તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Sensex Gained 15 Per Cent In First Wave Of Corona But Limited The Bull Run On 4 Per Cent In Second Wave

સ્ટોક માર્કેટ:કોરોનાની પહેલી લહેરમાં આખલાની 15%ની તેજી, પણ બીજી લહેરમાં માત્ર 4% પર હાંફી ગયો, FII અને DIIની એપ્રિલ-મે 2021માં 5 લાખ કરોડથી વધુની વેચવાલી

અમદાવાદ12 દિવસ પહેલાલેખક: વિમુક્ત દવે
  • ગત વર્ષે ઇન્સ્ટિટ્યુશનની ભારે લેવાલી સામે આ વર્ષે વેચવાલીનું પ્રેશર વધુ રહ્યું
  • 2020માં તેજીની કમાન લાર્જકેપ શેર્સના હાથમાં રહી, આ વર્ષે મિડકેપમાં લેવાલીનું જોર

કોરોનાએ દેશના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ સ્ટોક માર્કેટ એમાંથી બાકાત રહ્યું હતું. ગત વર્ષે એપ્રિલ અને મે મહિનામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો, પણ એની સામે ભારતીય શેર બજારમાં તેજીનો પવન ફૂંકાઈ રહ્યો હતો. એની સામે આ વર્ષે બજારમાં મર્યાદિત તેજી રહી છે. દિવ્ય ભાસ્કરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સના આંકનું એનાલિસિસ કર્યું તો જાણવા મળ્યું કે આ બે મહિના દરમિયાન 2020માં સેન્સેક્સ 15% જેવો વધ્યો હતો, જ્યારે 2021માં માત્ર 4% જેવો સુધારો જોવા મળ્યો છે. આ બાબતે સ્ટોક માર્કેટ એનાલિસ્ટ્સનું માનવું છે કે ગત વર્ષે માર્કેટ ઘણું જ નીચું હતું, જેને કારણે તમામ પ્રકારના રોકાણકારો તરફથી ઇન્વેસ્ટમેન્ટ થયું હતું. બીજી તરફ આ વર્ષે માર્કેટ ઘણું ઉપર ચાલે છે અને ઇન્વેસ્ટમેન્ટ ફ્લો પણ ધીમો પડ્યો છે, એને કારણે આ બે મહિનામાં શેરબજારમાં મર્યાદિત ગ્રોથ રહ્યો છે.

બીજી લહેરમાં FIIની વેચવાલી વધુ રહી છે
લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સિક્યુરિટીઝના જણાવ્યા મુજબ એપ્રિલ અને મે 2020 દરમિયાન ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FII) અને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII)ની કુલ રૂ. 441,058.11 કરોડની ખરીદી કરી હતી. તેની સામે રૂ. 420,175.93 કરોડની વેચવાલી હતી. તેની સરખામણીમાં આ વર્ષે એપ્રિલ-મેમાં FII અને DIIની રૂ. 504,201.38 કરોડની ખરીદી હતી અને રૂ. 508,829.04 કરોડનું વેચાણ કર્યું હતું. જોકે, FIIની વેચવાલી વધુ રહી છે સામે DII હજુ પણ ખરીદીમાં છે.

ગત વર્ષે માર્કેટને નીચલી સપાટીએથી બૂસ્ટ મળ્યું હતું
મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સના ઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટ સૌરભ જોષીએ જણાવ્યું હતું કે કોરોનાની પહેલી લહેરની તુલનાએ બીજી વેવમાં સેન્સેક્સમાં ગ્રોથ ઓછો રહ્યો છે. આનું સૌથી મોટું કારણ એ છે કે ગત વર્ષે માર્કેટમાં ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયું હતું અને આને લીધે રિટેઇલ તેમજ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ તરફથી મોટા પ્રમાણમાં રોકાણ આવ્યું હતું. પરિણામે, સેન્સેક્સમાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો. એની સામે આ વર્ષે બજારમાં કોઈ મોટો ઘટાડો નથી અને માર્કેટ ઉપર જ ચાલી રહ્યું છે. આ સાથે જ કોરોના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફેલાયો છે, જેથી GDPનો ગ્રોથ સિંગલ ડિજિટમાં રહેવાની ધારણા છે. એની અસર રૂપે બીજી લહેર દરમિયાન રોકાણકારો ખરીદીમાં ઓછો રસ બતાવી રહ્યા છે.

બીજી લહેરમાં ઇન્સ્ટિટ્યુશનલ રોકાણ ધીમું પડ્યું છે
લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટસ એન્ડ સ્ટોક બ્રોકિંગના ગુજરાત હેડ વિરલ મહેતાએ જણાવ્યું હતું કે માર્કેટ નીચું હોવાને કારણે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ(FII)ની સાથે સાથે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ફંડ (DII)નો પણ બહોળા પ્રમાણમાં રોકાણ આવ્યું હતું. એની સામે અત્યારે આ બંનેનો નેટ ઈન-ફ્લો ઓછો છે. 2020માં લાર્જકેપ કંપનીઓ સેન્સેક્સને ચલાવી રહી હતી એટલે એમાં ગ્રોથ વધુ રહ્યો હતો. અત્યારે સ્મોલ અને મિડકેપ કંપનીઓમાં ટ્રેડિંગ વધુ છે. સેન્સેક્સની મૂવમેન્ટમાં હેવીવેઈટ શેર્સ અથવા લાર્જકેપ શેર્સનો મહત્ત્વ પહેલેથી જ છે, એટલે જ અત્યારે મિડકેપમાં હલચલ વધુ હોવા છતાં એ સેન્સેક્સના ગ્રોથમાં રિફ્લેક્ટ નથી થતી.

બીજી લહેર વધુ ભયાનક હોવા છતાં માર્કેટમાં કરેક્શન ન આવ્યું
એંજલ બ્રોકિંગના ઇક્વિટી રિસર્ચના ડેપ્યુટી વાઇસ-પ્રેસિડેન્ટ જ્યોતિ રોયે કહ્યું હતું કે 2020માં દેશમાં કોરોનાની પહેલી લહેર આવી એ પૂર્વે જ બજાર 30% જેવું તૂટી ગયું હતું અને ત્યાર બાદ રેલી આવવી અપેક્ષિત હતી. એની તુલનામાં બીજી વેવ વધુ ભયાનક હોવા છતાં માર્કેટમાં કોઈ ખાસ કરેક્શન આવ્યું નથી. ગત વર્ષે રોકાણનો ફ્લો વધારે હતો. 2020માં US ફેડે મોટા પ્રમાણમાં કરન્સી પ્રિન્ટિંગ કરેલી એને કારણે વિદેશમાંથી ઇન્સ્ટિટ્યુશનલ રોકાણ ઘણું જ વધ્યું હતું. એની સામે આ વર્ષે આઉટફ્લો વધારે રહ્યો છે. બીજી લહેરમાંથી હવે આપણે રિકવર થઇ રહ્યા છીએ, એ જોતાં નજીકના દિવસોમાં મેજર કરેક્શન આવે એવી સંભાવના ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...