તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજની પોઝિટિવ સ્ટોરી:રાજકોટમાં પતિનું 25 વર્ષની વયે નિધન, પત્નીએ 1500 રૂપિયામાં 26 વર્ષ પહેલાં શરૂ કરેલા ખાખરાના બિઝનેસે સફળતા અપાવી, વર્ષે 5 લાખની કમાણી

રાજકોટ21 દિવસ પહેલાલેખક: શુભમ્ અંબાણી
  • ટીબીથી પતિના અવસાન બાદ એકલા હાથે બે સંતાનોને ઉછેરી ધંધો સેટ કર્યો છે
  • દિવસના 22 કલાક કામ કરનારાં શારદાબેનના ખાખરાની દેશભરમાંથી માગ છે

’હર રોજ ગિરકર ભી મુક્કમલ ખડે હૈ, એ જિંદગી દેખ મેરે હૌંસલે તુજ સે ભી બડે હૈ’. આ ઉક્તિને સાર્થક કરતી મહિલાએ જીવનના ડગલે ને પગલે આવેલી મુશ્કેલીઓને મક્કમ મનોબળ અને દૃઢ ઈચ્છાશક્તિના જોરે એક બાજુ હડસેલીને સફળતાના પથદર્શક બન્યા છે. રાજકોટના શારદાબેન કુંડલિયાના લગ્ન થયાના થોડા વર્ષ બાદ 25 વર્ષની ઉંમરે જ પતિનું અવસાન થયું હતું. નાની ઉંમરે વિધવા થયેલાં શારદાબેને બીજું ઘર કરવાની જગ્યાએ સંતાનોને માતા-પિતાનો પ્રેમ આપીને એકલા હાથે ઉછેરવાનું નક્કી કર્યું હતું. પરિવારના ભરણપોષણ માટે શારદાબેને ઘરમાં જ 1995માં 1500 રૂપિયાની મૂડી સાથે શરૂ કરેલા ખાખરાના ગૃહ ઉદ્યોગને ભારે આવકાર મળતાં શારદાબેનના ખાખરા આજે ડિપાર્ટમેન્ટલ મોલ સુધી પહોંચી ગયા છે. આજે સમગ્ર ગુજરાતમાં તેમના ખાખરા-પાપડ વખણાય છે તેમજ વર્ષે 5 લાખની કમાણી કરી રહ્યાં છે.

શારદાબેનના પતિ નરેન્દ્રભાઈનું નાની ઉંમરે અવસાન થયું હતું.(ફાઈલ તસવીર).
શારદાબેનના પતિ નરેન્દ્રભાઈનું નાની ઉંમરે અવસાન થયું હતું.(ફાઈલ તસવીર).

પતિનું ટી.બી.ની બીમારીમાં મોત થયું
વર્ષ 1975માં શારદાબેનના પતિ નરેન્દ્રભાઈ કુંડલિયા રાજકોટમાં નામના ધરાવતા સ્વ.અમરચંદભાઈ ભવાનભાઈ મહેતાની દાણાપીઠમાં આવેલી પેઢીમાં નોકરી કરતા હતા. નરેન્દ્રભાઈની કામ પ્રત્યે લગન, મહેનત અને ઈમાનદારીને કારણે સ્વ.અમરચંદભાઈ મહેતાએ તેમને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યા હતા. એ અરસામાં નરેન્દ્રભાઈને ટી.બી.ની બીમારી લાગુ પડી. એ વખતે સારવાર અને બીમારીનો ખર્ચ ચૂકવવામાં સ્વ.અમરચંદભાઈ ભવાનભાઈ મહેતાએ ખૂબ જ મદદ કરી, પરંતુ તેમ છતાં નરેન્દ્રભાઈનો જીવ બચ્યો નહીં અને તેમનું નાની ઉંમરે અવસાન થયું હતું.

શારદાબેનના પતિને જે-તે વખતના શેઠ સ્વ.અમરચંદભાઈએ ખૂબ મદદ કરી હતી.(સ્વ.અમરચંદભાઈની ફાઈલ તસવીર).
શારદાબેનના પતિને જે-તે વખતના શેઠ સ્વ.અમરચંદભાઈએ ખૂબ મદદ કરી હતી.(સ્વ.અમરચંદભાઈની ફાઈલ તસવીર).

