તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Problems Continues Since Last 5 Years For Medical Students In Gujarat, Regarding Admission, Exam & Result. Since 2015 16, NEET Made Compulsory For Medical Students, Still Today Issue Raised, How Admission Will Be Done In Medical

એક જાય ને બીજી આવે:ધો. 12માં બી ગ્રુપ રાખનારની પાંચ વર્ષથી માઠી; નીટ, પ્રોરેટા, બોન્ડની રકમમાં વધારા જેવી મુશ્કેલીઓથી વિદ્યાર્થીઓ-વાલીઓ પરેશાન

અમદાવાદ12 દિવસ પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • દર વર્ષે સર્જાતા વિવાદ અને સમસ્યાથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પરેશાન
  • વાલીઓ-વિદ્યાર્થીઓએ માંગને લઇ રસ્તા પર ઉતરી આંદોલન કરવાની ફરજ પડી

છેલ્લા પાંચ વર્ષથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમમાં સમસ્યાઓનો વિષય ઉમેરાયો હોય તેવી પરિસ્થિતિ બની ગઈ છે. ધોરણ 12 બાદ મેડિકલના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ 2015-16થી NEET પરીક્ષાના વિવાદથી શરૂ કરી હવે ચાલુ વર્ષે મેડિકલમાં કેવી રીતે પ્રવેશ મળશે? તે અંગે નવી મૂંઝવણ ઉભી થઇ છે. પાછલા 5 વર્ષથી ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ વાલીઓએ પણ કહી રહ્યાં છે, હવે આ વિવાદોથી ક્યારે છૂટકારો મળશે?
2015-16: ફરજીયાત નીટ પરીક્ષા વિવાદ
2015-16 સુધી દેશભરમાં મેડિકલમાં પ્રવેશ માટે ઓલ ઇન્ડિયા પ્રિ-મેડિકલ ટેસ્ટ (AIMPT) લેવામાં આવતી હતી. પરંતુ સુપ્રિમ કોર્ટે તે સમયે દેશભરની મેડિકલ કોલેજમાં ONE NATION-ONE EXAM પેટર્નથી મેડિકલમાં પ્રવેશ માટે નેશનલ એલીજિબલીટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) લાગુ કરી. જોકે તેની સામે ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજ્યભરમાં વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યા છતાં નીટની પરીક્ષા લેવાઇ. પહેલીવાર તે સમયે વર્ષમાં બે વાર NEETની પરીક્ષા લેવાઇ, કેમકે મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજસેટ પર પ્રવેશનો આધાર રાખી બેઠા હતા, જેના કારણે રજીસ્ટ્રેશન ન કરાવી શકનાર વિદ્યાર્થીઓ માટે બીજી વાર પરીક્ષા લેવી પડી હતી. બધાના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઇ ગયા હતા અને લડત માટે કોર્ટનો સહારો લીધો હતો. જોકે તેઓને તેમાં સફળતા મળી ન હતી. વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉંઘ હરામ થઇ ચૂકી હતી. આ આંદોલનમાં જોડાયેલ વાલી અગ્રણી નિખીલ શાહનું કહેવુ છે કે દેશભરમાં ઉગ્ર વિરોધ થવાથી આખરે વાલીઓની જીત થઇ અને તે વર્ષ પૂરતી NEET પરીક્ષામાંથી મૂક્તિ અપાઇ હતી.

વર્ષ 2016માં NEETના વિરોધમાં દેશ સહિત રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન યોજાયા હતા
વર્ષ 2016માં NEETના વિરોધમાં દેશ સહિત રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન યોજાયા હતા

2016-17: એક નહિ પરંતુ ત્રણ મુદ્દે વાલીઓએ લડવાનો વારો આવ્યો
અલગ અલગ અભ્યાસક્રમ: ગુજરાત બોર્ડ અને NCERTના અભ્યાસક્રમમાં અલગ હોવાથી તે વર્ષ માટે વિદ્યાર્થીઓને નીટ માંથી મુક્તિ આપવામાં આવે, તેની લડત ચલાવી. જોકે આ મુદ્દે વાલીઓ સફળ ન થયા, સરકારે ગુજરાતના બોર્ડના વિદ્યાર્થીઓને નીટની તૈયારી માટે પૂરક પુસ્તિકા બહાર પાડી હતી.

