• Gujarati News
  • Dvb original
  • Shanaya Patel From Ahmedabad Will Do Research For Oral Cancer Testing With Saliva Samples, If The Experiment Is Successful, You Will Get Rid Of The Hassle Of Biopsy

સંશોધન:લાળના સેમ્પ્પલથી મોઢાના કેન્સરના ટેસ્ટિંગ માટે અમદાવાદની સ્કોલર કરશે રિસર્ચ, પ્રયોગ સફળ થાય તો વારંવાર બાયોપ્સીની ઝંઝટમાંથી મળશે છુટકારો

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સફળતા મળે તો 1-2 દિવસમાં ઓરલ કેન્સરનું ડિટેક્શન થઈ શકશે
  • ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી વિભાગ તરફથી શનાયા પટેલને રૂ. 1.7 કરોડની સહાય મળશે

કેન્સર અને એનો ઇલાજ મેડિકલક્ષેત્રે સૌથી મોટો પડકાર માનવામાં આવે છે, એવામાં ઓરલ કેન્સરને લઈને અમદાવાદના રિસર્ચ એસોસિયેટે એક મહત્ત્વપૂર્ણ સંશોધન તરફ કાર્યવાહી હાથ ધરી છે. આગામી દિવસોમાં માત્ર વ્યક્તિના થૂંક કે લાળના આધારે જ ઓરલ કેન્સર ડિટેક્ટ થાય તો નવાઇ નહિ. આ માટે અમદાવાદ યુનિવર્સિટીનાં શનાયા પટેલ અને પ્રો. વિવેક તનાવડે અમેરિકાની હોસ્પિટલના સહયોગથી એ દિશામાં સંશોધન શરૂ કર્યું છે. જો આ પ્રયોગ સફળ થાય તો અવારનવાર બાયોપ્સી કરવાની જરૂર નહિ પડે અને ઘેરબેઠાં જ સરળતાથી સેમ્પલ આપી શકશે અને ઓરલ કેન્સરનું ડિટેક્શન થઈ શકશે.

અમદાવાદ GCRIમાં 3 વર્ષમાં ઓરલ કેન્સરના નોંધાયેલા કેસ

વર્ષકેસ
20183893
20193621
20202212

લાળના આધારે સેમ્પલિંગનો વિશ્વનો સૌપ્રથમ પ્રયોગ
વ્યક્તિના થૂંક કે લાળના સેમ્પલ લઇ એને પ્રોસેસ કરી તેને કેન્સર છે કે નહિ એ અંગે સચોટ માહિતી આપી શકે એ માટે શનાયા પટેલ અને પ્રોફેસર વિવેક તનાવડે ઓરલ કેન્સરના ટેસ્ટિંગ માટેની પદ્ધતિ વિકસાવવા માટે કામ કરી રહ્યાં છે. વિવેક તનાવડેનું કહેવું છે કે વ્યક્તિના થૂંકમાં cfDNAનું એલિમેન્ટ હોય છે, જેના થકી વ્યક્તિને કેન્સરની ગાંઠ છે કે નહિ એ બાબતની વિગતો મેળવી શકાય છે. જોકે હાલ સંશોધન શરૂઆત કરવા જઇ રહ્યા છે, જેથી એ કહેવું મુશ્કેલ છે કે કયા માધ્યમ કે ડિવાઇસ થકી આ સેમ્પલનું પ્રોસેસ થશે, જોકે કરવાથી 1-2 દિવસમાં ઓરલ કેન્સરનું ડિટેક્શન થઈ શકશે અને સારવાર ઝડપી બનશે.

રિસર્ચ સ્કોલર શનાયા પટેલ.
રિસર્ચ સ્કોલર શનાયા પટેલ.

અમેરિકાની જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીની મદદથી હાથ ધરાશે સંશોધન
અમેરિકાની જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં હાલ ઓરલ સિવાય અન્ય કેન્સરનાં ડિટેક્શન માટે લિક્લિડ બાયોપ્સી પદ્ધતિ અંગે રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. જેથી યુનિવર્સિટીના હોસ્પિટલ તજજ્ઞોની મદદથી ઓરલ કેન્સરને સરળતાથી ડિટેક્ટ કરવાની નવી ટેક્નોલોજી વિકસાવાનો પ્રયાસ કરવામાં આવશે. આ માટે અમદાવાદની HCG હોસ્પિટલની પણ મદદ લેવાશે, જેમાં હોસ્પિટલ સ્થાનિક ઓરલ કેન્સરના દર્દીઓ અંગેની વિગતો રિસર્ચ માટે પૂરી પાડશે અને ઓરલ કેન્સર દર્દીનાં સેમ્પલ પણ પૂરાં પાડશે.

પ્રો. વિવેક તનાવડે.
પ્રો. વિવેક તનાવડે.