એકલા હાથે બે સંતાનોને ઉછેર્યાં
25 વર્ષની યુવાન વયે નરેન્દ્રભાઈનું અવસાન થયું. એ વખતે શારદાબેનની ઉંમર 20 વર્ષની હતી. યુવાન વયે જ પતિનો વિયોગ અને બે સંતાનો સાથે શારદાબેને સંઘર્ષ શરૂ કર્યો. એ વખતે તેમને અનેક લોકોએ પુનઃલગ્ન કરવા અને દુબઈ જવાની વાતો કહી, પરંતુ શારદાબેન બધાને એક જ વાત કહેતા હતા કે હું મારાં સંતાનોને મા અને બાપ બન્નેનો પ્રેમ આપીશ પણ બીજા લગ્ન તો નહીં જ કરું. એ સમયે ફરી સ્વ.અમરચંદભાઈ ભવાનભાઈ મહેતા તેમની મદદ માટે ઉપસ્થિત થયા અને શારદાબેનને પિતાની હૂંફ આપી આર્થિક સહાય કરી.

પરિવારનું ગુજરાન ચલાવવા શારદાબેન લોકોના ઘરમાં કામ કરવા જતાં હતાં.
પરિવારનું ગુજરાન ચલાવવા શારદાબેન લોકોના ઘરમાં કામ કરવા જતાં હતાં.

શરૂઆતમાં લોકોનાં ઘરકામ કર્યાં
સંઘર્ષના દિવસોને યાદ કરતાં શારદાબેને DivyaBhaskarને જણાવ્યું હતું કે સ્વ.અમરચંદભાઈ ભવાનભાઈ મહેતાએ અમારા પરિવારને ખૂબ જ મદદ કરી હતી. જે દરજ્જો, માન-સન્માન મારા પતિને મળતો એ જ આદર મને સ્વ.અમરચંદભાઈ મહેતા તરફથી મળતો હતો. આ ઉપરાંત દરરોજ એ વખતે તેમના ઘરેથી અમારા ઘરે ટિફિન પણ આવતું હતું. એ સમયગાળા દરમિયાન અમે ભાડે રહેતા હતા. ત્યારે કેવડાવાડીમાં સ્વ.અમરચંદભાઈની પેઢીની 5 હજાર વારની જગ્યામાં અમને રહેવા માટે મકાન આપ્યું હતું. એ જગ્યામાં ધીરે ધીરે 30-35 ભાડૂઆત રહેવા આવ્યા અને ત્યાં કારખાના તથા ઇન્ડસ્ટ્રીનો પણ વિકાસ થયો. ત્યારે હું આસપાસનાં ઘરોમાં વાસણ માંજવા, રસોઈ બનાવવા જતી, તદુપરાંત કારખાનામાં પાણીના ગોળા સાફ કરી, બોરમાંથી પીવાનું પાણી ભરી દેતી હતી.

શારદાબેન દિવસમાં રોજના 22 કલાકનું કામ કરતાં હતાં.
શારદાબેન દિવસમાં રોજના 22 કલાકનું કામ કરતાં હતાં.

પાપડની કંપનીમાં નોકરી કરી
1980માં અમારા એરિયામાં ‘ટેસ્ટી પાપડ’નામની કંપનીની સ્થાપના થઈ હતી. મને એ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરવાની ઓફર મળી. મારાં સંતાનોને મારે ભણાવવાં હતાં અને પરિવાર પણ આર્થિક તંગી અનુભવી રહ્યો હતો. માટે મેં ‘ટેસ્ટી પાપડ’માં નાઈટ શિફ્ટમાં મેનેજર તરીકેની નોકરી સ્વીકારી લીધી હોવાનું ઉમેરતાં શારદાબહેને કહ્યું કે મારે બે સંતાનમાં પુત્ર રાજેશભાઈ અને દીકરી ભાવનાબેન છે.

