એક સમયે મુંબઈના ટોપ ક્રાઇમ રિપોર્ટર હતા સંજય રાઉત:દાઉદ ઈબ્રાહિમને પણ ધમકાવી ચૂક્યા છે, 29 વર્ષની ઉંમરે એડિટર બન્યા હતા

7 દિવસ પહેલાલેખક: આશીષ રાય

એક હજાર કરોડથી વધુના પાત્રા ચોલ કોભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ મામલામાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની ધરપકડ થઈ છે. ધરપકડ કરતાં પહેલાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ત્રણે ટીમે તેમનાં ત્રણે ઠેકાણાં પર પણ રેડ કરી હતી. રાઉતની તેમના મૈત્રી બંગલામાંથી અટકાયત કરવામાં આવી અને EDની ઓફિસે લાવીને 8 કલાક સુધી પૂછપરછ કરવામાં આવ્યા પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. રાઉત આજે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું નામ છે, જોકે 80ના દાયકામાં તેઓ મુંબઈમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરતા હતા.

લોકપ્રભા પત્રિકામાંથી કરિયરની શરૂઆત કરનાર સંજય રાઉતને અન્ડરવર્લ્ડ રિપોર્ટિંગના એક્સપર્ટ માનવામાં આવતા હતા. દાઉદ ઈબ્રાહિમ, છોટા રાજન અને અન્ડરવર્લ્ડ પર લખવામાં આવેલા તેમના રિપોર્ટ્સની મુંબઈમાં ખૂબ ચર્ચા થતી હતી. રિપોર્ટિંગની દુનિયામાં રાઉતનું નામ મોટું થતું ગયું અને તેઓ બાળાસાહેબ ઠાકરેની નજરમાં આવી ગયા.

રાઉતની માતોશ્રી પર અવર-જવર વધી ગઈ અને શિવસેના પ્રમુખે 29 વર્ષના રાઉતને શિવસેનાના મુખપત્ર 'સામના'ના કાર્યકારી સંપાદક બનાવવાની ઓફર કરી. શિવસેના-પ્રમુખની આ ઓફરને રાઉતે ઠૂકરાવી શક્યા નહોતા અને છેલ્લાં લગભગ 30 વર્ષથી તેઓ એના કાર્યકારી સંપાદક છે.

બાળાસાહેબના ગયા પછી તેઓ ઉદ્ધવ ઠાકરેની નજીક આવ્યા હતા. 2019માં જે રીતે ઉદ્ધવે કોંગ્રેસ અને NCPની સાથે મળીને સરકાર બનાવી એ પછીથી તેમની શિવસેનાના થિન્ક ટેન્ક તરીકે ગણતરી થવા લાગી.

રાઉતે પોતે સ્વીકાર્યું હતું કે મેં દાઉદને જોયો છે
રાઉત માટે કહેવામાં આવે છે કે તેઓ ક્રાઈમ રિપોર્ટર હોવા છતાં ક્યારેય પોલીસચોકીમાં ગયા નથી. આ સિવાય તેઓ કોઈ સમાચારને લઈને કોઈ પોલીસ અધિકારીને પણ મળ્યા નથી. ક્રાઈમ રિપોર્ટિંગ કરનાર રાઉતના સમાચારના સૂત્ર હતા દાઉદ.

ચર્ચા એવી પણ છે કે દાઉદ ઈબ્રાહિમ ઘણી વખત સંજય રાઉતને સમાચાર આપવા માટે એક્સપ્રેસ ટાવર આવતા હતા. બંને અહીં કેન્ટીનમાં બેસીને વાતચીત કરતા હતા. આ વાત 1993ના બ્લાસ્ટમાં તેનું નામ આવ્યું એનાં વર્ષો પહેલાંની છે.

16 જાન્યુઆરી 2020માં પુણેના એક કાર્યક્રમમાં સંજય રાઉતે પોતે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે દાઉદ સાથે તેમની મુલાકાત થઈ હતી. તેમણે કહ્યું હતું કે દાઉદ ઈબ્રાહિમને મેં જોયો હતો, તેની સાથે વાત પણ કરી છે.

બાળાસાહેબનો અવાજ બન્યા સંજય રાઉત
સામના સાથે જોડાયા પછી સંજય રાઉતે ન્યૂઝપેપેરમાં ઘણા ફેરફાર કર્યા છે. એડિટોરિયલમાં એવી વાતો છપાવવા લાગી, જે શિવસેનાની વિચારધારા સાથે જોડાયેલી હતી અને ધીરે-ધીરે આ ન્યૂઝપેપર બાળાસાહેબ ઠાકરેનો અવાજ બની ગયું.

તેઓ એડિટોરિયલ પણ બાળ ઠાકરેની શૈલીમાં લખવા લાગ્યા, જોકે એ વાંચ્યા પછી લોકો સમજતા હતા કે એને બાળ ઠાકરે જ લખી રહ્યા છે. સામનામાં આ પ્રયોગ ખૂબ જ લોકપ્રિય થયો અને આજે પણ ન્યૂઝપેપરના એડિટોરિયલને શિવસેનાનું ઓફિશિયલ વર્ઝન માનવામાં આવે છે.

બાળ ઠાકરેએ કરાવી રાજકારણમાં એન્ટ્રી
સામના સાથે જોડાયા પછી રાઉત બાળાસાહેબના ખૂબ જ નજીકના માણસ બની ગયા. પછી ધીરે-ધીરે તેઓ શિવસેનાની અંદરના પોલિટિક્સનો હિસ્સો બની ગયા. જોકે આંબેડકર કોલેજમાંથી B.Techનો અભ્યાસ કરનાર રાઉત વિદ્યાર્થી જીવનથી જ શિવસેનાના સ્ટુડન્ટ યુનિટમાં સક્રિય હતા.

મહાવિકાસ આઘાડીના નિર્માણમાં રાઉતની મોટી ભૂમિકા
રાઉત બીજી વખત 2010, પછી 2016માં અને હાલ 2022માં સતત શિવસેના તરફથી રાજ્યસભાના સાંસદ છે. સતત ચાર વખત સાંસદ રહી ચૂકેલા સંજ્ય સક્રિય રીતે 2019ના વિધાનસભાની ચૂંટણીઓ પછી એક્ટિવ થયા. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે મહારાષ્ટ્ર વિકાસ આઘાડી, એટલે કે શિવસેના, કોંગ્રેસ અને NCPની સંયુક્ત સરકાર બનાવવામાં સંજય રાઉતનો મોટો હાથ હતો.

બળવાખોરી પછી પણ ન છોડ્યો ઉદ્ધવ ઠાકરેનો સાથ
રાઉતને માતોશ્રી, એટલે કે ઠાકરે પરિવારની ખૂબ જ નજીકના ગણવામાં આવે છે. શિવસેનામાં થયેલી બળવાખોરી પછી પણ રાઉતે ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડ્યો નહોતો અને તેમની તરફથી મોરચો સંભાળી રાખ્યો હતો. તેઓ નીડર થઈને પોતાની વાત રજૂ કરતા રહ્યા અને શિંદેની સાથે ગયેલા 40 ધારાસભ્યને સતત પોતાની તરફ લાવવાનો પ્રયત્ન કરતા રહ્યા.

અન્ય સમાચારો પણ છે...