નો ફિયર:સ્ટોક માર્કેટમાં ડિસ્કાઉન્ટ આવતાં નાના રોકાણકારો બ્રોકર્સ અને એડવાઇઝર્સને પૂછી રહ્યા છે "...છે કંઈ લેવા જેવું?"

અમદાવાદ20 દિવસ પહેલાલેખક: વિમુક્ત દવે
  • માર્કેટ ઘટે તોપણ રિટેલ ઈન્વેસ્ટર્સને હવે બહુ ડર લાગતો નથી
  • મ્યુચ્યુઅલ ફંડ, SIP અને સ્ટોક્સમાં દરેક ઘટાડે રોકાણ કરે છે

વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારોમાં પણ મોટું કરેક્શન આવ્યું છે. મંદીનો માહોલ આવે ત્યારે અગાઉ નાના રોકાણકારોમાં ગભરાટ ફેલાઈ જતો હતો. પરંતુ આ ટ્રેન્ડથી વિપરીત ટોપ લેવાલથી સ્ટોક માર્કેટમાં 16% જેવો ઘટાડો થયો હોવા છતાં પણ રિટેલ ઇન્વેસ્ટર્સનો ઉત્સાહ ઓછો થયો નથી. કરેક્શન આવ્યું હોવા છતાં પણ લોકો સ્ટોક બ્રોકર્સ અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સને પૂછી રહ્યા છે કે સારી કંપનીના શેર સસ્તામાં મળી રહ્યા છે તો કયા અને કેટલું રોકાણ કરવું? શેરબજાર સાથે સંકળાયેલા લોકોના કહેવા પ્રમાણે રિટેલ ઈન્વેસ્ટર્સમાં હવે માર્કેટને લઈને પહેલા જેવો ડર રહ્યો નથી. ખાસ કરીને નવી પેઢીના જે રોકાણકારો આવ્યા છે તે આવી સ્થિતિનો લાભ કેમ લઈ શકાય તે સમજે છે.

માર્કેટને પહેલાં કરતાં વધુ સારી રીતે સમજે છે
આપકા ઇન્વેસ્ટમેન્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર અને ફાઉન્ડર હિતેશ સોમાણીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ગ્લોબલ પરિબળોને કારણે બજારમાં બજારમાં કરેક્શન આવ્યું છે. રિટેલર્સના પોર્ટફોલિયો પણ ઘટયા છે પણ તેઓ અત્યારે ગભરાટમાં આવી અને વેચાણ નથી કરી રહ્યા. નાના રોકાણકારો માર્કેટને વધુ સારી રીતે સમજી રહ્યા છે અને જાણે છે કે આ સ્થિતિમાં લોંગટર્મ માટે ખરીદી કરવાથી ફાયદો વધુ છે. આ કારણથી જ રિટેલ ઈન્વેસ્ટર્સમાં કોઈ પેનિક જોવા નથી મળી રહ્યું.

દરેક ઘટાડે કટકે કટકે રોકાણ કરે છે
રાજકોટની ફોકસ્ડ ફાઇનાન્શિયલ્સના મિતેશ સોલંકી જણાવ્યું કે, બધાના મનમાં એવું ચાલી રહ્યું છે કે જેમ મંદી આવી છે તેવી જ રીતે તેજી પણ આવશે અને તેજી આવે તો તેનો લાભ લેવાનું ચૂકી ન જવાય તેના માટે અત્યારે લોકો અમને પૂછે છે કે આ લેવલે ઇન્વેસ્ટ કરાય કે નહીં? ઘણા લોકો દરેક ઘટાડે કટકે કટકે રોકાણ કરી રહ્યા છે. જે લોકો તેજીમાં પ્રોફિટ બૂક કરી અને બજારમાંથી નીકળી ગયા હોય તેમાંના ઘણા લોકો ફરીથી માર્કેટમાં એન્ટર થઈ રહ્યા છે.

નાના રોકાણકારો મેચ્યોર બન્યા
લક્ષ્મીશ્રી ઈન્વેસ્ટમેન્ટ્સ એન્ડ સ્ટોક બ્રોકિંગના વેસ્ટ ઝોનના વાઇસ-પ્રેસિડેન્ટ વિરલ મહેતાએ જણાવ્યું કે, જે રોકાણકારો પહેલાથી ઇન્વેસ્ટ કર્યું છે અને તેમાંના સ્ટોક્સ ખરીદ કિમત કરતાં નીચા આવી ગયા છે તેઓ પણ અત્યારે કોઈ ચિંતા કરતાં નથી. ઊલટું એવરેજ કરવા માટે વધારે રોકાણ કરે છે. આમ કરવાથી લાંબાગાળે સારું વળતર મળશે તે વાત અત્યારનો ઈન્વેસ્ટર્સ સારી રીતે સમજે છે. ફ્રેશ ઈન્વેસ્ટર્સ પણ માર્કેટમાં આવી રહ્યા છે. હાલની સ્થિતિમાં પણ નાના રોકાણકારો સારી સારી કંપનીઓના શેરમાં રૂ. 40,000-50,000નું રોકાણ કરવા તૈયાર છે.

ગુજરાતમાં ત્રણ મહિનામાં 5 લાખ ઈન્વેસ્ટર્સ વધ્યા
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના આંકડા પ્રમાણે ભારતમાં 10.80 કરોડ ઈન્વેસ્ટર્સ છે. જેમાંથી 10% એટલે કે 1.13 કરોડ રોકાણકાર ગુજરાતમાં આવેલા છે. મંદીના માહોલ વચ્ચે પણ ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન રોકાણકારોની સંખ્યામાં 5 લાખનો વધારો થયો છે. તેવી જ રીતે એક વર્ષના સમયમાં ગુજરાતમાં ઈન્વેસ્ટર્સની સંખ્યા 26.92 લાખ વધી છે. રોકાણકારોની સંખ્યાના મામલે ગુજરાત દેશમાં બીજા સ્થાને છે.

ચાલુ વર્ષે વિદેશી ફંડ્સની રૂ. 2 લાખ કરોડની વેચવાલી
ચાલુ કેલેન્ડર વર્ષમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વિદેશી ફંડ્સે ભારતીય શેરબજારોમાંથી રૂ. રૂ. 2.05 લાખ કરોડનો માલ વેચ્યો છે. રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ અને અમેરિકામાં વધતાં ફુગાવાના કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નીકળી રહ્યા છે તેવું જાણકારોનું કહેવું છે. જોકે તેની સામે સ્થાનિક ફંડ્સ અને રિટેલમાં ખરીદીનો ટેકો મળી રહ્યો છે તેના કારણે કરેક્શન મર્યાદિત છે. આ સમય દરમિયાન ડોમેસ્ટિક ફંડ્સની રૂ. 1.75 લાખ કરોડની ખરીદી રહી છે.

અન્ય સમાચારો પણ છે...