આજની ખુદ્દારીની વાત હરિયાણાના કૈથલ જિલ્લાના રહેવાસી ઋષભ સિંગલાની. ઋષભ એક અત્યંત સાધારણ પરિવારમાંથી આવે છે. તેમના પિતા અગરબત્તી વેચીને પરિવારનો ખર્ચ ઉઠાવે છે. ઋષભને પિતાની આર્થિક મજબૂરીનો અહેસાસ હતો. આથી તેઓ બાળપણથી જ કંઈને કંઈ કરવા માગતા હતા જેથી પોતાના પિતાની મદદ કરી શકે પરંતુ એ નક્કી નહોતા કરી શકતા કે શું કરવું.
ઋષભ અને તેમનો પરિવાર ખાટૂ શ્યામજીને માને છે. તેઓ ઘણીવાર રાજસ્થાનના ખાટૂ શ્યામજી મંદિરે જતા હતા. એ દરમિયાન ઋષભના એક મિત્રએ તેમને ચોકલેટનો પ્રસાદ બનાવીને વેચવાનો આઈડિયા આપ્યો. ઋષભ ત્યારે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહ્યા હતા. તેમને એ આઈડિયા પસંદ આવ્યો, કેમકે ખાટૂ શ્યામજીને મોટા પ્રમાણમાં પ્રસાદ ચઢે છે. એવામાં પ્રસાદ તરીકે ચોકલેટ લોકોને નવું પણ લાગશે અને તેમને પસંદ પણ પડશે.
તેના પછી ઋષભે ચોકલેટ વિશે જાણકારી મેળવવાનું શરૂ કર્યું. પડોશમાં રહેતા એક મહિલા પાસેથી તેમણે ચોકલેટ બનાવવાની ટ્રેનિંગ લીધી અને 2018માં 10 હજાર રૂપિયાના ખર્ચથી પોતાના ઘરના કિચનમાંથી જ સ્ટાર્ટઅપની શરૂઆત કરી. આજે ઋષભ દર મહિને 6 હજારથી વધુ ચોકલેટ વેચે છે. વર્ષે 7-8 લાખ રૂપિયા તેમની કમાણી થઈ જાય છે. એટલું જ નહીં, તેમણે 8-10 લોકોને રોજગારી પણ આપી છે.
સરળ નહોતી ઋષભની સફર
જો કે ઋષભની આ સફર સરળ નથી રહી. તેના માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. નાની-નાની ચીજો માટે સ્ટ્રગલ કરવી પડી છે. ટ્રેનિંગ માટે અનેક શહેરોની મુલાકાત લેવી પડી છે. સંસાધનોના અભાવે તેઓ અને તેમની માતા દિવસ રાત કામ કરતા હતા જેથી વધુમાં વધુ ઓર્ડર હાંસલ થઈ શકે. તેમના માતા ઘરના કામની સાથે સાથે ચોકલેટ તૈયાર કરવામાં પણ ઋષભની ભરપૂર મદદ કરતા હતા.
ઋષભ કહે છે કે શરૂઆતમાં અમે આર્થિક રીતે નબળા હતા. મોંઘા મશીનો ખરીદી નહોતા શકતા. તેથી ઘરના વાસણ અને એક નાના ઓવનથી ચોકલેટ તૈયાર કરતા હતા. વધુ ડિમાંડ આવતી તો તેનાથી જ વારંવાર તૈયાર કરતા હતા. એવામાં સમય પણ ખૂબ લાગી જતો હતો અને મહેનત પણ. પરંતુ અમે મજબૂર હતા, અમારૂં એટલું બજેટ નહોતું કે બે અઢી લાખનું મશીન ખરીદી શકીએ. તેઓ કહે છે કે હું દિવસે કામ પણ કરતો હતો અને કોલેજે પણ જતો હતો. કોલેજથી પરત આવીને મોડી રાત સુધી કામ કરતો હતો.
મુંબઈમાં લીધી ચોકલેટ બનાવવાની પ્રોફેશનલ ટ્રેનિંગ
25 વર્ષના ઋષભ કહે છે કે શરૂઆતમાં મેં ઈન્ટરનેટ દ્વારા ચોકલેટ બનાવવા અંગે જાણકારી લીધી. તેના પછી પડોશના એક આંટી પાસેથી ટ્રેનિંગ લીધી, પરંતુ પ્રોફેશનલ લેવલ પર કામ માટે મારે સારી ટ્રેનિંગની જરૂર હતી. મેં અનેક સંસ્થાઓમાં તપાસ કરી પણ ફી વધારે હોવાથી ખાલી હાથે પરત આવ્યો. તેના પછી જેમ તેમ કરીને મુંબઈમાં એક ચોકલેટ મેકર્સ તેમને ટ્રેનિંગ આપવા તૈયાર થયા. ત્યાંથી આવ્યા પછી ઋષભે કમર્શિયલ લેવલ પર ચોકલેટનો કારોબાર શરૂ કર્યો. તેમણે શ્યામજી ચોકલેટ્સ નામથી પોતાની કંપની રજિસ્ટર કરાવી છે.