મમ્મી દિવસના 22 કલાક નોકરી કરતાં-પુત્ર
પોતાની માતાના સંઘર્ષ વિશે વાત કરતાં રાજેશભાઈ જણાવે છે કે મારા મમ્મી 1980થી 1995 સુધીમાં દરરોજ 2 કલાક જ આરામ કરતાં, બાકીની 22 કલાક તેઓ સતત કામ કરતાં રહેતાં, 12 કલાક તેઓ ‘ટેસ્ટી પાપડ’માં નોકરી કરતાં, 6 કલાક તેઓ લોકોનાં ઘરોમાં કામ કરતાં હતાં અને 4 કલાક તેઓ કારખાનામાં કામ કરતાં હતાં. આ સમયે હું અને મારાં મોટાં સિસ્ટર ભાવનાબેન અભ્યાસમાં ધ્યાન દેતાં હતાં. રાજકોટથી શરૂ થયેલી 'ટેસ્ટી પાપડ' કંપનીમાં મારા મમ્મી રોજના 500 કિલો અડદના પાપડનો લોટ બાંધતા હતા. અન્ય કર્મચારીઓને કામ કરતા શીખવતાં હતાં. 1995માં હું અને મારાં બહેન પરિપક્વ થયાં, એટલે મારી બહેનને સ્વતંત્રપણે વ્યવસાય કરવાનો વિચાર આવ્યો.

ઓછી મૂડી સાથે નાના પાયા પર શારદાબેને ઘરમાં જ ખાખરા બનાવવાનું શરૂ કર્યું હતું.
ઓછી મૂડી સાથે નાના પાયા પર શારદાબેને ઘરમાં જ ખાખરા બનાવવાનું શરૂ કર્યું હતું.

નાના રોકાણથી પોતાનો ધંધો શરૂ કર્યો
સમય જતાં દીકરી ભાવનાબેને માતા શારદાબેનને ‘ટેસ્ટી પાપડ’ની નોકરી મુકાવી દીધી. ઉલ્લેખનીય છે કે એ વખતે ટેસ્ટી પાપડ ભારતની નંબર વન કંપની બની ગઈ હતી. એવા સમયે શારદાબેને નોકરી મૂકીને માત્ર 100 રૂપિયાના રોકાણ સાથે શ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગ નામથી વ્યવસાય શરુ કર્યો. એ વખતે તેમણે ઘરેથી જ અડદના પાપડ અને મસાલા, મેથી, લસણ અને કોથમરી સહિત 4 ફ્લેવરના ખાખરા બનાવવાની શરૂઆત કરી. ભાવનાબેન અને રાજેશભાઈ સાઇકલ પર ખાખરા, પાપડ વેચવા જતાં હતાં. ધીમે ધીમે વ્યવસાયનો વ્યાપ વધ્યો. સમય જતાં ભાવનાબેનના લગ્ન થતાં રાજેશભાઈએ વ્યવસાય સંભાળ્યો.

1995થી 2005 સુધી ઘરે જ પ્રોડ્કટ બનાવતા
રાજેશભાઈ જણાવે છે, મારા જીવનમાં સ્ત્રીઓનો મોટો ફાળો રહ્યો છે, મારી માતા અને મારી મોટી બહેને આ વ્યવસાયની સ્થાપના કરી, ત્યાર બાદ મારાં બહેનના લગ્ન થતાં મારી પત્ની શિલ્પાએ મારી માતાની મદદ કરવાનું શરૂ કરી દીધું. 1995થી 2005 સુધી અમે ઘરે જ ખાખરા પાપડ બનાવતા હતા. 2005માં અમે અમારી પ્રથમ દુકાન કેવડાવાડીમાં શ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગના નામથી શરૂ કરી અને શાપરમાં ખાખરા- પાપડના કારખાનાની શરુઆત કરી. ત્યારથી આજ સુધીમાં અમે 15 પ્રકારના ખાખરા અને 4 પ્રકારની ફ્લેવરવાળા પાપડ બનાવીએ છીએ.

હાલ 15 પ્રકારની ફ્લેવરવાળા ખાખરા અને 4 પ્રકારની ફ્લેવરવાળા પાપડનું વેચાણ કરવામાં આવે છે.
હાલ 15 પ્રકારની ફ્લેવરવાળા ખાખરા અને 4 પ્રકારની ફ્લેવરવાળા પાપડનું વેચાણ કરવામાં આવે છે.

