સાળંગપુરમાં દિવાળીના પર્વ નિમિત્તે આજે, એટલે કે કાળી ચૌદશના દિવસે કષ્ટભંજન દેવને ચાંદીના 1 લાખ 8 હજાર પ્લસ હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ વાઘાના એક્સક્લૂસિવ ફોટા અને વીડિયો દિવ્યભાસ્કર તમને બતાવી રહ્યું છે. હનુમાનજીને પહેરાવવામાં આવેલા આ વાઘાનું વજન 15 કિલો છે, સાથે જ શ્રીકષ્ટભંજનદેવના મુગટમાં 7000 અને કુંડળમાં 3000 હીરા લગાવવામાં આવ્યા છે. સાળંગપુર મંદિરને આ વાધા વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. આ સુવર્ણ વાઘાનું સંપૂર્ણ કાર્ય સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે.
હરિપ્રકાશદાસ સ્વામીના જણાવ્યા મુજબ, ‘કષ્ટભંજન દેવ હનુમાનજીના આ વાઘામાં ચાંદીની સાથે 1 લાખ 8 હજારથી વધુ ડાયમંડ લગાડવામાં આવ્યા છે. ભક્તોનો ભાવ હતો અને કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી તથા પૂજારી ડી.કે. સ્વામીને પણ દાદાને આ વાઘા અર્પણ કરવાનો ભાવ હતો. છેલ્લા એક વર્ષથી આ વાઘાનું કામ અમદાવાદ અને કોલકાતામાં ચાલતું હતું. આ વાઘા 10થી 15 વખત દાદા પાસે લાવવામાં આવ્યા, જેમાં નાના-મોટા ફેરફાર પણ કરવામાં આવ્યા હતા. એક વખત અડધા વાઘા બની ગયા પછી એને ભાંગીને ફરીથી નવા વાઘા બનાવાયા હતાં. આમ દાદાના ચાંદીના 1 લાખ 8 હજાર હીરાજડિત વાઘા તૈયાર થયા છે.’
આ વાઘા કેમ ખાસ છે?
આ વાઘા વિશેષ એટલા માટે છે કે એમાં 1 લાખ 8 હજારથી વધુ અમેરિકન ડાયમંડનો ઉપયોગ થયો છે. આ ઉપરાંત વાઘામાં 200 રિયલ ડાયમંડ, 100 ગ્રામ રોડિયમ, 200 માણેક અને 200 પન્નાનું જડતર છે. આ વાઘામાં 14 કિલો ચાંદીનો ઉપયોગ થયો છે. આ વાઘાનું કુલ વજન 15 કિલો છે.
વાઘામાં શું-શું છે? કેવું-કેવું વર્ક છે?
આ વાઘામાં મુગટ, કલગી, કુંડળ, ગળાબંધ, સુરવાલ, રજવાડી સેટ, મોજડી અને કંદોરો પણ સામેલ છે. આ મુગટમાં સાત હજાર અને મોજડીમાં 3 હજાર ડાયમંડ છે. આ વાઘામાં થ્રીડી વર્ક, બિકાનેરી મીણો, પેઈન્ટિંગ મીણો, ફિલિગ્રી વર્ક અને એન્ટિક વર્ક કરવામાં આવ્યું છે. વાઘાને આકર્ષક બનાવવા માટે મીણા કારીગરીથી 24 જેટલા મોર ડિઝાઈન કરવામાં આવ્યા છે. આકર્ષક ડિઝાઈન બનાવવા માટે વાઘામાં દસથી પંદર વખત ફેરફાર કરવામાં આવ્યો છે.
આ વાઘા કોણે બનાવ્યા છે?
આ વાઘા અમદાવાદના હરિકૃષ્ણ જ્વેલર્સના પ્રદીપભાઈ સોનીએ ડિઝાઈન કરીને બનાવ્યા છે. વાઘામાં જયપુરી રોડિયમ લગાડવાને કારણે આ વાઘા આજીવન એટલા જ ચમકતા રહેશે.
આ વાઘાની કુલ કિંમત રૂપિયા 31 લાખ જેટલી છે. આ વાઘા બનાવવા માટે 8 મુખ્ય ડિઝાઈનર અને કારીગરોએ લગભગ 1800 કલાક કામ કર્યું છે. ખરેખર આ વાઘામાં પ્રાચીન અને અર્વાચીન સુવર્ણ કળાનું કોમ્બિનેશન જોવા મળે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.