જાણીને Share કરો:તમે મલ્ટિપ્લેક્સ સહિતનાં મનોરંજક સ્થળો પર ઘરેથી ખાણીપીણીની વસ્તુ લઈને જઈ શકો છો, જો તમને કોઈ રોકે તો ભાસ્કરનો આ વીડિયો દેખાડજો

અમદાવાદ13 દિવસ પહેલાલેખક: દિનેશ સિંધવ

તાજેતરમાં અચાનક એક સમાચાર વહેતા થયા છે કે હવેથી લોકો મલ્ટિપ્લેક્સમાં ખાણીપીણીની ચીજવસ્તુ લઈ જઈ શકશે. આ સમાચારને લોકોએ સારા સમાચાર ગણાવ્યા હતા, કેમ કે અત્યારસુધી મલ્ટિપ્લેક્સમાં ખોરાક-પાણી લઈને જઈએ તો રોકવામાં આવતા હતા. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે સરકારે કઈ રાતોરાત ગ્રાહકોના હિતમાં કાયદો બનાવ્યો નથી. ગ્રાહકોના હિતમાં તો વર્ષોથી કાયદો બનેલો જ છે, પણ અત્યારસુધી સરકારી અધિકારીઓ અમલવારી કરાવતા નહોતા, માટે મલ્ટિપ્લેક્સના માલિકો મનમાની કરતા હતા. તો વાત એમ બની છે કે ગાંધીનગરમાં આવેલી નિયામક ગ્રાહક સુરક્ષા કચેરીમાં કંટ્રોલર લીગલ મેટ્રોલોજી એન્ડ ડાયરેક્ટર કન્ઝયુમર પ્રોટેક્શન તરીકે હમણાં જ ચંદ્રેશ કોટકની નિમૂણક કરાઈ છે. 1 નવેમ્બર, 2021થી ચાર્જ સંભાળનાર ચંદ્રેશ કોટક અને તેમની ટીમે નક્કી કર્યું છે કે અત્યારસુધી મલ્ટિપ્લેક્સ સહિતનાં મનોરંજક સ્થળોના સંચાલકો દ્વારા ચલાવાતી લૂંટમાંથી લોકોને રાહત અપાવી છે, આથી હવેથી મલ્ટિપ્લેક્સ કે થિયેટરમાં ફિલ્મ જોવા જતા પ્રેક્ષકો કે વોટર પાર્ક- એમ્યુઝમેન્ટ પાર્ક સહિત મનોરંજનના સ્થળે ફરવા જતા લોકો પોતાની સાથે ખાણીપીણીની ચીજવસ્તુ લઈ જઈ શકશે. આ વિષય પર દિવ્ય ભાસ્કરે ચંદ્રેશ કોટક સાથે ખાસ વાતચીત કરી જાણવાનો પ્રયાસ કર્યો કે ગ્રાહકોના હક કયા-કયા છે અને આ હકનું હનન થાય તો ગ્રાહક કોને ફરિયાદ કરી શકે છે. અમે એ પણ જાણ્યું કે ગ્રાહકોના હકનું હનન કરનારને કેવી અને કેટલી સજા થઈ શકે.

મલ્ટિપ્લેક્સની અંદરની તસ્વીર.
મલ્ટિપ્લેક્સની અંદરની તસ્વીર.

તો શું હવેથી મલ્ટિપ્લેક્સમાં ખોરાક-પાણી લઈ જવા દેશે?

આ મુદ્દે દિવ્ય ભાસ્કરે વાઈડ એન્ગલના સંચાલક હિતેશ પટેલ સાથે પણ વાત કરી હતી. હિતેશ પટેલનું કહેવું છે કે વર્ષ 2018માં જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટમાં આ મુદ્દે એક PIL થઈ હતી. મલ્ટિપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ હાઈકોર્ટેમાં થયેલી PILને પડકારતી અરજી સુપ્રીમમાં કરી હતી. આ અરજીની સુનાવણીમાં સુપ્રીમકોર્ટે સ્ટે આપ્યો હતો. આ સ્ટે ઓર્ડરના આધારે તેઓ ગુજરાતમાં પણ ખોરાક-પાણી લઈ જવાની છૂટ આપશે નહીં, કેમ કે મલ્ટિપ્લેક્સ એસોસિયેશન ઓફ ગુજરાત પણ આ અરજીમાં સાથે હતું. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે બાળકો માટે થોડુંઘણું ખાવાનું લઈ જવું હોય અને પાણી લઈ જવું હોય તો લઈ જવા દેશે.

