એક તરફ, જ્યાં રાજ્યની શાળામાં નવા સત્રની ફીને લઇને અસમંજસતા છે, એવામાં અમદાવાદ શહેરના શાળા-સંચાલકો તરફથી વાલીઓને મોટી રાહતના સમાચારા સામે આવ્યા છે. કોરોનાકાળમાં માતા કે પિતા ગુમાવેલા હોય તેવા વિદ્યાર્થીઓ માટે શાળા-સંચાલકો તરફથી બે વર્ષની શાળાની ફી માફીની જાહેરાત કરવામાં આવી છે, જે બાબતે મંડળ તરફથી શાળાઓને જાણ કરાવામાં આવશે
અનાથ બનેલાં બાળકોને ખાનગી શાળા-સંચાલકોનો 'સંગાથ'
ચાલુ વર્ષે શાળાઓમાં ફીનો મુદ્દો વધુ વેગ પકડે એ પહેલાં જ અમદાવાદના ખાનગી શાળા-સંચાલકોએ વિદ્યાર્થીઓના હિતમાં સૌથી મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ અભિયાન "સંગાથ' શરૂ કરવા જઇ રહ્યું છે, જેમાં તેમની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, જેમણે કોરોનાકાળમાં પોતાનાં માતા અથવા પિતા ગુમાવ્યાં છે, તેમની બે વર્ષ એટલે કે શૈક્ષણિક વર્ષ 2019-20 અને 2021ની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે, સાથે-સાથે આ પ્રકારના કિસ્સા ધરાવતા જે વિદ્યાર્થીએ ગત વર્ષ એટલે કે વર્ષ 2019-20ની ફી ભરી હશે એ પણ પરત કરવામાં આવશે. આગામી સમયમાં રાજ્ય શાળા સંચાલક મંડળ તરફથી રાજ્યભરમાં આ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
માતા-પિતાને કોવિડ થયો હોય, એ માસની ફી પણ માફ
ભૂતકાળમાં થયેલા અનુભવોના આધારે શાળા સંચાલક મંડળ જે વિદ્યાર્થીનાં માતા-પિતાને કોરોના થયો છે, એ મહિનાની ફીમાંથી પણ માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. હાલ સંચાલક મંડળ તરફથી શહેરની ખાનગી શાળામાં માતા-પિતા ગુમાવનારા વિદ્યાર્થીઓની માહિતી એકત્રિત કરાઇ રહી છે. વિદ્યાર્થીએ શાળામાં તેનાં માતા-પિતાના મૃત્યુનું ડેથ સર્ટિફિકેટ આધાર પુરાવા તરીકે દર્શાવશે તો તેને આ લાભ આપવામાં આવશે. આ બાબતે શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ હિતેશ પટેલનું કહેવું છે કે બાળકો એ શાળા પરિવારના સભ્ય છે, જેના માટે લાગણી છે.
અમદાવાદની તમામ ખાનગી શાળા નિર્ણય માટે થઈ એક
અમદાવાદની 550થી વધુ ખાનગી શાળાના વિદ્યાર્થીઓને આ લાભ થશે. શહેર શાળા સંચાલક મંડળ તરફથી અન્ય સંચાલકોને આ બાબતે જાણ કરવામાં આવશે. જોકે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ નિર્ણય બાબતે તમામ ખાનગી શાળા-સંચાલકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા છે અને તેમને સહમતિ દર્શાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, કારણ કે હાલ રાજ્યમાં મુખ્યત્વે ત્રણ શાળા સંચાલક મંડળ કાર્યરત છે, જેમાં શાળા સંચાલક મંડળ, શાળા સંચાલક મહામંડળ અને અમદાવાદ પ્રોગ્રેસિવ સ્કૂલ એસોસિયેશનનો શમાવેશ થાય છે.
સંચાલક નિર્ણય ન માને તો મંડળ અપાવશે અન્ય શાળામાં પ્રવેશ
ભૂતકાળમાં કેટલાક એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે જે વિદ્યાર્થીએ ફી ન ભરી હોય, તેવા વિદ્યાર્થીઓને એલ.સી. આપી દેવામાં આવે છે, કાં તો અન્ય રીતે પરેશાન કરવામાં આવે છે, જેથી અભિયાન સંગાથનો યોગ્ય અમલ થાય, એ માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે જો કોઇ શાળા-સંચાલક આ નિર્ણયને ન માને અને વિદ્યાર્થીને એલ.સી. પકડાવી દેશે, તો મંડળ તરફથી આવા વિદ્યાર્થીઓ કે જેમણે કુટુંબમાં માતા-પિતા ગુમાવ્યાં છે તેની આસપાસની શાળામાં તેમનો પ્રવેશ અપાવી ફી માફી અપાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.