2016-17માં પ્રોરેટા અને NEET અંગે રાજ્યભરમાં વિરોધ જોવા મળ્યો હતો
2016-17માં પ્રોરેટા અને NEET અંગે રાજ્યભરમાં વિરોધ જોવા મળ્યો હતો

પ્રોરેટા: બીજો મુદ્દો હતો પ્રોરેટા, મતલબ કે ગુજરાત બોર્ડ અને અન્ય બોર્ડના વિદ્યાર્થીઓને મેડીકલમાં પ્રવેશ માટેનો રેશિયો. વાલીઓની માગ હતી કે, પ્રોરેટા મુજબ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ પ્રવેશમાં પ્રાધાન્ય આપવામાં આવે. પરંતુ NEET લાગુ થવાથી કોમન મેરીટ બન્યું અને વિદ્યાર્થીઓને નુકસાન થયું.

NEETમાં અંગ્રેજી-ગુજરાતી માધ્યમના પેપરમાં વિસંગતતા મામલે પણ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો
NEETમાં અંગ્રેજી-ગુજરાતી માધ્યમના પેપરમાં વિસંગતતા મામલે પણ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો

અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના પેપર: સૌથી મોટો અને અગત્યનો મુદ્દો NEET પરીક્ષામાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના પેપરનો રહ્યો. ગુજરાતી માધ્યમના વાલીઓ અને વિદ્યાર્થીઓનો દાવો હતો કે અંગ્રેજીની સરખામણીએ ગુજરાતી માધ્યમનું પેપર અઘરું હતું, જેથી વિદ્યાર્થીઓને નુકસાન થયું. જોકે આ વિવાદ બાદ ગુજરાતી સહિત અન્ય પ્રાદેશિક ભાષામાં લેવાનો નિર્ણય લેવાયો. આ આંદોલનમાં જોડાયેલા વાલી પ્રતિનિધિ મનીષ પટેલનું કહેવું છે કે પેપર અલગ હોવાથી કેટલાક વિદ્યાર્થીઓએ એક વર્ષનો બ્રેક લેવાનો વારો આવ્યો અને બીજા વર્ષે પરીક્ષા આપી. કેટલાક વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને 90 ટકા ઉપર હોવા છતાં, ફાર્મસી અને B.Scમાં પ્રવેશ લેવા મજબૂર બન્યા.

રાજ્ય સરકારે ડોમિસાઇલ મુદ્દે કોર્ટમાં વિદ્યાર્થીઓનું સમર્થન કર્યુ હતું,જેનો આભાર વયક્ત કરતા વિદ્યાર્થીઓ
રાજ્ય સરકારે ડોમિસાઇલ મુદ્દે કોર્ટમાં વિદ્યાર્થીઓનું સમર્થન કર્યુ હતું,જેનો આભાર વયક્ત કરતા વિદ્યાર્થીઓ

2017-18ઃ ડોમિસાઇલ સર્ટીફિકેટનો વિવાદ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગુજરાતના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશમાં અગ્રીમતા અપવાની માંગ સાથે આંદોલન ચલાવ્યુ. વાલીઓની માગ હતી કે જે વિદ્યાર્થી ધોરણ 10 અને 12નો અભ્યાસ ગુજરાતમાં કરેલો હોય તથા ગુજરાતમાં જન્મ્યા હોય, તેને મેડિકલના 85% સ્ટેટ ક્વોટામાં પ્રવેશમાં પ્રાધાન્ય આપવામાં આવે. ગુજરાત ડોમિસાઇલ પેરેન્ટસ એસો.ના પ્રમુખ ડો.વસંત પટેલનું કહેવુ છે કે તે સમયે રાજ્યભરમાં વિરોધ નોંધાવ્યો, સરકાર સમક્ષ રજૂઆતો કરી, હાઇકોર્ટમાં પણ આ મુદ્દો લઇ ગયા અને અંતે વાલીઓ અને વિદ્યાર્થીઓની જીત થઇ હતી.