અલગ અલગ ફ્લેવરનાં પાપડ-ખાખરા
15 પ્રકારની ફ્લેવરવાળા ખાખરામાં મસાલા, મેથી, લસણ, કોથમરી, બિસ્કિટ, પાણીપૂરી, પાઉંભાજી, ચણા-મસાલા, ચાટ મસાલા, ઢોસા, પિત્ઝા, કેડબરી, મૈસૂર, પેરીપેરી, ફુદીના, બાજરા અને ડાયટ ખાખરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અડદ, પંજાબી, ચોખા અને મગ સહિતની 4 ફ્લેવરના પાપડનો સમાવેશ થાય છે.

શારદાબેને શરૂ કરેલા વ્યવસાયમાં આજે ત્રીજી પેઢી પણ કામે લાગી ગઈ છે.
શારદાબેને શરૂ કરેલા વ્યવસાયમાં આજે ત્રીજી પેઢી પણ કામે લાગી ગઈ છે.

ત્રીજી પેઢીએ બિઝનેસ સંભાળ્યો
હાલ શારદાબેનની ત્રીજી પેઢી અર્થાત રાજેશભાઈનાં સંતાનો રાહુલભાઈ અને દીપભાઈ વ્યવસાય સંભાળે છે અને ખાખરા-પાપડના બિઝનેસને દુકાનમાંથી ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં પરિવર્તિત કર્યો છે. આ ડિપાર્ટમેન્ટલ સ્ટોર પણ તેમણે લોકડાઉન બાદ શરૂ કર્યો છે. આ વિશે વાત કરતાં રાહુલભાઈ જણાવે છે કે હાલ અમારે ત્યાં 35 લોકોનો સ્ટાફ કાર્યરત છે. લોકડાઉનમાં ચોક્કસપણે અમારે પણ ક્રિટિકલ કન્ડિશનનો સામનો કરવો પડ્યો હતો, પણ અમે જીવનજરૂરિયાતની વસ્તુઓ જ વેચવાનું શરૂ કર્યું. એટલે અમારું સાહસ સફળતામાં પરિવર્તિત થયું. હાલ અમે ખાખરા, પાપડ સહિત ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં બિસ્કિટથી લઈને બોનર્વિટા સુધીની 65 આઇટમોનું વેચાણ કરીએ છીએ.

આજે દેશભરનાં મોટાં શહેરોમાંથી ખાખરાની માગ રહે છે.
આજે દેશભરનાં મોટાં શહેરોમાંથી ખાખરાની માગ રહે છે.

દેશભરમાં ખાખરા વેચાય છે
હાલ શારદાબેનના ખાખરા-પાપડ દેશનાં પ્રમુખ શહેરો, જેવાં કે મુંબઈ, કોલકાતા, નાગપુર, પંજાબ, જૂનાગઢ, પોરબંદર,મોરબી, રાજકોટ અને ભુજનો સમાવેશ થાય છે. પોતાના આગામી ધ્યેય અંગે જણાવતાં રાજેશભાઈ જણાવે છે કે અમે આ જ રીતે ખાખરા-પાપડને સમગ્ર દેશમાં ફેલાવવા માગીએ છીએ; એ જ અમારું ધ્યેય છે.

લોકો પણ તેમના સ્ટોરમાં મોટી સંખ્યામાં ખરીદી કરવા આવે છે.
લોકો પણ તેમના સ્ટોરમાં મોટી સંખ્યામાં ખરીદી કરવા આવે છે.

શારદાબેન મહિલાઓને માર્ગદર્શન આપે છે
એક સમય હતો, જ્યારે શારદાબેનના માથે વિપત્તિઓનો વરસાદ થયો હતો, પણ તેમણે પોતાના પરિશ્રમ અને પરાક્રમ થકી 1500 રૂપિયાના રોકાણ સાથે શરૂ કરેલો વ્યવસાય આજે વર્ષે 5 લાખની કમાણી કરાવે છે. શારદાબેન હાલ અનેક મહિલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યાં છે અને તેઓ નિરાશ થયેલી કે કંઈક કરવા માગતી મહિલાઓને એક જ વાત કરે છે કે તમે સમસ્યાથી ગભરાવો નહીં, પણ મક્કમ મનોબળથી એનો સામનો કરો, તમારી મહેનત તમને સફળતા જરૂર અપાવશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો