ગયા માતા-પિતાના તલાક
જેક્લિન જોગેર્સન ન્યૂ મેક્સિકોના અલ્બુબર્કમાં રહેતા હતા. માત્ર 16 વર્ષમાં જ તેમના લગ્ન જાણીતા યુનિસઇક્લિસ્ટ ટેડ જોગેર્સન સાથે થયા હતા. ત્યાર બાદ 1964માં જેફનો જન્મ થયો હતો. એ સમયે જેક્લિન હાઈસ્કૂલમાં ભણાવતી હતી. જેક્લિન અને ટેડના લગ્ન 1 વર્ષમાં જ તૂટી ગયા હતા.

તલાક બાદ જેક્લિનની પાસે બેવડી જવાબદારી આવી ગઈ. તેને પોતાના કરિયર અને દીકરાનું પાલન-પોષણ બંને સાંભળવાનું હતું. ગુજરાન ચલાવવા માટે જેક્લિને સેક્રેટરી તરીકે કામ કર્યું. બાદમાં તેણે કોલેજમાં પણ એડમિશન લીધું, જ્યાં તેની મુલાકાત માઇક બેઝોસ સાથે થઈ હતી. જેફ ત્યારે માત્ર 4 વર્ષનો જ હતો ત્યારે તેની માતાએ માઇક સાથે બીજા લગ્ન કરી લીધાં હતાં. જેફને બેઝોસ નામ તેના બીજા પિતા માઇક પાસેથી મળ્યું હતું.

હાઇસ્કૂલથી જ શરૂ કરી દીધો હતો બિઝનેસ
બાળપણથી જ બેઝોસને એ જાણવાની ઘણી રુચિ હતી કે કઈ ચીજ કેવી રીતે કામ કરે છે. એટલા માટે બેઝોસે પોતાના પેરન્ટ્સનું ગેરેજ લેબોરેટરીમાં ફેરવી દીધું. હાઈસ્કૂલ દરમિયાન જ બેઝોસે પોતાનો પ્રથમ બિઝનેસ 'ધ ડ્રીમ ઈન્સ્ટિટ્યૂટ'ની શરૂઆત કરી હતી. આ એક એજ્યુકેશન સમર કેમ્પ હતો, જેમાં ભાગ લેનાર 6 સ્ટુડન્ટ પાસેથી બેઝોસે 600 ડોલર મેળવ્યા હતા. બેઝોસે કમ્પ્યુટર સાયન્સ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની સાથે 1986માં પ્રિન્સટન યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું છે.

વોલ સ્ટ્રીટ ફર્મમાં શરૂ કરી નોકરી
બેઝોસને 1988માં ઇન્ટેલ, બેલ લેબ્સ અને એન્ડરસન કન્સલ્ટિંગની તરફથી જોબ ઓફર મળી હતી. બેઝોસે વોલ સ્ટ્રીટમાં ઈન્વેસ્ટમેન્ટ ફર્મ ડીઇ શો એન્ડ કંપનીમાં કામ શરૂ કર્યું હતું. માત્ર આઠ વર્ષમાં જ ત્યાં વાઇસ-પ્રેસિડેન્ટ બની ગયા હતા. 1993માં કંપની છોડીને ઓનલાઈન બુક સ્ટોર લોન્ચ કર્યો.

ગેરેજમાંથી કરી હતી અમેઝોનની શરૂઆત
5 જુલાઈએ 1994ના રોજ તેમણે પોતાના પિતાના ગેરેજથી અમેઝોનની શરૂઆત કરી હતી. તેમાં તેના પેરન્ટ્સે 3 લાખ ડોલરનું રોકાણ કર્યું હતું. અમેઝોનની વેબસાઈટની બીટા ટેસ્ટિંગ માટે તેમણે 300 દોસ્તોની મદદ લીધી હતી. બેઝોસે 16 જુલાઇ 1995માં દક્ષિણ અમેરિકાની નદીના નામ પર અમેઝોન ડોટ કોમ ખોલ્યું.

2 મહિનામાં જ 20 હજાર ડોલરનું વેચાણ
અમેઝોને 30 દિવસની અંદર જ અમેરિકા સહિત 45 દેશોમાં પુસ્તકો વેચ્યા. બે મહિનામાં જ વેચાણ 20 હજાર ડોલર પ્રતિ સપ્તાહ સુધી પહોંચી ગયું. આવી શરૂઆતની કલ્પના બેઝોસે પણ કરી ન હતી. અમેઝોન 1997માં એક પબ્લિક કંપની બની ગઈ. તેનાં બે વર્ષ બાદ આ સ્ટાર્ટ-અપ પોતાના હરીફોને પછાડતાં ઇ-કોમર્સ સેકટરમાં લીડર બની ગયું.

હેલિકોપ્ટર ક્રેશમાં માંડ-માંડ બચ્યા હતા બેઝોસ
વર્ષ 2003ની વાત છે. બેઝોસ એક હેલિકોપ્ટરમાં સવાર થઈને ટેક્સાસ જઈ રહ્યા હતા. તેની સાથે વકીલ ટાઈ હોલેન્ડ અને પાયલોટ બેલા પણ હતા. ભારે પવનને કારણે હેલિકોપ્ટર બેકાબૂ થઈને એક નાની નદીમાં પડ્યું હતું. બેઝોસ અને પાયલોટને સામાન્ય ઇજા પહોંચી હતી, પરંતુ તેમના વકીલના કરોડરજ્જુને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટના પછી વર્ષ 2004માં બેઝોસે ફાસ્ટ કંપનીને જણાવ્યું હતું કે જો શક્ય હોય તો હેલિકોપ્ટર યાત્રા કરવાથી બચો. આ ફિક્સ્ડ-વિંગ એરક્રાફ્ટની જેમ વિશ્વાસપાત્ર નથી હોતું.

અમેઝોનની શરૂઆતમાં પત્નીની ભૂમિકા
અમેઝોનની શરૂઆતમાં મેકેન્જી બેઝોસની પણ મોટી ભૂમિકા રહી છે. 3 સપ્ટેમ્બર 1993ના રોજ બંનેના લગ્ન થયાં હતાં. 25 વર્ષ સુધી સાથે રહ્યા બાદ 2019માં બંનેએ તલાક લીધા હતા. બેઝોસની પત્ની મેકેન્જી બેઝોસને પતિથી તલાક લેવા પર 38 અરબ ડોલર લગભગ 2.6 લાખ કરોડ રૂપિયાનું ડિવોર્સ સેટલમેન્ટ મળ્યું હતું. તલાક બાદ મેકેન્જી દુનિયાની ચોથી સૌથી શ્રીમંત મહિલા બની ગઈ હતી.

જેફના પરિવારમાં 1 દત્તક લીધેલી પુત્રી અને 3 પુત્ર છે
જેફના પરિવારમાં તેની માતા અને સાવકા પિતા સિવાય કુલ 4 બાળકો છે. જેફના 3 પુત્ર અને 1 દત્તક લીધેલી પુત્રી છે. તેમના 4માંથી 3 બાળકોનાં નામ જાહેર કરાયાં નથી. બેઝોસે ત્રણેય બાળકોનાં નામ અત્યારસુધી જાહેર કર્યા નથી. જેફ અને મેકેન્ઝીના સૌથી મોટા પુત્રનું નામ પ્રેસ્ટન બેઝોસ છે.

બેઝોસની ગર્લફ્રેન્ડ ટીવી એન્કર છે
મીડિયા અહેવાલોના આધારે લૉરેન સાંચેઝ, બેઝોસની નવી ગર્લફ્રેન્ડ છે. સાંચેઝ એક એમી અવૉર્ડ વિજેતા ટીવી એન્કર છે. સાંચેઝને છેલ્લાં કેટલાંક વર્ષોથી બેઝોસ સાથે હરતા-ફરતા કેપ્ચર કરવામાં આવી છે. સાંચેઝે પણ આની પહેલાં 2 લગ્ન કર્યા હતા. હોલિવૂડ એજન્ટ પ્રેટ્રિક વ્હાઈટસેલ સાથે તેને 2 બાળકો પણ છે. પહેલા પતિથી પણ તેને એક બાળક છે. સાંચેઝ બ્લેક ઓપ્સ એવિએશન નામની ફિલ્મ અને ટીવી પ્રોડક્શન કંપની ચલાવે છે. બેઝોસ પોતાની ગર્લફ્રેન્ડ સાથે તાજમહેલ જોવા પણ આવ્યા હતા.

બેઝોસ પોતાના ભાઈ સાથે સ્પેસના ટૂર પર જશે
બેઝોસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે જ્યારે હું પાંચ વર્ષનો હતો ત્યારે મેં સ્પેસમાં જવાનું સપનું જોયું હતું. 'હવે હું 20 જુલાઈના રોજ મારા ભાઈ સાથે સ્પેસના પ્રવાસે જઈશ. મારા બેસ્ટ ફ્રેન્ડ સાથે રોમાંચક સફર.' બ્લુ ઓરિજિનની પહેલી સ્પેસ ફ્લાઈટ 20 જુલાઈએ ઉડાન ભરી શકે છે.

વિશ્વનીના સૌથી અમીર વ્યક્તિની ભૂમિકા બદલાઈ જશે
બેઝોસની નેટ વર્થ 15.1 લાખ કરોડ રૂપિયા છે. CEO પદ છોડ્યા પછી બેઝોસ પોતાનો સમય સ્પેસ સાથે જોડાયેલી કંપની બ્લુ ઓરિજિન બેઝોસ અર્થ ફંડ, અમેઝોન ડે વન ફંડ અને ધ વોશિંગ્ટન પોસ્ટ સમાચાર પત્રને આપશે. આ કંપનીઓમાંથી બ્લુ ઓરિજિન એક એવી કંપની છે, જેના દ્વારા તેઓ ચંદ્ર પર એક કોલોનીનું નિર્માણ કરવા માગે છે. આ ક્ષેત્રમાં તેમની કંપનીની કોમ્પિટિશન એલોન મસ્કની કંપની સ્પેસ એક્સ સાથે છે.

બેઝોસે વર્ષ 2000માં બ્લુ ઓરિજિન લોન્ચ કરી, જ્યારે મસ્કે 2002માં સ્પેસ એક્સની શરૂઆત કરી હતી. આટલાં વર્ષોમાં બ્લુ ઓરિજિન કશું ખાસ કરી શકી નથી. સ્પેસમાં ટ્રાવેલની સંભાવનાઓને જોતાં બેઝોસે આ ક્ષેત્રમાં ધ્યાન આપવાની યોજના બનાવી છે.