સુપ્રીમના સ્ટે અંગે વાત કરતા વાઈડ એન્ગલના સંચાલક હિતેશ પટેલની તસવીર.
સુપ્રીમના સ્ટે અંગે વાત કરતા વાઈડ એન્ગલના સંચાલક હિતેશ પટેલની તસવીર.

સુપ્રીમકોર્ટનો સ્ટે ગુજરાતમાં લાગુ પડે છે?

ગ્રાહક સુરક્ષા કચેરી ગુજરાત રાજ્યના નિયામક ચંદ્રેશ કોટક કહે છે કે સુપ્રીમકોર્ટનો સ્ટે જમ્મુ-કાશ્મીર પૂરતો જ છે ગુજરાતને તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ સાથે તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો ગ્રાહકોના હકનું હનન થશે તો કાયદામાં કરાયેલી જોગવાઈ મુજબ દંડ અને જેલની સજા થશે. તેમણે કહ્યું હતું કે ‘આ કોઈ નવી વાત નથી, પહેલાંથી જ કાયદો બનેલો જ છે. તેમણે આ વાત સમજાવતાં કહ્યું હતું કે ગ્રાહક સુરક્ષા ધારો 1986 પર રાષ્ટ્રપતિની મંજૂરી 24 ડિસેમ્બર,1986ના રોજ મળી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોની સુરક્ષા, અયોગ્ય વેપાર તથા ખામીયુક્ત માલ સામે ગ્રાહકોને રક્ષણ આપવાનું છે. ઉપરાંત મોદી સરકાર બન્યા બાદ 2019માં કેટલીક જૂની જોગવાઈઓને યથાવત રાખી કન્ઝયુમર પ્રોટેક્શન એક્ટ 2019 અમલી બન્યો છે, જે હાલના નિયમોને કડક બનાવે છે. નવા ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019માં જિલ્લા કલેક્ટરને કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે.’

ગ્રાહક સુરક્ષા નિયામક ચંદ્રેશ કોટક, ના.નિયામક સંજય પાટડિયા અને મેશ્વા પટેલની તસવીર
ગ્રાહક સુરક્ષા નિયામક ચંદ્રેશ કોટક, ના.નિયામક સંજય પાટડિયા અને મેશ્વા પટેલની તસવીર

મલ્ટિપ્લેક્સ-સંચાલકો વધુ ભાવ લેવા કેવા રસ્તા અપનાવે છે?

ચંદ્રેશ કોટકે મહત્ત્વની માહિતી આપતાં કહ્યું હતું કે ‘માત્ર મલ્ટિપ્લેક્સ જ નહીં, પણ એમ્યુઝમેન્ટ અને વોટર પાર્ક સહિતનાં મનોરંજનના સ્થળે ગ્રાહકોને ખોરાક-પાણી લઈ જવાનો હક છે. આમ કરવાથી ગ્રાહકોને ફાયદો એ થશે કે સંચાલકો દ્વારા MRP સિવાયના જાતે જ વધારેલા ભાવ પર ફેરવિચારણા કરવી પડશે, કેમ કે હાલમાં કેટલાક મલ્ટિપ્લેક્સના માલિકો લોકોને લૂંટવા પોતાની જ બ્રાન્ડ વિકસાવીને ઊંચા ભાવ વસૂલી રહ્યા છે.’

એમ્યુઝમેન્ટ પાર્કની તસવીર.
એમ્યુઝમેન્ટ પાર્કની તસવીર.

ગ્રાહક ક્યાં-કયાં અને કોને-કોને ફરિયાદ કરી શકશે?

