ચાલુ વર્ષે સીંગતેલ, કપાસિયા તેલ, પામ તેલ સહિતનાં ખાદ્યતેલોના ભાવમાં એકધારો વધારો થઈ રહ્યો છે. સતત વધતાં ભાવના કારણે ઘરના માસિક બજેટમાં પણ મોટો તફાવત ઊભો થયો છે. દિવ્ય ભાસ્કરે ખાદ્યતેલના વેપારીઓ અને ઉત્પાદકો સાથે વાત કરી અને જાણ્યું કે ખરીદીની પેટર્નમાં થયેલા ફેરફારના કારણે લોકોને તેલના ભાવમાં થતાં વધારાની અસર વધુ દેખાય છે. અગાઉ લોકો બલ્કમાં એટલે કે એક વર્ષનું તેલ એકસાથે લઈ લેતા હતા. તેની સામે અત્યારે મહિને-મહિને અને નાના પેકિંગમાં તેલ વધુ વેચાય છે. આ રીતે ખરીદી કરવાથી ગ્રાહકોને વાર્ષિક 15-20%ની બચત થઈ શકે છે.
સીઝનની શરૂમાં ઓછા ભાવનો ફાયદો લઈ શકાય
કનેરિયા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર સુરેશ કનેરિયાએ જણાવ્યું કે, અગાઉ લોકો સયુક્ત કુટુંબમાં રહેતા હતા. ઘઉ, ચોખા અને મસાલાની જેમ આખા વર્ષ માટે તેલની ખરીદી થઈ જતી હતી. સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં સીંગતેલ સહિતના તેલીબિયાંની આવકો સારી હોય છે અને પ્રોડક્શન પણ વધારે હોય છે. આના કારણે આ ગાળામાં ખાદ્યતેલની ખરીદી ઘણી સસ્તી પડે છે. આ સમયમાં તેલના ભાવ ઘણા નીચા હોય છે એટલે સિઝનની શરૂઆતમાં મોટી ખરીદી કરવાથી ગ્રાહકોને ફાયદો થાય છે. જોકે, હવે પરિવાર અને ઘરનું કદ નાનું થયું છે એટલે વાર્ષિક ખરીદીનો ટ્રેન્ડ 10%થી પણ ઓછો છે.
નવા ક્રોપમાં તેલની ક્વોલિટી વધુ સારી હોય છે
ગુલાબ ઓઇલ એન્ડ ફૂડ્સના ડિરેક્ટર દિશીત નથવાણીએ કહ્યું કે, ઓકટોબરથી ડિસેમ્બર દરમિયાન નવા ક્રોપની આવક ઘણી સારી હોય છે અને તેની ક્વોલિટી પણ ચડિયાતી હોય છે. આ સમયગાળામાં નીકળતું તેલની ક્વોલિટી ઘણી સારી હોય છે એટલે આ ગાળામાં તેલ લેવાથી તેનો ફાયદો થાય છે. જોકે, જ્યાં સુધી ભાવની વાત છે તો તેમાં પરિસ્થિતિ મુજબ અને ડિમાન્ડ-સપ્લાયના આધારે વધઘટ થતી રહે છે. આયાતી તેલ કે અન્ય તેલના ભાવની અસર પણ બજાર ઉપર જોવા મળતી હોય છે.
ખરીદીમાં લોકો આવકનું ફેક્ટર મહત્ત્વનું
અંકુર ઓઇલના પ્રદીપ ખેતાણીએ જણાવ્યું કે, તેલની ખરીદીમાં લોકોની આવક મહત્વનું ફેક્ટર છે. મહિને રૂ. 25,000-30,000 કમતી વ્યક્તિ માટે એકસાથે ખરીદી કરવી શક્ય ન હોય નાના પેકિંગનું ચલણ વધ્યું છે. આ ઉપરાંત અગાઉ સીંગતેલ અને કપાસિયા તેલ વચ્ચે ભાવ ફેર મોટો રહેતો હતો જે અત્યારે ઘટીને માત્ર રૂ. 100-125 જેવો જ છે. ઓવરઓલ બે તેલ વચ્ચેનો ભાવ ડિફરન્સ ઘટી જવાથી લોકો હવે અલગ અલગ તેલ ખાતા થઈ ગયા છે. અગાઉ પરિવારમાં એક જ પ્રકારનું તેલ ખવાતું હતું તેના કારણે બલ્ક ખરીદી વધુ થતી હતી. જ્યારે હવે અલગ અલગ તેલ ખવાય છે એટલે નાના પેકિંગમાં વધુ ખરીદી રહે છે.
સ્થાનિક બજાર પર આયાતી તેલની મોટી અસર
ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ્સ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિયેશનના પ્રમુખ અને રાજમોતી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર સમીર શાહે કહ્યું કે, ભારત પોતાની ખાદ્યતેલની જરૂરિયાત માટે આયાતી તેલ પર વધારે નિર્ભર છે. ઇમ્પોર્ટેડ તેલના ભાવની વધઘટની અસર સ્થાનિક તેલ પર પણ જોવા મળે છે. આ વર્ષે વૈશ્વિક બજારમાં તેલના ભાવ ઊંચા હતા તેના કારણે સ્થાનિકમાં પણ ભાવ વધારો થયો છે. મલેશિયા, ઇન્ડોનેશિયામાંથી આયાત વધવાની સંભાવનાએ હવે ભાવ વધવાની સંભાવના ઓછી જણાય છે.
ચાલુ સીઝનમાં સીંગતેલમાં ડબ્બે રૂ. 800નો વધારો થયો
ગુજરાતમાં મુખ્યત્વે સીંગતેલ અને કપાસિયા તેલનું ચલણ વધારે છે. આ વર્ષે દિવાળી બાદથી જોઈએ તો 15 કિલોના સીંગતેલના ડબ્બાનો ભાવ અંદાજે રૂ. 800 જેટલો વધ્યો છે. નવેમ્બરમાં દિવાળીના અરસામાં સીંગતેલ રૂ. 2100-2150 હતું, એ અત્યારે રૂ. 2850-2950 ચાલી રહ્યું છે. એવી જ રીતે કપાસિયા તેલના ભાવ પણ અત્યારે વધીને રૂ. 2700-2750 પ્રતિ 15 કિલો ચાલી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.