ભાસ્કર એક્સક્લૂસિવકેવી હોય છે સાઇકો વ્યક્તિઓ?:તમારી આસપાસના ‘આફતાબ’ને આ રીતે ઓળખો, આફતાબે ક્ષણિક આવેગથી નહીં પણ ઠંડા કલેજે કરી શ્રદ્ધાની હત્યા

અમદાવાદ13 દિવસ પહેલાલેખક: સારથી એમ.સાગર

દિલ્હીમાં શ્રદ્ધા વોકરની પ્રેમી આફતાબ દ્વારા હત્યા કરાયા બાદ તેના મૃતદેહનો ખૂબ જ ખરાબ રીતે નિકાલ કરવાની ઘટના બહાર આવી છે. તેણે આખા દેશના લોકોના દિમાગ પર અસર કરી છે. ચારેતરફ એ કેસની ચર્ચા થઈ રહી છે. આજના ભાગદોડના સમયમાં એક રીતે જોવા જઈએ તો બાળકો પોતાની રીતે જ મોટાં થઈ રહ્યાં છે. આધુનિકતાના માહોલમાં તેઓ પોતે સ્વતંત્ર રીતે તમામ નિર્ણયો લેવા સક્ષમ હોવાની વાતો પણ કરે છે. આવી સ્થિતમાં ક્યારેક ન બનવાની ઘટનાઓ પણ બની જતી હોય છે. ત્યારે દિવ્ય ભાસ્કરે આસપાસમાં કોઈ સાઇકોપેથિક વ્યક્તિઓ હોય તો તેમની માનસિકતા શું હોય છે, તેમને કેવી રીતે ઓળખી શકાય, ઓળખ્યા પછી શું કરવું અને બાળકો સાઇકોપેથિક બને જ નહીં એ માટે પણ શું કરવું એ વિશે સિનિયર સાઇકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી સાથે વાત કરી હતી. તેમણે આવા સાઇકોપેથ વિશે ઊંડાણપૂર્વક જણાવ્યું હતું.

કોણ હોય છે સાઇકોપેથ વ્યક્તિ?
ડૉ. પ્રશાંત ભીમાણી કહે છે, આફતાબ અને શ્રદ્ધાની જે ઘટના બની છે એમાં શ્રદ્ધાના 35 ટુકડા કરીને ફ્રિજમાં રાખી મૂકવા છતાં એ વ્યક્તિ બધું જ કરતો હતો. આરામથી ફરતો હતો અને અન્ય ગર્લફ્રેન્ડ્ઝને પણ ઘરે બોલાવતો હતો. એ નિંદનીય તો છે. આ ગુનો કરનાર છોકરાને સાઇકોપેથ કે સોશિયોપેથિક વ્યક્તિ કહી શકાય. સાઇકોપેથ એટલે એવી વ્યક્તિ, જે એવું વિકૃત વર્તન કરતો હોય, જેમાં હિંસા હોય અને બીજાને નુકસાન પહોંચાડતો હોય, પણ બહારથી એકદમ નૉર્મલ લાગે. આવા લોકોને સમાજ પ્રત્યે ખૂબ ફરિયાદો હોય છે અથવા કોઈ વ્યક્તિને પોતાની જ કરી લેવાની વૃત્તિ હોય છે. એકઝેટ, આવો ન કહી શકાય, પણ ફેનિલ અને ગ્રીષ્માનો પણ આવો જ કિસ્સો હતો. તમે જેને પ્રેમ કરતા હોવ તેને તમે નુકસાન કેવી રીતે પહોંચાડી શકો? આ બે વિરોધી વાતો આ બે વ્યક્તિત્વમાં દેખાય છે, જેથી એને સોશિયોપેથિક પર્સનાલિટી કહી શકાય.

સાઇકોપેથને કઈ રીતે ઓળખી શકાય?
તેમને ઓળખવા બહુ અઘરું છે, કારણ કે બહારથી એ લોકો તમને બીજા બધા માણસો જેવા જ લાગે, પણ જે વ્યક્તિને એ નુકસાન પહોંચાડે છે તેને ચોક્કસ આ ખબર પડતી હોય છે. તે વ્યક્તિએ બહાર આવીને બીજાને આ વિશે કહેવું ખૂબ જરૂરી છે, જેથી આવા સાઇકોપથને વહેલા ઓળખી શકાય. ઘણીવાર આવા લોકો ઉચ્ચ હોદ્દા પર હોય છે, ઘણા સરસ કામ કરતા હોય છે, કેટલીક વાર મોટા આર્ટિસ્ટ, બુદ્ધિશાળી અથવા સાવ અભણ પણ હોઈ શકે. સીધી રીતે તે ઓળખાય નહીં, પણ તેમના બાળપણની તપાસ કરવામાં આવે તો તેમનું બાળપણ ચોક્કસપણે ઝઘડાવાળું હોય, માતાપિતા વચ્ચે હિંસાત્મક વર્તન થયેલું હોય, એકબીજાને મારતાં હોય એવું જોયું હોય, આસપાસના લોકોમાં પણ આવું જોયું હોય એવું બનેલું હોય છે. મોટે ભાગે તૂટેલા કુટુંબનું આ બાળક હોય છે અથવા જ્યાં હિંસા વધુ હોય એવા કુટુંબમાં આવું બાળક ઊછર્યું હોય છે. એ પોસ્ટ ઇફેક્ટ એનાલિસિસ પરથી ખબર પડી શકે છે.