ગ્રાહકોની સુરક્ષા માટે કાયદો હોવા છતાં હજુ પણ મનોરંજનના કોઈ સ્થળે ગ્રાહકોના હક પર તરાપ મારવામાં આવે તો ગ્રાહકો ક્યાં અને કોને ફરિયાદ કરી શકશે એ અંગે પણ માહિતી આપી હતી. મલ્ટીપ્લેક્સ થિયેટરો જો ખાણીપીણીની વસ્તુ લઈ જતા અટકાવે તો ગ્રાહક સુરક્ષા કાયદો ગ્રાહકને કેટલાક મૌલિક અધિકારો આપે છે. એમાંથી એક અધિકાર છે પસંદગીનો અધિકાર. જ્યારે કોઈ મલ્ટિપ્લેક્સ ગ્રાહકને નાસ્તા-પાણીની વસ્તુઓ અંદર લઈ જતા અટકાવે તો એ પસંદગીના અધિકારનું હનન અને અનૈતિક વેપાર પદ્ધતિ છે, જેની સામે સુરક્ષા મેળવવા ગ્રાહક ગ્રાહક અદાલત તેમજ જિલ્લા કલેટર સમક્ષ ફરિયાદ કરી રાહત મેળવી શકે છે. આ ઉપરાંત નિયામક, ગ્રાહક સુરક્ષા કચેરી ગાંધીનગર ખાતે રૂબરૂ અને ટપાલ પોસ્ટ કરી ફરિયાદ નોંધાવી શકશે. ઈ-મેઈલ tolmap-ahd@gujarat.gov.in પર પણ ફરિયાદ નોંધાવી શકાય છે. જો કોઈ વસ્તુનું મૂલ્ય રૂ.1 કરોડ કરતાં ઓછું હોય તો નજીકના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અથવા પર પણ e-dakhil ફરિયાદ આપી શકાય છે અને જો કોઈ વસ્તુનું મૂલ્ય રૂ.1 કરોડ કરતાં વધુ હોય તો રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી શકાશે. ગ્રાહકો સ્ટેટ કન્ઝયુમર હેલ્પલાઈન નં. 1800-233-0222 તો નેશનલ કન્ઝયુમર હેલ્પલાઈન નં. 1800-11-4000 પર ફોન કરીને પણ ફરિયાદ નોંધાવી શકશે. જિલ્લામાં જ ફરિયાદ કરવી હોય તો કલેક્ટર ઉપરાંત જિલ્લા પુરવઠા અધિકારીને પણ ફરિયાદ કરી શકો, કેમ કે તેમને જ ગ્રાહક સુરક્ષા અધિકારી તરીકે નિમેલા છે. વસ્તુના જરૂર કરતા વધુ રૂપિયા લીધા હોય તો જિલ્લામાં મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન કચેરી પર પણ સંપર્ક કરી શકાશે.

ગ્રાહકોના હકનું હનન કરનારને કેટલી સજા થઈ શકે?

ગ્રાહકો જાગ્રત બની ફરિયાદ કરે તો કસૂરવારોને 6 મહિનાથી લઈ 2 વર્ષ સજા તો 25 લાખ સુધીના દંડ પણ થઈ શકે છે, આથી ગ્રાહકોએ સમજી લેવાની જરૂર છે કે કાયદા મુજબ પોતે રાજા છે. આ કાયદો માત્ર મલ્ટિપ્લેક્સ સહિતનાં મનોરંજન સ્થળો પૂરતો જ લાગુ પડે છે એવું નથી. તમે ગેસ એજન્સીમાં ગેસ-કનેકશન લેવા જાઓ અને પરાણે સગડી વેચે કે પછી બાઈકના શો-રૂમમાં બાઈક ખરીદો અને પરાણે એસેસરીઝ વેચે તોપણ આજ કાયદો ગ્રાહકોનું રક્ષણ કરશે. દિવ્ય ભાસ્કરનો આ વીડિયો તમારા મોબાઈલમાં સાચવીનો રાખજો, જેથી કરીને જ્યારે પણ તમારા હકનું હનન થાય ત્યારે તમે આ વીડિયો દેખાડી તમારા હકની લડતમાં જીત મેળવી શકો.

અન્ય સમાચારો પણ છે...