ડોમિસાઇલ મુદ્દે વાલી પ્રતિનિધીઓએ નાયબ મુખ્યમંત્રીને મળી કરી હતી રજૂઆત
ડોમિસાઇલ મુદ્દે વાલી પ્રતિનિધીઓએ નાયબ મુખ્યમંત્રીને મળી કરી હતી રજૂઆત

2018-19 મેડિકલના વિદ્યાર્થીઓને બોન્ડનો વિવાદ
આ સમયગાળામાં વિદ્યાર્થીઓને બોન્ડને લઇ સમસ્યા ઊભી થઈ હતી. રાજ્ય સરકારે મેડિકલમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ માટે રૂ. 20 લાખનો બોન્ડ અને એક વર્ષ માટે હોસ્પિટલમાં સેવાનો નિર્ણય જાહેર કર્યો. માત્ર એટલુ જ નહિ, પરંતુ વર્ષ 2015થી તેને લાગુ કરવાનો આદેશ કર્યો. જેની સામે ભારે વિરોધ ઉભો થયો હતો. અગાઉ જ્યારે વિદ્યાર્થી મેડિકલમાં પ્રવેશ મેળવે ત્યારે સરકારી મેડીકલ કોલેજમાં પાંચ લાખના બોન્ડ અને ત્રણ વર્ષથી નોકરી જ્યારે GEMERS કૉલેજમાં બે લાખના બોન્ડ અને એક વર્ષની સેવાનું પ્રાવધાન હતું. આ નિર્ણયને વાલીઓએ અને વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં પડકાર્યો છે, જે હજુ પણ કોર્ટમાં વિચારાધીન છે.

પરીક્ષા પેટર્ન અંગેની વાલી પ્રતિનિધીઓએ સરકાર સમક્ષ કરી હતી રજૂઆત
પરીક્ષા પેટર્ન અંગેની વાલી પ્રતિનિધીઓએ સરકાર સમક્ષ કરી હતી રજૂઆત

2019-20ઃ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા પેટર્નને લઇ વિરોધ
સતત ચોથા વર્ષે મેડિકલના વિદ્યાર્થીઓ માટે પરેશાની યથાવત રહી. આ વર્ષે બાબત હતી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા પદ્ધતિમાં બદલાવ. રાજ્ય સરકારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડ પરીક્ષા પદ્ધતી વર્ણનાત્મક પ્રકારના સવાલ આધારિત કરી. જેની સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો,શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રીને રજૂઆતો પણ કરવામાં આવી. આ બાબતે વાલી પ્રતિનિધી હેમાંગી મહેતાનું કહેવુ છે કે, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા MCQ આધારિત હતી, તો ગુજરાત બોર્ડમાં વર્ણનાત્મક પેટર્ન કેમ? વાલીઓના વિરોધ અને રજૂઆતો બાદ અંતે શિક્ષણ વિભાગે જૂની પદ્ધતિ એટલે કે 50% MCQ અને 50% વર્ણનાત્મક પ્રકારના સવાલો આધારે પરીક્ષા લેવાનો નિર્ણય લીધો.
2020-21ઃ પરીક્ષા રદ થતા મેડિકલમાં કેમ થશે પ્રવશે ?
ચાલુ વર્ષે ગુજરાત સરકારે પહેલા બોર્ડની પરીક્ષાની રદ્દ કરી કરવામાં આવી, જેના કારણે સૌના મનમાં સવાલ છે, કે કોલેજમાં પ્રવેશ કેવી રીતે મળશે? તેમાય ખાસ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મેડિકલમાં પ્રવેશ માટે બોર્ડ પરીક્ષામાં 50% સાથે નીટ પરીક્ષાના પરિણામના આધારે પ્રવેશ આપવામાં આવે છે. એક તરફ પરીક્ષા રદ, તો બીજી તરફ NEETની પરીક્ષા અંગે અનિશ્ચિતતા છે. શિક્ષણવિદ પુલ્કિત ઓઝાનું કહેવુ છે કે, આ વખતે વિદ્યાર્થીઓ પરીક્ષા, પ્રવેશને લઇ ચિંતીત છે. હાલની સ્થિતીમાં નીટ સિવાય જો અન્ય ફોર્મ્યુલાથી મેડિકલ કે અન્ય બ્રાન્ચમાં પ્રવેશ અપાશે, તો અન્યાય થવાની શક્યતાઓ છે, આ મુદ્દો વિવાદનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...