ગુજરાતમાં એકમાત્ર અને ફેલોશિપ મેળવનાર પહેલી રિસર્ચ સ્કોલર
શનાયા પટેલને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી (DBT) તરફથી રિસર્ચ માટે ફેલોશિપ મળી છે. UKના વેલકમ ટ્રસ્ટ અને DBT સાથેના જોડાણના આધારે સ્કોલરને હેલ્થ અને બાયોમેડિકલક્ષેત્રે સંશોધન માટે આર્થિક મદદ કરતું હોય છે. આ વર્ષે આ ફેલોશિપ દેશમાંથી માત્ર 10 લોકોને મળી છે, જેમાં શનાયા પટેલ એકમાત્ર અને ગુજરાતનાં પહેલાં સ્કોલર છે. આ ફેલોશિપની વિશેષતા એ છે કે મહિને સ્ટાઇપેન્ડની સાથે રિસર્ચની કામગીરી માટે પણ અલગથી ફંડ મળે છે. એ માટે શાનાયા પટેલેને 1.7 કરોડની આર્થિક સહાય મળશે. શનાયાએ પોતે કેન્સર બાબતે કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી Phdનો અભ્યાસ કર્યો છે.

અમદાવાદ યુનિ.ની લેબમાં સંશોધન અંગે કામ કરી રહેલાં શનાયા પટેલ અને વિવેક તનાવડે.
અમદાવાદ યુનિ.ની લેબમાં સંશોધન અંગે કામ કરી રહેલાં શનાયા પટેલ અને વિવેક તનાવડે.

ઘેરબેઠાં જ આપી શકાશે ઓરલ કેન્સર માટે સેમ્પલ
હાલ ઓરલ કેન્સરને જાણવા માટે વ્યક્તિના ચહેરા પર કાપ મૂકીને તેની માંસપેશી લેવામાં આવે છે, જેને બાયોપ્સી માટે મોકલવામાં આવે છે. લેબમાં એનું ટેસ્ટિંગ થયા બાદ જ એ કેન્સરની ગાંઠ છે કે કેમ એ અંગે જાણી શકાય છે. શનાયા પટેલનું કહેવું છે કે જ્યારે આ રોગના દર્દીઓ સારવાર માટે પહોંચે છે, ત્યારે વિલંબ થઇ જાય છે અને કેન્સરના બીજા કે ત્રીજા સ્ટેજ પર પહોંચી જાય છે. જોકે તેઓ જે પદ્ધતિ અંગે કામ કરી રહ્યા છે એમાં વ્યક્તિ સામાન્ય લક્ષણો જણાતાં જ ટેસ્ટિંગ કરાવતા, વહેલી તકે ટેક્શન અને નિદાન પણ શક્ય બની શકે છે. સૌથી મોટી વાત એ છે કે દર્દીએ સેમ્પલ માટે હોસ્પિટલ આવવાની પણ ફરજ નહિ પડે, ઘેરબેઠાં જ સેમ્પલ મોકલી શકશે. નવી પદ્ધતિના ખર્ચ અંગે હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે, હાલ તેઓ માત્ર સિસ્ટમ ડેવલપ કરવા પર ધ્યાન આપી રહ્યાં છે.

HCG કેન્સર સેન્ટરના ડિરેક્ટર ડો.કૌસ્તુભ પટેલ.
HCG કેન્સર સેન્ટરના ડિરેક્ટર ડો.કૌસ્તુભ પટેલ.

પ્રયોગ સફળ થાય તો હેલ્થ સેક્ટરમાં મોટી ઉપલબ્ધિ
HCG હોસ્પિટલના ડો. કૌસ્તુભ પટેલનું કહેવું છે કે દર વર્ષે દેશમાં અંદાજે 3-4 લાખ ઓરલ કેન્સરના કિસ્સા મળી આવે છે. મુખ્યત્વે ઓરલ કેન્સરનું કારણ, તમાકુનું સેવન, વાંકાચૂંકા દાંત, વારંવાર ચાંદી પડતી હોય, હ્યુમન પેપીલોમા વાઇરસ છે. ઓરલ કેન્સર જો સ્ટેજ 3-4માં હોય તો દર્દીમાં મોતનું જોખમ 50 ટકા રહેલું છે. જો આ પ્રયોગ સફળ થાય છે તો દુનિયામાં હેલ્થ સેક્ટરમાં સૌથી મોટી ઉપલબ્ધિ સાબિત થશે. ઉપરાંત ઓરલ કેન્સરના દર્દીઓએ વારંવાર બાયોપ્સી કરવાની જરૂર પણ નહિ રહે, જો સલાઇવાનો રિપોર્ટ નેગેટિવ આવે તો આગળની પ્રક્રિયા કરવાની જરૂર નહિ રહે, દર્દીનો મોટો ખર્ચ પણ બચશે.

અન્ય સમાચારો પણ છે...