છોકરીને કઈ રીતે ખબર પડે કે પ્રેમી સાઇકોપેથ છે?
કોઈપણ છોકરીએ કોઈપણ છોકરો તેના પર હાથ ઉપાડે એટલે સૌથી પહેલાં માતાપિતા અથવા નજીકની વ્યક્તિને જાણ કરવી જોઈએ, જો એ વ્યક્તિ પ્રેમ કરે છે તો એ આવું કરે જ નહીં. જો કોઈપણ રીતે સતત હેરાન કરે, પોતાનો કંટ્રોલ બતાવે તો એ સાઇકોપેથ જોઈ શકે. ડાર્લિંગ ફિલ્મમાં પણ આ ઘટના બતાવે છે. આલિયા ભટ્ટ પર તેનો પતિ આક્રમકતા બતાવે, પાછો પ્રેમ બતાવે, ગુસ્સો બતાવે, મારે, પાછો પ્રેમ બતાવે. એમ એને ટૉર્ચર કરે. આ પ્રકારનું વર્તન પહેલી જ વખત થાય ત્યારે તેને ઓળખીને છોકરીએ તેનાં માતાપિતા કે બીજા કોઈને કહી દેવું જોઈએ. જો સમાજની બીકે અંદર મનમાં જ રાખો છો તો ચોક્કસપણે ભોગ બની શકો છો અથવા મૃત્યુ સુધી પણ વાત પહોંચી જાય.

આવા લોકો તરત ઓળખાતા નથી તો કોઈના પર ભરોસો જ ન કરવો?
આવી વ્યક્તિનાં લક્ષણોનાં સિગ્નલ પછી મળે. ધારો કે તે પ્રેમ બતાવે અને બીજી સેકંડે નુકસાન કે હેરાન કરે, એટલે કે વિચિત્ર અને અનપ્રિડિક્ટેબલ વર્તન થાય ત્યારે વ્યક્તિને ઓળખી શકાય, પણ હાલતો-ચાલતો માણસ હોય, તેને સાઇકોપેથ કે સોશિયોપેથ તરીકે ન ઓળખી શકાય. સાથે રહે અને તમારી સાથે જે વર્તન કરે એ પરથી ઓળખી શકાય.

આ ઘટનામાં ક્ષણિક આવેગ હોય છે કે મેન્ટાલિટી જ આવી હોય છે?
ના, એ ક્ષણિક આવેગ નથી. એ લોકોની મેન્ટાલિટી જ એ પ્રકારની હોય છે. એ બહુ ઠંડા કલેજે આખું પ્લાનિંગ કરે છે. આફતાબે ટુકડા મૂકવા માટે ફ્રિજ ખરીદ્યું એ બધું પ્લાનિંગ છે. ક્ષણિક આવેગ હોય તો તેને પસ્તાવો હોય. આ ઘટનામાં તેને કોઈ પસ્તાવો જ નથી. એ જ દર્શાવે છે કે સાઇકોપેથિક વ્યક્તિ દ્વારા કોલ્ડ બલ્ડેડ પ્લાનિંગ સાથે થયેલું મર્ડર છે.

ગુનો કર્યા બાદ પણ આટલી ક્રૂરતાની હદે જવું એ શું સૂચવે છે?
એ વિકૃતિ જ છે. પહેલાં એવું હોય કે ગુનાથી બચવા માટે ડેડબોડીનો નિકાલ કરવા પ્લાસ્ટિકની કોથળી ખરીદી ટુકડા કરીને મૂકે તો એને સરળતાથી નિકાલ કરી શકે એવું તે માનતો હશે. બીજું, વાસ ન આવે એ માટે ઘરમાં અગરબત્તી કરતો હતો. આ બધું જ એ સૂચવે છે કે એ જાણતો હતો કે એની કેટલી કેવી અસરો થઈ શકે અને એમાંથી તેણે કઈ રીતે બચવાનું છે. તેને મારી નાખ્યા બાદ પણ તેનો પસ્તાવો શૂન્ય છે. આ માનસિકતા તેની મનોવિકૃતિ બતાવે છે. તેનામાં હ્યુમનિટીનું કોઈ અસ્તિત્વ જ નથી, એ ક્લિયરલી દેખાઈ આવે છે.