ઋષભ શરૂઆતમાં નોર્મલ ચોકલેટ તૈયાર કરતા હતા. તેના પછી તેમણે ઓર્ગેનિક ચોકલેટ વેચવાનું શરૂ કરી દીધું. અત્યારે તેઓ એક ડઝનથી વધુ વેરાયટીની ચોકલેટનું વેચાણ કરે છે. જેમાં નોર્મલ ડાર્ક ચોકલેટ, ફાઈબર ચોકલેટ, ચિયા સીડ ચોકલેટ, અળસી ચોકલેટ, બ્રાહ્મી ચોકલેટ, લીચી ચોકલેટ, કોકોનટ ચોકલેટ, સ્ટ્રોબેરી ચોકલેટ વગેરે સામેલ છે.
હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને દિલ્હી જેવા મોટા રાજ્યોમાં ટ્રાન્સપોર્ટ દ્વારા તેમની ચોકલેટ મોટી મોટી દુકાનો અને માર્કેટ સુધી પહોંચે છે. આ ઉપરાંત તેઓ કુરિયરના માધ્યમથી દેશભરમાં ચોકલેટની ડિલિવરી કરે છે. ઋષભ ટૂંક સમયમાં ઓનલાઈન પ્લેટફોર્મ પણ લોન્ચ કરવાના છે.
તેઓ જણાવે છે કે સૌપ્રથમ કોકો બીન્સને રોસ્ટ કરવામાં આવે છે. પછી તેની છાલ કાઢી નાખવામાં આવે છે. તેના પછી તેને ગ્રાઈન્ડરમાં પીસવામાં આવે છે. જેનાથી ચોકલેટની પેસ્ટ તૈયાર થાય છે. અલગ અલગ ચોકલેટ માટે ગ્રાઈન્ડિંગની પ્રોસેસ અને ટાઈમિંગ અલગ હોય છે.
તેના પછી, પેસ્ટમાં ગોળનો પાઉડર મેળવવામાં આવે છે. ઋષભ તેમાં ખાંડનો ઉપયોગ કરતા નથી અને ન તો કોઈ પ્રકારના એડિટિવ કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરે છે. દર મહિને તેઓ લગભગ 6000 ચોકલેટ બાર તૈયાર કરે છે. એક બાર 50 ગ્રામનો હોય છે. તેઓ કહે છે કે અમે કેરળ અને કર્ણાટકમાં કોકોની ખેતી કરનારા ખેડૂતો પાસેથી બીન્સ ખરીદીએ છીએ.
માર્કેટિંગ માટે કેવી સ્ટ્રેટેજી અપનાવી?
ઋષભ કહે છે કે શરૂઆતમાં પ્રસાદ તરીકે લોકો તેમની ચોકલેટ ખરીદતા હતા, પરંતુ જ્યારે તેમને લાગ્યું કે તેઓ ચોકલેટ સારી તૈયાર કરી રહ્યા છે અને લોકોને પસંદ પણ પડે છે તો તેમણે આસપાસની દુકાનોમાં પણ મોકલવાનું શરૂ કર્યુ. તેના પછી તેમણએ અલગ અલગ જગ્યાએ પ્રદર્શન રાખીને માર્કેટિંગ શરૂ કર્યુ. તેની સાથે જ તેમણે સોશિયલ મીડિયાની પણ મદદ લીધી. તેઓ પોતાના પેજ પર ચોકલેટની તસવીરો પોસ્ટ કરવા લાગ્યા. જેને જોયા પછી લોકો ઓર્ડર કરવા લાગ્યા. અનેક લોકો તેમના વ્હોટ્સ એપ ગ્રૂપમાં જોડાયેલા છે.
ઋષભ કહે છે કે કોરોના અને લોકડાઉનના કારણે તેમનું કામ પ્રભાવિત થયું છે. આ સમયે ડિમાંડ ઘટી છે કેમકે સપ્લાઈ ચેઈન પ્રભાવિત થઈ છે. આમ છતાં તેઓ ટ્રાન્સપોર્ટ દ્વારા પોતાની પ્રોડક્ટની સપ્લાઈ કરી રહ્યા છે. તેઓ કહે છે કે ધીમે ધીમે લોકો વચ્ચે તેમની પ્રોડક્ટની લોકપ્રિયતા વધી રહી છે. લોકો ઓર્ગેનિક તરફ વળી રહ્યા છે, કેમકે આ ચોકલેટ હાનિકારક હોતી નથી અને અમે તેમાં કોઈ કેમિકલ મેળવતા નથી. એટલે સુધી કે ઈંડા પણ નહીં. આથી આ સંપૂર્ણપણે શાકાહારી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.