આવી વ્યક્તિ કોઈને પણ મારે કે કમ્ફર્ટેબલિટી જોઈને મારે?
ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે સિરિયલ કિલર હોય તો અજાણ્યા લોકોને મારે, પણ અમુક પ્રકારના કિલર પહેલાં ઘરોબો કેળવે, નજીક જાય, વિશ્વાસ હાંસલ કરે, પછી તેની સાથે આવું વર્તન કરે છે. બની શકે તે તેને પ્રેમ પણ કરતો હોય અને તેની વાત કે વર્તનથી ગુસ્સો પણ આવતો હોય. એ ગુસ્સાને અભિવ્યક્ત કરવા માટે તે વ્યક્તિ આવું કરતી હોય એ પણ જોવા મળે છે. અમુક કિસ્સામાં સામાન્ય કક્ષાએ આવું જોવા મળે. તીવ્ર કિસ્સાઓમાં એ મારી શકે એવું પણ બને.

ગુનો કર્યા પહેલાં અને પછી તેમની માનસિક સ્થિતિ શી હોય છે?
ગુનો કર્યા પહેલાં તેમને ગુસ્સો-રોષ બહુ હોય છે, પરંતુ ગુનો કર્યા પછી તેમને ફક્ત બચવાની વાત હોય છે. પસ્તાવાની વાત મોટે ભાગે જોવા મળતી નથી. કદાચ અંદરથી એક પ્રકારની વિકૃતિ- સેડીસ્ટિક (બીજાઓ પ્રત્યે ક્રૂરતામાં જાતીય આનંદ માણનાર વ્યક્તિ) રાહત ફીલ કરતા હોય એવું હોઈ શકે.

પરિવારમાં જ કોઈ આવું હોય તો તેને કઈ રીતે ઓળખવા?
ઘરમાં નાનું બાળક જો બહુ જ જીદ કે મારામારી કરતું હોય તો સૌ પહેલા માતાપિતાએ પોતાના પર કંટ્રોલ કરવો. પછી બાળકને કાઉન્સેલિંગ માટે લઈ જવું જોઈએ. તો ભવિષ્યમાં બાળક આવું બનતાં અટકી જાય. પરિવારે ધ્યાનમાં રાખવું કે ઘરમાં બાળક હિંસાત્મક વલણ રાખતું હોય તો તેને તે કેળવણીના ભાગરૂપે સમજાવવું અને શિખવાડવું ખૂબ જરૂરી છે કે હિંસા ક્યારેય સ્વીકાર્ય નથી. ભલે એ ગમે તે વ્યક્તિ સાથે કરવામાં આવે.
આફતાબના જ પરિવારને તેના વર્તન વિશે કઈ રીતે ખબર પડી શકી હોત?
એ વાત કરતો હોય. તે વર્તણૂકથી બતાવતો હોય, વાતવાતમાં કહે કે હું આને નહીં છોડું, આને મારી નાખીશ, આ પ્રકારનું વર્તન કરે એવું બની શકે.

મારી નાખ્યા બાદ પણ એ શ્રદ્ધાનો ચહેરો કેમ જોતો હતો?
એ વિશે એવું અનુમાન કરી શકાય કે જો મેં તને કહ્યું હતું ને કે હું તને નહીં છોડું. તું માની નહીં, એટલે મેં તારી સાથે આવું કર્યું. પોતાના મનમાં જ આવા બધા ડાયલોગ્સ બોલતો હોય એવું બની શકે. અગેઇન આ વિકૃત વર્તન જ છે.

છોકરીઓએ પરિવારની વાત માનવી જ જોઈએ?
છોકરીઓએ પરિવારની વાત માનવી ના માનવી એના કરતાં પરિવાર સાથે સંવાદ જાળવી રાખવો ખૂબ જરૂરી છે. છોકરીઓએ પોતાની સેફટી તો જોવી જ જોઈએ. એ સાથે કોઈપણ વ્યક્તિ લગ્નમાં કે એનું બહાનું આપીને, કોઈ લિવ-ઇનમાં રહેતું હોય કે રિલેશનશિપમાં હોય અને જો હેરાન કરે તો તેની સામે સેફટી માટે પોતાની કોઈ વ્યક્તિને આ વાત કહી દો એ ખૂબ જરૂરી છે. માતા-પિતા વેલવિશર છે. તમારા વિશે સારું જ વિચારવાનાં છે. તેમને બીક રાખ્યા વગર કહી દો. ઘરનો વિરોધ કરી, બળવો કરી, ક્યાંક ભાગી ગયા બાદ કંઈપણ થાય તો જોઈ લઈશું, આ માનસિકતા હોય તો એનું રિઝલ્ટ કંઈપણ આવી શકે. કોઈ વ્યક્તિ આવું કઈ કરતી હોય તો કોઈને વાત કરો.

આવી ઘટના છોકરીઓ સાથે જ બને કે કોઈની પણ સાથે બને?
કોઈપણ વ્યક્તિ સાથે આવી ઘટના બની શકે છે. સાઇકોપેથ માણસો કોઈને પણ મારી શકે. તેમને લાગે કે આને મારવો છે તો તેને મારી શકે છે. ઘણા બુદ્ધિશાળી લોકો પણ હોય અને અભણ લોકો પણ હોય છે. આમાં કોઈ ધારાધોરણ નથી. કોઈપણ વ્યક્તિ, જેમાં વિકૃતિ હોય તે આવું કરી શકે.

અન્ય સમાચારો પણ છે...